વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

“અમે છીએ એવાં ભાગ્યશાળી સંતાન,
કોઈ ન હોઈ શકે અમારાથી મહાન,
રવિ કિરણોથી ઝળહળ, નીલ ગગન સુધી અમારી ઉડાન.

પહેલી વાર વિમાનમાં લંડન જવાના અનેરા આનંદ અને ઉત્સાહ સાથે બાળપણના આ ગીતને યાદ કરીને સુદામ ભટ્ટ ખુદને ભાગ્યશાળી માનીને ખુશી અનુભવી રહ્યા. દિવસના ઉજાસમાં વાદળોની ઉપર ઊડતું વિમાન, રાતના અંધકારમાં તારામંડળની જેમ ઝગમગતો પ્રકાશ જોઈને સુદામ ભટ્ટ રોમાંચિત થઈ ઊઠ્યા.

વિમાનની તેજ ગતિની સાથે એટલી જ તેજ ગતિથી મન ગામ તરફ ધસી રહ્યું હતું. ગામની હાઇસ્કૂલના સન્માનીય શિક્ષક સુદામબાબુ હાલમાં નિવૃત્ત થયા. ગામના મોટાભાગના વૈશ્ય, ખેડૂત અને શુદ્ર શ્રેણીના અભણ લોકોની વચ્ચે એક માત્ર બ્રાહ્મણ પરિવાર એટલે અમુક લોકો તો જાતિભેદના લીધે એમની પાસે આવતા ડરતા. શિક્ષક હોવાની સાથે કર્મકાંડમાં પારંગતતાના લીધે એ વિવાહ, ગૃહપ્રવેશ ઉપરાંત શ્રાદ્ધ પણ કરાવતા એથી સૌ એમને ગોસાંઈ મહાપ્રભુના નામથી બોલાવતા.

એમના દીકરા તપનને ઉચ્ચ શિક્ષણના લીધે ચેન્નઈની મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી મળી. કંપનીએ એને પાંચ વર્ષ માટે લંડન મોકલ્યો.

સુદામબાબુ નોકરીમાંથી નિવૃત્ત થાય એ પહેલાં એમની પત્નીનું અવસાન થવાના લીધે સુદામબાબુ એકલા થઈ ગયા. તપને જીદ કરીને એમને લંડન બોલાવ્યા. સુદામબાબુ રૂઢિચુસ્ત હોવાના લીધે ખાવા-પીવાની સમસ્યા થશે એવી ખબર હતી. આ સમસ્યાને લીધે એમને લંડન જવાની જરાય ઇચ્છા નહોતી, પણ તપનનું ઘણું સમજાવ્યા બાદ રાજી થયા.

તપનના પાંચમા માળે આવેલા અપાર્ટમેન્ટના ઝરુખામાં ઊભા રહીને જે લંડન દેખાયું એમાં ભલે વતનની માટીની સુગંધ નહોતી, પણ મન પ્રસન્ન થઈ જાય એવો મનોરમ્ય નઝારો જોઈને સુદામબાબુ ખુશ થઈ ગયા. આકાશની લાલિમા તો જાણે કોઈ સુંદરીની માથે પૂરેલા સિંદૂર જેવી ભાસી. ગગનચુંબી મકાનોની નીચે સડકો પર દોડતી ગાડીઓ, બસો, પગપાળા કે સાઇકલ પર  જતા લોકો, દૂરથી દેખાતી રમકડાં જેવી મેટ્રો ટ્રેનો જોઈને સુદામબાબુ તો ભારે અચંબિત.

“બાબુજી, પહેલાંનું થોડું કામ બાકી છે. મારે ઑફિસે વહેલા જવાનું છે. હું ઑફિસની કેન્ટિનમાં જમી લઈશ. આજે તમારું લંચ ઑનલાઇન ઓર્ડર કરી દીધું છે. કાલથી જમવાનું ઘેર બનાવીશું.” કહીને તપન તૈયાર થઈને ઑફિસે જવા નીકળ્યો.

જોકે સુદામબાબુએ બહારનું ખાવા કરતા ફળ ખાવાનું પસંદ કર્યું. લિટલ ઈંડિયા તરીકે ઓળખાતા સાઉથૉલ વિસ્તારમાં તપન રહેતો. સાંજ પડે સુદામબાબુ ચાલવા નીકળતા. રસ્તાની બંને બાજુની હોટલ, સ્ટોર, દુકાન અને રેસ્ટોરાંનાં નામ પણ ભારતીય હતાં.

