નિસબત

ચંદુ મહેરિયા

પત્રકારત્વના વિદ્યાર્થીઓને સમાચારની વ્યાખ્યા સમજાવતા એવું કહેવામાં આવે છે કે કૂતરું માણસને કરડે તે સમાચાર નથી પરંતુ માણસ કૂતરાને કરડે તે સમાચાર છે. જોકે આજકાલ તો કૂતરાં માણસને કરડે છે તે સમાચારો અખબારોસહિતના માધ્યમોમાં છવાયેલા છે. માણસને કૂતરાં કરડે છે તે એટલી મોટી સમસ્યા અને સમાચાર છે કે તેની સુનાવણી દેશની સર્વોચ્ચ અદાલતમાં થઈ રહી છે! સુપ્રીમ કોર્ટની જે બેન્ચ આ બાબતની સુનાવણી કરી રહી છે તેના એક સભ્ય જસ્ટિસ વિક્રમનાથનું કહેવું છે કે વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે મને જેટલી પ્રસિધ્ધિ નથી મળી એટલી આ કૂતરાની સુનાવણીના જજ તરીકે મળી છે! એટલે માણસ કૂતરાને કરડે તે જ સમાચાર અસામાન્ય નથી પણ કૂતરું માણસને કરડે અને તે અંગે સુપ્રીમ કોર્ટના જજો સુનાવણી કરે તે પણ અસામાન્ય સમાચાર છે.

ડીજેના ઘોંઘાટથી આપણે સૌ ત્રાહિમામ છીએ પરંતુ તેને અટકાવવા કે તેના વિરોધમાં ભાગ્યે જ કશુંક કરીએ છીએ. આપણે ડીજેના હેવાયા થઈ ગયા છીએ પણ જાનવરોનું એવું નથી. ૨૦૨૫ની અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં ડીજેના અવાજોથી રથયાત્રામાં સામેલ હાથીઓ એટલા ડિસ્ટર્બ થઈ ગયા હતા કે તે ભીડમાં જ રુમલાયા હતા પરિણામે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.ઝાલોદ રોડ પર છૂટ્ટા ચરતા ૫૫ જેટલા ગધેડા નજીકની રેલીના ડીજે પરના ધમાકેદાર સંગીતથી ભડકીને ભાગ્યા હતા. બે મહિના સુધી શોધખોળ કરી પણ ગધેડા મળ્યા નહીં એટલે દાહોદ પોલીસમાં ફરિયાદ થઈ હતી.

ઘણા ડિગ્રી વગરના નકલી ડોકટરના દવાખાના ડોકટરોની અછતના લીધે ધમધોકાર ચાલે છે. સરકાર ક્યારેક તપાસ કરે છે અને નકલી ડોકટરોને પકડે છે. જામનગર તાલુકાના દરેડ ગામે પકડાયેલા બોગસ મહિલા તબીબનું નામ  બોઘીબહેન હતું. નામ ભલે બોઘી હતું પણ તેમનું કામ અક્કલવાળું હતું નહીં? અમેરિકાની ઓનલાઈન ફિટનેસ બેન્ક ગ્રાહકોને તેમની બચત અને રોકાણ પર તે રોજ કેટલાં ડગલાં ચાલે છે અને કઈ ફિટનેસ પ્રવૃતિઓ કરે છે તેના આધારે વ્યાજ આપે છે. રસ્તા વચ્ચે બેસતી ગાયોથી આપણે પરેશાન છીએ. ગાયોના શરીર પર માખી કે બીજા જીવજંતુ બેસે છે તે વાહનોની અવરજવરથી લાગતા પવનથી ઉડી જાય છે એટલે તે રસ્તા વચ્ચે બેસે છે. હવે જાપાનના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે જો ગાયોના શરીર પર ઝેબ્રા જેવા પટ્ટા રંગવામાં આવે તો તેને કારણે ગાયોને માખીઓના ત્રાસમાંથી મુક્તિ મળશે અને રાહદારીઓ તથા વાહનચાલકોને રાહત થશે.

રાજધાની દિલ્હીનું એક દંપતી નવી કાર ખરીદવા શોરૂમ પર ગયુ. તેમણે મહિન્દ્રા થાર ખરીદી  હતી. કારની ચાવી દંપતીને સોંપવામાં આવી પછી તેમણે નવી કારની પૂજા કરી અંતે કારનું પૈડું લીંબુ નીચે ચઢાવવાની વિધિ માટે તેમણે એક્સિલેટર દબાવ્યું અને કાર શોરૂમના કાચ તોડી પહેલા માળેથી પાંચ ફૂટ નીચે પટકાઈ હતી. તેમાં નવી કારના મહિલા માલિક અને શોરૂમના કર્મચારી ઈજાગ્રસ્ત થયા હતા.

