ટેનેસી રાજ્યમાં ઘરમાં જ ગણિત જેવા અઘરા વિષયના વર્ગો ચલાવતાં રેખા સિંધલ ૧૯૮૯માં અમેરિકા આવ્યાં તે પહેલાં વેરાવળ(સોમનાથ)ની માધ્યમિક શાળામાં ગણિત-વિજ્ઞાનનાં શિક્ષિકા તરીકે કાર્ય કરતાં હતાં. સ્ત્રી કેળવણી જ્યારે નહિવત્ હતી તે સમયમાં શિક્ષણ દ્વારા જાગૃતિને પ્રાધાન્ય આપીને શૈક્ષણિક રીતે પછાત એવા રબારી સમાજમાં નવી કેડી કંડારી હતી. માઈક્રોબાયોલોજીમાં સ્નાતક થઈ શિક્ષકા તરીકેની તાલિમ લીધા પછી અમેરીકામાં રહી વર્ષો બાદ એમણે ગુજરાતી વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી.

તેમનો જન્મ ૧૯૫૬માં વેરાવળમાં થયો હતો. છાપાં અને રેડિયો પર તેમની કૃતિઓ તેઓ ભારતમાં હતાં ત્યારે પણ પ્રગટ થતી રહેતી. અમેરિકા આવ્યા પછી આ પ્રવૃતિને વેગ મળ્યો. હરિફાઈઓમાં ક્યારેક વિજેતા થતી તેમની કૃતિઓ થકી લેખિકા તરીકેની ઓળખ જળવાઈ રહેતી.

દરિયાપારનાં સાહિત્ય સર્જનમાં એમને વિશેષ રસ છે. વર્ષોના વાંચનની ફલશ્રુતિરૂપે તેઓ દ્વિદેશી સાહિત્યના રસજ્ઞ અને મર્મજ્ઞ સિદ્ધ થયા છે. કવિ સંમેલનો, નાટકો, એકપાત્રીય અભિનય જેવા અનેકવિધ કાર્યક્રમોના આયોજક તરીકે તેઓનું નામ જાણીતું છે.

સાહિત્યક્ષેત્રે તેઓ નિવૃતિકાળમાં પણ સક્રિય છે. તેમનું વધુ પ્રદાન સામાજિક સંસ્થાઓમાં સેવા તથા બાળકોને ગણિત દ્વારા આત્મવિશ્વાસ કેળવવા ક્ષેત્રે રહ્યું છે. ઘમ્મર વલોણાથી માખણ ઉતારવાથી માંડીને રીસર્ચ લેબમાં DNA Cloning સુધીના કાર્યો કરતાં કરતાં પૂર્વીય ગ્રામ્ય સંસ્કૃતિથી શરૂ કરી પશ્ચિમી શહેરી સંસ્કૃતિ સુધીની જીવનસફર તેમણે ખેડી છે. એટલું જ નહિ, વાંચન-લેખનનો રસ સતત જાળવી રાખી વિવિધ રીતે સાહિત્યના ક્ષેત્રમાં સક્રિય રહ્યાં છે.

એમના બ્લોગનું એડ્રેસ www.axaypatra.wordpress.com છે.

