નિસબત

ચંદુ મહેરિયા

યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા(યુ એસ એ) માં  રોજ ૯ લોકો પાણીમાં ડૂબી જાય છે. તે પૈકી ૬ કાળાઓ હોય છે. ૫ થી ૧૪ વરસના આફ્રોઅમેરિકી બાળકોનો પાણીમાં ડૂબવાનો દર ગોરા બાળકોની તુલનામાં ૨.૬ ગણો વધારે હોવાનું અમેરિકી રોગ નિયંત્રણ કેન્દ્ર જણાવે છે. અમેરિકી એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સના અભ્યાસનું તારણ છે કે શ્યામવર્ણી કિશોરોની સરખામણીએ બિનશ્યામ કિશોરોની પાણીમાં ડૂબી જવાની સંભાવના આઠ ગણી વધુ છે. યુનાઈટેડ કિંગડમ(યૂકે) ની શાળાઓમાં સ્વિમિંગ પાઠયક્રમનો અનિવાર્ય હિસ્સો છે. તેમ છતાં ત્યાં ૨૦૨૨માં ૯૫ ટકા મોટા અને ૮૦ ટકા નાના શ્યામવર્ણીઓ તરી શકતા નહોતા. અમેરિકાની વિલિયમ્સ કોલેજમાં ૨૦૧૩ થી ૨૦૧૯ દરમિયાન  લેવામાં આવેલી ૫૦ યાર્ડની સ્વિમિંગ ટેસ્ટમાં ૮૧ ટકા કાળાઓ નાપાસ થયા હતા. પુખ્ત ઉમરના ધોળાઓ કરતાં પાંચ ગણા વધુ કાળાઓ પાણીમાં તરી શકતા નથી.

વંશીય ભેદ અને અસમાનતા કેવા કેવા સ્વરૂપમાં હોય છે તે જાણીને નવાઈ લાગે છે. વળી તે સાચી છે તેની ખાતરી થતાં આઘાત સાથે શરમ અનુભવાય છે. પાણીમાં તરવું તે સામાન્ય બાબત લાગે છે. ભારતના ગ્રામ્ય પ્રદેશમાં જ્યાં દરિયો,  નદી, નાળા, નહેર, તળાવની સગવડ છે ત્યાં બાળવયથી જ ખાસ કશી તાલીમ વિના લોકો નહાય છે અને થોડું તરવાનું કૌશલ્ય હાંસલ થતા એયને ધૂબાકા મારે રાખે છે. પાણીના આ જાહેર સ્ત્રોત પર જ્ઞાતિ ભેદ જરૂર છે અને તે પ્રમાણેના ઓવારા પણ જોવા મળે છે પરંતુ તરવાનું કૌશલ્ય હાંસલ ન કરી શકે તેવો ભેદ વંશીય અસમાનતાને કારણે અમેરિકા-બ્રિટનન્ની કાળી પ્રજા સાથે આચરાયો છે.

ઈ.સ.૧૮૦૦ થી ૧૯૩૦ના દાયકાઓમાં અમેરિકામાં સ્વિમિંગ પૂલ બનાવવાની હોડ મચી હતી. સ્થળાંતરિત ગરીબોની વસ્તીમાં પણ તે બનતા જોવા મળ્યા હતા. પણ બ્લેક વસ્તીમાં તે જોવા મળતા નહોતા. ૧૯૩૦ના દાયકામાં અમેરિકાના સેન્ટ લુઈસ શહેરની વસ્તીમાં બ્લેક વસ્તી ૧૫ ટકા હતી.પરંતુ આટલી મોટી વસ્તીમાં માંડ એક જ સ્વિમિંગ પૂલ હતો. તે પણ જર્જર અને અસ્વચ્છ. દક્ષિણ અમેરિકામાં જિમ ક્રો કાનૂનોએ સ્વિમિંગ પૂલ અને સમુદ્ર તટો પર રંગભેદ અનિવાર્ય કર્યો હતો. ઉત્તર અમેરિકાના પિટ્સબર્ગ જેવા શહેરોમાં કાળા-ગોરા વચ્ચે તરવાની જગ્યામાં ભેદ નહોતો.પરંતુ જો કોઈ ધોળા બાળકો કાળા તરતા હોય તે જગ્યાએ તરવા આવે તો પોલીસ મારીને ભગાડી મૂકતી. વળી કાળાઓ તરી ન શકે એટલે તરવાની જગ્યાઓમાં કચરો નાંખતા અને તેથી આગળ વધીને એસિડ પણ ફેંકતા હતા. ૧૯૪૯માં સેન્ટ લુઈસ શહેરમાં કાળાઓ તરતા હતા ત્યાં ગોરાઓએ હુમલો કર્યો હતો. એટલે શ્યામવર્ણી વસ્તીમાં સ્વિમિંગ પૂલની સગવડો ન આપવી અને જ્યાં સગવડો છે તેવી ધોળી વસ્તીના સ્વિમિંગ પૂલમાં કાળાઓને પ્રવેશ ન આપવો તેને કારણે અમેરિકાની આફ્રોઅમેરિકી પ્રજા તરવાના કૌશલ્યથી વંચિત રહી હતી.

