ધિક્કારનાં ગીતો

એક સ્ત્રી સામે વાંધો પડે ત્યારે ગામ આખાની સામે આખી સ્ત્રી જાતિની બદબોઈ કરવી એ યોગ્ય નથી જ.

દીપક સોલિયા

આજા મેરી બાહોં મેં આ… આ ગલે લગ જા… શારીરિક નિકટતા માટેનાં આ પ્રકારનાં આમંત્રણો મોટે ભાગે પુરુષ દ્વારા સ્ત્રીને અપાતાં હોય છે. આવી પહેલ કરવામાં સ્ત્રી કમસે કમ આરંભિક તબક્કે શરમાળ હોય તે એક સ્વાભાવિક બાબત ગણાય છે. એવું જાણે સ્વીકારાઈ ચૂક્યું છે કે કોઈ હસીના કદમ પહલે બઢાતી નહીં.

છતાં, હિન્દી ફિલ્મોમાં એકદમ ઓછાં છતાં યાદગાર ગીતો એવાં છે ખરાં, જેમાં સ્ત્રી સામે ચાલીને પુરુષને આમંત્રણ આપતી હોય. આવું એક ગીત છે, લગ જા ગલે કે ફિર યે હંસી રાત હો ના હો (ફિલ્મઃ વો કૌન થી). ધ મોસ્ટ રોમેન્ટિક સોંગ ઓફ ધ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હરીફાઈ યોજાય તો આ ગીત પાતળી તો પાતળી બહુમતીથી ચૂંટાઈ શકે ખરું. પાસ આઈયે કે હમ નહીં આયેંગે બાર બાર… જી ભર કે દેખ લિજીયે હમ કો કરીબ સે… સ્ત્રી દ્વારા અપતાં આવાં બોલ્ડ નિમંત્રણો ધરાવતા આ ગીતની વિશેષતા, અસરકારકતા, કાતિલતા એમાં સમાઈ છે કે એ ગીતમાં પ્રણય ઉપરાંત ઉદાસી પણ છે. અને સસ્પેન્સ પણ ખરું. આ આખું કોમ્બિનેશન ગીતને ધારદાર બનાવે છે.

પુરુષને નિમંત્રણ આપતી સ્ત્રીનું એક બીજું અત્યંત લોકપ્રિય ગીત છે બાહોં મેં ચલે આઓ... (ફિલ્મઃ અનામિકા). આ ગીતમાં પણ એકલો હાર્દિક રોમેન્સ નથી. એમાં શારીરિક રસિકતા ઉપરાંત હળવું રમતિયાળપણું પણ છે. એમાં પુરુષ વચ્ચે વચ્ચે શશશશ્… કહીને સ્ત્રીને તેનું વોલ્યૂમ ધીમું કરવા વિનવે છે. પણ સ્ત્રી ખીલી ઊઠી છે. એ બિન્ધાસ્ત થઈને કહે છેઃ હમસે સનમ ક્યા પરદા… ઓ… હમસે સનમ ક્યા પરદા… કમસે કમ આજ તો ખુલકે મિલો જરા હમસે.

આ ફિલ્મ અનામિકામાં સિચ્યુએશન એવી છે કે એક અજાણી, આફતગ્રસ્ત હિરોઈન (જયા ભાદુરી)ને હીરો (સંજીવ કુમાર) ઘરે લઈ આવે છે અને યાદદાસ્ત ગુમાવી ચૂકેલી (એવો દેખાડો કરતી) એ સ્ત્રીને ઘરમાં રાખે છે ત્યારે એક રાતે આ નારી બિન્ધાસ્ત ઘરધણીને નિમંત્રે છેઃ બાહોં મેં ચલે આઓ.

હીરો બિચારો અગાઉ પ્રેમમાં પછડાટ ખાઈ ચૂક્યો હોવાને કારણે નારીવિરોધી હતો. છતાં આ અજાણી અનામિકાના આહ્વાનોને તે અવગણી નથી શકતો અને એ પ્રેમમાં પડી જાય છે.

બાદમાં હીરોને એવી માહિતી મળે છે કે આ અનામિકાનો ભૂતકાળ ખરડાયેલો છે. પછી શું? હીરો તરત એવું વિચારી લે છે કે બધી જ સ્ત્રીઓ ખરાબ હોય છે એવી એની ધારણા ખોટી નહોતી.

