કલાની સતત સાધના એ સરયૂ પરીખનું સૌથી મોટું જમા પાસુ છે.
૧૯૪૬માં ભાવનગરમાં જન્મ થયો ત્યારથી કલાનું જીવનમાં મહત્વ એમને શ્વાસ સમાન સાહજિક લાગ્યું છે. માતા ભાગીરથીને લેખનકળા હસ્તગત હતી અને લગ્ન પછી પતિ દિલીપ પણ કલારસિક, આથી એમની સાધનાને વેગ મળ્યો.
પદ્મશ્રી એવોર્ડ મેળવનાર વૈજ્ઞાનિક અને કવિ એવા શ્રી મુનિભાઈ મહેતાના બહેન તરીકે સરયૂબહેન પર ભાઈના પ્રોત્સાહનની પણ ઘણી અસર છે. તેઓ ગુજરાતી સાથે અંગ્રેજી કવિતાઓ પણ લખે છે. અંગ્રેજીમાં બે નવલકથાઓ, સત્યકથાઓ મળીને તેમના છ પુસ્તકો પ્રકાશિત થયા છે.
વિજ્ઞાનમાં માસ્ટર ડીગ્રી મેળવી ૧૯૬૯માં તેઓ અમેરિકા આવ્યા પછી વ્યવસાય તરીકે મેડિકલ ટેકનોલોજીસ્ટ તરીકે કામ કર્યું. છેલ્લા બે દસકામાં સમાજ સેવાના કાર્યોમાં તેમનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે.
હાલ નિવૃત્તિ કાળ દરમ્યાન પરિવાર નજીક Austin, Texasમાં એમની કલા સાધના ચાલુ છે. ગંગોત્રી નામના એમના બ્લોગનું એડ્રેસઃ www.saryu.wordpress.com છે.
Email: saryuparikh@gmail.com
જીવનમાં પરિસ્થિતિઓ સર્જાતી રહે છે…તેનો પ્રમાણિક ભાવે સ્વીકાર કરી, કોઈ તેને મંગલમય બનાવે અને કોઈ તેને ક્લેશમય બનાવે.
આજે ૨૦૨૨ના વર્ષમાં, જીવનસફર વિષે લખતાં અનન્ય આનંદનો અનુભવ થાય છે. ભાવનગર જેવા નાના શહેરમાંથી ભણી, વડોદરામાં M.Sc. Botany પછી PhD. કરતી હતી ત્યારે, આકસ્મિક અને અણધારી પરિસ્થિતિમાં અજાણ્યા અમેરિકામાં, ૧૯૬૯માં આવી ચડેલી સરયૂની કહાણી જાણીએ.
૧. જાગીને જોયું…
સરયૂ હરિભાઈ મહેતાનું બચપણ યાદ કરતા એક પ્રસંગ સ્મિતની લહેરખી લાવે છે…જ્યારે ભાવનગરમાં, એક માત્ર ફોટો studioમાં પાંચ વર્ષની હું, ભાઈ સાથે ઊભી હતી…અને અંધારું થતાં દોડાદોડ કરી રહી હતી. એ સમયના મારા જીવનના મુખ્ય વ્યક્તિઓમાં, માતા-ભાગીરથી, પિતા-હરિશંકર મહેતા અને ત્રણેક વર્ષ મોટો ભાઈ મહેશ, જે મુનિભાઈના નામથી ઓળખાતો. બે ઓરડાનાં મામાના ઘરમાં, આડોશી પાડોશીનાં સંગમાં, બચપણ રમતું ચાલ્યું. એક સવારે જાગીને જોયું તો વચલા મુખ્ય રૂમનું બારણું બંધ હતું. હું તો ત્યાં આળસમાં બેસી રહી હતી, ત્યાં અંદરથી એક લેડી ડોક્ટર બહાર આવ્યાં અને ઘોડા-ગાડીમાં બેસી રવાના થયાં. મોટાકાકી હસતાં આવીને મારો હાથ પકડી અંદર લઈ ગયાં અને કહ્યું, “જો આ તારી નાની બહેન, ઉર્વશી.” મારા આશ્ચર્યનો પાર નહોતો. કાથીનો ખાટલો બારી પાસે હતો અને ત્યાં બા અને નાની બાળકી સૂતેલાં હતાં. મેં માન્યું કે બારીમાંથી બેબી આવી અને ત્યાર પછી જ્યારે પણ નવજાત શીશુને કોઈનાં ઘરમાં જોઈને ખાતરી કરતી કે ખાટલો બારી પાસે છે ને!
