પ્રીતિ શાહ-સેનગુપ્તા

ગયાના દેશના કેન્દ્ર ભાગમાં આવેલો કાઇયેટ્યર ધોધ એવો સ્વરૂપવાન હતો, કે એને જોવામાં, એની પાસે ફરતાં રહેવામાં ઘણો આનંદ મળતો હતો. ત્યાં પણ હતો તો તડકો જ, કારણકે આમ બધે ગાઢ જંગલ હતું, પણ નદીના આ તરફના પટ પર ખુલ્લું ને સૂકું હતું. છતાં, તટ પરના પથ્થરોની વચમાં ભેગા થયેલા પાણીમાં હાથ ધોયા, મોઢું ભીનું કર્યું, અને થોડી રાહત મળી.

કાઇયેટ્યર ધોધ
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

કહે છે, કે આ કાઇયેટ્યર ધોધ અમેરિકા-કૅનૅડાની સરહદ પરના નાયગરાથી ચાર ગણો ઊંચો છે, તેમજ ઝિમ્બાબ્વે-ઝામ્બિયાની સરહદ પર આવેલા વિક્ટોરિયા ધોધથી બમણો ઊંચો છે. કાઇયેટ્યરની પૂરેપૂરી ઊંચાઇ ૨૫૧ મિટર છે, તો નાયગરા ૫૭ મિટર જેટલો ઊંચો, અને વિક્ટોરિયા ૧૦૮ મિટર ઊંચો છે.

આંકડા જોયા પછી પણ જાણે આ વાત મનાતી નથી. પણ અત્યંત ફોર્સની સાથે પાણી અહીં નીચે, ઊંડી ગર્તમાં  પછડાય છે, ને પોતાનો જ ધક્કો ખાઈને ઉપર પાછું આવે છે, તેથી એની આખી ઊંચાઈ સ્પષ્ટ દેખાતી જ નથી. હા, જે દેખાય છે તે મહાપરિમાણમાં છે.

કાઇયેટ્યરને નજરમાં રાખી બધાં આમતેમ ફરતાં રહ્યાં. સમય થતાં, ગાઇડ રૉમૅલ અમને પાછાં લઈ જવા માંડ્યો. પ્રપાત જેવો પાછળ રહી ગયો, તેવું જ ફરી જંગલ શરૂ થઈ ગયું. એટલેકે, છોડ, ઝાંખરાં, અને પાતળાં થડવાળાં ઊંચાં ઝાડ. હવે પથની ઉપર ડાળીઓ સળંગ ઝૂકેલી હતી. હાશ, હવે ચાલવું કૈંક સહ્ય બન્યું.

રૅસ્ટ સ્ટૉપના મકાનના આગલા ઓરડામાં સરસ મોટું ટેબલ અને ઘણી ખુરશીઓ હતાં. સિલિન્ગ ફૅન ધીમે ફરતો હતો. ટૂર કંપની તરફથી બધાંને એક એક બ્રેડ-બન આપવામાં આવેલો. એ સિવાય, અમારી પાસે ચવાણું, શેવ જેવો નાસ્તો હતો. બધાંને જ છાંયડામાં થોડું બેસવાની જરૂર હતી.

એ માટે થોડો સમય મળ્યો, ને પછી ફરી અમે નાનકડા સેસ્નામાં સમાયાં. પંખી સીધું ઊડે તે પ્રમાણે, અહીંથી જ્યૉર્જ ટાઉનનું અંતર એક હજાર માઇલ થાય છે. ખીણો ને પહાડો ખુંદતાં, ને નદીઓમાં વહેતાં કોઈ જાય તો કેટલુંયે વધારે લાંબું બને. નીચેનાં ગામડાંના કેટલા અમેરીન્ડિયન લોકો જતા હશે શહેર સુધી?

આકાશ સ્વચ્છ હતું. હમણાં બીલકુલ વાદળ નહતાં. વિમાન નીચેથી ઉપર જતું ગયું, તેમ જંગલો બધી વિગતે દેખાતાં ગયાં. વૃક્ષો પોતપોતાની ખાસિયતો પ્રમાણે જુદાં પડે. વચમાં વચમાં, નાળિયેરી જેવાં ઊંચાં ઝાડ રમ્ય લાગે. પથ પર ચાલતાં મેં નોંધ્યું હતું તેમ, અહીં બધાં જ વૃક્ષોનાં થડ ઊંચાં ને ખૂબ પાતળાં હોય છે.

વાદળ પણ આવ્યાં તો ખરાં જ. અમે એમની નજીકથી ગયાં, એમની વચમાં થઈને ગયાં. પછી વાદળ પાછળ રહી ગયાં. નીચેનું ભૂમિચિત્ર વિશદ હતું. માઝુરિની અને કાબુરી નદીઓ દૃષ્ટિગત થઈ. પોટારો છે તો પાતળી, પણ એની અગત્ય ભારે છે. મહાજળપ્રપાત કાઇયેટ્યરને એણે જ ધારણ કરેલો છે ને. છેલ્લે પોટારો નદી ઍસૅકીબોના વિપુલ જળરાશિની અંદર સમાઈ જાય છે.

