‘વાર્તાઃ અલકમલકની’ શ્રેણીમાં સુશ્રી રાજુલબેનની વેબ ગુર્જરી પર પ્રકાશિત થઈ રહેલી આ ૧૦૦મી અનુવાદિત વાર્તા છે.

આપણને સૌને અનેકવિધ લેખકોની વિધ વિધ વિષયોનો આસ્વાદ કરાવતા આવા અસ્ખલિત પ્રવાહમાં વહેતાં રાખવા બદલ વેબ ગુર્જરી સુશ્રી રાજુલબેનનો હાર્દિક આભાર માને છે.

સંપાદક મડળ – વેબ ગુર્જરી


વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

પુરાતત્વ વિભાગમાં ખળભળાટ ફેલાયો હતો.

કોઈ પ્રાચીન પ્રતિમાઓની ચોરી કરે એ સમજાય, ચોરી કરીને વેચી દે એ સમજાય, પણ આ તો અનહદ કૌતુકની એવી વાત બની હતી જે સાવ નિયમ બહારની ઘટના હતી. કાયદો હાથમાં લેનાર અન્ય કોઈ નહીં, પણ વર્ષોથી મ્યૂઝિયમની સાચવણી માટે નિયુક્ત કરેલ રામસિંહ હતો.

પુરાતત્વ ખાતાના અધિકારી કશ્યપજી તાબડતોબ ભોપાલથી સાંચી પહોંચ્યા. સાંચીના મ્યૂઝિયમમાં ખાતાના અન્ય અધિકારીઓની સાથે રામસિંહ હાજર હતો.

કશ્યપજીએ જોયું કે, મ્યૂઝિયમમાં મૂકેલી પ્રાચીન પ્રતિમાઓનું સમારકામ કરવામાં આવ્યું હતું.

“આવી બેહૂદી અને ગેરકાનૂની હરકત કોણે કરી છે?”

ક્રોધાવેશમાં ઊંચો થયેલા કશ્યપજીના અવાજથી જાણે એ ઓરડાની દીવાલો સુદ્ધાં ખળભળી ઊઠી. હાજર સૌ અધિકારીઓની નજર રામસિંહ તરફ હતી.

“રામસિંહ, આ મ્યૂઝિયમની જવાબદારી તમારા માથે હતી. વીસ વીસ વર્ષથી તમે આ જવાબદારી ખૂબ ચોકસાઈથી સંભાળી છે. આજ સુધી પ્રતિષ્ઠિત કહી શકાય એવી તમારી કારકિર્દી હતી. હવે રહી રહીને નિવૃત્ત થવાના સમયે આવી હરકત…?

“જાણો છો, તમારા આ કૃત્યથી મંત્રીથી માંડીને પ્રેસને મારે જવાબ આપવો પડશે?

“અત્યારે ને અત્યારે આ ઓરડો સીલ કરીને મારી ઑફિસમાં આવો.” કહીને કશ્યપજી લાંબી લાંબી ડાંફો ભરતા ઑફિસ તરફ ચાલવા માંડ્યા.

વાત એમની સાચી હતી. રામસિંહના પિતાજી અહીં કામ કરતા હતા ત્યારથી એ રામસિંહને ઓળખતા હતા. શૈશવકાળમાં એ રામસિંહ સાથે સાંચીના પત્થરો અને સ્તૂપની વચ્ચે ફરતા ત્યારે રામસિંહ કશ્યપજીને કહેતા, “બાબુજી, આ પત્થરો આપણને કંઈક કહે છે.”

“પત્થરો બોલે છે એવું કહેનાર તો તું પહેલો નીકળ્યો.” કશ્યપજી હસી પડતા.

અને પછી બંને વચ્ચે ચર્ચા થતી.

રામસિંહનું માનવું હતું કે પશુ-પંખીની જેમ પત્થરોની ભાષા હોય. કશ્યપજી એને પત્થરનું વિજ્ઞાન સમજાવતા. પણ, લાગણી અને બુદ્ધિ, દિલ અને દિમાગ વચ્ચે ક્યારેય મેળ નહોતો બેસતો. કશ્યપજીની તાર્કિક વાત સાથે રામસિંહની લાગણીઓને કોઈ લેવાદેવા નહોતી. ક્યારેક કશ્યપજીને  સવાલ થતો કે, રામસિંહ પત્થરોની ભાષા જાણતો કે સમજતો હશે !