સરયૂનો જન્મ ૧૯૪૬માં અને ઉર્વશીનો જન્મ ૧૯૫૩માં થયો હતો. પિતા પ્રાથમિક શાળામાં અને બા માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલમાં નોકરી કરતાં હતાં. કૃષ્ણનગરમાં છૂટા બંગલા અને મધ્યમાં મોટું બાલ ક્રીડાંગણ હતું, જે અમારી સાંજની સ્વતંત્રતાનું મેદાન હતું. હું બીજા છોકરા-છોકરીઓ સાથે રમતાં રમતાં, બા ઉર્વશીને ચાલતાં શીખવી રહ્યાં હોય તે જોઈ લેતી. ઘણી વખત, મુનિભાઈ અને ઉર્વશી ભેગા થઈ મને એટલા ચીડવતા કે એ બન્નેને દુશ્મનની પંક્તિમાં મૂકી દીધા હતા. એ સમયે નજીકમાં જ અમારું…મહેતા પરિવારનું નવું ઘર બંધાવવાનું શરૂ કર્યું હતું.
ઉર્વશીને એક દિવસ તાવ આવ્યો. બા કહે, “ખાલી તાવ છે, પણ હું રજા લઈ લઉં.” અમારા ઘરનાં સભ્ય જેવા, હરીબેન ઘરનું કામ કરતાં અને ઉર્વશીની સંભાળ પણ રાખતાં. તે ચિંતા ભર્યા વારંવાર આંખનાં ઝળઝળિયાં લૂછતાં હતાં. ડોક્ટરમામા, મારા બાનાં કાકાના દીકરા, સવારથી બે વખત આવીને ઉર્વશીને તપાસી ગયા હતા. સાંજે ઉર્વશીને આંચકી આવી. એ સમયે નવા દરદ ‘મેનિન્જાઇટિસ’ meningitisની વાતો સંભળાતી હતી. પિતાજીની દોડાદોડ, તાબડતોબ બાળકોનાં ડોક્ટર સાથે ડોક્ટરમામાનું આગમન, રડતાં બા અને મુનિભાઈને હું મૂંજાતી જોઈ રહી. રાતના આઠેક વાગે, ડોક્ટર નિરાશામાં માથું હલાવી બહાર નીકળી ગયા. બસ, પાંચ વર્ષની ઉર્વશીના અચેતન દેહને વળગીને બા રડતાં રહ્યાં. પછી અનેક દુઃખના દિવસોમાં હું સ્થિર મનોભાવ સાથે બાનો આધાર બની રહી હતી. એ વર્ષે જ નાના મામા અને યુવાન પિત્રાઈ ભાઈના મૃત્યુને પ્રત્યક્ષ જોતા…જીવન-મૃત્યુની સત્યતાનો સચોટ અનુભવ થઈ ગયો.
થોડા મહિનાઓમાં નવું ઘર ‘ગંગોત્રી’ તૈયાર થઈ ગયું અને અમે ત્યાં રહેવા ગયાં…અને અગિયારેક વર્ષની ઉંમરે, મારું બચપણ પાછળ રહી ગયું અને આત્મવિશ્વાસ અને જાગરૂકતા સાથે નવા પાડોશમાં નવા પગરણ મંડાયાં.
એ સમયે ભારત સાથે એક સૂરમાં જોડાયેલ અનેક ગુજરાતીની જેમ, અમારા પરિવારના સભ્યો પણ મહાત્મા ગાંધીજીના માર્ગદર્શન પાછળ ન્યોચ્છાવર હતાં. મારા બા અને પિતાજી ખાદીના કપડા પહેરતાં. ચોખ્ખાઈ, પ્રમાણિકતા, સદાચાર, જાતમહેનત વગેરે સદગુણો પ્રતિ બહુ ધ્યાન દોરવામાં આવતું. કોઈ ઓળખીતા પિતાજીને કહે, “હરિભાઈ, મારી કારમાં બેસી જાઓ, તમને ઉતારી દઉં.” તો ના જ પાડે. હું પૂછું કે કેમ ના પાડી? જવાબ, “આજે લાભ લઈએ એટલે કાલે પણ આશા બંધાય…જે ન પૂરી થતાં ગુસ્સો આવે.” આમ સરળ ભાષામાં ગીતા જ્ઞાન આપી દેતા. બાનો આગ્રહ કે રોજ એક ગીતાનો શ્લોક મોઢે કરવાનો. એ તો ન કર્યું પણ ભગવત ગીતા પુસ્તક કેટલું અગત્યનું છે તે છાપ હોવાથી આગળ જતાં ગહન અભ્યાસ કર્યો. સાથે સમજ એ આવી કે, બાળકોને સદવિચાર, સદાચાર વિશે કહેતાં રહેવું…લાગે કે સાંભળતા નથી પણ કટોકટીના સમયે તે શબ્દો પડઘાય છે, અને તેઓ સમજે છે.
