પ્રીતિ શાહ-સેનગુપ્તા
આઠ-દસ હજાર ફીટ ઊંચે ઊડતાં ઊડતાં, ઍમૅઝોનીય ગણાતા અત્યંત ગીચ જંગલમાં ઊંડે ઊંડે છુપાયેલો રહેલો કોઈ જળ-પ્રપાત જોવા મળે, તો તે પળોને વિશિષ્ટ જ કહેવી પડે. ગયાનામાં નદીઓ જ એટલી બધી છે, કે એમના પરથી પડતા ધોધ ત્રણસોથી વધારે હોવાનું ગણાય છે. પણ એ બધાંમાં મોટામાં મોટો તે છે આ કાઇયેટ્યર પ્રપાત.
પાકારાઇમા કહેવાતા પર્વતીય પ્રદેશમાં થઈને જતી પોટારો નદી ક્યાંક અચાનક દેખાવા માંડે છે, ત્યારે રૂપેરી સેંર જેવો એનો પ્રવાહ, સૅન્ડસ્ટોનના બનેલા ઘણા પાષાણો પરથી જતો હોય છે. એવી જ અચાનક કોઈ પળે, પાષાણની અર્ધ-ગોળાકાર કિનારી પરથી, ખૂબ ઝડપ અને જોરની સાથે, પ્રવાહ નીચે તરફ ઝંપલાવે છે. પાણી ક્યાંક ઝાંખા, ને ક્યાંક ઘેરા બદામી-કેસરી રંગ જેવું દેખાય છે.

અમાપ અનહદમાં ઊડતા કોઈ નાનકડા પંખી જેવા સૅસ્ના વિમાનમાંથી થયેલું આ અનન્ય વિહંગાવલોકન હતું. કુદરતનું અસાધારણ રહસ્ય અમને નરી આંખે જોવા મળ્યું હતું. એવી જ રીતે, સહેજ વારમાં, એ દૈવી દૃશ્ય આંખથી ઓઝલ પણ થઈ ગયું, અને એક નાના ખુલ્લા મેદાનમાં વિમાન નીચે ઊતરી આવ્યું.
વિમાનથી જરાક જ દૂર, કોલોનિયલ શૈલીનું એક મકાન હતું. એમાં થોડી સગવડ બનેલી હતી – ટૉઇલૅટ, ટેબલ-ખુરશી, માહિતી આપતા કાગળો, પરિસરનો નકશો, અને એક ઓરડો, જેમાં અમેરીન્ડિયન કહેવાતી તળ-જાતિના લોકો દ્વારા બનાવેલી થોડી નાની ચીજો વેચવા મૂકેલી હતી. ધીરે ધીરે કરતાં, આ ધોધ જોવા આવનારાં પ્રવાસીઓની સંખ્યા વધતી ગઈ છે. વર્ષમાં સાડા છ-સાત હજાર લોકો અહીં આવે છે.
‘અમેરિકાનાં ઇન્ડિયન’ – એ પરથી ‘અમેરીન્ડિયન’ શબ્દ બનાવાયો છે, અને સમગ્ર કરીબિયન દેશોની જુદી જુદી તળ-જાતિઓની પ્રજાને માટે એ વપરાય છે. ગયાનાની સરકાર એ ચોકસાઈ રાખે છે, કે દેશના બધા નેશનલ પાર્કના વિસ્તારમાં કામ કરનારાં દરેક જણ અમેરીન્ડિયન તળ-જાતિઓનાં હોય. આ માટે, નજીકનાં અમેરીન્ડિયન ગામોમાંનાં, લાયક તથા રસ ધરાવતાં, સ્ત્રી-પુરુષોને ટ્રેઇનિન્ગ આપવામાં આવે છે.