લગ્નોના સમાચારો એટલા તો મસાલેદાર હોય છે કે તેમાં કશું સામાન્ય હોતું જ નથી. ઉત્તરપ્રદેશના એક ગામમાં લગ્નની પહેલી રાત્રે જ વરરાજા ગુમ થઈ ગયા હતા. સુહાગરાતે સુહાગ ગાયબ થઈ જવાથી ધમાચકડી મચી ગઈ. ત્રણ દિવસ બાદ તેમનો હરિદ્વારથી પત્તો મળ્યો. વરરાજાનું કહેવું હતું કે તેઓ સુહાગરાતે બહુ બેચેની અનુભવતા હતા એટલે ગુમ થઈ ગયા હતા. કેવા મજાના સમાચાર છે નહીં? લગ્નની તારીખ નક્કી હતી અને બે દિવસ પહેલાં વરરાજાનો પગ તૂટ્યો, પગે પ્લાસ્ટર આવ્યું. પગમાં પ્લાસ્ટર સાથે વરરાજા હોસ્પિટલના બેડ પર સૂતા હતા અને કન્યાએ સાત ફેરા લીધા. હોસ્પિટલનો વોર્ડ ઘડીવાર માટે તો લગ્ન સ્થળ બની ગયો હતો.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

એક પુત્રના બાપે  ત્રણ વરસના લગ્ન જીવન પછી ટ્રાન્સજેન્ડર બનવા છૂટાછેડા માંગ્યાની વિચિત્ર ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બની હતી. કર્ણાટકના બેંગલુરુના બિરાદર કેડી છૂટાછેડાથી  એટલા તો ખુશ થયા કે તેમણે દૂધથી સ્નાન કર્યું હતું. ઉપરાંત હેપી ડિવોર્સ લખેલી કેક કાપી હતી. યુપીના બરેલીની ફેમિલી કોર્ટના જજસાહેબે ડિવોર્સના કેસની સુનાવણીમાં જે મહિલાને સાસુસસરા ગમતા નથી અને એકલો પતિ કે વિભક્ત કુટુંબ ગમે છે તેમણે તેમના બાયોડેટામાં જ સાસુસસરા કે સંયુક્ત કુટુંબ વગરનું ઘર જોઈએ છે તેમ લખવાની સલાહ આપી હતી. છત્તીસગઢની આદિવાસી પરંપરા મુજબ જો આદિવાસી કન્યા બિનઅદિવાસીને પરણે તો જમાઈએ બકરાં-મરઘાં ભાત ખવડાવવો પડે. એક જમાઈએ તેનું પાલન ન કરતા ૫૦૦ આદિવાસીઓ તેમના ઘરે ધામા નાંખીને બેસી ગયા હતા.

કેરળના સબરીમાલા મંદિરના ગોલ્ડ કૌભાંડનું એક પાસું એ પણ છે કે મંદિરના ગર્ભગૃહને સોનાથી મઢવા દાન કરનારા દાતાશ્રી કોઈ કાયમી આવક જ ધરાવતા નથી! સોમનાથ મંદિરના પૂજારીને દૈનિક પૂજામાં બેદરકારી બદલ ૧૯૯૧માં સસ્પેન્ડ કરવામાં  આવ્યા હતા.. આ બાબત કોર્ટકચેરી થઈ અને ૨૪ વરસ તપાસ ચાલી અંતે લેબર કોર્ટ અને હાઈકોર્ટે પૂરતા પુરાવાના ભાવે પૂજારીનું સસ્પેન્શનની રદ કર્યું તથા  આઠ લાખ વળતર અપાવ્યું હતું.

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાની એક મહિલાને  રોજના સાઠ- સિત્તેર રોટલા ઝાપટી જવાની બીમારી  છે. બ્રિટનના યોર્કશાયરની કિશોરી સોળ વરસે સાઠ વરસની દાદી જેવી લાગવાની દુર્લભ બીમારીનો ભોગ બનેલી છે. પુડુચેરીની અન્ડર -૧૯ ટીમમાં સમાવેશ ન થવાથી ગુસ્સે થયેલા ખેલાડીઓએ તેમના કોચ પર શરીરે બે ડઝન ટાંકા આવે અને ખભો તૂટી જાય તેવો હુમલો કર્યો હતો.એક ગુરુને  અનેક શિષ્યો હોય એવું તો સાંભળ્યું છે પરંતુ અનેક ગુરુઓ ચેલાઓની પ્રતીક્ષામાં પગાર મેળવતા હોવાનું સાંભળ્યું છે કદી?  ભારતની લોકસભામાં લેખિત જવાબમાં કહેવાયું છે કે દેશમાં ૫૧૪૯ શાળાઓમાં  એક પણ વિધ્યાર્થી નથી પરંતુ ૧.૪૪ લાખ શિક્ષકો આ શાળાઓમાં ફરજ બજાવે છે.

ઓસ્ટ્રેલિયામાં વિદેશી મુસાફરોને વિમાનમાં ફૂલો અને પાંદડા લાવવા માટે પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે. કેરળના અભિનેત્રી નવ્યા નાયર ૧૫ સેમીનો ચમેલીનો ગજરો લઈને પ્રવાસ કરતાં તેમને નિયમ ભંગ બદલ રૂ. ૧.૧૪ લાખનો દંડ થયો હતો.

જગત જમાદાર એવા મેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિના નોબેલ માટે પોતાને હકદાર માનતા હતા. ૨૦૨૫ના વરસમાં ૯૪ સંસ્થાઓ અને ૨૨૪ વ્યક્તિઓ શાંતિના નોબેલ માટે નામાંકિત હતા.પરંતુ તેમાં શ્રીમાન ટ્રમ્પનું નામ નહોતું.એટલે તેમણે બીજાનું નોબેલ પોતાને નામે ટ્રાન્સફર કરાવી લીધું. આમેય રાજકારણ અને રાજકારણીઓના સમાચારો માણસ કૂતરાને કરડે તેવા જ હોય છે. તેમાં ટ્રમ્પ મહાશય શિરમોર છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.