ભણવામાં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થતી વિદ્યાર્થિનીની એ વર્ષે જીવન દિશા બદલાઈ ગઈ. ભણવાના અગત્યના વર્ષ ઇન્ટર સાયન્સમાં, મેં સિતાર શીખવાં જવું, તેમજ અન્ય પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવાનું સાહસ કર્યું. ફર્સ્ટ ક્લાસ તો આવ્યો પણ એક ટકાની ઓછપને કારણે મેડિકલ કોલેજમાં એડમિશન ન મળ્યું. ઘરમાં તો ખાસ પ્રતિભાવ ન હતો. મુનિભાઈ એ સમયે I.I.T. Bombay માં Chemical engineerનું ભણતા હતા. ભાવનગરમાંથી પ્રથમ વિદ્યાર્થીને આવી અવ્વલ દરજ્જાની કોલેજમાં પ્રવેશ મળ્યો હતો…જેમાં ખર્ચ પણ વધારે હતો. આમ, મારા જીવનના જુદા વળાંક પર, B.Sc.ના અભ્યાસ દરમ્યાન, મનભરીને ઈતર પ્રવૃત્તિઓ કરી. સૌથી માનભરી અને યાદગાર હતી તે…Best cadet of Bhavnagar, National Cadet Corps તરીકે પસંદગી. બહુ વર્ષોથી NCC સાથે જોડાયેલી હતી. 1965, જાન્યુઆરીની શરૂઆતમાં, આખા ગુજરાતમાંથી ચૂંટાયેલાં કેડેટ્સ સાથે એક સપ્તાહ અમદાવાદ અને પછી ત્રણ સપ્તાહ દિલ્હીની ઠંડીમાં સખત કવાયત તાલીમ પછી, રાજઘાટ પર છવ્વીસ જાન્યુઆરીની પરેડ, ભારતના વિવિધ પ્રાંતમાંથી આવેલાં સભ્યોનો સહવાસ અને બસમાં આગ્રાની સફર અને તાજમહાલના દર્શન…એ જાદુ ભરી સ્મૃતિઓ મારા મન-ચિત્ત પર અક્ષર બની ગઈ.
બચપણથી બાલક્રીડાંગણમાં અમે છોકરા છોકરીઓ સાથે રમતાં. એ સમયે સહજ-સરળ મિત્રતાના અનુભવને લીધે, કિશોર અવસ્થામાં ચોરીછૂપી સંબંધો બાંધવા કે અયોગ્ય કિશોર માટે આકર્ષણ થવું…એવાં pitfallsથી બચી શકાયું. અનેક પ્રવૃત્તિઓમાં છોકરાઓ સાથેની મુસાફરી, નૃત્ય-ગરબા અને રમત-ગમતમાં સતત સહવાસ…જેમાં પોતાની રક્ષા કરવાની મનમાં ગજબ જાગૃતિ અને હિંમત હતાં.
ઘણા મા-બાપ, ‘છોકરાઓ સાથે નહીં રમવાનું, વગેરે,’ દબાવ થોપતાં હોય છે. પરંતુ મારું માનવું છે કે તંદુરસ્ત સંબંધ માટે સમજ સાથે સ્વતંત્રતા આપવી બહુ જરૂરી છે.
ભાવનગરના કોલેજ કાળમાં બને તેટલો અંગ્રેજી શીખવાનો મારો આત્મ-પ્રયાસ હતો…ગુજરાતીમાં પાઠ ભણાવતા હોય અને હું અંગ્રેજીમાં લખું. ૧૯૬૬માં આગળ અભ્યાસ, M.Sc. કરવા માટે વડોદરા ગઈ ત્યારે તે અભ્યાસ મદદરૂપ નીવડ્યો. પંડિતા ગાર્ગી હોસ્ટેલમાં બે વર્ષ રહી. કંઈક ખાસ કરી બતાવવાની ધગશ અને યુવાનીનાં સ્પંદનોને વેગ મળ્યો. લગ્ન વિષય વાતો આવી. સ્વતંત્ર મનમૌજમાં બે વર્ષ રહેવાનો અનુભવ લઈ પાછી ભાવનગરમાં આવી…Central Government તરફથી સ્કોલરશીપ મળતા, Central Salt & Marine Chemicals Research Institute (CSMCRI), Bhavnagarમાં PhD. શરૂ કર્યું.
