નિસબત

ચંદુ મહેરિયા

કોમનમેન માટે ૧૪૪મી કલમ એટલે એક સ્થળે ચાર કરતાં વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ. પરંતુ  ૧૪૪મી કલમનો વ્યાપ બહુ વિશાળ છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હાલમાં અમલી ૧૪૪મી કલમના જાહેરનામા પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે શહેરમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને એક સાથે એકત્ર થવા, મંડળી રચવા કે રેલી-સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

લોક આંદોલનો પર પ્રતિબંધ,  હથિયારોની હેરાફેરી અને ગેરકાયદે હથિયારો રાખવા પર પ્રતિબંધ, માનવજીવન, આરોગ્ય અને સલામતી પર ખતરો, જાહેર સુરક્ષામાં ગરબડ રોકવી, તોફાનો અને ઉપદ્રવ અટકાવવા જેવા કારણોસર ૧૪૪મી કલમ હેઠળ પ્રતિબંધો લદાય છે. કોરોના મહામારીનો પ્રસાર રોકવા કે તોફાનોમાં જૂઠી અફવાઓ રોકવા ઈન્ટરનેટ બંધ કરવા પણ તેનો ઉપયોગ થાય છે. અસામાન્ય પરિસ્થિતિમાં  અસાધારણ ઉપાયોની આવશ્યકતા રહે છે. હિંસા કે ઉપદ્રવની સ્થિતિને અટકાવવા તાત્કાલિક પગલા જરૂરી છે. કંઈક આવા ઉદ્દેશોથી આ કલમ ઘડાઈ છે. પરંતુ આજે તો તેનો હાલતા અને ચાલતા મનસ્વી ઉપયોગ થાય છે.

ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC)૧૯૭૩ની કલમ ૧૪૪ મૂળે તો બ્રિટિશરોની દેન છે. આઝાદીના આંદોલનોને રોકવા અંગ્રેજ સરકાર તેનો ઉપયોગ કરતી હતી. સંસ્થાનવાદનો જે કેટલોક વારસો સ્વતંત્ર ભારતે જાળવી રાખ્યો છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કલમ ૧૪૪ છે. નવરચિત ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા( BNSS) ૨૦૨૩માં પણ તે કલમ ૧૬૩ તરીકે જીવંત છે. તેથી ભારતની અપરાધિક ન્યાય વ્યવસ્થામાં કાગળ પર અને વ્યવહારમાં બ્રિટિશકાળના કેટલાક અંશો સચવાયેલા લાગે છે. એક અન્ય અભ્યાસ પ્રમાણે ઈ.સ. ૧૮૬૧માં ગુજરાતના બરોડા સ્ટેટમાં પોલીસ અફસર ઈ.એફ ડેબુ( E.F. DEBOO)એ કલમ ૧૪૪ ઘડી હતી અને તેનો અમલ પણ થતો હતો!

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

સરકાર વિરોધી આંદોલનોને રોકવા ૧૪૪મી કલમનો સતત ઉપયોગ થાય છે.એટલે તે બંધારણના અનુચ્છેદ ૧૯થી મળેલ નાગરિકોના શાંતિપૂર્ણ અને કાયદેસરના વિરોધના મૂળભૂત અધિકારોનું હનન કરે છે. સરકાર વિરોધી દેખાવો, સભા, સરઘસોને વિફળ કરવા માટે તેનો વ્યાપક ઉપયોગ થાય છે. લોકોના વિરોધને તે અટકાવે છે તેથી નાગરિકોના અભિવ્યક્તિની સ્વતંત્રતાના હકનું ઉલ્લંઘન થાય છે.

