નિસબત
ચંદુ મહેરિયા
આમ તો દુનિયાના પાંચ- પચીસ દેશો રશિયા, યુક્રેન, ઈઝરાયેલ,ગાઝા, અમેરિકા, ઈરાન, ઈરાક, લેબનોન, ખાડી દેશો, પાકિસ્તાન,અફઘાનિસ્તાન વચ્ચે જ સીધું યુધ્ધ ચાલે છે.પરંતુ તેની અસર એટલી વ્યાપક છે કે આખો વૈશ્વિક માહોલ યુધ્ધોન્માદી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોમાં, પશ્ચિમ એશિયાની સ્થિતિ ચિંતાજનક છે અને વર્તમાન સ્થિતિનો સામનો કરવા દેશવાસીઓએ કોવિડ મહામારીની જેમ તૈયાર રહેવું પડશે.
આ પ્રકારના વાતાવરણમાં કોઈ દેશ શાંતિના જાપ જપતાંજપતાં પણ પોતાની સરહદો સલામત રહે તે માટે વિચારતો જ રહે છે. મે-૨૦૨૫ના ઓપરેશન સિંદૂરના તાજા અનુભવ અને તે પૂર્વે ભારત- ચીન સરહદે અશાંતિ પછી ભારતના સંરક્ષણ બજેટમાં પંદર ટકાનો મોટો વધારો તેનું જ પરિણામ છે. ચીન અને પાકિસ્તાન જેવા વસમા પાડોશીઓ સાથે ભારતનો પનારો પડ્યો છે. અટલજી કહેતાં એમ આપણે ઈતિહાસ બદલી શકીએ છીએ પણ ભૂગોળ નહીં. એટલે રાષ્ટ્રીય સુરક્ષા માટે પૂરતી જોગવાઈ કરવી પડે છે. વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં સંરક્ષણ મંત્રાલય માટે રૂ. ૭.૮૫ લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જીડીપીના બે ટકા જેટલી આ જોગવાઈ સંરક્ષણ મંત્રાલયની ભૂતકાળના અનેક વરસો કરતાં તો તે ઘણી વધારે છે જ આ વરસે કેન્દ્રના તમામ મંત્રાલયોમાં સૌથી મોટી બજેટ જોગવાઈ પણ તે છે. શિક્ષણ, આરોગ્ય, પાણી, મૂળભૂળ સવલતોને બદલે ભાવિ યુધ્ધની તૈયારી માટે નાગરિકોના કરના નાણાં રોકવા પડે તે મોટી વિડંબના છે.
ભારતીય સૈન્યની શક્તિમાં વૃધ્ધિ કરવી, સંરક્ષણ ક્ષમતાને મજબૂત કરવી, સેનાનું આધુનિકીકરણ કરવું, સંરક્ષણ વિનિર્માણના ક્ષેત્રમાં રોજગારની તકો ઉભી કરવી, દેશને સ્વદેશી સંરક્ષણ ઉત્પાદકોનું વૈશ્વિક કેન્દ્ર, બનાવવો, સંરક્ષણ સાધનોની આયાત ઘટાડવી, પૂર્વ સૈનિકોના કલ્યાણ માટેના પગલાં લેવાં તથા સંરક્ષણ સંશોધન અને વિકાસના ઉદ્દેશ સાથે સંરક્ષણ મંત્રાલયના બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. અંદાજપત્રમાં આયાત પરની નિર્ભરતા ઘટે, સ્વદેશી રક્ષા ઉત્પાદનોની ખરીદી વધે અને સરવાળે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બની શકાય તે હેતુથી ઘરેલુ સંરક્ષણ ઉત્પાદનોની ખરીદી માટે જ રૂ. ૧.૩૯ લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
૨૦૨૬-૨૭ના ભારત સરકારના અંદાજપત્રમાં સંરક્ષણ મંત્રાલય માટેની જે બજેટ જોગવાઈ છે તેમાં ૨.૨ લાખ કરોડ મૂડીખર્ચ પેટે છે. રક્ષા મંત્રાલયના આ વરસના બજેટનો આ ૨૮ ટકા હિસ્સો છે. મૂડી ખર્ચ એટલે ઈમારતો, પુલો, હવાઈ પટ્ટી, સુરંગોનું નિર્માણ, નવી પેઢીના અને સેના માટે અનિવાર્ય એવા સંરક્ષણ સાધનોની ખરીદી કરવી, સબમરીન, માનવરહિત ડ્રોન, મિસાઈલ્સ, નૌસૈનિક પ્લેટફોર્મ્સ, ઉન્નત હથિયારો વગેરેની ખરીદી કરવી તથા તેના નિભાવ અને સાચવણી માટેનો ખર્ચ કરવો.
સામાન્ય વરસોના ડિફેન્સ બજેટમાં મોર્ડનાઈઝેશનના હેડે ૧૦ ટકા રકમની ફાળવણી થતી હતી.પરંતુ આ વરસના અંદાજપત્રમાં તેમાં વિક્રમી ૨૪ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ઓપરેશન સિંદૂર જેવી એર સ્ટ્રાઈક માટે લાંબા અંતરની મિસાઈલ્સ અને ડ્રોનની અનિવાર્યતા છે. નૌસેનાની સમુદ્રની અંદરની ક્ષમતા પણ વધારવાની જરૂર છે. પાકિસ્તાન સામેની એર સ્ટ્રાઈકમાં વપરાયેલા અને બરબાદ થયેલા વિમાનો અને બીજા સાધનોની ભરપાઈ પણ કરવાની છે. રાફેલ વિમાનોનો વધુ જથ્થો પણ ખરીદવાનો છે. સેનાના આધુનિકીકરણ માટેની બજેટ જોગવાઈનો પોણો ભાગ આત્મનિર્ભર ભારત હેઠળ દેશના અંદરના સરકારી અને ખાનગી ઉત્પાદકો પાસેથી ખરીદવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે.