————
૨. બાનાં વ્યક્તિત્વનું તેજ
મારા લગ્નની વિચારણા ચાલી એ સાથે માતા ભાગીરથીનાં લગ્ન કઈ રીતે થયા હતા…એ વિષય પર ઉઘાડ થયો. અત્યાર સુધી તો સરયૂની નજરે તેના બા, એક પ્રભાવશાળી વ્યક્તિ હતાં. એમના હાથથી કાગળ, પેન અને પુસ્તકો દૂર ન હોય. વહેલી સવારે ઘણીવાર બત્તી જલે ત્યારે ખબર પડે કે બાને કોઈ કવિતાએ જગાડી દીધાં. બાનો જન્મ ૧૯૧૫માં થય અને એક વર્ષ પછી માતાનું અવસાન થયેલું. ભાગીરથીનાં જીવનમાં લગ્નનો અનુભવ…જ્યારે એક દિવસ ભુવા નામના ગામડાંમાં વૈદ્ય ભાણજી કાનજી દવે, ભાગીરથીનાં પિતાએ કોટડા ગામથી પાછા આવીને કહેલું કે, “મોટાભાઈ નાથાલાલનું સગપણ નર્મદા સાથે અને સાથોસાથ ભાગુનાં લગન, મહેતાના દીકરા હરિશંકર સાથે નક્કી કરતો આવ્યો છું.” તેર વર્ષની ભાગીરથીએ આ સમાચાર પર ખાસ ધ્યાન ન આપ્યું. પણ, લગ્નની તૈયારીઓ થઈ અને ગાડામાં બેસાડી અજાણ્યાને ઘેર મોકલી હતી…એ શિરસ્તો અસહ્ય હતો.
હરિશંકર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ગામડામાં નોકરી કરતા અને ભાગીરથી ઘર સંભાળતાં. ગરીબી અને અપમાનજનક રહેણીકરણીથી ભાગીરથીને અત્યંત સંતાપ થતો. બાલીશ અજ્ઞાનને લીધે, ધૂડી નિશાળમાં ભાગીરથીએ “મારે નિશાળે નથી જઉં” કહ્યું હતું ત્યારે, ‘છોકરીને લખતાં વાંચતાં આવડ્યું એટલે બસ’ એવા સામાજિક વિચારોનાં પ્રોત્સાહન સાથે, ઘરકામ શીખવામાં પળોટાઈ ગયાં હતાં. લગ્નજીવનના પાંચ વર્ષના મનોમંથન અને ભાઈ કવિ નાથાલાલ દવે દ્વારા મળતા પુસ્તકોનાં વાંચનથી એમને સમજાયું કે મારું ભવિષ્ય મારે જ બનાવવાનું છે. એ સમયે સ્વામી વિવેકાનંદના વિચારોનો પ્રભાવ તેમને માટે શક્તિ પ્રેરક બની રહ્યો. દરેક પ્રયત્નોમાં બન્ને કુટુંબોનાં વિરોધનો સામનો કરતી, અઢાર વર્ષની ઉંમરની ભાગીરથીએ, ભાવનગરમાં રહીને ભણવાનો નિશ્ચય કર્યો. પ્રવેશ પરીક્ષા માટે એક નિબંધ લખવાનો હતો. પરિણામે એમને દસમાં ધોરણમાં દાખલ કર્યાં. હાઈસ્કૂલમાંથી ઉત્તીર્ણ થયાં પછી, પાંચ વિદ્યાર્થીની સાથે શરૂ થતા, કર્વે કોલેજના વર્ગમાં ભણવાનું ચાલુ રાખ્યું. શેરીમાંથી નીકળી ક્લાસમાં જતા હોય ત્યારે ઓટલે બેઠેલી બહેનો સંભળાવે, “એવો જમાનો આવશે કે ધન કમાશે બાયડી ને ઘરકામ કરશે ભાયડા.” એ જ બહેનોને લાચાર પરિસ્થિતિમાં ભાગીરથીની મદદ લેવા જઉં પડતું. ગાંધીયુગની અસર તળે જ્યારે ભાગીરથીએ કહ્યું કે, “મારા માટે રંગબેરંગી મીલના કપડાં ન લાવશો.” ત્યારે એમના પિતાશ્રીની અસંમતિઓમાં એક વધારે કારણનો ઉમેરો થયો.
ભાગીરથીને ભાવનગરમાં પિયરમાં રહીને ભણવાનું, પણ રજા પડતાં કોટડામાં લાજ કાઢી, સામાન્ય વહુવારૂઓ સાથે હળીમળી રહેવાનું બનતું. જુનીઅર બી.એ. ની પરીક્ષા પછી પંદર દિવસમાં મુનિભાઈનો જન્મ થયો. માજીરાજ કન્યાશાળામાં નોકરી તરત શરૂ કરી દીધી. પતિ હરિશંકરની બદલી ગામડેથી ભાવનગરની પ્રાથમિક શાળામાં એ અરસામાં થઈ શકી હતી. ચાર વર્ષના મુનિ અને નવજાત સરયૂને ઉછેરતાં, શાળા અને ઘરકામની ઘટમાળ શરૂ થઈ. એ સમયમાં ભણેલી બહેનોને જરૂરિયાતોને કારણે ખેંચાઈ-ખેંચાઈને નોકરી કરવી પડતી, પણ ઘરની જવાબદારીમાં જરા પણ હળવાશ મળતી નહોતી, …આવું મેં અમારાં જેવા ઘણાં મધ્યમ વર્ગના પરિવારોમાં જોયેલું.
