નિસબત
ચંદુ મહેરિયા
રોજ આપણે છાપામાં ચોરીના સમાચાર વાંચતા હોઈએ છીએ. મંદિરે જતાં વૃધ્ધા, , મોર્નિંગ વોક માટે નીકળેલા સિનિયર સીટિઝન, બજારે ખરીદી કરતાં ગૃહિણીની બુકાનીબંધ બાઈક સવારે સોનાની ચેઈન ખેંચ્યાના કે મોબાઈલ ઝૂંટવ્યાના, ઉનાળામાં ઘરની અગાસીએ સૂતેલા કે ઘર બંધ કરી બહાર ગયેલા લોકોના ઘરનાં તાળા તૂટ્યાના સમાચાર કોઈ પણ દિવસના અખબારના કોઈક પાને જરૂર જડી આવે છે. દેશમાં દર પાંચ સેકંડે ચોરીનો એક બનાવ બને છે અને ઈન્ડિયન પિનલ કોડ કે ભારતીય ન્યાય સંહિતા મુજબ ચોરી એ ગુનો છે. આ અપરાધની સજા પણ કાયદામાં મુકરર થઈ છે.
ચોરી એટલે કોઈ વ્યક્તિની માલિકીની કે કબજા હેઠળની જંગમ સંપત્તિ તેની સંમતિ વિના, અપ્રમાણિકતા આચરીને કે ખોટી રીતે લઈ લેવી, પડાવી લેવી. હવે ચોરીઓ પણ હાઈટેક બની છે. તે માત્ર ચેઈન સ્નેચિંગ સુધી મર્યાદિત નથી રહી. તેમાં નવી નવી તરકીબો અજમાવીને, મસમોટી વસ્તુઓની ચોરીઓ થાય છે.
સુરતની એક જ્વેલરી શોપમાં ચોરી કરવાના ઈરાદે ચોરે ત્રીજી દુકાન ભાડે રાખી હતી. એક રાત્રે ચોરીનો મોકો મળતાં તેણે પોતાની ભાડાની દુકાનમાંથી બાજુની દુકાનમાં અને તેમાંથી જ્યાં ચોરી કરવાની હતી તે સોના-ચાંદીની દુકાનની દીવાલમાં બાકોરું પાડ્યું. છે ને નવતર તરકીબ! લગભગ બે લાખના ચાંદીના દાગીના તેણે ચોર્યા પણ નસીબ વાંકુ તે અમદાવાદ પોલીસની તપાસમાં રસ્તે જ પકડાઈ ગયો.
મંદિરે, રસ્તે, બજારમાં, ઓફિસે જતાં– આવતાં કે ઘરે ચોરી થાય અને ચોર ભાગી જાય એ તો સમજાય એવું છે પણ કુદરતી હાજતે કોઈ જાય અને ચોરી થાય? ગાંધીનગરમાં ભાડેથી રીક્ષા ફેરવતા આધેડ રસ્તે સાચવીને રીક્ષા મૂકી કુદરતી હાજતે ગયા અને તેમની રીક્ષા ચોરાઈ ગઈ! આવી પણ ચોરી થાય છે.
ચોર ચોરી કરતાં પૂર્વે અને દરમિયાન કેવી કેવી ટેકનિકો અપનાવે છે અને સાવધાની રાખે છે તેની માહિતી સુરતની હીરા પેઢીમાં થયેલી ૩૨ કરોડના હીરાની ચોરીના બનાવમાં જાણવા મળે છે. ચોરી કરતાં પહેલાં ચોરોએ કંપનીના સીસીટીવી અને ફાયર એલાર્મ તોડી નાંખ્યા હતા અને ડીવીઆર ઉઠાવી ગયા હતા. તે પછી તેમણે ગેસકટરથી તિજોરીમાં બાકોરું પાડી ૩૨ કરોડના હીરા અને રૂ. પાંચ લાખ રોકડા ચોરી લીધા હતા. જો તસ્કરો આવી કોઈ સાવધાની ન રાખે તો પરિણામ શું આવે? વડોદરાની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનું એટીએમ તોડવા ઘૂસેલા ચોરે રૂપિયા ભરેલા બોક્સનું તાળું હથોડીથી તોડતાં જ સીસીટીવીનું મોનિટરીંગ કરતાં મુંબઈ બેઠેલા કર્મચારીને ખબર પડી.તેણે સીસીટીવીના સ્પીકરથી ચોરને ” તુમ કૌન હૌ? મશીન ક્યોં તોડ રહે હો?” એમ પૂછતાં ચોરભાઈ ગભરાઈને ભાગી ગયા..