Email: rekhasindhal@gmail.com


અમેરીકામાં પ્રવેશ અને સંઘર્ષ

બોસ્ટનના લોગન એરપોર્ટ પર ૧૩મી મે ૧૯૮૯ના રોજ ઈમીગ્રેશનની લાંબી લાઈનમાં પતિ અને ત્રણ દીકરીઓ સાથે હું ઊભી હતી. ચારેબાજુની ખુશનુમા ચહલપહલ નિહાળીને મારાં ચહેરા પર આપોઆપ પ્રસન્નતાની એક ઝલક ઊભરી આવી હતી. વિમાનની યાત્રાનો આ મારો પ્રથમ અનુભવ હતો. એ પણ ખૂબ લાંબી અને દરિયાપારની! ઘડિયાળના કાંટા સમયનો ફેરફાર દર્શાવતા હતા. લગભગ બાવીસ કલાકની આ મુસાફરીમાં મોટી રાહત એ હતી કે મારી બહેનનો પરિવાર અમારી સાથે હતો અથવા કહો કે અમે એમની સાથે હતાં. તેઓ બોસ્ટનમાં બે વર્ષ રહી ચૂક્યાં હતાં આથી એમને આસપાસના માહોલની કોઈ નવાઈ ન હતી. ઊડીને આંખે વળગતી સ્વચ્છતા અને ઘોંઘાટ વગરની શિસ્તબદ્ધ મેદનીને હું વિસ્મયથી નિહાળી રહી. આજુબાજુના લોકોના સ્મિત રેલાવતા ચહેરાઓમાં મારાં એટલે કે એક પરદેશીના સ્વીકારની ભાવનાનું પ્રતિબંબ પડતું હોય એવું અનુભવાયું. પાસપોર્ટ પર પ્રવેશની મંજૂરીનો સિક્કો મારનાર અફસરના સ્મિતથી આ ભાવના દ્રઢ થઈ. એ સમયે મને લાગ્યું કે સ્મિત આપવામાં આપણે ભારતીયો ઘણા કંજૂસ છીએ. આ કારણે થોડી નાનપ પણ અનુભવી. એટલામાં એક બાળક એની માતાનો હાથ પકડીને મારાં કપાળ તરફ આંગળી ચીંધવા લાગ્યો જ્યાં મેં લાલ ચાંદલો કર્યો હતો. સ્લીવલેસ ટોપ અને સ્કર્ટ પહેરેલી એ માતાની નજર મારી સાડીના રંગો પર પણ ફરી વળી. એક આખી સંસ્કૃતિને સાડીના પાલવમાં વીંટીને હું મારી સાથે લાવી હતી.

આ સમયે મારી ઊંમર ૩૨ વર્ષની હતી. બે ટીનએજર જોડિયા દીકરીઓ અને ત્રીજી સૌથી નાની દીકરી ત્રણ વર્ષની હતી. મારાં પતિ પ્રતાપને દેશમાં ટેલીફોન ઓપરેટરની નોકરી હતી. હું માધ્યમિક સ્કૂલમાં ગણિત-વિજ્ઞાનની શિક્ષિકા હતી. મારાં મોટાં બહેને અમારાં માટે ગ્રીનકાર્ડની અરજી કરેલ તેથી અમે આવી શક્યાં હતાં.

અમને લેવા એરપોર્ટ પર મારાં મોટાભાઈ, તેની પત્ની જે મારાં પતિની સગીબહેન થાય તે અને તેમનો પુત્ર આવ્યાં હતાં. એમની કારમાં બેસી અમે દરિયાની ખાડી નીચેથી પસાર થતા લાંબા ભૂગર્ભમાર્ગની બહાર નીકળ્યાં. ઘોંઘાટ વગરનાં અનેક વાહનોનો અસ્ખલિત પ્રવાહ પહોળા રસ્તાઓ પર વહેતો હતો. બંને બાજુએ ઊંચા વૃક્ષોની હારમાળા ઊભી હતી પણ દૂર સુધી ક્યાંય કોઈ માનવસંચાર નહીં. આ દ્રશ્ય પણ કલ્પનાતીત હતું. અમેરીકાની ભૂમિના સેવેલા સ્વપ્નોમાં આ વાસ્તવનો ક્યાંય અણસાર ન હતો. અહીંના જાહેર રસ્તાઓ ખૂબ સ્વચ્છ હતા. અહીં આવતાં પહેલાં અમેરીકા વિષે ઘણું સાંભળેલું એ થકી બંધાયેલા ખોટા ખ્યાલો અચરજમાં પલટાઈને નવી દુનિયાનો પરિચય આપતા હતા.

ભાઈના ઘરે પહોંચીને અમે બેગો ઉતારતાં હતાં ત્યારે સૂર્ય પશ્ચિમ ભણી ગતિ કરી રહ્યો હતો. ફક્ત ૪૦ ડોલરની મૂડી લઈ અમે અહીં પ્રવેશ્યાં હતાં પણ સહોદરના સ્મિતભર્યા મધુર આવકારને કારણે નચિંત હતાં. ભાઈના હુંફાળા ઘરમાં સ્નાન અને ભોજન બાદ પથારીમાં આડાં પડ્યાં ત્યારે ખબર ન હતી કે આજનાં આ બધાં જ સુખદ આશ્ચર્યોને સ્થાને એક મોટો દુઃખદ આંચકો બીજે દિવસે અમને હચમચાવી મૂકવાનો હતો.