બાએ તેર વર્ષની ઉંમરથી શરૂ કરેલ લાજ કાઢવાની પ્રથા સામે વિરોધ કર્યો. લગભગ ત્રીસની ઉંમરે તેમણે હિંમતથી, તેમના જેઠને માનપૂર્વક કહ્યું, “મોટાભાઈ, હવેથી હું લાજ નહીં કાઢું, પરંતુ તમારા માટેના સન્માનમાં જરા પણ કસર નહીં છોડું.” આખા પરિવારમાં આશ્ચર્ય અને અણગમો ફેલાઈ ગયાં. તેમની પ્રતિભાની અસાધારણ અસર અનેક બહેનો અને ખીલતી કળી સમી વિદ્યાર્થીનીઓ પર જોવા મળી હતી. ભુવા અને કોટડા બન્ને ગામમાંથી પ્રથમ કોલેજ ગ્રેજ્યુએટ નારીનું માન તો વધી ગયું, પરંતુ સમાજમાં અને ઘરમાં સ્ત્રીનું સ્થાન નિયત છે, એ જ રહ્યું. ઘણી અવગણના વચ્ચે પણ બાનું રક્ષા કવચ બાળકોને છાવરી રહ્યું અને અસામાન્ય પુત્ર, પદ્મશ્રી મુનિભાઈ અને સરયૂ જેવા સફળ અને સાલસ બાળકો ઉછેર્યાં.
મુનિભાઈના લગ્ન, શિશુવિહારના સ્થાપક, શ્રી માનશંકરભાઈ ભટ્ટની પુત્રી ઈલા સાથે થઈ ગયા. પરંતુ જ્યારે સરયૂએ વણિક કુટુંબના દિલીપ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરી ત્યારે પતિના સખ્ત વિરોધ છતાંયે બાએ સાથ આપ્યો. તેમનું માનવું હતું કે જાતિધર્મ કરતાં ઘણો ઊંચો માનવ ધર્મ છે. પાત્રની યોગ્યતા પ્રથમ જોવાની અને ત્યાર બાદ નાતજાત.
ભાગીરથી મહેતાનાં અધ્યાત્મ ગુરુ, પૂજ્ય વિમલાતાઈએ “જાહન્વી” તખલ્લુસ આપ્યું. અનેક બહેનોમાં સાહિત્યપ્રેમ અંકુરિત કરે છે તે “જાહ્નવી સ્મૃતિ” કવયિત્રી સંમેલન, શિશુવિહાર સંસ્થા, ભાવનગરમાં દર વર્ષે યોજાય છે. બાને યાદ કરતાં કલારસિકોને જોઉં છું ત્યારે એ દિવસો યાદ આવે છે… જ્યારે કવિતાની રજુઆત માટે, સફેદ ખાદીની સાડી પહેરેલ, જાજરમાન બહેન ભાગીરથી, બધી હિંમત ભેગી કરીને બોલવા ઊભાં થતાં. મારા બા, ભાગીરથી મહેતાનું ‘સ્ત્રી સંત રત્નો’ પુસ્તકની માંગણી વધતા અમે ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરી છે.
૧૯૯૩માં, રાતના ચાર વાગે અવાક્ બાનો અશક્ત હાથ પકડી હું બેઠી હતી ત્યારે તેમણે પ્રયત્નપૂર્વક…
હળવેથી હાથ મારો હોઠે લગાડતી, મીઠી ચૂમીમાં મર્મજ્ઞતા;
આવકાર, આભાર, ગદગદ એ વ્હાલથી, કહી દીધું સર્વ હાથ ચૂમતા.
અરવા આ બંધનને અશ્રુની અંજલી, સ્મરણો અસ્તિત્વને હસાવતા,
છલછલ રે છલકે મમ જીવન સરોવર, મા મધુબિંદુ રહ્યાં સિંચતા.