૧૪૪મી કલમના મનસ્વી ઉપયોગને આઝાદી પૂર્વેથી માંડીને આજ સુધી અદાલતમાં પડકારવામાં આવતો રહ્યો છે. ૧૯૩૯માં બોમ્બે હાઈકોર્ટે આ સંદર્ભના ચુકાદામાં કહેલું , એ વાતમાં કોઈ શંકા નથી કે ધારા ૧૪૪ હેઠળ સરકાર સ્વતંત્રતાને બાધિત કરે છે. પરંતુ જાહેર સલામતીના સંદર્ભે આવું કરવું અનિવાર્ય હોય ત્યારે જ સરકારે કલમ ૧૪૪નો ઉપયોગ કરી પ્રતિબંધો લાદવા જોઈએ. આ કલમથી એવા પ્રતિબંધો ન લગાવો જેની જરૂર ન હોય.

જન આંદોલનો જેમનો પ્રાણ હતો એવા સમાજવાદી નેતાઓ પર કલમ ૧૪૪ના ભંગના ઘણાં કેસો થતા હતા. એટલે રામ મનોહર લોહિયા, જ્યોર્જ ફર્નાન્ડીઝ અને મધુ લિમયેએ પણ ૧૪૪મી કલમના દુરપયોગ અંગે અદાલતોમાં ધા નાંખી હતી. અલ્હાબાદ હાઈકોર્ટની જસ્ટિસ ગંગેશ્વરપ્રસાદની એકલ પીઠ સમક્ષ રામ મનોહર લોહિયાએ ૧૧,૧૨ ઓગસ્ટ ૧૯૬૬ના રોજ નિવેદન આપ્યું હતું.  ૧૪૪મી કલમના વિરોધમાં અને તેને ગેરબંધારણીય ઠેરવવાની માંગ કરવા તેઓ અદાલતમાં આવ્યા છે તેનું કારણ આપતા લોહિયાએ માર્કાની વાત કરી હતી કે,”  જબ જનતા બલવાન નહીં હોતી હૈ તો સરકાર કે અન્યાય કા મુકાબલા ન્યાયાલયોં મેં હોના હી ચાહિયે. ઈસીલિયે મુઝે આપ લોગોં કો કષ્ટ દેના પડ રહા હૈ”  લોહિયાએ ધારા ૧૪૪ અને તેની સજા નક્કી કરતી ધારા ૧૮૮ બેઉને અસંવૈધાનિક ગણાવતી તર્કબધ્ધ દલીલો કરી હતી. પરંતુ અદાલતે ૧૪૪મી કલમની બંધારણીયતા અને કાયદેસરતા બરકરાર રાખી હતી.

૧૯૭૦માં સમાજવાદી નેતા મધુ લિમયેની પીટિશન પર સર્વોચ્ચ અદાલતના સાત જજોની બેન્ચે ચુકાદો આપ્યો હતો. તેમણે જિલ્લા કલેકટરો અને પોલીસ કમિશનરોને મળેલી ૧૪૪મી કલમ હેઠળ પ્રતિબંધો જાહેર કરવાની સત્તાને ન્યાયિક રીતે ઉપયોગમાં લેવાની અસામાન્ય સત્તા ગણાવી હતી અને તેની ન્યાયિક તપાસ થઈ શકે છે તેવું સ્પષ્ટ કર્યું હતું. કામદાર નેતા જ્યોર્જ ફર્નાંન્ડીઝે પણ ૧૯૮૪માં બોમ્બે હાઈકોર્ટમાં પીટિશન કરી હતી. ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટે ધારા ૧૪૪નો દુરપયોગ રોકવાની સલાહ આપી કહ્યું હતું કે આ ધારાની જોગવાઈઓનો ઉપયોગ જાહેર શાંતિ જાળવવા ગંભીર પરિસ્થિતિમાં જ કરવો જોઈએ. વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતે કલમ ૧૪૪ અને ૧૮૮ને બંધારણીય ઠેરવવા સાથે તેના ન્યાયોચિત ઉપયોગને વારંવાર દોહરાવ્યો છે.

