નિસબત

ચંદુ મહેરિયા

ગુજરાતના જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનું સેલરા ગામ. ૫૦૦ આહિરોની વસ્તીના  આ ગામમાં ક્યારેય સરપંચની ચૂંટણી થઈ નથી. ગામના ચોરે લોકો ભેગા થાય છે અને સર્વસંમતિથી સરપંચની પસંદગી કરે છે. હિન્દુ-મુસ્લિમની સમાન વસ્તી ધરાવતા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઠામણ ગામે પણ આઝાદી પછી ક્યારેય ગામના સરપંચની ચૂંટણી થઈ નથી. એક ટર્મ હિન્દુ અને બીજી ટર્મ માટે મુસ્લિમ સરપંચની પસંદગી ગામના ૪૮૦૦ મતદારોના પ્રતિનિધિઓ મળીને કરે છે. બનાસકાંઠા જિલ્લાના સૂઈ ગામ તાલુકાના સોનેથ ગામે આ વખતે ગઈ ચૂંટણીના હારેલા ઉમેદવારોના નામની ચિઠ્ઠી ઉપાડીને વગર ચૂંટણીએ સરપંચની પસંદગી કરી છે. મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ચમનપર ગામમાં પણ આઝાદીથી આજ સુધી ક્યારેય ગ્રામપંચાયતની ચૂંટણી થઈ નથી. સમરસ ગ્રામ પંચાયતની યોજના અમલમાં આવી ત્યારથી ચમનપર સમરસ ગ્રામ પંચાયત છે.લોકતંત્રના પાયાના એકમ એવા ગામોની પંચાયતની ચૂંટણીના આ કેટલાક વિશિષ્ઠ ઉદાહરણો છે.

૧લી મે ૧૯૬૦ના રોજ ગુજરાતના  અલગ રાજ્યની રચના થઈ હતી. ૧લી એપ્રિલ ૧૯૬૩થી રાજ્યમાં ત્રિસ્તરીય (જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત) પંચાયતી રાજ અમલમાં આવ્યું છે. બંધારણના નિર્માતાઓએ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ રાજકીય પક્ષો અને તેના પ્રતીકો વિના લડાય અને ચૂંટણીના દૂષણોથી તે મુક્ત રહે તેની જોગવાઈ કરી છે. તેમ છતાં રાજકારણનાં દૂષણોથી ગામડાં પર રહી શક્યાં નથી. એટલે ક્યાંક ગ્રામજનોની આપસી સમજથી તો ક્યાંક સરકારની સમરસ ગ્રામ પંચાયત યોજનાથી ચૂંટણીઓ થતી નથી.

બહુ વાજંબી રીતે સમરસ ગ્રામ પંચાયત યોજનાને નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીકાળની દેણ મનાય છે. પરંતુ ખરેખર તો આ યોજના પ્રથમ વાર ૧૯૯૨માં ચીમનભાઈ પટેલના મુખ્યમંત્રીકાળમાં એક વરસ માટે જાહેર થઈ હતી. જોકે તેનો પધ્ધતિસર અને વ્યવસ્થિત અમલ ૨૦૦૧થી થયો છે.સેવાને બદલે મેવા મેળવવા કે પછી લોકજાગ્રતિમાં વૃધ્ધિને કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં પણ તીવ્ર હરીફાઈ થાય છે. પાંચથી પચીસ હજારની વસ્તીના ગામોમાં લોકો એકબીજાને અવારનવાર મળતા હોય છે. એટલે કોણે ચૂંટણીમાં શું ભાગ ભજવ્યો હતો તે બધા જાણે છે. પરિણામે વેરઝેર, અશાંતિ, કુસંપ , મતભેદ, મનભેદ, વૈમનસ્ય, કાવાદાવા, કલેશ, મારામારી, ધાકધમકી,  અણદીઠ હિંસા અને દાદાગીરીની સ્થિતિ સર્જાય છે. આ સ્થિતિના નિવારણ માટે ચૂંટણી ટાળીને,  વિના વિરોધ,  બિનહરીફ સરપંચ સહિત પંચાયતના તમામ સભ્યોની પસંદગીથી ગ્રામ પંચાયતની રચના થાય તે માટે ૨૦૦૧થી સમરસ ગ્રામ પંચાયતની યોજના અમલી છે. જો સરપંચ અને બધા સભ્યો મહિલા પસંદ થાય તો તે મહિલા સમરસ ગ્રામ પંચાયત બને છે.