———–
૩. આંતરજ્ઞાતિય લગ્ન ૧૯૬૯
સરયૂ અને દિલીપની મુલાકાત કરાવવાની વિચારણા થવા લાગી. ભલે અમે ક્યારેય મળ્યાં ન હતા પણ એકબીજાનાં પરિવારનો પરિચય હતો. દિલીપના પપ્પા, કવિ કૃષ્ણકાંત પરીખ સરકારી વકીલ હતા. નોકરીને કારણે પાટણ છોડી જામનગર અને પછી દસેક વર્ષ ભાવનગરમાં રહેલા. એ સમયે દિલીપથી નાના ભાઈ અને મુનિભાઈ હાઈસ્કૂલમાં મિત્રો હતા. પરીખ કુટુંબમાં પાંચ ભાઈઓ અને એક બહેન, બધા ભણવામાં આગલી હરોળમાં હતા. કવિ સંમેલનોમાં દિલીપના પપ્પાનો પરિચય મારા બા અને મામા સાથે થયેલો. મજાની વાત એ હતી કે દિલીપના પપ્પા કેવા વ્યક્તિ છે તે વિષે મારા બા એક વકીલમિત્રને પૂછવા ગયાં. તે સજ્જન કહે, “કૃષ્ણકાંત બહુ સારા વ્યક્તિ છે પણ, વકીલાતમાં બહુ કમાયા નથી.” મારા બા કહે, “હું તો એ મુદ્દાને જમા ખાતામાં મૂકું.”
પપ્પા હાઈકોર્ટમાં વકીલાત માટે પરિવાર સાથે અમદાવાદ જઈને વસ્યાં. દિલીપ મેટ્રિક પછી વડોદરા ભણવા ગયા હતા. દિલીપ M.Sc. Physics, ભૌતિક વિજ્ઞાન વિષયમાં distinction સાથે ગોલ્ડ મેડલિસ્ટ થયા પછી, સ્કોલરશીપ મેળવી University of Maryland અમેરિકામાં ૧૯૬૫ની સાલમાં આવ્યા હતા. અમેરિકામાં કોઈ સગા-સંબંધી ન હતાં અને મિત્રને લખેલા પત્ર પર આધાર રાખી અનેક આશંકાઓ સાથે JFK Airport પર આવ્યા. સદભાગ્યે, વડોદરાના મિત્રો, સત્યેન-Sam પિત્રોડા અને ભૂપેન ત્રિવેદીને છેક શિકાગોથી ન્યૂયોર્કના એરપોર્ટ પર આવેલા જોઈ દિલીપને આનંદ થયો હતો. લેવા આવનાર પાસે કાર નહોતી તેથી સામાન સાથે બસમાં સવારી કરી કોઈ મિત્રના એપાર્ટમેન્ટમાં ગોઠવાયા. એ સમયે ઘણા દેશીઓની જેમ, એક મોટી કાર…તેમાં ‘એક કાર અને ઘણા સવાર’ એ રીતે નાયગ્રા ફોલ જોવા ગયા. ન્યૂયોર્કથી મેરિલેન્ડ બસમાં જતા દિલીપને ફફડાટ હતો કે કોલેજ સ્ટેશન પસાર ન થઈ જાય. તેથી કંડક્ટરને વારે વારે સંકોચ સાથે પૂછી લેતા. સાંજના પાંચ વાગે પહોંચી, મોટી બેગ અને સામાન સાથે બને તેટલી ઝડપથી કેમ્પસની ઓફીસમાં ગયા અને ત્યાં સામાન મૂકી એક સેક્રેટરીની સાથે orientation meetingમાં ગયા. પાછા ફર્યા ત્યારે ઓફિસ પર તાળા લાગી ગયા હતા. શુક્રવારની સાંજ, તેથી દિલીપ ગભરાયા કે ‘સામાન વગર બે દિવસ શું કરીશ!’ પણ સેક્રેટરીએ પહેરગીરની ભાળ કાઢી, તેણે આવીને ઓફિસ ખોલી આપી અને દિલીપને સામાન મળી ગયો. દિલીપની ત્રેવીસ વર્ષની ઉંમર, પહેલી વાર ગુજરાતની બહાર નીકળી અમેરિકાની અજબ-ગજબ દુનિયામાં અજાણ સાથે રહેવાનું, ભણવાનું અને Teaching Assistantship મળી હતી તેથી ભણાવવાનું પણ ખરું. હિમવર્ષાનો પ્રથમ અનુભવ અને તેમાં બધે ચાલતા જવાનું. પોતાની કાર લેતા તો વર્ષો નીકળી ગયાં. આવી બધી અગવડતા વચ્ચે, ભારતમાં સ્વજનો સાથેનો પત્રવ્યવહાર જીવનદોર બની રહેતો.
