આદિમુદ્રિત ગ્રંથવૈભવ
નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’માં ઓગણીસમી-વીસમી સદીનાં, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં, આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.
‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’ વિશેનો પરિચય લેખ આ લીન્ક પર વાંચી શકાશે.
https://webgurjari.com/2025/12/15/vintage-classic-lierature-preface/
ભરતખંડના રાજ્યકર્તા / ઔરંગઝેબ
બીરેન કોઠારી

પુસ્તક ક્રમાંક: ખ ૯૦/ ૦૦૫૫૫
પુસ્તકનું નામ: ભરતખંડના રાજ્યકર્તા / ઔરંગઝેબ
મૂળ લેખક: સ્ટેન્લી લેન-પૂલ
ગુજરાતીમાં ભાષાન્તરકર્તા: ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ, ‘ગુજરાતી’ના તંત્રી
પ્રકાશન વર્ષ: –
કિંમત: –
પૃષ્ઠસંખ્યા: ૨૫૧
વિગત: ગુજરાતી ભાષામાં ચરિત્રાત્મક સાહિત્ય ઓછું છે અને પ્રાચીન તેમજ અર્વાચીન કાળના અનેક પ્રતાપી તેમજ ખ્યાતનામ શાસકો વિશેની માહિતી જૂજ હોવાનું આ ગ્રંથના પ્રકટકર્તા ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ અંગ્રેજીમાં લખેલી પોતાની પ્રસ્તાવનામાં જણાવ્યું છે. ક્લેરેન્ડન પ્રેસ ઑફ ઑક્સફર્ડ દ્વારા પ્રકાશિત તેવીસ પુસ્તકોની આવી શ્રેણી પૈકી દસ પુસ્તકોને ગુજરાતીમાં ઉતારવા માટે પસંદ કરાયાં છે. એ પૈકીનું એક પુસ્તક એટલે આ.
કુલ બાર પ્રકરણમાં વહેંચાયેલા આ પુસ્તકમાં ‘અકબરનો વારસો’ અને ‘ઔરંગઝેબનું કુટુમ્બ’ પછી પ્રથમ પ્રકરણ ‘શાહજાદો’ અને અંતિમ પ્રકરણ ‘ઔરંગઝેબની પડતી’ છે. તેમના જન્મથી લઈને તેમના મૃત્યુ સુધીનો સમગ્ર જીવનકાળ આ પ્રકરણોમાં આવરી લેવાયો છે.
આ પુસ્તક નીચેની લીન્ક પર વાંચી શકાશે.
https://rekhtagujarati.org/ebooks/stanley-lane-pole-ebooks
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

ભાઈ બીરેન આવી માહિતી આપીને આપણને ગૌરવ પમાડે છે કે આવી સુંદર રચના નડિયાદમાં ઉપસ્થિત થઇ ને આપણી સમક્ષ રજુ છે. હવે નડિયાદ જાવાનું વધારે મન થાય. ગુજરાતીઓ પણ જો ગુજરાતી અને ગુજરાતને સાચવી રાખે તે જ અપેક્ષા હવે રાખવી જરૂરી છે જયારે આપણા જ બાળકો આજે ગુજરાતી લખતા વાંચતા અંગ્રેજી સ્કૂલો નું જ પ્રાધાન્ય હોવથી અલોપ થઇ ગયું છે કે પછી ઘણું ઓછું થઇ ગયું છે. હમણાં જ એક સમારંભ માં કેટકેટલીયે ગુજરાતી ચોપડીઓ નું કોઈ મફત મળતી હોવા છતાં લેનાર જ નોહ્તું. એવી એવી ચોપડીઓ કે જે જમાના માં તેઓ પબ્લિશ થઇ હશે ત્યારે તેની પડાપડી થઇ હશે. ‘ઘાયલ’ નું પુસ્તક નું લેનાર કોઈ નોહ્તું. એક વડીલ ભાઈ પોતાના ચશ્મા ઉંચાનીચા કરીને સમારંભ દરમ્યાન તે ટેમ્પરરી હાથમાં અમસ્તું વાંચવા લીધેલ પુસ્તક વાંચી રહ્યા હતા. આમ પરિસ્થિતિ છે. કમભાગ્યે દરેક જગ્યાએ આ સ્થિતિ છે. પણ આપણા જેવા સૌ નવી જનરેશન ને જો પ્રોત્સાહિત કરી શકે તો કેવું સારું? આવા સ્મારક જેવા ઉપસ્થાનો એવું કરવામાં કેટલો ભાગ લેશે તે જ જોવાનું. સારું કાર્ય કરનારા પોતે ઘણું ઘણું પોતાના વિચારો પ્રમાણે કરે છે. નવી પેઢીને આ એક સંદેશ આપવાની ઘણી જરૂર છે. બાળકોને મોટા થતા થતા ગુજરાતી પ્રસન્ગોમાં લઇ જવા અને જુના નવા કવિઓ અને લેખકો ની ઓળખાણ અપાવવી તે જરૂર નું બની ગયું છે. Dilipbhai Kapasi
LikeLike