પછી તો એક પાર્ટીમાં, અનેક લોકોની હાજરીમાં હીરો-હિરોઈન ભેગા થાય છે ત્યારે હીરો લલકારે છેઃ

મેરી ભીગી ભીગી સી પલકોં પે રહ ગએ
જૈસે મેરે સપનેં  બિખર કે
જલે મન તેરા ભી કિસી કે મિલન કો
અનામિકા તૂ ભી તરસે.

ગીત પાર્ટીમાં ગવાઈ રહ્યું છે. ગાતાંગાતાં હીરોની નજર ઓળખીતાઓ સાથે મળે છે ત્યારે તે ઔપચારિક સ્મિત પણ રેલાવે છે. પરંતુ હસવા છતાં, શાંત રહેવા છતાં તે પોતાની વ્યથા સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરે છેઃ

તુઝે બિન જાને, બિન પહચાને, મૈંને હૃદય સે લગાયા
પર મેરે પ્યાર કે બદલે મેં તૂને, મુઝકો યે દિન દિખલાયા
જૈસે બિરહા કી રુત મૈંને કાટી, તડપ કે આહેં ભરભર કે
જલે મન તેરા ભી કિસી કે મિલન કો અનામિકા તૂ ભી તરસે.

હું તને ઓળખી ન શક્યો, હું ઉલ્લુ બન્યો. પણ ઠીક છે, જેવી રીતે હું તડપ્યો એવી રીતે તું પણ તડપે એવી બદદુઆ આપ્યા પછી પણ હીરોનું પેટ નથી ભરાતું. ભાઈશ્રી પાછા લેખક છે (અને નાયિકા લેખકની મોટી ફૅન છે). શબ્દો સાથે પનારો પાડવાનું હીરોને સારું ફાવે છે. એટલે એ પોતાની હૈયાવરાળ વધુ આકરા શબ્દોમાં વ્યક્ત કરતાં કહે છેઃ

આગ સે નાતા, નારી સે રિશ્તા, કાહે મન સમઝ ન પાયા
મુઝે ક્યા હુઆ થા, એક બેવફા પે હાએ મુઝે ક્યોં પ્યાર આયા
તેરી બેવફાઈ પે હંસે જગ સારા, ગલી ગલી ગુઝરે જિધર સે…

યે કુછ ઝ્યાદા હો ગયા. હીરોને હિરોઈન સામે વાંધો પડ્યો ત્યાં સુધી તો જાણે ઠીક છે, પરંતુ ભડકેલો હીરો તો સમગ્ર નારીજાતિને વચ્ચે લઈ આવ્યો. એણે તો નારીને આગ સાથે સરખાવી દીધી અને પછી ભારે માંયલો શાપ આપ્યોઃ જા, તું બદનામ થાય અને તું રસ્તા પર નીકળે ત્યારે લોકો તારા પર હસે, થૂથૂ કરે.

આ બધી જ આકરી વાતો કહેતી વખતે હીરો પાર્ટીના માહોલમાં ચહેરા પર કૃત્રિમ શાલીનતા ટકાવી રાખે છે અને પોતાનો ટોન માઈલ્ડ રાખે છે. એટલે ગીતની ધૂન સોફ્ટ છે, મધૂર છે. પણ શબ્દો તો તેજાબી જ છે.

અલબત્ત, મોટા ભાગની ફિલ્મી વાર્તાની માફક અહીં પણ મામલો ગલતફહમીનો જ છે. હિરોઈન અસલમાં નિર્દોષ છે. એ વખાની મારી છે. એની પૂરી સચ્ચાઈની હીરોને જાણ નથી. આખી સચ્ચાઈ જાણ્યા બાદ હીરો પીગળી જાય છે, પરંતુ એ પહેલાં પૂરી  વાત જાણ્યા વિના તે હિરોઈનને અત્યંત કઠોર શબ્દોમાં વખોડી કાઢે છે તેનું શું?

બસ, વાંકું પડે કે તરત ચુકાદા આપી દેવાના? સામેની વ્યક્તિની પરિસ્થિતિ સમજવાની કોશિશ જ નહીં કરવાની? અંગત સ્તરની સમસ્યાનો ઢંઢેરો ગામ આખા સામે પીટવાનો? સ્ત્રીને સૌની સામે બદનામ કરવાની?

આ ઠીક નથી.


(ક્રમશઃ)


શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com