નિસબત

ચંદુ મહેરિયા

સર્જાતા સાહિત્યનું આત્મકથા સ્વરૂપ મોટેભાગે આપવીતી, સ્મરણો કે બચાવનામા માટે આલેખાતું હોય છે. ઓશો રજનીશ આત્મકથાને અહંકાર કથા કહેતા હતા. પરંતુ માનવ ઉત્ક્રાંતિના સત્યના શોધક ચાલ્સ ડાર્વિન( (જન્મ- ૧૨મી ફેબ્રુઆરી, ૧૮૦૯, અવસાન- ૧૯મી એપ્રિલ, ૧૮૮૨ )ની આત્મકથા જરા જુદા ઉદ્દેશથી લખાયેલી છે.

ડાર્વિન લિખિત પચાસ કરતાં વધુ પુસ્તકો તેમની હયાતીમાં જ પ્રકાશિત થયાં છે. પરંતુ તેમણે આત્મકથા પોતાના સંતાનો માટે જ લખી હતી અને પ્રગટ કરી નહોતી. વ્યક્તિગત અને અંતરંગ પ્રકારનું આ આત્મકથ્ય તેમના પુત્ર ફ્રાન્સિસ  ડાર્વિને  તેમના અવસાન પછી સંપાદિત કરી પ્રગટ કર્યું હતું. અવસાનના છ વરસો પૂર્વે ૧૮૭૬માં આ આત્મકથા લખાઈ હતી. તેમાં ડાર્વિનના મન અને વ્યક્તિત્વ વિકાસનું એટલું સરસ આલેખન છે કે ‘ જે વ્યક્તિને ડાર્વિનની આત્મકથાની ખબર નથી તે ડાર્વિન વિશે કશું જાણતો નથી’  એમ કહેવાય છે. મૂળે રી-કલેક્શન્સ ઓફ ડેવલપમેન્ટ ઓફ માય માઈન્ડ શિર્ષકે લખાયેલી અને CHARLES DARWIN’S AUTOBIOGRAPHY[1] ( હિંદી અનુવાદ- ચાલ્સ ડાર્વિન કી આત્મકથા) નામે છ પ્રકરણો અને ૧૦૪ પૃષ્ઠમાં સંપાદિત ડાર્વિનની આત્મકથા સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ છે.

ડાર્વિને આત્મકથામાં લખ્યું છે તે પ્રમાણે ભણવામાં તેઓ નાની બહેન કરતાં પણ નબળા હતા અને બીજા  અનેક બાળકોની જેમ તોફાની હતા. આઠ વરસની વયે તેમણે માતા ગુમાવ્યા હતા. તેમના પિતા એટલા ધનાઢ્ય હતા કે તેમને ક્યારેય જીવનનિર્વાહ માટે કોઈ કામ-ધંધો કરવો પડ્યો નથી.શાળા શિક્ષણમાં ઠોઠ ડાર્વિનની રુચિ પ્રકૃતિને જાણવામાં તેજ હતી. જીવ-જંતુ, વનસ્પતિ, પશુ-પંખી અને જમીનના સૂક્ષ્મ  અવલોકનો કરવા અને તેની નોંધો કરવી, નિશાનેબાજી અને શિકાર તેમના પ્રિય કામો હતા.પરંતુ પિતાને આ ગમતું નહીં.એટલે પિતાએ એક વાર કહ્યું હતું ” તું ખુદના માટે અને પરિવાર માટે એક કલંક બની રહેશે. ”

૧૮૨૮ થી ૧૮૩૧ સુધી ડાર્વિન કેમ્બ્રિજ-એડિનબર્ગમાં ભણતા હતા. પિતા તેમને ડોકટર બનાવવા માંગતા હતા પરંતુ તેમનું ચિત્ત બીજી દિશામાં હતું.એટલે તેમને ધાર્મિક શિક્ષણ અપાવી પાદરી બનાવવા વિચાર્યું. આ માટે ડાર્વિન પણ તૈયાર થઈ ગયા. કોઈ ગ્રામીણ વિસ્તારમાં પાદરીનું કામ કરવાનો વિચાર તેમને ગમ્યો હતો એટલે  તેમણે ધર્મશાસ્ત્રો સંબંધી પુસ્તકો વાંચવા માંડ્યા. આત્મકથામાં ડાર્વિન લખે છે,”  પછીથી કટ્ટરપંથીઓએ (જે રીતે મારા ઊત્ક્રાંતિવાદના સિધ્ધાંતની)  ટીકા કરી તેને જોઈને મને એ વાત ભારે વિચિત્ર લાગી કે મેં કદી પાદરી બનવાનું વિચાર્યું હતું”