પહેલી નોકરી ન્યૂજર્સીમાં મળી. મિત્રની કારમાં સામાન ભરી, વૈજ્ઞાનિક Albert Einsteinના સુંદર ગામ, પ્રિન્સટનમાં આવી ગયા. દિલીપ જ્યાં પણ રહ્યા, કલાકાર જીવ… હંમેશા મ્યુઝિયમ અને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત વગેરેમાં સક્રિય રહેતા. પહેલી કાર Volkswagen -Bug જર્મન-કાર, અલબત્ત, એક જર્મન મિત્રના માર્ગદર્શન નીચે લીધી. standard shift car– ચલાવતાં શીખવામાં ઉપાધી ઘણી…અને વર્ષો પછી મને અને નાના ભાઈને પણ એ કાર ચલાવતાં શીખવવાનો, ગીયર બદલવામાં થતાં ગોટાળાનો અનુભવ, યાદ રહી જાય તેવો હતો. Automatic transmission car આવતા ઘણી સરળતા થઈ ગઈ.
અમેરિકામાં દિલીપ ચાર વર્ષ રહ્યા બાદ ભારતની મુલાકાત માટે આવતા હતા. દિલીપ માટે ત્રણ ચાર કન્યાઓ જોઈ રાખી હતી તેમાં સરયૂનું પણ નામ હતું. એ સમયે ભાવનગરમાં મને PhD.ના અભ્યાસમાં એકાદ વર્ષ થયું હતું. દિલીપના નાનાભાઈ અને મુનિભાઈ વચ્ચે પત્રોની આપ-લે થઈ અને દિલીપ સાથે લગ્નની શક્યતાઓની વાતો શરૂ થઈ. ત્રણેક મહિના પહેલાં હું થોડા કલાકો માટે અમદાવાદમાં દિલીપના માતા-પિતા(પપ્પા-અમ્મી), બહેન અને સૌથી નાના ભાઈને મળી હતી પણ તેમનું ઘર નહોતું જોયું. ભલે છોટી સી મુલાકાત હતી પણ એકબીજા માટે આદરભાવની લાગણી સ્પષ્ટ હતી. વડોદરામાં કોઈનાં ઉછીનાં કેમેરાથી લીધેલા મારા બે ફોટા દિલીપને મોકલવામાં આવ્યાં…અને મુલાકાત માટે ભાવનગર આવવાની ગોઠવણ થવા માંડી. મને કોલેજકાળમાં ભણવામાં, નૃત્ય-સંગીતમાં તેમજ રમત-ગમતમાં ધ્યાન ખેંચે તેવી સફળતા મળેલી. જ્યારે એક વડોદરામાં ભણતા મિત્રને સરયૂના વિષે દિલીપે અભિપ્રાય પૂછેલો… મિત્રનો જવાબ હતો, “બધાંમાં અલગ તરી આવે તેવી છે.”
એ અરસામાં કોઈ મહેમાન હોટેલમાં રહે એ વિચિત્ર લાગતું. સદભાગ્યે, નજીકમાં નવી હોટેલ/રેસ્ટોરન્ટ એક નાગર બહેને શરૂ કરી હતી, ત્યાં દિલીપને રહેવાની સગવડ થઈ ગઈ. દિલીપ સાથે બે દિવસનો સમય ઘણો સહજ અને સરળ હતો. જેમકે સવાલ હોય કે, “સરયૂ તમને કયા શોખ છે?” “મને ગાવાનો શોખ છે.” હવે આવો જવાબ કોણ આપે? હું વિશેષ તૈયાર થઈને ફરવા નહોતી ગઈ, તેથી ઘણી વખત સાંભળવામાં આવ્યું કે, ‘તું કેટલી સાદી સાડી પહેરીને આવી હતી!’ પણ, પોતાનો વધુ પડતો આગ્રહ છે તેવું બતાવવા નહોતી માંગતી. આપણા દરેક આચાર પાછળ માનસિક વિચાર-સંદેશનો સંચાર હોય છે. બીજે દિવસે, દિલીપને ગાંધી સ્મૃતિમાં ચિત્રોનો વિભાગ ખાસ બતાવવા લઈ ગઈ. એક વિચાર, ‘મને આ વ્યક્તિની બાજુમાં ચાલવું ગમે છે” એ હકારાત્મક લાગણી સ્પષ્ટ યાદ છે. દિલીપ એક બાબતમાં ચોક્કસ હતા કે પોતાની જીવન સંગિનીને શાસ્ત્રીય સંગીતમાં રસ હોવો જોઈએ. ઘર તરફ જતાં, મારી ખાનગી વાતો જાણતી સખી પ્રફુલાના ઘર પાસે અમે અટક્યાં…અને એ તો બધું નક્કી જ હોય તેમ અમને વધાવતી ચાલી. ઘરે ગયાં ત્યારે પિતાજીને દિલીપ પહેલી વખત મળ્યા અને મુનિભાઈના મિત્રના મોટાભાઈ તરીકે સામાન્ય વાતચીત કરી અમદાવાદ પાછા ગયા.