એક દિવસે ‘મહારાજા’ નામની રેસ્ટોંરાની બહાર બેસીને વાતો કરતી થોડી પ્રૌઢ વ્યક્તિઓને જોઈને સુદામબાબુ અટકી ગયા. દેખાવે ભારતીય લાગતા આ સૌ હિંદી મિશ્રિત ઉર્દૂમાં વાત કરતા હતા. એ લોકોની વાતચીતમાં સુદામબાબુને રસ પડતા ત્યાં બેસવાનું મન થયું. એટલામાં બેઠેલી વ્યક્તિઓમાંથી કોઈએ રેસ્ટોરાંના માલિક ભટ્ટબાબુને ચાનો ઓર્ડર આપવા બૂમ મારી.

રેસ્ટોરાંના માલિકનું નામ કુલનામ ભટ્ટ સાંભળીને આજ સુધી બહારનું પાણી પીવા સુદ્ધાંના વિરોધી સુદામબાબુએ ખુશ થઈને ચાનો ઓર્ડર આપ્યો.

એ દિવસથી રોજ સાંજે ‘મહારાજા’ હોટલમાં ચા પીવાનો, રાત્રે નવ વાગ્યે તપન આવે ત્યાં સુધી સૌની સાથે બેસવાનો સુદામબાબુનો ક્રમ બની ગયો.

અનાયાસે એક દિવસ કુલનામ ભટ્ટ સાથે સુદામબાબુને વાત કરવાની તક મળી. સુદામબાબુએ પોતાની ઓળખ આપતા કુલનામ ભટ્ટની સાથે વાત માંડી. કુલનામ ભટ્ટના પિતા પણ ભારતથી આવ્યા હતા. રોજની મુલાકાતના લીધે બંને વચ્ચે મિત્રતા બંધાઈ અને સુદામબાબુ એ પૌઢ વ્યક્તિઓના ગ્રુપમાં પણ ભળી ગયા. રવિવાર કે રજાના દિવસોમાં બંધુ-ભોજનમાં સુદામબાબુને આમંત્રણ મળવા માંડ્યા.

જ્યારે જ્યારે સુદામબાબુ બહાર ફરતા ત્યારે નાતિ-જાતિના ભેદ વગર મળતા, ભળતા ભારતીય યુવાન-યુવતીઓને જોઈને એમના રૂઢિવાદી માનસને થોડો આંચકો લાગતો.

એક સાંજે ભટ્ટબાબુને કુલનામ ભટ્ટના ઘેર જમવાનું આમંત્રણ મળ્યું. ‘અતિથિ દેવો ભવઃ’માં માનતા કુલનામ ભટ્ટના ઘેર સુદામબાબુનું ઉષ્માભર્યું સ્વાગત થયું. સરસ મઝાનું ઘર, ઘરમાં મુમતાઝ- શાહજહાં, તાજમહાલ જેવી તસવીરો જોઈને સુદામબાબુ રાજી થયા કે, વાહ, ધન્ય છે આ લોકો જે ભારતનો ઇતિહાસ પરદેશ સુધી લઈ જાય છે.

ઔપચારિક વાતોથી શરૂ થઈને બંનેના પરિવાર સુધીની અંગત વાતો થતી રહી.

કુલનામ ભટ્ટના પિતા મૂળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગિલગિટ અને બાલિસ્તાનના નિવાસી હતા. વિભાજન સમયે કોઈ અંગ્રેજની મદદથી ઈંગ્લેન્ડ આવ્યા હતા. ઘરઘરાઉ કામ કરતા કરતા  હોટલના માલિક બન્યા. પિતાજીના મૃત્યુ બાદ હવે કુલનામબાબુ હોટલ સંભાળે છે, વગેરે વગેરે..

“તો પછી હોટલનું નામ મહારાજા કેમ?” સુદામબાબુએ પૂછી જ લીધું.

‘વાત જાણે એમ છે’ કે, કહીને કુલનામ ભટ્ટે વાત માંડી.

“અહીં બહોળી સંખ્યામાં ભારતીયો છે વળી વિશ્વભરમાં પાકિસ્તાનીઓની તુલનામાં વિશાળ સંખ્યામાં ભારતીય રહેવાસી અને પ્રવાસીઓ છે. ભારતીયો વિદેશ આવીને ભારતીય રેસ્ટોરાંનું ભારતીય ખાણું જ પસંદ કરે છે એટલે ભારતીયોને આકર્ષિત કરવા પિતાજીએ ‘મહારાજા’ નામ રાખ્યું.