છેલ્લે જૂન ૨૦૨૫માં ૮૩૨૬ ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ હતી. તેમાં ૫૬ મહિલા અને ૭૬૧ સામાન્ય સમરસ ગ્રામ પંચાયતો બની હતી.તે પૂર્વે ૨૦૨૧-૨૨માં ૧૧૮૯ સામાન્ય અને ૧૧૬ મહિલા સમરસ પંચાયતો હતી.  ૨૦૨૫માં ૭૬૧માંથી સૌથી વધુ ૧૦૩ સામાન્ય સમરસ પંચાયતો ભાવનગર જિલ્લામાં જ્યારે ૫૬ મહિલા સમરસ પંચાયતોમાંથી સૌથી વધુ ૯ મહેસાણા જિલ્લામાં રચાઈ હતી. ૨૦૦૧ થી ૨૦૨૩ સુધીમાં સમગ્ર રાજ્યની સામાન્ય સમરસ પંચાયતોની કુલ સંખ્યા ૧૪,૭૨૧ થઈ હતી. અમલના અઢી દાયકે કુલ  મહિલા સમરસ પંચાયતોનો આંકડો ૭૬૮એ પહોંચ્યો છે.

રાજ્ય સરકાર સમરસ પંચાયતોને ખાસ પુરસ્કાર રાશિ આપે છે. ૧૯૯૨માં માત્ર રૂ.૧,૦૦૦ રોકડ પુરસ્કાર હતો. ૨૦૦૧માં રૂ.૬૦,૦૦૦ થી રૂ.૧,૦૦,૦૦ હતો. જે હવે મહત્તમ રૂ. ૧૨ થી ૧૫ લાખ જેટલો છે. સમરસ પંચાયતની રચના એક કરતાં વધુ વખત થાય તો તે પ્રમાણે પુરસ્કાર રાશિમાં વધારો થાય છે. સરકારની પુરસ્કારની રકમ ગામના વિકાસ કામો માટે ખર્ચ કરવાની હોય છે. સરકારે નક્કી કરેલા વિકાસ કામોમાં જાહેર શૌચાલય, ચોખ્ખું પાણી, દૂષિત અને ગંદા પાણીનો નિકાલ, આરોગ્ય સેવા, આંતરિક એપ્રોચ રોડ, સ્ટ્રીટ લાઈટ, પ્રાથમિક શાળાના ઓરડા, જળ સંચય યોજના અને પંચાયત ઘરનો સમાવેશ થાય છે. આ વિકાસ કામોમાંથી યોગ્ય કામ ગ્રામસભા નક્કી કરે છે.સૌથી મહત્વની બાબત એ છે કે પહેલી વાર સમરસ ગ્રામ પંચાયત બને તે ગામમાં એક થી આઠ ધોરણની શાળાની વ્યવસ્થા સરકાર કરે છે. કમ સે કમ આટલી સગવડ માટે પણ સરકારી પ્રાથમિક શાળાવિહોણા ગામોએ સમરસ પંચાયત રચવી જોઈએ.