નદીઓની વચમાંના અતિવિશાળ પ્રદેશમાં ડાંગરનાં ખેતર
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

આ બધી નદીઓની વચમાંના અતિવિશાળ પ્રદેશમાં ડાંગરનાં ખેતર બનેલાં છે. જોકે સૂકાં છે, પાણીથી છલ છલ નથી થતાં, એમની અંદર નીલ ગગનનાં પ્રતિબિંબ નથી પડતાં. તે છતાં યે એટલો તો સુંદર લાગે છે આ ક્શેત્રપ્રદેશ. એકસરખાં અને વ્યવસ્થિત લંબચોરસ ખેતરોની હારની હાર થયેલી છે. બે સમાંતર હારની વચમાં નહેરો છે, કે જે ઍસૅકીબોમાંથી બનાવાયેલી છે.

આટલો નાનો દેશ, ને પાણીની કેટલી છૂટ. કેટલું સહેલું બન્યું છે જળસિંચન આ દેશમાં. બીજી વાર જોઈ રહ્યાં હતાં આ પરિપ્રક્શ્યને, તેથી જાણે પરિચિત બન્યો હતો એ, અને થોડો વધારે સમજાતો પણ હતો. જે વૅનૅઝુઍલા અને બ્રાઝીલ જેવા પાડોશી દેશોની વચમાં ભિંસાય છે, ને જેના નકશામાં જુઓ તો મહાતિમહાનદ ઍમૅઝૉનનાં વનસંપુટનું ઘોર અંધારું આસપાસ બનેલું દેખાય છે, તે ગયાના દેશમાં ડાંગરનું ઉત્પાદન અને શાકભાજીનો ઉછેર બહુ વ્યવસ્થિત અને સફળ રીતે થતો જણાય છે.

ઍસૅકીબોના એક તરફના પટ પર એકદમ સમાંતર લાઇનમાં બનેલાં, અને એકસરખા પર્ફેક્ટ આકારનાં ખેતરો થયેલાં હતાં, અને એના બીજા પટ પર શરૂ થયેલો, મુખ્ય શહેર જિયોનો વિસ્તાર પણ એવી જ સમાંતર લાઇનોમાં થયેલો હતો. પહેલાં આ જોયેલું તો ખરું, પણ હવે રસ્તાઓનું અને ભૂમિક્ષેત્રોનું સમાંતર પર્ફેક્શન વધારે સમજાયું.

ઍસૅકીબોનો પટની વચમાં ફૉર્ટ આઈલૅન્ડ કહેવાતો ટાપુ
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

હવે ઍસૅકીબોનો પટ વધારે પહોળો થતો જાય છે. વચમાં ફૉર્ટ આઈલૅન્ડ કહેવાતો ટાપુ એટલો મોટો છે કે વિમાનમાંથી પણ જાણે એ આખો ના દેખાય, અને ટાપુ નહીં, પણ નદીનો કિનારો જ આવી ગયેલો લાગે. આવા મોટા અને બીજા નાના, એમ કુલ ૩૬૫ ટાપુઓ આ નદીમાં બનેલા છે. મારી નજર ચકળવકળ ફરે, કારણકે વધારે ને વધારે જોવું હોય.

દેશમાં દક્ષિણે આવેલા આકારાઇ પર્વતોમાંથી નીકળેલી, ૧,૦૧૦ કિ.મિ. લાંબી આ નદી જ્યારે ઍટલાન્ટીક સુધી પહોંચે છે ત્યારે એનું મુખ બત્રીસ કિ.મિ. જેટલું પહોળું બનેલું હોય છે. એટલું પહોળું, કે સમુદ્ર જ લાગે.

આ મુખ-ત્રિકોણમાં કાંપ ભેગો થતો રહે છે, અને આછું ઘાસ વગેરે ઊગતું રહે છે. આથી પ્રવાહ કૈંક છીછરો પણ બને છે, અને છેક સમુદ્ર સુધી બોટ લઈ જવાતી નથી. ત્યાંથી વીસેક કિ.મિ. અંદર તરફ ડક્કા થયેલા છે, અને પછી એંસી કિ.મિ. દૂર સુધી, બાર્તિકા શહેર સુધી, બોટ વાટે જઈ શકાય છે.

માથું ફેરવી ફેરવીને, નજર વાળી વાળીને હું આ કાદવિયા રંગના અજીબ પ્રસ્તારને જોતી રહી. દુનિયાનો એ એવો હિસ્સો હતો, જેને જાણે અંત કે આરંભ નહતો. આ બધા વિષે જે વાંચેલું, તે હવે નરી આંખે જોવા મળ્યું હતું. બહુ જ અર્થપૂર્ણ રહ્યું હતું આ ઉડ્ડયન, અને અસાધારણ રહ્યો હતો આજનો આ જળ અને જંગલ પરનો પ્રવાસ.


ક્રમશઃ


સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.