યુધ્ધો અતિખર્ચાળ અને માનવ સંહારક હોય છે તે વાત હવે હોઈથી છાની નથી. ઈરાન સાથેના હાલના યુધ્ધમાં એકલા અમેરિકાના જ રોજના આશરે ૧૫ હજાર કરોડ રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. ભારતનું સંરક્ષણ બજેટ આ સદીના આંરભે( ૨૦૦૦-૨૦૦૧) લગભગ રૂ.૦.૫૯ લાખ કરોડનું હતું જે આજે રૂ. ૭.૮૫ લાખ કરોડનું થયું છે.એટલે કે તેમાં ૧૨૪૦ ટકાનો વધારો થયો છે. ૧૯૬૦ થી ૨૦૨૪માં ભારતનો સંરક્ષણ ખર્ચ જીડીપીના ૩ ટકા હતો. ભારત સાથે ચાર યુધ્ધ લડી ચૂકેલા પાકિસ્તાનનો ૫ ટકા અને જગતજમાદાર અમેરિકાનો લગભગ પાકિસ્તાન જેટલો ૫.૩ ટકા હતો. યુનાઈટેડ કિંગ્ડમ(યુ.કે) નો ૪ ટકા જ્યારે ચીનનો માત્ર ૧.૮ ટકા હતો. ૨૦૧૭માં ભારતનું સંરક્ષણ બજેટ ૬૮ અરબ ડોલર, ચીનનું ૫૬૨ અરબ ડોલર અને અમેરિકાનું ૬૪૭ અરબ ડોલર હતું.. આ આંકડાકીય હકીકતો યુધ્ધો કેટલાં મોંઘા હોય છે અને સંરક્ષણ જરૂરિયાતો પૂરી કરવામાં દેશના વિકાસ કામો માટે નાણાં બચતાં નથી તે દર્શાવે છે.

ભારત ચીન અને પાકિસ્તાન જેવા વસમા દેશોનો પાડોશ ધરાવે છે. વળી તેના લગભગ બધા જ પાડોશી દેશોમાં અશાંતિ અને હિંસા સતત જોવા મળે છે. ભારતનું સંરક્ષણ બજેટ ચીન કરતાં ઘણું ઓછું છે પરંતુ પાકિસ્તાન કરતાં ઘણું વધારે છે. તેનું કારણ યુધ્ધની સંભાવના અને સરહદોની સલામતી છે. ૨૦૨૫માં ચીનનું સંરક્ષણ બજેટ ૨૪૬ અરબ ડોલરનું હતું. તે સ્થિતિમાં ભારતે યુધ્ધ તત્પરતા અને તૈયારી માટે ખર્ચ કરવો પડે છે.
ડિફેન્સ સેક્રેટરીએ તાજેતરમાં સંરક્ષણ બાબતોની સંસદની સ્થાયી સમિતિ સમક્ષ એકરાર કર્યો છે કે તેમણે નાણાં મંત્રાલય સમક્ષ કેપિટલ બજેટમાં ૨૦ ટકાની વૃધ્ધિની માંગણી કરી હતી. પરંતુ તેમને તેથી પણ વધુ ૨૪ ટકાની વૃધ્ધિ મળી છે. પરંતુ વિશ્વમાં બદલાયેલા યુધ્ધોનાં સ્વરૂપો જોતાં સંસદીય સમિતિ સમક્ષ તેમણે દર વરસે રક્ષા બજેટમાં ૨૦ ટકાની વૃધ્ધિ જાળવી રાખવા ભલામણ કરવા વિનંતી કરી છે. તેમની માંગણી વાજબી જ હશે અને દુનિયામાં જે યુધ્ધોનો માહોલ છે તે સંદર્ભે કદાચ સરકારને પણ આવી વૃધ્ધિ કરવી જરૂરી લાગે. તેથી તેની અસર દેશના અન્ય વિકાસ કામો પર નહીં જ પડે તેમ કહી શકાતું નથી.
રાજ્યો અને કેન્દ્રના બજેટનો મોટો હિસ્સો કર્મચારીઓ-અધિકારીઓના પગાર અને પેન્શન માટે હોય છે. રક્ષા મંત્રાલય પણ તેમાંથી બાકાત નથી. પરંતુ ૨૦૨૨થી સેનામાં અગ્નિપથ યોજના અમલી બનતાં પગારનો ખર્ચ ઘટી રહ્યો છે. ૨૦૧૯-૨૦માં પગાર ખર્ચ ૩૦ ટકા હતો જે ૨૦૨૬-૨૭માં ૨૨.૪ ટકા થવાનો છે. પગાર ઘટાડાથી રાજી થતાં પૂર્વે વિચારવાનું એ રહે છે કે પગાર ઘટાડાની અસર સેનાની ક્ષમતા પર પડશે કે નહીં? બજેટ જોગવાઈમાં માતબર વધારાની કસોટી તેના કુશળતાપૂર્વકના અમલમાં રહેલી છે. આત્મનિર્ભર ભારત અને સ્વદેશીના ખ્યાલો ખોટા નથી પરંતુ સંરક્ષણ સાધનોની માંગ પ્રમાણે ઉત્પાદન થશે કે કેમ અને સમયમર્યાદામાં થશે કે કેમ તે પણ મોટો સવાલ છે.
વસુધૈવ કુટુંબ કમ અને યુધ્ધ નહીં બુધ્ધ સહીમાં માનનારી ભારત ભૂમિને તેની સરહદો સાચવવા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે કેટલો મોટો ખર્ચ કરવો પડે છે તેનો વિચાર અને ચર્ચા દુ:ખદ છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
