તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ

આજે કેમ જાણે અસ્તંગમિત મહિમા શો વરતાતો સામ્યવાદી પક્ષ, સો વરસ વટાવી ગયો છે. એક અર્થમાં એ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બેઉ સમવયી જ છે- ૧૯૨૫ના વિજયાદશમી પર્વે સંઘની સ્થાપના થઈ, અને એ જ વરસના ડિસેમ્બરમાં કાનપુર કોન્ફરન્સ સાથે સામ્યવાદી પક્ષનોયે વિધિવત્ પ્રારંભ થયો. જોકે, સામ્યવાદી પક્ષના ઉદય સંદર્ભે એક બીજી તારીખ પણ પ્રસંગોપાત આગળ કરાતી હોય છે: ૧૯૨૦માં તાશકંદમાં ક્રાંતિકારી પૃષ્ઠભૂ ધરાવતા કેટલાક ભારતીયોએ હિંદી સામ્યવાદી પક્ષનું ગઠન કર્યું હતું, જેમાં અગ્રભૂમિકા એમ. એન. રોયની હતી. રોય મૂળે તો કિશોરાવસ્થા અને તારુણ્યના સંધિકાળે દેશમાં ક્રાંતિકારી વલણો સાથે સક્રિય હતા

અને તે માટે જરૂરી શસ્ત્રખોજ એમને દેશ બહાર લઈ ગઈ. અમેરિકા થઈ એ મેક્સિકો પહોંચ્યા હતા. અમેરિકામાં ત્યારે હિંદી મૂળના જે ક્રાંતિકારી તરુણો હશે તે પૈકી રોયની પ્રતિભા, ત્યાં ત્યારે દેશનિકાલ જિંદગી બસર કરતા લાલા લાજપતરાયને સવિશેષ સ્પર્શી ગઈ હતી. મેક્સિકોમાં સમાજવાદી વલણોવાળી ક્રાંતિમાં રોય સંકળાયા અને અગ્રસ્થાને પહોંચ્યા તે દરમ્યાન એમણે રૂસી ક્રાંતિનીયે છાલક ઝીલી હતી. આ સંપર્ક એમને રશિયામાં લેનિન સાથેના જીવંત સંપર્ક સુધી લઈ ગયો, અને કોમિન્ટર્ન (કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ) પર પણ એમનો પાટલો મંડાયો હતો. આગળ ચાલતાં એ ધરપકડનું જોખમ વહોરી દેશમાં પાછા ફર્યા ત્યારે રાષ્ટ્રીય મુક્તિ સાથે આર્થિક-સામાજિક પરિવર્તનના વ્યાપક માનવીય એટલા જ આંતરરાષ્ટ્રીય પરિવર્તનમાં એમની વિચારણા ઠરી હતી.

સામ્યવાદી પક્ષનો વિધિવત્ પ્રારંભ તાશકંદ (૧૯૨૦) ગણો કે કાનપુર (૧૯૨૫)થી, દેશમાં સામ્યવાદી વિચારોના પ્રવેશ ને પરિચયની અવિધિસરની શરૂઆત તો વહેલી થઈ ગઈ હતી. જે અનુશીલન સમિતિ સાથે કોકેન એ ગુપ્ત નામથી ક્યારેક સંઘસ્થાપક હેડગેવાર પણ સંકળાયા હતા તે પૈકી ઘણા રાષ્ટ્રીય આઝાદીના ખયાલની જોડાજોડ સામ્યવાદ ભણી પણ ખેંચાયા હતા. વિવેકાનંદના ભાઈ ભૂપેન્દ્રનાથ દત્ત આ સંદર્ભમાં તરત સાંભરે છે. બલકે, સમયમાં જરી આગળ જઈને સંભારું તો હેડગેવારને શરૂઆતનાં વર્ષોમાં સાંપડી રહેલા સરકાર્યવાહ બાલાજી હુદ્દાસે પણ, પછીથી, સામ્યવાદી સંધાન સ્વીકાર્ય જણાવ્યું હતું.

જોગાનુજોગ જ, ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’નો નારો સંભાર્યો તે સાથે હસરત મોહાનીનું સહજ સ્મરણ થઈ આવ્યું. મોહાની આઝાદી જંગના લડવૈયા હતા અને આ નારો એમનું ફરજંદ હતો. ૧૯૨૧ની અમદાવાદ કોંગ્રેસમાં હાજર રહી પૂર્ણ સ્વરાજની એમણે હિમાયત કરી હતી. આ મોહાનીનુંયે આગળ ચાલતાં, સામ્યવાદી સંધાન હતું, પણ અગત્યની વાત એ છે કે કાનપુરની સ્થાપના કોન્ફરન્સથી ચાર વરસ પૂર્વે આ કોંગ્રેસના દિવસોમાં અહીં સામ્યવાદી સાહિત્ય વહેંચાયું હતું જેમાં નોંધપાત્ર પુસ્તક રોય કૃત ‘ઈન્ડિયા ઈન ટ્રાન્ઝિશન’ હતું. ૧૯૨૦ની તાશકંદ ઘટના અને એ જ વરસની ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાની ઘટના, એ પણ એક ધ્યાન ખેંચતું ઈતિહાસજોડલું છે.