સમરસ પંચાયત યોજનાના સારા અને નરસા બંને પાસાં છે. જો તે ચૂંટણીના દૂષણો અટકાવે છે તો લોકશાહીમાં નાગરિકનો મહત્વનો મતદાનનો અધિકાર છીનવે છે. જે સર્વસંમતિની વાત છે તે વાસ્તવિક છે કે દેખાડો તે વિચારણીય પ્રશ્ન છે. ગામના હિત ધરાવતા તત્વો, સ્થાપિત હિતો કે પ્રભુત્વ ધરાવતા લોકો પંચાયત પર પોતાનું વર્ચસ કાયમ રહે તે માટે સમરસનો ખેલ કરતા હોવાની ટીકા થાય છે. વળી ગામમાં જ્ઞાતિ અને પૈસાનો ભેદ તો તરત દેખાય છે. એટલે રાજકીય નેત્રુત્વમાં દેખાતી સમરસતા સામાજિક સમરસતા તો બનતી જ નથી. સરકારી ઠરાવ ” વિકાસ કામો માટેનું હકારાત્મક વાતાવરણ ઉભું કરવા સમરસ પંચાયતની રચનાનો હેતુ”  હોવાનું જણાવે છે. એટલે વિકાસ કામો માટે ચૂંટણી ટાળવામાં આવે તેવો અર્થ થાય? શું ચૂંટણીઓ વિકાસ માટે અવરોધક છે? જે પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે તે પ્રોત્સાહન છે કે પ્રલોભન ? તેવો પણ સવાલ ઉઠે છે. વળી ત્રણ કે પાંચ લાખ રૂપિયાની રકમ વિકાસ કામો માટે બહુ જ ઓછી ગણી શકાય તેમ પણ અનુભવે જણાય છે. માત્ર રાજકીય નેતાઓ  જ નહીં સરકારી અધિકારીઓ પણ સમરસ ગ્રામ પંચાયતો રચાય તે માટે એડીચોટીનું જોર લગાવે છે. પરંતુ સમરસ ગામોની સંખ્યા વધવાથી સ્થાનિક સ્તરે ચૂંટણી પ્રક્રિયા અને ફલસ્વરૂપ લોકતંત્ર ખતમ થઈ જશે તેની કોઈને ચિંતા નથી.

Illustration: Yogendra Anand / CSE
          સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

સમરસતા મૂળભૂત રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિચાર છે. સમરસતા સમાનતાનો ભાસ  ઉભો કરે છે. વાસ્તવમાં સમરસતા એટલે કથિત ઉચ્ચ કે પ્રભુત્વ ધરાવતા વર્ણોમાં અન્યનું સમાઈ જવું તે છે. જ્યારે સમાનતાનો ખ્યાલ જુદો છે. સમાનતામાં દરેક એક સરખા હોય છે અને કોઈએ બીજામાં સમાઈ જવાનું નથી..

૧૪ એપ્રિલ ૧૯૮૩ના રોજ ફૂલે-આંબેડકર ભૂમિ  મહારાષ્ટ્રમાં ‘ સામાજિક સમરસતા મંચ’ની સ્થાપન થઈ હતી. એ પ્રસંગે સંઘ વિચારક દત્તોપંત ઠેંગડીએ બે પ્રવચનો આપ્યા હતા. આ પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પુસ્તકાકારે પ્રગટ થયો છે. જાણો છો અનુવાદક કોણ હતા? તત્કાલીન સંઘ પ્રચારક અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી.  આ પ્રવચનોનો પ્રધાનસૂર એ હતો કે કેવળ સમરસતાના માર્ગે જ સમતા આવી શકે છે. પરંતુ તે સત્ય નથી. સમરસતાથી સમાનતા શક્ય બનતી નથી તે પચીસ વરસોથી ગુજરાતમાં અમલી સમરસ ગ્રામ પંચાયતોના અનુભવો પરથી કહી શકાય છે. એક રીતે તો સમરસ ગ્રામ પંચાયત યોજના સમરસતાના સંઘ વિચારનું ભારતીય જનતા પક્ષે અમલી કરેલું રાજકીય રૂપ છે.

વાદ નહીં, વિવાદ નહીં કેવળ સંવાદ એ સમરસ પંચાયતનો મંત્ર છે પરંતુ વર્ણ અને વર્ગમાં આડો અને ઉભો વહેંચાયેલો અને વહેરાયેલો ગુજરાતી અને ભારતીય ગ્રામ સમાજ આભડછેટથી માંડીને અનેક પ્રકારના ભેદભાવો , વાદ-વિવાદથી  ખદબદે છે. તે અંગેનો કોઈ સંવાદ શક્ય  જ નથી. અભ્યાસો જણાવે છે કે જ્યારે ગામમાં મહિલા કે દલિત સરપંચનું પદ અનામત આવે છે ત્યારે જ લોકોને સમરસ પંચાયત  કરવાનું સૂઝે છે. એ રીતે સક્ષમ મહિલાઓ અને દલિતોને  સરપંચ બનતા અટકાવી પોતાના કહ્યાગરા વ્યક્તિઓને આગળ કરાય છે. આખરે આપણું ધ્યેય સમરસ જ નહીં એકરસ એવા સમાન સમાજનું છે. પરંતુ સામાજિક સમાનતા વિનાની રાજકીય સમરસતા અર્થહીન છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.