સામાન્ય રીતે રૂપિયા-પૈસા, સોના–ચાંદીના ઘરેણા, હીરા-મોતી જેવી કિંમતી વસ્તુઓની ચોરી થાય છે. એટલે કે ચલ સંપત્તિ જ ચોરાય છે. પરંતુ ચોર જેનું નામ! તે અચલ ને પણ ચલ બનાવી જાણે છે. જુનાગઢના દાતારના જંગલમાં ચંદનના કિંમતી ઝાડ કાપી ચોરી જવાનો બનાવ નોંધાયો છે. વળી આ ચોર છેક મધ્યપ્રદેશના કટનીથી હથિયારો સાથે ટ્રેનમાં જુનાગઢ આવ્યા હતા. જો કોઈ વ્યક્તિ ઊઠાવીને કે લઈ જવાના ઈરાદે કે વેચી મારવાના ઈરાદે ઝાડ કાપે તો તે કાયદાની વ્યાખ્યામાં ચોરી ગણાય છે.
અમદાવાદના જુહાપુરા વિસ્તારની દુકાનમાં ૧૧ વિદેશી પોપટની ચોરી કરવામાં આવી હતી. આ પોપટ કોઈ સામાન્ય પોપટ નહોતા. એકની કિંમત રૂ. લાખ-દોઢ લાખ હતી એટલે રૂ. ૧૫ લાખના ૧૧ પોપટ ચોર્યા હતા. તહેવારોમાં કે સામાજિક-ધાર્મિક પ્રસંગોએ સાફસફાઈ કરવા આવતા મજૂરો નાની-મોટી ચોરી કરતાં હોવાનું તો સાંભળ્યું છે પણ ગાંધીનગર જિલ્લાના કુડાસણના એક બંગલામાં દિવાળીએ સાફસફાઈ કરવા આવેલા મજૂરો બંગલાના માલિકની રિવોલ્વર કારતુસ સાથે ચોરી ગયા હતા. પરંતુ તેમની ચોરી લાંબી ના ટકી અને પોલીસની ઝડતીમાં પકડાઈ ગયા.
સોનાનો હાર, બંગડી, હીરા, રોકડ, ચંદનના ઝાડ, પોપટ અને રિવોલ્વર જ નહીં મરઘાંની પણ ચોરી થઈ છે. તેલંગાણાના મહેબૂબનગર જિલ્લાના એક ગામના ગરીબ પશુપાલકના ઘરેથી ચોરે મરઘાંની ચોરી કરી હતી. પરંતુ તે ગામમાં જ વેચવા જતાં લોકોના હાથે ઝલાઈ ગયો હતો.