બીજે દિવસે રવિવાર હતો. સવારના પહોરમાં પડોશીઓને ખલેલ ન પડે તે ધ્યાન રાખવા ભાઈએ ખૂબ ધીમા અવાજે વારંવાર કહ્યું પણ વર્ષોની આદત એકદમ તો કેમ છૂટે? ચાર બાળકો અને ચાર મોટાં થઈ અમે આઠ જણાં બે બેડરૂમના એપાર્ટમેંટમાં વિસ્મય અને આનંદથી આંખો ચોળતા કલબલાટ કરતાં હતાં. નળની ચકલી એકબાજુ ફેરવીએ તો ગરમ પાણી અને બીજી બાજુ ફેરવીએ તો ઠડું પાણી આવે જેવી સાદી વાત પણ એ સમયે તો નવાઈ પમાડતી હતી. દસ બેગોમાં અમે મગ, તુવેર, મસાલા, લોટ અને કપડાં વિગેરે ભરીને લાવ્યાં હતાં. અને બીજો કેટલોય સામાન હૈયાના ખૂણાઓમાં ભરીને લાવ્યા હતા. વાતોમાં અને સામાન ગોઠવવામાં સાંજ પડી ગઈ. સાંજે જમીને નિરાંતે બેઠા હતા ત્યારે અમને જાણ થઈ કે ઊજળા ભવિષ્યની આશાએ જે ઘરની છત નીચે અમે આશરો લીધો છે તે ઘર તૂટી રહ્યું છે. ભાઈ-ભાભીના છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલે છે. આ અણધાર્યા સમાચારે અમને વિહવળ કરી મૂક્યા.

આ છૂટાછેડાથી મારાં પિયર અને સાસરા વચ્ચેના સંબંધો તૂટી રહ્યા હતા. બંને પક્ષના વડીલોના આધિપત્ય નીચે દેશમાં છૂટાછેડા શક્ય ન હતા. સંયુક્ત કુંટુંબમાંથી વિભક્ત થવાથી અમેરીકામાં એમનો મેળ વધશે એવી ધારણા ખોટી પડી હતી. વાત કોર્ટ સુધી પહોંચી હતી તે ખબર હોત તો અમે કદાચ અમેરીકા આવ્યાં જ ન હોત. એટલુ સારૂં હતું કે છૂટેછેડા સુધી વાત પહોંચી હોવા છતાં બંનેને એકબીજા પ્રત્યે દુર્ભાવ ન હતો. લગ્ન એમના માટે પરાણે પ્રીતનું બંધન હતું એટલે છૂટાછેટા એ બંને માટે મુક્તિ હતી.

કોર્ટે મારાં ભાઈને એપાર્ટમેંટ છોડવાનો આદેશ આપ્યો. ભાઈ ન્યૂયોર્ક એના મિત્ર પાસે જવાના હતા. ભાભી-નણંદનો સામસામો સંબંધ હોવાને કારણે અમે પ્રતાપની બહેન સાથે રહી શકીશું તેવી આશા હતી. પ્રતાપની બહેનના કહેવાથી કોર્ટ અમને પણ એપાર્ટમેંટ છોડવાનો આદેશ આપ્યો તેનું અમને ખુબ આશ્ચર્ય થયું. પ્રતાપે પરદેશમાં નાનીબેનને એકલી મૂકી દીધી તેવી અફવા દેશના અમારાં સમાજ અને કુંટુંબમાં ફેલાઈ ગઈ જ્યારે અહીં પરિસ્થિતિ વિપરીત હતી. અમારે ક્યાં જવું તે વિકરાળ પ્રશ્ન ઓચિંતો જ સામે આવ્યો હતો. હું વિહવળ થઈ ગઈ. અમેરીકા આવતા જ બહારની દુનિયા તો બદલાઈ પણ ભીતરની દુનિયા પણ કોર્ટના નિર્ણયથી અચાનક જ બદલાઈ ગઈ. નવી દુનિયામાં ગોઠવાયા પહેલાં જ જૂની દુનિયામાંથી ફેંકાઈ ગયા.