શ્યામ પ્રજા કોઈ જૈવિક અક્ષમતાને કારણે પાણીમાં તરવાથી દૂર રહી હોઈ એવું નહોતું . ઐતિહાસિક અસમાનતા, વંશીય ભેદભાવ, પ્રવેશ પર રોક, અલગાવ (SEGREGATION) અને સંસાધનોની અછત જ કારણ હતું. પરંતુ ધોળિયાઓ કાળાઓને તરણથી દૂર રાખીને તેમના દૂર હોવાના કારણ તરીકે તેમની શારીરિક અક્ષમતાને આગળ કરતા હતા. કાળાઓના હાડકાં લચીલા નહીં પણ સપાટ હોવાથી, પાણીમાં તરવા જરૂરી ઉછાળ (Bounce) નો અને શરીરમાં ચરબીનો અભાવ હોવાનું કારણ જણાવતા હતા. બ્લેક મહિલાઓ તેમના વાળ અને હેર સ્ટાઈલની બહુ દીવાની હોય છે અને તરવાને કારણે ભારે ખર્ચ અને માવજતથી તૈયાર કરેલા વાળ બગડી જાય છે એટલે તે તરણથી દૂર રહે છે છે તેવું કારણ પણ આગળ કરાતું હતું. આ રીતે તેઓ અસમાનતા અને વંશીય ભેદના કારણોને ઓછલ કરી દેતા હતા.

૧૯૫૨માં ૧૭ વર્ષની મૅમી લિવિન્ગસ્ટને બાલ્ટીમોર, મેરીલૅન્ડમાં, જાહેર સ્વિમિંગ પુલમાં પ્રવેશ માગીને વંશીય અલગાવ સામે અવાજ ઉઠાવ્યો  Photograph: Mamie Livingston
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

આજના આફ્રોઅમેરિકીઓના વડવાઓને જ્યાંથી ગુલામો તરીકે લાવવામાં આવ્યા હતા તે આફ્રિકામાં તરણની સમૃધ્ધ સાંસકૃતિક વિરાસત છે. એટલે તેઓ જાતે કે શરીરની નબળાઈથી તરણથી દૂર રહ્યા હોવાની વાત માની શકાય તેવી નથી. ૧૬૭૯માં માર્ટિનિકના કિનારે ગુલામોને લઈ જતું જહાજ દુર્ઘટનાગ્રસ્ત થયું ત્યારે એક અનામ આફ્રિકન ગુલામ ૬૦ કલાક દરિયામાં તરીને કિનારે પહોંચ્યો હતો. ૧૮૩૧માં ટાઈસ ડેવિડ નામનો ગુલામ કેંટકીથી ભાગીને ઓહિયા નદી તરીને ઓહિયા પહોંચ્યો હતો. સાવ નજીના ભૂતકાળમાં ક્લેન જોન્સ અને એન્ટની એરવિન નામક બે બ્લેકે ૨૦૧૨ની ગ્રીષ્મ ઓલિમ્પિકમાં સ્વિમિંગમાં ભાગ લીધો હતો. હવે જોન્સે વંચિત સમુદાયના લોકોને તરવાની તાલીમ આપવાના કાર્યને જીવનકાર્ય બનાવ્યું છે.

છેક વીસમી સદી સુધી અમેરિકા- બ્રિટનમાં શ્યામ વર્ણી પ્રજાને તરવાના આનંદથી દૂર રાખી હતી. પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે.અમેરિકાના તરણ મંડળો અને તરણ સ્થળોમાં કાળાઓની હાજરી વર્તાવા માંડી છે. બ્લેક પુરુષો જ નહીં બ્લેક મહિલાઓ પણ છેક ઓલિમ્પિક સુધી સ્વિમિંગમાં ભાગ  લે છે અને જીતે છે. ભારતમાં જ્ઞાતિભેદ અને આભડછેટને દૂર કરવામાં સરકાર અને સમાજનું ખાસ યોગદાન જોવા મળતું નથી પરંતુ યૂકે-યુએસએમાં એવું નથી. અમેરિકામાં સ્વિમિંગ ટેસ્ટમાં તેની વંશીય અસમાનતા બહાર આવતાં વોશિંગ્ટન, વિલિયમ્સ, લી અને હિમિલ્ટન યુનિવર્સિટી સહિતની જાણીતી શિક્ષણ સંસ્થાઓએ છેલ્લા કેટલાક વરસોથી સ્વિમિંગ ટેસ્ટ લેવાની બંધ કરી દીધી છે.

સ્વિમિંગ કે તરણના જ્ઞાન સુધીની કાળાઓની પહોંચ અને અસમાનતા ખાળવા અધિક સમાન સમાજ બનાવવા માટે હજુ ઘણી પેઢીઓની સમાનતાની જરૂર છે. કાળા માતા-પિતા ખાસ કરીને માતાઓમાં તરણ કૌશલ્ય ભેદભાવને કારણે આવ્યું નથી તેથી તેઓ પોતાના સંતાનોને પાણીથી અને એટલે તરવાથી દૂર રાખે છે.તેમનો આ ડર દૂર કરવાના મનોવૈજ્ઞાનિક પ્રયત્નો શરૂ થયા છે. સ્વિમિંગનો આનંદ જે સૌ માટે સમાન ધોરણે ઉપલબ્ધ નહોતો તેને મોટાપાયે ઉપલબ્ધ કરાવવાની આવશ્યકતા છે. અમેરિકા સહિતના પશ્ચિમી દેશોમાં સામાજિક અને ઐતિહાસિક કારણોથી શ્યામ પ્રજાને તરવાથી દૂર રાખી હતી હવે તેની આ ક્ષેત્રમાં ભાગીદારી વધે તે માટે બમણા જોરથી લાગી જવાનું છે. સ્વિમિંગને પાઠ્યક્રમમાંથી દૂર કરવાનું કે સ્વિમિંગની ટેસ્ટ પડતી મૂકવાનું હાલના સમય સંજોગોમાં કદાચ વાજબી હોઈ શકે પણ કાળા-ગોરાના ભેદ સિવાય સૌ સમાન ધોરણે તરવાનો અને જીવવાનો આનંદ  મેળવતા થાય તેવો સમાજ આપણે ઘડવાનો છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.