આખરે લોકો ચોરી કરે છે શા માટે? નાણાંભીડ, આર્થિક જરૂરિયાત, દવાખાનાના ખર્ચને પહોંચી વળવા- ટૂંકમાં ગરીબીને કારણે લોકો ચોરી કરતાં હોય છે. પરંતુ બધા ચોર કે બધી ચોરીઓ કંઈ એવી નથી હોતી. કોઈ થ્રીલ માટે ચોરી કરે છે તો કોઈ મોજશોખને પહોંચી વળવા પણ ચોરી કરે છે. માત્ર પુરુષો જ નહીં મહિલાઓ પણ ચોરી કરે છે. ચોરી કરવામાં કોઈ એક ધર્મ કે જ્ઞાતિના લોકોનો ઈજારો નથી. ગરીબોની જેમ અમીરો પણ ચોરી કરે છે. બસમાં કે ટ્રેનમાં જ નહીં વિમાનમાં પણ ચોરીઓ થાય છે. પ્રેમ લગ્ન કરનાર યુવકને કન્યાપક્ષને ચાર લાખ રૂપિયા આપવાના હતા. તે માટે તેણે ચોરી કરી હતી. પત્નીની મોંઘા આઈફોનની માંગણી પૂરી કરવા પતિએ ચોરી કરી. પકડાયો નહીં એટલે ચોરીના રવાડે ચડ્યો હતો. પોતાની પ્રેમિકા સાથે ચંદ્ર પર સેક્સ કરવાનું સ્વપ્ન પૂરું કરવા અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાના એક કર્મચારીએ પોણા બે કરોડના ચંદ્રના દુર્લભ પથ્થરોની ચોરી કર્યાનો બનાવ અમેરિકામાં બન્યો હતો.
હવે તો ચોરીનો વ્યાપ વધ્યો છે અને તેના સ્વરૂપ બદલાયાં છે. અમીરો કરચોરી કરે છે, શોષકો શ્રમિકોનો પસીનો ચોરે છે, નિર્ધન રોટલો ચોરે છે અને નેતા મત ચોરે છે. વિધ્યાર્થી પરીક્ષામાં ચોરી કરે છે અને શિક્ષક ભણાવવામાં ચોરી કરે છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના ચોરીના આંકડા ચોંકાવનારા છે. આખા દેશમાં ૨૦૨૩માં રૂ. ૬૯૧૭.૨ કરોડની ચોરી થઈ હતી. રાજધાની દિલ્હીમાં ચોરીથી થયેલું નુકસાન રૂ.૬૮૮.૬ કરોડનું હતું. એનસીઆરબીના અહેવાલ પ્રમાણે ૨૦૨૩માં ૬૨.૪૧ લાખથી વધુ ચોરીના નોંધાયેલા ગુના હતા. ૨૦૨૨ કરતાં તેમાં ૭.૨ ટકાની વૃધ્ધિ થઈ હતી.

દેશની એક લાખની વસ્તીએ ચોરીના બનાવોની રાષ્ટ્રીય સરેરાશ ૪૯.૫ છે. સૌથી વધુ અરુણાચલમાં ૯૪.૧ છે. ગુજરાતમાં ૨૬.૯ની સરેરાશ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી છે પરંતુ ઉત્તરપ્રદેશની સરેરાશ ૧૮.૬ થી વધુ છે. ચોરીના બનાવોમાં વધારો થયો છે પણ ચોરાયેલો માલ પરત મેળવવામાં ઘટાડો જોવા મળ્યો છે. આખા દેશમાં ચોરીનો વસૂલાત કે પરત સંપત્તિનો દર ૨૦૨૧માં ૩૦.૨ ટકા હતો, ૨૦૨૨માં ૩૬ ટકા અને ૨૦૨૩માં ૨૯.૯ ટકા હતો.
ગાંધીજીના અગિયાર વ્રતોમાં સત્ય અને અહિંસા પછી ત્રીજા સ્થાને રહેલું ચોરી ના કરવી એ વ્રત નમ્રપણે દ્રઢ કેવું આચરાય છે તે તો દેશમાં એક મિનિટે એક ડઝન ચોરીના બનાવો બને છે તેના પરથી સમજાય છે. ભવ્ય ભારત ભૂમિમાં ચોર છે તો દાતારો પણ છે. એટલે એરણની ચોરી અને સોયના દાનનો ઘાટ છે. લાગે છે દેશમાં ન ચોરી મટવાની છે ન દાનત.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