જે દિવસે અમે કોર્ટની નોટિસ વાંચી તે સાંજે અમે પતિ-પત્ની નજીકમાં આવેલ એક શોપીંગ સેંટરને ખૂણે હાથમાં હાથ ભીડી ક્યાંય સુધી વેદના ઠાલવતાં ઊભાં રહ્યાં. હવે શું થશે? વિચારતા આંખમાં ઝળઝળિયાં આવી જાય. અમે ક્યાં જઈને રહેશું? એ ચિંતા સાથે ઘરમાં પાછાં આવ્યાં. આ છૂટાછેડાને કારણે હું પિયર અને સાસરા એમ બંને કુંટુંબમાંથી વિખૂટા પડી ગયાની સ્થિતિ અનુભવતી હતી.

દેશ પાછાં જવા માટે ટિકિટના પૈસા ન હતા. મારૂં સાસરૂં અને પિયર બંને શ્રીમંત હોવા છતાં અહીં આવવા માટે અમારે સોનાના દાગીના બેંકમાં ગીરવે મૂકી લોન લેવી પડી હતી. બે વેવાઈઓની સામસામે દીકરીની લેવડદેવડના સંબંધમાં મારી નણંદ અને મારાં ભાઈ વચ્ચેના અણબનાવને કારણે સાસરીમાંથી મને અને મારાં પતિને જાકારો મળ્યો હતો અને પિયરની મહેમાન થઈ હું અમેરીકા આવી હતી. ભૂંસાયેલી ઓળખ, નિષ્ફળતા અને હજારો રૂપિયાના કરજ સાથે દેશમાં પાછાં ફરવા કરતાં મરી જવું સારૂં એવો એક તરંગ પણ મનમાંથી પસાર થઈ ગયો હતો.

ક્ષણાર્ધ માટે મનમાં પ્રવેશેલા આ આત્મઘાતી વિચાર માટે આજે મને શરમ ઉપજે છે. સામે સિંહ આવે તો ય ગભરાટ ન થાય તે રીતે ગીરના જંગલમાં હું ઊછરી છું. આ જંગલમાં સૌ પ્રથમ મારાં બાપુજીએ વાવેલો કેસર કેરીનો બગીચો અમારૂં વેકેશન હોમ હતું. આ આંબાના બગીચામાં પ્રવેશતા પહોળા રસ્તાની ધારે ધારે બંને બાજુ લગભગ વીસ જેટલાં નાળિયેરીનાં વૃક્ષોની હારમાળા અને વચ્ચે ગુલાબના છોડ જોવા મળે. ઘરના ખૂલ્લા પ્રાંગણમાં ગુલાબ અને મોગરા સાથે બીજા કેટલાંક ફૂલોના ક્યારાઓ હતા. ફૂલોને છોડથી અલગ કરવાનું મન ન થાય એવા શોભતા હોય. આ વિશાળ વાડીના આંબાની ડાળ સાથે રમતાં રમતાં મેં ઘણા પુસ્તકો વાંચ્યાં છે. ચારે ય દિશામાં દૂર સુધી આંબાના ઝાડ સિવાય કંઈ ન દેખાય. આજુબાજુ ટહૂકતા મોરની કળા જોવાની નવાઈ નહીં. કોયલના ટહુકા હજુ ય મનમાં પડઘાય છે. જંગલી પ્રાણી કઈ બાજુથી ક્યારે આવે તે નક્કી નહીં તેથી ડર વગર સતર્ક રહેવાની ટેવ નાનપણથી પડી હતી. ગીરનારના પર્વતો અહીંથી બહુ દૂર નહીં. જન્મસ્થળ વેરાવળમાં અરબી સમુદ્ર નજીક પણ એક વિશાળ બંગલો હતો. સ્કૂલ ચાલુ હોય ત્યારે ત્યાં રહેવાનું. ઘરની અગાશીમાંથી દરિયાના ઊછળતા મોજાં જોઈ શકાય. રેતીમાં રમતાં રમતાં આ મોજાઓની ખારાશને પીધી છે. તે સમયે કલ્પના પણ ન હતી કે દરિયાપારની સ્વર્ગ જેવી આ અજાણ ભૂમિ પર એક દિવસ હું ગીરના જંગલને ઝંખીશ.