બીજે દિવસે સવારમાં જ પિતાજી બેઠા હતા ત્યાં જઈને બાએ વાત શરૂ કરી. “સરયૂને દિલીપ સાથે લગ્નની વાત થઈ છે.” તેમને આ વાતના એંધાણ તો આવી જ ગયા હતા. “વાણિયા છે ને? તને બ્રાહ્મણનો અવતાર મળ્યો છે…વગેરે” પિતાજીએ તેમનો અભિપ્રાય સખત શબ્દોમાં જણાવ્યો. આગળનાં દિવસોમાં વિરોધ વધતો ગયો. એક સાંજે દિલીપના ભાઈ આવેલા અને તેમણે દિલીપના સદગુણો બતાવતી અમ્મીની લખેલી ચિઠ્ઠી બાને આપી…એ પિતાજીએ પણ વાંચી અને ત્યારે નાનાભાઈની સામે જ પિતાનો પ્રકોપ જાહેર થઈ ગયો. તેથી દિલીપના પરિવારમાં ‘અમારા મિલાપની શક્યતા નથી’…એ જાણ થઈ ગઈ. દિલીપને બીજી કન્યાઓ સાથે મન નહોતું માનતું, તેથી તેણે કહી દીધેલું કે હું લગ્ન કર્યા વગર પાછો જઈશ પણ પસંદગીમાં બાંધછોડ નહીં કરું. આ તરફ મને અમેરિકા વિશે બે ચાર મોટા શહેરોનાં નામ સિવાય બીજી કોઈ જાણકારી નહોતી. એ સમયે telephone or television અમારાં ઘરમાં ન હતાં. એક નાના radioમાં ફિલ્મ સંગીત સાંભળવાનો આહ્લાદક આનંદ મળતો હતો. ભલે બાને દિલીપે કહેલું કે, ‘ત્રણ વર્ષમાં ભારત પાછા ફરશું,’ તો પણ, બા દીકરીને એટલી દૂર મોકલવાનાં વિચારથી ગભરાતાં હતા. દિલીપ અને તેના કુટુંબનો અછડતો પરિચય…વગેરે વિચારો અમને ઘેરી વળ્યા…ખબર નથી અમેરિકામાં દિલીપ કઈ રીતે રહેતા હશે! એ સંજોગોમાં ‘પિતાને નારાજ કરી મારે લગ્ન નથી કરવા’ એવો નિર્ણય કરીને અમે ના જણાવતો પત્ર લખી દીધો.
…પરંતુ સરયૂના એક શબ્દને કારણે આખી પરિસ્થિતિ પલટાઈ…”મારું inclination નહોતું.” આ વાક્ય વાંચીને દિલીપના logical, તર્કશુદ્ધ મગજના પ્રશ્ન સાથે વળતો જવાબ આવ્યો, “તમે કહેલું કે મારા તરફથી હા છે અને તમારી બેનપણી પણ એ જતાવતી હતી. ‘મારા તરફ અનુરાગ નહોતો’ એ હું માનતો નથી. મને સમજાય છે કે તમે પિતાને નારાજ કરવા નથી માંગતા.” એ વિષય પર આગળ ‘સમાજ શું કહેશે!’ બાબત બીજો પત્ર પણ આવ્યો. એવામાં હું એક લગ્ન પ્રસંગે અમારા સગામાં ઘેરાયેલી હતી. આસપાસ નજર કરતાં વિચાર્યું કે ‘હું દુઃખમાં હોઈશ તો આમાંથી કોઈ મદદ કરવા નહીં આવે.’ ચહેરા પર “સીનેમે સુલગતે હૈ અરમાન, આંખોમે ઉદાસી છાઈ હૈ…”નો ભાવ જોઈ મામાએ પૂછ્યું, “તારે દિલીપ સાથે લગ્ન કરવા છે?” અને મેં ‘હા’ કહી દીધી. પછીથી સંદેશાની આપ-લે કરવા ટેલિફોનની ઘણી અગવડો થઈ, પણ સપ્તાહનાં અંતે, દિલીપ સાથે બે ભાઈઓ અને એક બહેન ભાવનગર આવ્યાં. મારા સસરા-પપ્પાના સૂચન સાથે અમે આર્યસમાજની વિધિથી લગ્ન કર્યા, ત્યારબાદ પિતાજીને જણાવ્યું. નરમ દિલ પિતા થોડા દિવસ નારાજ રહ્યા પણ મને સુખી જોઈ યથાવત થઈ ગયા.
આમ એક વાક્ય, ”મારું inclination નહોતું” અને સગા સાથેનાં એક દિવસના સહવાસ પછીના અંતર ઉજાસે…મારું જીવન વહેણ બદલી નાખ્યું.
ક્રમશઃ