સમય જતા પુરાતત્વ અને ઇતિહાસનો અભ્યાસ કરીને કશ્યપજીએ દેશ-વિદેશ ફરીને પુરાતત્વ પર સંશોધન આદર્યું જેનાં લીધે એમને નામ અને દામ બંને મળ્યાં. ત્યારબાદ દેશમાં પાછા આવીને ભોપાલ ખાતે પુરાતત્વ ખાતામાં અધિકારીની પદવીએ જોડાયા ત્યારે રામસિંહે સાંચીના મ્યૂઝિયમમાં નોકરી લઈ લીધી હતી.

થોડા સમય પછી કશ્યપજીને જાણ થઈ કે, અકસ્માતમાં રામસિંહે એક પગ અને એક આંખ ગુમાવી છે.

*******

ભોપાલથી સાંચી પહોંચતા સુધીમાં કશ્યપજીના મનમાં ભૂતકાળ સજીવ થઈ ગયો. એમને રામસિંહ પ્રત્યે પૂરેપૂરી સહાનુભૂતિ હતી, પણ એક અધિકારી તરીકે જે કાનૂની પગલાં લેવા પડે એમાં કોઈ બાંધછોડ એ કરી શકે એમ નહોતા.

“રામસિંહ, તમે જાણો છો કે પુરાતત્વીય જણસો સાથે ચેડાં કરવા એ ગુનો છે છતાં આવું કરવા પાછળનું કારણ?”

“સાહેબ, મને આવું કરવા માટે આ પ્રતિમાઓએ કહ્યું હતું.” કાખઘોડીની ટેકે ઊભેલા રામસિંહના અવાજમાં ડર નહીં સ્વસ્થતા હતી.

ત્યારબાદ રામસિંહે જે વાત કરી એ કલ્પનાતીત હતી.

રામસિંહના કહેવા મુજબ સરકારી શાળામાં મેટ્રિક સુધી અભ્યાસ કરીને અહીં નોકરી લીધી ત્યારથી એ અહીં જ રહે છે. ક્યારેક રાતની ડ્યૂટી પર હોય ત્યારે એમણે પત્થરોને એકમેક સાથે વાત કરતા હોય એવું એમણે સાંભળ્યું છે.

પ્રતિમાઓની વાતોમાં કેટલી ઉદાસી હતી, કેટલી પીડા હતી એ સમજવા દિલ જોઈએ. કેટલીક પ્રતિમાઓને હાથ નહોતા. કેટલીકને પગ, કેટલીકને આંખ, કોઈ પ્રતિમાને કાન તો કોઈને નાક નહોતા. વળી કોઈ પ્રતિમાને માત્ર ધડ જ હતું. આ બધી ખંડિત પ્રતિમાઓને અખંડ સ્વરૂપ જોઈતું હતું.

એક મા પાસે ચૂલો હતો પણ બાળક માટે રાંધવા આખું વાસણ નહોતું. કોઈ બાળક પાસે રમવા માટે સરખું રમકડું નહોતું. ખેડૂતનું હળ તૂટી ગયેલું હતું. રાજાનો રાજદંડ તો સૈનિકના શસ્ત્રો. એક નર્તકીની પ્રતિમાને પગ નહોતો. તો વળી કલાકાર પાસે પડેલું વાદ્ય તૂટેલું હતું.

રામસિંહે એમને અખંડ રૂપ આપવાનું નક્કી કર્યું. એના માટે તક પણ મળી ગઈ. એક દિવસ જ્યારે સીસીટીવી કેમેરા બગડી ગયો એ રાત્રે એક પછી એક પ્રતિમાના ઘા પર જાણે મલમ લગાડવાનું શરૂ કર્યું. બાળક્ પાસે નવું રમકડું મૂકી દીધું. તૂટેલી હાંડીની જગ્યાએ નવું વાસણ મૂક્યું. રાજાને રાજદંડ, સૈનિકોને શસ્ત્રો, ખેડૂતને હળ આપ્યું. સ્ટોન સીલર અને પ્લાસ્ટર ઓફ પેરિસથી આંખ, કાન, નાકથી માંડીને ધડ પર માથું સુદ્ધાં મૂકી દીધું.