મારાં ભાઈએ અમારાં માટે એપાર્ટમેંટ ભાડે રાખ્યું. બીજે મહિનેથી અમે ત્યાં રહેવાં ગયાં. કર્જનો આંકડો વધતો જતો હતો અને નોકરીની આશા ઘટતી જતી હતી. એક રવિવારની સવારે ભાઈ મને નજીકની એક સ્કૂલના મેદાનમાં લઈ ગયા. “લે ગાડી ચલાવ અહીં ડ્રાઈવરની સીટ પર આવી જા.” એટલું કહી દરવાજો ખોલી ઊતરી ગયા અને મારાં ઊતરવાની શાંતિથી રાહ જોવા લાગ્યા.

“અરે પણ મને…” મારાં આ વાક્યને વચ્ચેથી કાપીને કહે,” તું જો તો ખરી, કાંઈ અઘરૂં નથી. હું છું ને તારી બાજુમાં” ભાઈએ મને હિંમત આપી.

ગભરાતાં ગભરાતાં મેં સીટ બદલી સ્ટિયરીંગ વ્હીલ પર હાથ મૂક્યો. શરીરમાંથી ધ્રૂજારી પસાર થઈ ગઈ. પેડલ દબાવતા પગે પાણી ઉતર્યું. સ્પીડ વધે એટલે ડર વધે અને જોરથી બ્રેક પર પગ મૂકાઈ  જાય. એકાદ કલાકની પ્રેક્ટીસ પછી અમે ઘરે પહોંચ્યાં ત્યારે આતુરતાથી મારી રાહ જોવાતી હતી. એ સમયે હજુ સેલ ફોનનું ખાસ ચલણ ખાસ નહોતું.

પતિની આંખમાં પ્રશ્નો, દીકરીઓની આંખોમાં કૂતુહલ અને મારી આંખોમાં આશા અંજાયેલી હતી. નાની દીકરી દોડીને મને વળગી પડી. પરિવાર પ્રત્યેના ભરપૂર પ્રેમના ઉછાળાએ મને ભીંજવી દીધી. ભારત પાછાં જવાના વિચારને ધકેલી મક્કમતાથી મેં પાછળનો દરવાજો બંધ કર્યો. જીવનની ગાડી હંકારવાની હિમંત મને આ પહેલાં લેશનમાં મળી ગઈ.

સંજોગોનો સ્વીકાર કરવાનું તો ફરજીયાત હતું પણ હાર સ્વીકારવાનું નહીં. “ડગલું ભર્યુ કે ના હઠવું” કવિ નર્મદની આ પંક્તિ મનમાં અંકિત હતી.

પ્રથમ અમારે આર્થિક સ્વાતંત્ર્ય માટે તક શોધવાની હતી. જોબ માટે કેટલીય જગ્યાએ એપ્લાય કરીએ. કોઈક ઈંટરવ્યુ માટે બોલાવે તો ખુશ થઈ જઈએ. ઈંટરવ્યુમાં શું પૂછે છે તે સમજ્યા વગર ‘યસ’ અને ‘નો’ કહીને ઉદાસ ચહેરે ઘરે પાછાં આવીએ. ભાષાના અજ્ઞાને મુશ્કેલીમાં ઊમેરો કર્યો. નોકરી મેળવવાનું તો મુશ્કેલ હતું જ પણ દેશમાં પાછાં જવું  એથી ય વધારે મુશ્કેલ હતું. કેટલાય પ્રયત્નો પછી ડીપાર્ટમેંટલ સ્ટોર્સમાં નોકરી મળી. ‘રસેલ’માં ફૂલટાઈમ અને ‘બ્રેડલીઝ’માં પાર્ટટાઈમ એમ બે જોબ મળી. પ્રતાપને લાકડાના બોક્ષ બનાવતી એક કંપનીમાં ઓવરટાઈમવાળી જોબ મળી ગઈ. ભાષાનો પ્રશ્ન ધીરે ધીરે હલ થતો રહ્યો.