ગુજરાત હાઈકોર્ટના  જસ્ટિસ એમ.આર મેંગડે( M. R. MENGDEY)ની સીંગલ જજની બેન્ચનો તારીખ ચોથી ડિસેમ્બર ૨૦૨૫નો નવદીપ માથુર વિરુધ્ધ સ્ટેટ ઓફ ગુજરાતનો ચુકાદો ૧૪૪મી કલમના ન્યાયિક ઈતિહાસમાં સીમા ચિહ્નરૂપ છે. વડી અદાલતે અમદાવાદ પોલીસ કમિશનરનું ૧૪૪મી કલમ અંગેનું તા. ત્રીજી નવેમ્બર ૨૦૨૫નું જાહેરનામુ જ રદબાતલ ઠેરવ્યું છે. અદાલતે તેના ચુકાદામાં મહત્વના  અવલોકનો અને સૂચનો કર્યા છે.

પીટિશનરોએ અદાલત સમક્ષ ૨૦૧૯માં નાગરિકતા કાયદા વિરોધી આંદોલનોને રોકવા ૨૦૧૬થી ૨૦૧૯માં સતત ૧૪૪મી કલમ જારી રાખી હતી તેના પુરાવા રજૂ કર્યા હતા. જ્યારે સીઆરપીસીની ધારા ૧૪૪(૪)માં પ્રતિબંધોની નિર્ધારિત સમય સીમા બે માસ અને વધુમાં વધુ છ માસ ઠેરવી છે ત્યારે પણ સરકારે તેનો અસીમિત સમય માટે અમલ કર્યો હતો. સતત , પુનરાવર્તિત અને ઘણીવારના પ્રતિબંધોને લક્ષમાં લઈને અદાલતે ૧૪૪મી કલમનું જાહેરનામુ રદ કર્યું હતું. અદાલતે સરકારને માત્ર સરકારી ગેઝેટમાં જ નહીં સોશિયલ મીડિયા અને બીજા માધ્યમોમાં પણ ૧૪૪મી કલમ દ્રારા પ્રતિબંધો જાહેર કર્યાનો વ્યાપક પ્રચાર પ્રસાર કરવા આદેશ કર્યો છે.

કાયદાનો અમલ કરતી વખતે સરકારી તંત્ર કેવું નઘરોળ બની રહે છે તેની સાબિતી ૧૪૪મી કલમ છે. પોલીસ અને વહીવટી તંત્ર સત્તાનો યથેચ્છ ઉપયોગ કરે છે. નાગરિકોને મળેલી કાયદાકીય સુરક્ષાની અવહેલના કરી સત્તાને મનસ્વી રીતે ભોગવે છે. ધારા ૧૪૪નો લેખિત આદેશ કરતાં પૂર્વે પરિસ્થિતિની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવતી નથી. વળી ચોક્કસ વિસ્તારને બદલે આખા શહેરમાં તે અમલી બનાવાય છે. લોહિયાએ અલ્હાબાદ હાઈકોર્ટને વિનંતીના સૂરમાં કહ્યું હતું કે,”  હો સકતા હૈ કિ તાજીરાત હિન્દ કી જો કલમેં દૂષિત હૈં, ઉસે ઠીક કરને કી આશા હમ સર્વોચ્ચ ન્યાયાલય યા ઉચ્ચ ન્યાયાલયોં સે હી કર સકતે હૈં ‌‌-  લોકસભા મેં તો શાયદ ઈતની તાકત કભી ન હોગી જો ઉસે ઠીક કરે” લોહિયાની આ અરજ પછી સંસ્થાનવાદના અવશેષ સમી ૧૪૪મી કલમને કાયદાપોથીમાંથી દૂર કરીને સાચી અભિવ્યક્તિની સ્વતંત્રતા સ્થપાય તેવી આશા સંસદ પાસે તો રહેતી નથી પરંતુ ગુજરાત હાઈકોર્ટનો જસ્ટિસ મેંગડેનો ચુકાદો ભવિષ્યમાં અદાલતો કંઈક કરશે તે બાબતે આશ્વસ્ત કરે છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.