“વર્તમાનમાં અને ખાસ કરીને ૯/ ૧૧ ના ટ્વિન-ટાવર પરના આતંકી હુમલાના લીધે ઈંગ્લેન્ડ, અમેરિકા, યુરોપના લોકો પાકિસ્તાનીઓ સાથે વ્યવહાર રાખવાનું પસંદ નથી કરતા. એમની નફરત અને થોડા ડરને લીધે અનેક મુસ્લિમોની જેમ હું પણ મારો અસલી પરિચય છુપાવીને ભારતીય તરીકે ઓળખાવાનું પસંદ કરું છું.

“હોટલ પર સદંતર ભારતીય પોષાક અને પરંપરા સાચવું છું,પણ મારું ખરું નામ મકબૂલ ભટ્ટ છે. અમે કઈ જાતિના છીએ એની જાણ નથી, પણ અમે ઈસ્લામ ધર્મનું પાલન કરીએ છીએ.”

કુલનામ ભટ્ટની વાતથી આંચકો ખાઈ ગયેલા સુદામ ભટ્ટના પેટમાં વમળ ચઢ્યાં. જે કંઈ ખાધું એ હમણાં જ બહાર નીકળી જશે એવા ડરથી એ ઓડકાર પર ઓડકાર ખાવા માંડ્યા. હવે અહીં એક પળ રોકાવાની ઇચ્છા મરી પરવારી. છતાં, ઘરની બહાર નીકળવામાં એમને વિવેક આડો આવતો હતો.

સુદામ ભટ્ટના મનની સ્થિતિથી અજાણ મકબૂલ ભટ્ટ વાત આગળ વધારતા બોલ્યા,

“સત્તરમી સદીમાં પશ્ચિમ ભારત પાકિસ્તાન ઈસ્લામી રાજ્યમાં પરિવર્તિત થઈ ગયું, પણ હિંદુ-મુસ્લિમનાં કુલનામમાં સમાનતા રહી ગઈ. કેટલાક કાશ્મીરી ભટ્ટે ઈસ્લામ ધર્મનો સ્વીકાર કર્યો, પણ એ સૌના પૂર્વજ હિંદુ હતા. કેટલાક પાકિસ્તાની કે બાંગ્લાદેશીઓએ વિદેશ આવીને ભારતીયતા ન છોડી.

“હાલમાં રશિયા-યુક્રેન યુદ્ધમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓએ ભારતનો ત્રિરંગો ફરકાવીને પોતાની જાન બચાવી એમ અમે સૌએ પણ સલામતી માટે ભારતીય મુખવટો પહેરી રાખ્યો છે.”

હવે સુદામબાબુના મનમાં શીત યુદ્ધ શરૂ થયું. ખુદની સમીક્ષા કરતા કરતા એક નિષ્કર્ષ પર પહોંચ્યા કે, ખરેખર કોણે મુખવટો પહેર્યો છે અને કોનો મુખવટો ઉતરી ગયો, એમનો કે મકબૂલ ભટ્ટનો? પોતે કરેલા પ્રશ્નથી મકબૂલ ભટ્ટે પહેરેલો ભારતીય મુખવટો ઉતરી ગયો છે કે વાસ્તવમાં પોતે જાતિ-ધર્મના નામે પહેરેલો અહંકારનો મુખવટો મકબૂલ ભટ્ટની વાતથી ઉતરી ગયો?

મહેમાનગતિ માટે આભાર માનીને સુદામબાબુ નીકળ્યા ત્યારે વાદળોની આડશ ખસી જતા પૂર્ણરૂપે ચમકતા ચંદ્રની જેમ એમનો ચહેરો પણ ચમકી રહ્યો. સાપ પોતાના શરીર પરથી કાંચળી ઉતારે એમ એમના વિચારોની શુદ્રતાનું આવરણ ઉતારી ગયું.

ગામમાં મુઠ્ઠીભર માનવીઓ વચ્ચે રહીને કૂવામાંના દેડકાની જેમ સંકુચિત વિચારોમાં રાચતા હતા એમાંથી જાતને વિશ્વ-માનવરૂપે જોતા થયા.

ભલે વિશ્વભરમાં ભારતીયતાનો મુખવટો પહેરીને ફરતા લોકો પોતાનો મુખવટો ઉતારે કે નહીં, પણ આજે સુદામબાબુ અને મકબૂલ ભટ્ટના મુખવટા તો ઉતરી જ ગયા હતા.


દાશરથિ ભૂયાં લિખિત, ડૉ. ભગવાન ત્રિપાઠી અનુવાદિત ઉડિયા વાર્તાને આધારિત ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.