જોબ મળી પણ દીકરીઓનો પ્રશ્ન મોઢું ફાડીને સામે જ ઊભો હતો. ડે કેરનો ખર્ચ પોસાય તેમ ન હતો.  હું જોબ પર હોઉં ત્યારે દીકરીઓનું બેબીસીટીંગ મારી નાની બહેન કરતી પણ અમારી સમસ્યાનો આ કાયમી ઉકેલ ન હતો. હું અને પ્રતાપ સવારના છ વાગ્યે ઘરેથી નીકળીને રાતે ૯ વાગ્યે પાછાં આવીએ. સવારે જોબ પર જતી વખતે મારી સૌથી નાની દીકરી મને વળગીને એટલી રડે કે હું પણ રડી પડું. રાત્રે ઊંઘમાં પણ એના ડૂસકાં સંભળાય. અમે સ્વાવલંબી થઈ શકીશું કે કેમ? નવા જીવનની શરૂઆત અઘરી જ હોય પણ આટલું અઘરૂં પડશે તે ધાર્યું ન હતું.

થોડા સમય પછી એક મેડિકલ લેબોરેટરીમાં વધારે આવકવાળી રાતની નોકરી મળી. આવક વધી અને દીકરીઓને સાચવવાનો પ્રશ્ન હલ થયો પણ અરણ્યમાં કેડી કંડારવા જેવા વિદેશના વસવાટ દરમ્યાન હજુ તો અમારે ઘણી મુશ્કેલીઓ વેઠવાની હતી. એકતાએ એકવખત ઘરલેશનમાં સ્કૂલમાં એમને પડતી મુશ્કેલીઓ વિષે લખ્યું હતું તે વાંચીને તેની શિક્ષક રડી પડી તે જાણ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે બાળકોને પણ સ્કૂલમાં ઘણી મુશ્કેલીઓ હતી. આ નવા પ્રદેશના અજાણ્યા અને અણસમજુ બાળકો વચ્ચે તેમની શી સ્થિતિ છે તેની વાત સાંભળવા માટે સમયનો અભાવ હતો. હોમવર્ક અને ઈતરપ્રવૃતિમાં પણ સમય ઓછો પડતો. અભ્યાસમાં તેઓ પાછળ ન રહી જાય તે માટે જોબ પર અડધા દિવસની રજા લઈને પણ હું તેમની ગાઈડંસ કાઉંસીલર પાસે અવારનવાર જતી હતી. મિસિસ વીકોવીચ નામની એક શિક્ષિકા તેમને અંગ્રેજી શીખવાડવા ઘરે આવતી. બાળકોને બીજી ભાષા શીખવામાં પડતી મુશ્કેલીઓ ઉપર તે પી.એચ.ડી. કરતી હતી. સંશોધનના પ્રયોગાત્મક પરિણામો માટે તેણે મારી પાસે ગુજરાતી શીખવાનું શરૂ કરેલ. એકવાર તે મને કહે, “Do not compare your daughters’ results with each other. Compare their past results with current results and focus on their progress rather than grades” (દીકરીઓના પરિણામને એકબીજા સાથે નહીં પણ તેના અગાઉના માર્ક સાથે સરખાવી પ્રગતિ પર ધ્યાન આપ પરિણામ પર નહીં). જેને હું તંદુરસ્ત હરિફાઈ ગણતી હતી તે કેટલી અયોગ્ય છે અને સરખામણીના કેટલા ગેરફાયદા છે તેનો વિચાર કરવા હું એને કારણે પ્રેરાઈ. આથી એક જુદી જ દિશામાં મારાં વિચારો વિકસ્યા. તેની પાસેથી મને અહીંની સ્કૂલની પદ્ધતિ કેટલી જુદી અને વિધેયાત્મક છે તે પણ જાણવા મળ્યું.