ભૂસ્તરશાસ્ત્ર, પ્રકૃતિ વિજ્ઞાન, જીવશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, તત્વજ્ઞાન અને સાહિત્યમાં ડાર્વિનની રુચિ હતી. તેઓ તેમના રસ-રુચિના વિષયના અભ્યાસ માટે કઠોર પરિશ્રમ કરતા હતા. તેમણે લખ્યું છે કે, ”  કોઈ વ્યક્તિ જેટલો કઠોર પરિશ્રમ કરી શકે છે, મેં એટલો પરિશ્રમ કર્યો છે. આનાથી વધુ પરિશ્રમ કોઈ ન કરી શકે” દુનિયાના સર્વેક્ષણ માટે દરિયાઈ સફરે જતા બીગલ જહાજમાં એક પ્રકૃતિ વિજ્ઞાનના ચાહક તરીકે ડાર્વિનને જગ્યા મળી. અતિ જોખમી અને સાહસપૂર્ણ એવી સમુદ્રી જ્ઞાનયાત્રા લગભગ પાંચ વરસ( ૨૭ ડિસેમ્બર, ૧૮૩૧ થી બીજી ઓકટોબર ૧૮૩૬) ચાલી હતી. સંશોધક ડાર્વિને આ યાત્રામાં ભરપૂર કામ કર્યું. સવા મહિનો ગાલાપાગોસના નિર્જન ટાપુ પર ગાળ્યો. હજારો નમૂના એકઠા કર્યા અને તેથી પણ વધુ હજારો પાનાંની નોંધો તથા ટિપ્પણીઓ તેમણે પ્રવાસ દરમિયાન કરી હતી.

આત્મકથાના અંતિમ પ્રકરણમાં ડાર્વિને તેમના વિવિધ પુસ્તકો વિશે લખ્યું છે. ” ઓરિજિન ઓફ સ્પીસીઝ”  તેમનું કીર્તિદા પુસ્તક છે. પુસ્તકનું આખું નામ તો લગભગ ૨૫ શબ્દોનું છે. ડાર્વિનને ઉત્ક્રાંતિવાદનો વિચાર કોઈ તેજ ઝબકારની રીતે આવ્યો નહોતો..પરંતુ તેની પાછળ તેમની ૨૦ વરસોની જ્ઞાન અને સંશોધન સાધના  હતી. ૧૮૫૯માં “ઓરિજિન ઓફ સ્પીસીઝ”  પ્રગટ થયું ત્યારે ભારે ખળભળાટ મચ્યો હતો.  માનવ ઉત્ક્રાંતિ અંગેની ધાર્મિક અને પરંપરાગત માન્યતાઓ કરતાં તે જુદા વિચારો ધરાવતું હતું. આ પુસ્તકના લઘુ સંસ્કરણની ૧૨૫૦ નકલો પ્રકાશનના દિવસે જ વેચાઈ ગયાનું ડાર્વિને નોંધ્યું છે. જેમાં ડાર્વિને મનુષ્યના વંશજ તરીકે વાનરને દર્શાવ્યા છે તે પુસ્તક ” ડિસેન્ટ ઓફ મેન” છે. જે ૧૮૭૧માં પ્રગટ થયું હતું. તે પછીના વરસે ” એક્સ્પ્રેશન ઓફ ધ ઈમોશન્સ ઈન મેન એન્ડ એનિમલ” પ્રકાશિત થયું હતું. કોઈ સામાન્ય લેખકની જેમ ડાર્વિન પણ પોતાના પુસ્તકોની કેટલી નકલો વેચાઈ અને તેની કેટલી સમીક્ષાઓ પ્રગટ થઈ તેની નોંધ રાખતા હતા અને આત્મકથામાં તે હરખ –શોક સાથે જણાવે પણ છે.