રામસિંહની વાત સાંભળીને કશ્યપજીનું દિમાગ ચક્કર ખાઈ ગયું.

“તમે જાણો છો, રોજે આ પ્રતિમાઓની સંખ્યા ગણતરી કરવામાં આવે છે એટલું જ નહીં એની તસવીરો પણ લેવામાં આવે છે? પ્રતિમાઓમાં સહેજ પણ તફાવત દેખાય તો એની નોંધ લેવાય છે અને તમે એને નવા ઘાટ આપવા માંડ્યાં?

“કશું ખોટું હોય એ સુધારવું. જેની પાસે જે નથી એ આપવું એને ગુનો કહેવાય? પગ અને આંખ નથી તો એની પીડા શું છે એ હું જાણું છું, સાહેબ.” રામસિંહે ધીમા અવાજે જવાબ આપ્યો..

“અહીં તો ખંડિત જ પ્રતિમાઓની કિંમત છે. આ તૂટેલા હાથ-પગ, ફૂટેલી આંખની કિંમત છે.” કશ્યપજીના દિમાગનો પારો ઊંચો ચઢવા માંડ્યો.

“મારે પણ એક પગ અને એક આંખ નથી, તો મારીયે કોઈ કિંમત હોવી જોઈએ ને? પણ, જાણું છું નથી સાહેબ. મારી કો..ઈ કિંમત નથી.”

કશ્યપજી ઘા ખાઈ ગયા.

“તમે પ્રતિમા છો?”

“ના, સાહેબ, પણ હવે ખબર પડી કે જીવતા માણસ કરતાં ખંડિત પ્રતિમાઓ વધુ કિંમતી છે. અમારે રહેવા ઘર નથી અને આ પ્રતિમાઓ માટે મોટા, એરકંડિશન ઓરડાઓ….” એમનો અવાજ ભરાઈ આવ્યો.

*******

કશ્યપજીને આજે સમજાતું હતું કે, જીવનભર પત્થરોની પ્રતિમા પર સંશોધન કરીને એ ખુદ પત્થરની જેમ સંવેદનશૂન્ય બની ગયા હતા. સંશોધન કર્યું, પણ સંવેદના પારખવામાં ઊણા ઉતર્યા જ્યારે રામસિંહે સાચા અર્થમાં પત્થરોની પ્રતિમાની જાળવણી કરી હતી.

કેવી છે આ નિષ્ઠુર દુનિયા જ્યાં પત્થરોની પ્રતિમાને લઈને આટલો હોબાળો મચ્યો અને ગરીબ માનવીની હત્યાનો ઉલ્લેખ માંડ થાય છે. ખંડિત પત્થરની પ્રતિમાને સરકાર સાચવવા અઢળક નાણાં ખર્ચે છે, પણ ગરીબ માણસના ક્ષતવિક્ષિત દેહની નોંધ સુદ્ધાં નથી લેવાતી.

કશ્યપજી વગદાર અધિકારી હતા. એમના હોદ્દાનો ઉપયોગ કરીને રામસિંહને મોટી સજામાંથી બચાવી લીધા. નિવૃત્તિના બે મહિના પહેલાં જ રામસિંહને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા.

નિર્ણય લેવાયા બાદ કશ્યપજી ઑફિસમાંથી બહાર નીકળ્યા ત્યારે રામસિંહ સામે ઊભા હતા. ખીસ્સામાંથી બે મહિનાના પગાર જેટલા રૂપિયા કાઢીને કશ્યપજીએ રામસિંહને આપ્યા.

“તમારા માટે હોટલમાં ચોકીદારની નોકરીનું કહી દીધું છે. કાલથી કામે ચઢી જજો.” કહીને કશ્યપજી રામસિંહને ભેટી પડ્યા એ ક્ષણે એમને લાગ્યું કે, આજે એમણે એક જીવંત ખંડિત પ્રતિમાના ઘા પર મલમ લગાડીને એને શાતા આપી છે.


ગરિમા સંજય દુબે લિખિત વાર્તા


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.