દેશમાં વ્યવસાયે હું શિક્ષક હતી અને અહીં કારકીર્દીની શરૂઆત લેબોરેટરીમાં થઈ. બીજા જ મહિને ભૂલભરેલા રીઝલ્ટ્સ પર મારી સહી માંગતા સહકાર્યકર સ્કોટ સાથે વાંધો પડ્યો. ટેસ્ટીંગ મશીનમાં તેણે સેંપલ્સની આખી Rack અવળી મૂકી હતી તેથી ૬૦ દર્દીઓના રીઝલ્ટ ખોટા હતા. આ મારાં ધ્યાનમાં આવ્યું તેથી મેં સહી કરવાની ના પાડી. કામ અમને બંનેને સોંપવામાં આવેલ તેથી તે ગુસ્સે થઈ ગયો. હું દલીલ કરવા લાગી. આજુબાજુની બેચ પર બીજા સહકાર્યકરો ચૂપ રહીને સાક્ષીભાવે અમને સાંભળતાં હતાં. તેમના દ્વારા આખી વાત સુપરવાઈઝર પાસે પહોંચી. શીફ્ટ પૂરી થતી હતી તેથી અમને બંનેને તેની ઓફિસમાં બીજે દિવસે મળવાનું કહ્યું. નોકરી હજુ કાયમી નહોતી થઈ અને સ્કોટ નામના આ ગોરા અમેરીકન યુવાન સાથે માથાકૂટ થઈ. હવે નોકરી કાયમી થશે કે કેમ તે શંકા સાથે ઘરે જઈને મેં ભાઈને આ વાત કરી. તે કહે, “આ કારણે તારી નોકરી જશે તો તારો રેકર્ડ ખરાબ થઈ જશે. તને બીજે મેળવવામાં પણ મુશ્કેલી થશે દેશમાં પાછાં જવું હોય તો વિચારી જોજે.”

બીજે દિવસે સુપરવાઈઝરને મળવા જતાં પહેલાં વોશરૂમમાં જઈને હું ખૂબ રડી. ઢાળેલી આંખો સાથે હું ઓફીસમાં ગઈ. સુપરવાઈઝરે કહ્યું, “સ્કોટને આજે હું બરતરફ કરવાની છું. તેની ભૂલો થાય છે પણ મારી પાસે પુરાવો નહોતો. તારી કોઈ ભૂલ નથી, સહી ન કરી તે સારૂં થયુ. કોઈ તકલીફ હોય તો મને કહેજે.” “થેંક યુ વેરી મચ” કહેતા મારી રડેલી આંખો હસી ઊઠી. હ્રદય ફરીથી ભરાઈ આવ્યું પણ હવે ખૂશીને કારણે! તે રાતે સ્કોટ જોબ પર આવ્યો ન હતો અને હવે આવવાનો પણ ન હતો. પગમાંથી મણની બેડી નીકળી ગઈ હોય તેવી ત્વરાથી હું લેબમાં કામ કરવા લાગી. ત્રણ મહિનામાં કંપનીએ સ્પોકન ઈંગ્લીશના ક્લાસ ભરવા માટેની ફીના પૈસાની મંજૂરી સાથે મારી નોકરી કાયમ કરી. બીજે વર્ષે ઝડપી અને સારૂં કામ કરવા માટે એવોર્ડ પણ મળ્યો.

અહીં ટકી શકાશે એમ લાગ્યું એટલે કપડાં ખરીદવાની જરૂર લાગી. અહીંનો પહેરવેશ અપનાવવો જરૂરી હતો. બોસ્ટનની ઠંડીને કારણે પેન્ટ-કોટ પહેરવાં પડ્યાં તેનો સંકોચ દૂર થતા થોડી વાર લાગી. પહેલીવાર પેન્ટ શર્ટ પહેરવાનું બહુ વિચિત્ર લાગેલ. દેશમાં છેલ્લાં બાર વર્ષોથી હું ગુજરાતી સાડી પહેરતી હતી. દેશમાં કોઈ મને ફોટામાં પણ પેંટ-શર્ટમાં ન જોઈ જાય તેનો ખ્યાલ હું શરૂઆતમાં રાખતી હતી. ગુજરાતીઓ સાથે નવરાત્રીના કાર્યક્રમો અને બીજા મેળવડાઓમાં સાડી જ પહેરતી. ધીરે ધીરે ગુજરાતી પરિવારો સાથે પણ પરિચય વધતો ગયો. આ પારકા પ્રદેશમાં અમે એકલા નથી એવો ભાવ પોષતી ગુજરાતી સંસ્થાઓમાં પણ જોડાવાનું થયું. જીવન વ્યસ્ત હતું પણ સાથે ખુશીની ઝરમર શરૂ થઈ હતી. કયારેક જનની અને જન્મભૂમિની યાદોના આંસુ પણ છલકી ઊઠે. આવી એક યાદના એક અવિસ્મરણીય અનુભવ પરથી લખેલ મારી કૃતિ થોડા ફેરફાર સાથે અહીં મૂકું છું. આ કૃતિને ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રોત્સાહક ઈનામ મળ્યું હતું.