ડાર્વિનની તસવીરોમાં તેઓ લાંબી દાઢીધારી અને ગંભીર પ્રકૃતિના જણાય છે. પરંતુ આત્મકથામાંથી પસાર થતાં તેમની ભીતર રહેલું સંવેદનશીલ માનવ હ્રદય દેખાઈ આવે છે. એડિનબર્ગમાં એક સંશોધકના સહાયક તરીકે કામ કરતા બ્લેકનો ઉલ્લેખ તે આદર સાથે કરે છે. આ શ્યામવર્ણી વ્યક્તિ પક્ષીઓની ખાલ ભરીને તેને જીવિત પક્ષીનો આકાર આપી વેચવાનું કામ કરતો હતો. ડાર્વિન તેને પૈસા આપીને તેના જ્ઞાનનો લાભ લેતા હતા.

જે બીગલ જહાજના કપ્તાન ફિટ્જ-રોયની  કૃપાથી ડાર્વિનને તેમની કેબિનના એક ભાગમાં યાત્રા કરવાનો મોકો મળ્યો હતો તેમણે બીગલ બ્રાઝિલમાં હતું ત્યારે એક વાર વાતચીતમાં ગુલામી પ્રથાની સરાહના અને સમર્થન કર્યુ. ડાર્વિનને ગુલામી પ્રથા સામે વિરોધ અને ઘૃણા હતી. એટલે આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ અને કેપ્ટને ગુલામીના વિરોધની દલીલો કરવા બદલ  ડાર્વિનને લાફો મારી કાઢી મૂક્યા હતા.બાવીસ વરસના યુવાન ડાર્વિને આ અપમાન સહી લીધું પણ ગુલામીનું સમર્થન ન કર્યું. એક મહાન વૈજ્ઞાનિકની આ સામાજિક નિસબત સલામલાયક છે.

સાહિત્ય , સંગીત, નાટક, કવિતા, વાચન વગેરે તેમના જીવનના ભાગ હતા. જોકે સમય બદલાતાં  તેમની રસરુચિ પણ બદલાઈ હતી. આત્મકથામાં ડાર્વિન પોતાનો મત કે અભિપ્રાય બેઝિઝક આપે છે. જેમકે સ્કૂલી છાત્ર તરીકે શેક્સપિયરના નાટકો તેમને વાંચવા ગમતાં અને આનંદ આપતા હતા પણ ઉમરના  પાછલા પડાવે તેમને શેક્સપિયર વાંચવા અસહ્ય, નિરસ અને ઉબાઉ લાગ્યા હતા. નવલકથાના સુખાંતના તેઓ તરફદાર હતા એટલું જ નહીં નવલકથાના દુખાંત વિરુધ્ધ કાયદો બનાવવો જોઈએ તેમ માને છે. શિકારને તેઓ એક પ્રકારનું  બૌધ્ધિક કાર્ય ગણે છે. શિક્ષણ અને શિક્ષકો વિશે પણ તેમણે આકરી ટીકાઓ કરી છે.

” વિજ્ઞાન પ્રત્યે પ્રેમ, કોઈ વિષય પર લાંબા સમય સુધી ચિંતન કરવાનું અસીમ ધૈર્ય, તથ્યોને સંકલિત કરી પ્રેક્ષિત કરવા માટેનો પરિશ્રમ , પર્યાપ્ત કલ્પનાશીલતા અને સહજ બુધ્ધિ” ને ડાર્વિન અતિ નમ્રતા સાથે પોતાની સાધારણ વિશેષતાઓ જણાવે છે. તેમને એ વાતનું  આશ્ચર્ય છે કે ” આટલી સાધારણ વિશેષતાઓ છતાં કેટલીક મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક ધારણાઓને તેમણે ઘણી હદે પ્રભાવિત કરી છે.”

ડાર્વિનના જન્મને બસો કરતાં વધુ અને ઊત્ક્રાંતિવાદના સિધ્ધાંતને દોઢસો કરતાં  વધુ વરસો પસાર થઈ ગયા છે. પરંતુ ડાર્વિન અને તેમનો ઉત્ક્રાંતિવાદ વધુને વધુ પ્રસ્તુત છે ત્યારે ગુજરાતના વિજ્ઞાનચાહકો અને અનુવાદકો માટે એ પડકાર છે કે હવે ગાંધી ગિરા ગુજરાતીને વધુ સમય માટે ડાર્વિનની આત્મકથાથી વંચિત ન રાખે.


[1] The Autobiography of Charles Darwin by Charles Darwin


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.