ઈન્દુલાલ યાજ્ઞિકનું સ્મરણ છે કે ગુજરાતને લેનિનનો પ્રારંભિક પરિચય ગૂજરાત વિદ્યાપીઠના આચાર્ય ગિદવાણીની દેણ હતી. ખરું જોતાં ગાંધી અને લેનિનને સાથે રાખીને ઈતિહાસનાં વહેણ તપાસ લાયક છે. દ. આફ્રિકાથી, આગળ ચાલતાં સામ્રાજ્યવાદ સામેના રાષ્ટ્રીય આઝાદી જંગની ભૂમિકા રચીને ગાંધી વતનમાં ૧૯૧૫માં પાછા ફરે છે, અને લાંબી જલાવતન જિંદગી પછી સંઘર્ષ અને શાસનસૂત્ર સંભાળવા લેનિન ૧૯૧૭માં રશિયા પાછા ફરે છે. વીસમી સદીના પહેલા ચરણમાં, આમ, ઈતિહાસની કરવટબદલનું એક સ્પૃહણીય એટલું જ સ્વાધ્યાયલાયક જોડલું આપણી સામે આવે છે.

હજુ તો રૂસી ક્રાંતિ થઈ પણ નહોતી અને લેનિને હિંદના આઝાદી લડવૈયા લેખે તિલકને બિરદાવ્યા હતા- એમને લાંબી કેદ પડી અને બ્રિટનના લિબરલો કેમ ચૂપ છે, એવું લેનિને લખ્યું હતું. ૧૯૧૭ની ક્રાંતિ વખતે તિલકે ‘કેસરી’માં ખાસ તંત્રીલેખ કર્યો હતો અને લેનિનના નેતૃત્વમાં એક શાંતિચાહક એટલા જ ન્યાય લડવૈયાના ગુણની નોંધ લીધી હતી. અત્યારે જે ખાસ પ્રકારનો રાષ્ટ્રવિમર્શ આપણી સામે આવી રહ્યો છે એની વચ્ચે તિલકનું એ અવલોકન રસપ્રદ થઈ પડે છે કે સત્તાસ્વાર્થ માટે જંગે ચડતા કે યુદ્ધ ઊભું કરતા ઉપલા વર્ગો સામે લેનિનનો ક્રાંતિકારી મિજાજ જાયજ છે અને લાલા લાજપતરાય? એમણે તો ઐટુક (ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ)ના સ્થાપના અધિવેશનમાં બિલકુલ લેનિનના જ વિચારદોરનો પડઘો પાડ્યો હતો કે મૂડીવાદ એ મનુષ્યજાતિનું લોહી ચૂસે છે.

લશ્કરવાદ અને સામ્રાજ્યવાદ એ બે મૂડીવાદનાં જોડિયાં સંતાન છે. બલકે, ત્રણે અવિભાજ્યપણે સંપૃક્ત છે. (લેનિન કૃત ‘ઈમ્પિરિયાલિઝમ ઈઝ ધ હાઈએસ્ટ સ્ટેજ ઓફ કેપિટલિઝમ’[1] સાંભરે છે?) ૧૯૨૮ના નવેમ્બરમાં ‘યંગ ઈન્ડિયા’ની એક ટિપ્પણીમાં તેમજ લગભગ એ જ અરસામાં ગૂજરાત વિદ્યાપીઠ ખાતે બોલતાં ગાંધીજીએ લેનિન અને એમના બોલ્શેવિક સાથીઓના સંઘર્ષ ને સમર્પણનો આદરપૂર્વક ઉલ્લેખ કર્યો હતો-

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

અલબત્ત, હંમેશના કેવિયટનુમા અંદાજમાં કે હું એમના હિંસમાર્ગને સ્વીકારતો નથી. ગમે તેમ પણ, સમજવાનું એ છે કે વીસમી સદીએ એના પહેલા ચરણ અધવચ બે શકવર્તી નેતૃત્વ જોયા હતા, જેમની વચ્ચે રોમાં રોલાં જેવા વિશ્વમાનવતાના યાત્રી કંઈક સમન્વય ઝંખતા હશે એવું કાઠું એ બંનેનું હતું. શતક યાત્રાનું આ તો મુખડું માંડ બાંધ્યું છે. એના ચઢાવ-ઉતાર, ૧૯૪૨થી એનું ને સંઘ બંનેનું અંતર, સ્વરાજ પછી અપવાદ બાદ કરતાં પાર્લમેન્ટરી પદ્ધતિનો અંગીકાર, ૧૯૫૭માં લોકસભામાં મુખ્ય વિપક્ષ- ઘણુંબધું ચર્ચવું રહે છે, યથાનિમિત.


[1] Imperialism the Highest Stage of CapitalismVladimir Ilich Lenin – 2011 Reprint of 1934 Edition


સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૪-૧-૨૦૨૬ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.