1992માં બાર્સેલોનામાં રમાતી ઓલિમ્પિક રમતોને ટી.વી પર નિહાળતી મારી પંદર વર્ષની બંને જોડિયા દીકરીઓ એક રમતવીરની જીતની ખુશીથી એકબીજાને તાલી આપી ફૂદરડી ફરતી ઝૂમી ઊઠી ત્યારે મેં કૂતુહલ સાથે પૂછ્યું હતું, “ઈંડિયા જીત્યુ? કઈ રમતમાં?”

“નો….. મધર!” ‘નો’ પર ભાર મૂકીને એકતા કહે “અમેરીકા!”

જવાબ સાંભળી હું  આશ્ચર્યમાં ડૂબી ગઈ હતી.

બંને દીકરીઓની આંખોમાં વિસ્મયનો ભાવ મને વંચાયો. તેમાં આટલી સાદી સમજ મને કેમ ન પડી તે લખ્યું હતું પરંતુ મારાં વિસ્મયને સમજનાર તે સમયે ત્યાં અન્ય કોઈ હાજર ન હતું.

ઓહ! તો આટલા ટૂંકા સમયમાં એક છત્ર નીચે રહેતો અમારો પરિવાર અજાણપણે બે દેશો વચ્ચે વહેંચાઈ રહ્યો હતો. જાણે  બે પેઢી વચ્ચે અદ્રશ્ય સીમારેખાઓ અંકાઈ રહી હતી અને અમને કોઈને તેની જાણ સુદ્ધાં ન હતી. ઓચિંતુ જ આ નગ્ન સત્ય નજર સમક્ષ ઉપસ્થિત થયું અને મારું હ્રદય ખળભળી ઉઠ્યું હતું. એક તરફ સાંજનો ઢળતો સૂર્ય ભારતમાં રહેતા માબાપની યાદ આપતો હતો અને બીજી તરફ ઉગતા સૂર્યને સંતાનો અમેરીકાની ધરતી પર નિહાળતા હતા. આ આથમતી અને ઉગતી પેઢી વચ્ચે સેતુ બનીને ઉચ્ચક મનથી અહીં વસતા સ્થળાંતરવાસીઓ અમે ક્યાંના…? તે પ્રશ્નનો ખોવાયેલ ઉતર આ પ્રસંગને અવિસ્મરણીય બનાવી મનના અતલ ઊંડાણ સુધી લઈ જાય છે

માતૃભૂમિથી દૂર પારકા પ્રદેશમાં એટલે કે અમેરીકા આવ્યાને હજુ અમને ત્રણ વર્ષ થયાં હતાં. અમારી જીવનનાવ હજુ હાલકડોલક હતી. થોડા વર્ષો પછી કાયમ માટે વતન પાછાં ફરવાની ઈચ્છા તીવ્ર હતી પણ એ પહેલાં તો બસ એક જ લક્ષ્ય હતું કે વિકસવાની જે તકો અમને મળી ન હતી તે બાળકોને મળે તેમ કરવું અંને એ માટે રાત-દિવસ અમે મથ્યા કરતાં હતાં.

અહીં નોકરી મેળવવાનું કે કરવાનું અઘરૂં ન હતું પણ પશ્ચિમના દેશમાં પૂર્વની સંસ્કૃતિ કેમ જાળવવી? તે સમસ્યા અમને સતત મુંઝવતી. સ્કૂલમાંથી બાળકો રોજ નવા વિચારો લઈને આવતાં અને તેનાથી ક્યારેક મન ગૌરવ અનુભવતું તો ક્યારેક ચિંતાથી ઘેરાઈ જતું.

અમેરીકામાં પ્રવેશતાં જ સંઘર્ષની સાથે સાથે વિકાસની તકો પણ મળતી રહી.


ક્રમશઃ