કૃષ્ણ દવે
મમ્મી પપ્પાઓ જરા થોભજો !
ફેમસ બનાવવાની આપશ્રીની ઇચ્છાને નાનકડા ખભ્ભે ના થોપજો
મમ્મી પપ્પાઓ જરા થોભજો !
પોપટની જેમ બધુ પટ પટ બોલાવશો તો વિડિયાઓ વાયરલ પણ થાશે
શું થાશે ? “સમથીંગ છું” એવો એકાદ રોગ બચપણથી ઘર કરી જાશે !
બોર ખાવા જાશો તો કાંટા પણ વાગશે જ, પોતે પોતાને જરા રોકજો
મમ્મી પપ્પાઓ જરા થોભજો !
છાંટી છાંટીને તમે મહેકાવ્યે રાખશો પણ અત્તર તો કાલ ઊડી જાશે
પ્લાસ્ટિકના ફૂલોનું એક જ છે દુઃખ એ તો ખરવાનું સાવ ભૂલી જાશે
પોતાની મોજથી જે ટહુકા કરે ને ભાઈ એને ના કોઈ દિવસ ટોકજો
મમ્મી પપ્પાઓ જરા થોભજો
