રજુઆતઃ સરયૂ મહેતા-પરીખ

એકાંતઃ શાંતિ, સંતોષ, આનંદ. એકલતાઃ વ્યાકુળતા,ઝંખના,હતાશા




રસિક નયણે ઈશારા દિલદાર, અલી આછેરી ઓઢણી સંવાર.
સરયૂ
સંગીતના સ્વર કેટલા પ્રમાણમાં સ્પર્શી શકે એ તો દરેક આત્માની જન્મજાત ક્ષમતા પર આધારિત છે.
ભાવનગરમાં વહેલી સવારથી મીઠા સૂરની અને ઘરકામના અવાજોની જુગલબંધી ચાલતી હોય. કોઈ ગીત વાગતું હોય એની સાથે, ‘’શિવરંજની રાગમાં લાગે છે’ કે, ‘પેલું ગીત સોહિણી રાગમાં હશે’ તેવી મમ્મીની અટકળો દિલીપ બાળપણથી સાંભળતા.
વડોદરામાં કોલેજના અભ્યાસ સાથે દિલીપનો શાસ્ત્રીય સંગીતનો રસ ઘેરો ઘૂંટાયો. અમેરિકામાં શિષ્યવૃત્તિમાંથી ડોલર બચાવીને પહેલી ખરીદી ટેપ રેકોર્ડરની કરી. વિદ્યાર્થી તરીકે પંડિત રવિશંકર અને ઉસ્તાદ વિલાયત ખાનને નજીક બેસીને સાંભળવાની અમેરિકામાં તક મળી. દિલીપની જીવનસાથીની પસંદગીમાં ’સંગીતમાં રસ હોવો જોઈએ’ એ એક આવશ્યક મુદ્દો હતો.
દિલીપ-સરયૂ પ્રિન્સટનમાં રહેતાં અને ભારતમાં પરિવારને મદદ પહોંચાડતાં…એવા વ્યવસ્થિત જીવનમાં, ૧૯૭૦ના અરસામાં, ઘણા એન્જિનિયરની માફક, દિલીપને નોકરીમાંથી લે-ઓફ મળ્યો. દિલીપ આ દેશમાં પહેલા આવનાર હોવાથી કોઈ સગા-સંબંધીની ઓથ ન હતી. યોગ્ય જોબ શોધવા પૂર્વ છેડાથી કેલિફોર્નિયા તરફ એકલા કારમાં નીકળ્યા અને જોબ મેળવ્યો.
કેલિફોર્નિયામાં સંગીતનો સુવર્ણ યુગ: કેલિફોર્નિયામાં ડિઝનીલેન્ડ નજીક વિશાળ ઘરમાં રહેવા ગયા. ૧૯૮૦ની સાલમાં ઉસ્તાદ ઝાકીર હુસૈન થોડા કલાકારોને ડિઝનીલેન્ડ લાવવાની યોજના કરે છે તેમ જાણવા મળતા દિલીપે આમંત્રણ આપ્યું. તેમાં સંતુર વાદક, પંડિત શિવકુમાર, વાયોલિન વાદક પંડિત વી.જી.જોગ, શ્રીમતી કાનન, કીચલુ, અજય ચક્રવર્તી અને અન્ય સંગત સભ્યો હતાં. અવનવા કાર્યક્રમમાં, ઉપરના વિશાળ રૂમમાં આતુર આનંદથી છલકતાં એંસી સંગીતપ્રેમીઓ ગોઠવાયાં. શ્રીમતી માલવિકા કાનનનું કંઠ સંગીત અને બીજા ભાગમાં જોગસાહેબની વાયોલિન અને ઝાકીર હુસૈનના તબલાને અજબ દાદ મળી. શિવજી અને અન્ય કલાકારો, જોગ સાહેબની વાયોલિન સાંભળવા શ્રોતાગણ સાથે બેસી ગયા હતા. હાર્મોનિયમની સંગત આપતા યુવાન (પદ્મશ્રી)અજય ચક્રવર્તીએ હસીને સ્પષ્ટતા કરી હતી, “હું એક ગાયક છું.” નવ મહેમાનો બે રાત રોકાયા. પછીના વર્ષોમાં ઘણી વખત ફરી મહેમાન બન્યા. ૧૯૮૦-૮૫માં અઢાર કાર્યક્રમો કર્યા. આ પ્રવૃત્તિઓમાં ભાઈ સંજયનો સાથ પણ હતો.
ભારતરત્ન પંડિત ભીમસેન જોશી નો કાર્યક્રમ નક્કી થયો અને પંડિતજી સમેત છ સભ્યો અમારી સાથે ચાર દિવસ રહ્યા. ૧૯૮૨માં ભીમસેનજીનો એક કાર્યક્રમ મોટા સભાખંડમાં અને બીજો અમારે ઘરે ગોઠવાયો હતો. ત્યારબાદ આવેલા ખાસ કલાકારોમાં, પાકિસ્તાની સંગીતકાર સલામત, સરોદ-વાદક અમજદ અલી, ગિરિજાદેવી,પદ્મ વિભુષણ પંડિત જસરાજ, પ્રભા અત્રે, શ્રુતિ સડોલીકર, ઈમરત ખાન જેવા ઉત્તમ કલાકારોનું આદરાતિથ્ય કરવાનો અવસર મળ્યો. છેલ્લે પદ્મ વિભૂષણ કિશોરી આમોનકરનો કાર્યક્રમ યોજ્યા પછી AT&T Bell Labsમાં જોડાઈ, ઓર્લાન્ડો, ફ્લોરિડામાં નિવાસ કર્યો.


ઊર્મિલ સંચાર, નવલિકા.
સત્યકથાઓ, કવિતા… લેખિકા. સરયૂ પરીખ.



Note: The photocopies do not justify the original art.
Saryu Parikh સરયૂ પરીખ www.saryu.wordpress.com