પ્રવાસીઓને જાતે જાતે આ પરિસરમાં ફરવાની મનાઈ છે. ને તેથી, એક અમેરીન્ડિયન યુવાન ગાઇડ અમારા વિમાનની રાહ જોઈને ત્યાં ઊભો હતો. એનું નામ રૉમૅલ હતું, એ સારું અંગ્રેજી બોલતો હતો, અને અમને ઘણી માહિતી પૂરી પાડતો રહ્યો.
એક હજારથી પણ વધારે કિ.મિ.માં પથરાયેલો આ પરિસર કાઇયેટ્યર નેશનલ પાર્ક કહેવાય છે. ૧૯૨૦ના દાયકામાં સ્થાપિત થયેલો આ સુરક્ષિત પરિસર આખા દક્ષિણ અમેરિકા મહાખંડમાં જૂનામાં જૂનો ગણાય છે. અહીં આવનારા દરેક જણે બહુ કડક નિયમો પાળવાના હોય છે. જેમકે, ક્યાંય કોઈ પણ જાતનો કચરો કરાય નહીં, કશું ફેંકાય નહીં, ને અહીંથી કશું લેવાય નહીં – એક પથરો પણ નહીં, કે ઘાસની એક પત્તી પણ નહીં. અને ધૂમ્રપાનની તો અહીં વાત પણ ના કરાય.
અહીંથી હવે અમારે બે કલાકનું ચાલવાનું હતું. પરિસરને જોતાં જોતાં, કાઇયેટ્યર ધોધની પાસે જવાનું હતું. જૂથમાંનાં એક-બે જણને ચિંતા થયેલી, કે ચલાશે આટલું બધું. આમ તો, બહુ ચઢવા-ઊતરવાનું નહતું, પણ પ્રાચીન પાષાણોમાંથી બનેલા નાના પથરા જડેલી કેડી તદ્દન સપાટ તો નહતી જ.
સારું એ હતું, કે કેડી પહોળી હતી, એના પર કોઈ ઝાડ-ઝાંખરાં નહતાં, અને ચાલતાં ચાલતાં કોઈ વનસ્પતિને અડકવું નહતું પડતું. અહીં અમુક છોડ ઝેરી હોય છે. રૉમૅલે એવા છોડ બતાવ્યા. એવા કાર્નિવોરસ પ્લાન્ટ જીવજંતુ તેમજ માખી-મચ્છરોને ખાઈ જતા, કે મારી નાખતા હોય છે. આ કારણે અહીં મચ્છરોનો ઉપદ્રવ નહતો, અને એની દવા હાથ-પગ ને કપડાં પર છાંટવાની જરૂર નહતી.
અમે ચાલવા તો માંડેલાં, પણ સૂર્ય અનહદ ઉગ્ર હતો. એનો તાપ અત્યંત તીવ્ર હતો. પાછળથી એનાં તપ્ત કિરણોનાં તીર છૂટતાં હતાં. પીઠ પર જાણે અંગારા ચંપાતા હતા. કપડાંની નીચેથી ત્વચા બળતી હતી. બેએક જણે માથે ટોપી પણ નહતી પહેરી. ચિંતા થાય, કે રખેને એમને મૂર્છા આવી જાય.
આવી શરૂઆત થઈ, તે પછી થોડી વારે કેડી અમને જંગલની અંદરના ભાગમાં દોરી ગઈ. ત્યાં કૈંક રાહત મળી. નજીક આવી ગયેલી વનસ્પતિની વચમાંથી જતા પથ ઉપર વૃક્ષોની ઘટા બનતી હતી. હવે તડકો અને છાંયો વારાફરતી આવતા રહેતા હતા.
આ ભાગમાં ચાલતાં સંભાળવું તો પડતું જ હતું. આખા પથ પર થઈને, આસપાસનાં સદીઓ જૂનાં વૃક્શોનાં લાંબાં, જાડાં, મૂળિયાં વળ ખાતાં પડ્યાં હતાં. જાણે જંગલની જમીનની અસંખ્ય નસો નીકળી આવી હતી. ડાળી-પાંદડાંનાં છત્ર નિરાંત આપતાં હતાં, અને લાગતાં હતાં પણ સારાં, છતાં, પગને ઠોકર ના વાગે તે જોઈ-સાચવીને તો ચાલવું જ પડતું હતું.
હજી ધોધથી થોડે દૂર જ હતાં, ને પછડાતાં પાણીનો ઘુઘવાટ સંભળાવા લાગેલો. હવામાં ભીનાશ પણ વર્તાવા માંડી હતી. બસ, હજી થોડું વધારે આગળ જવાનું હતું.

કાઇયેટ્યર મહાપ્રપાત દૃશ્યમાન થયો ત્યારે એને ત્રણ રીતે જોવા પામ્યાં. પહેલાં તો દૂરથી દેખાયો, પછી ઘણે પાસે પહોંચીને જોયો, અને એક તરફની ભેખડ પર જઈને એને જરા ઊંચેથી પણ જોયો. પાણી જોરથી પછડાતું હતું, પોતાના જ નિમ્નગામી વેગથી બનતી કૃદ્ધ શીકરો છેક ઉપર તરફ ઊઠતી હતી, ને તે કારણે, આ મુખ્ય ધોધ ૨૨૬ મિટર ઊંચો છે છતાં, એ પરિમાણ તો નજરે જ નથી ચઢતું.
ઉપરવાસમાં, નદીનું વહન ધીમું છે, અને તટ કૈંક છીછરો હશે, કારણકે એમાં ઘાસનાં અનેક ઝુંડ બનેલાં હતાં. ઘણાં ટટ્ટાર ઊભેલાં હતાં, તો કેટલાંકની લાંબી, લીલી પત્તીઓ આડી થઈ ગયેલી હતી. જાણે પાણીમાં લહેરાતી હતી. ને ત્યાં તો જોયું એક મેઘધનુષ્ય પણ.
હવે જાણે ત્રણ ઇન્દ્રિયોને પરમ સુખ મળ્યું હતું. પ્રપાતનો રવ કર્ણપ્રિય હતો, ઊડી આવતી ભીનાશ સ્પર્શપ્રિય હતી, અને મેઘધનુષ્યનું સૌંદર્ય ચક્ષુપ્રિય હતું.
ક્રમશઃ
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

very good experience shared.
LikeLike