વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
પતિ- પત્ની વચ્ચે જાણે જન્મોજન્મનો અભેદ પ્રેમ.
ક્યારેય પિસ્તાળીસ વર્ષના મધુર દાંપત્યજીવનમાં બોલાચાલી નહીં. હંમેશાં આનંદ-ઉલ્લાસ, મોજ-મસ્તીમાં એમના દિવસો જાય. નિર્મલનો અવાજ કમલા પર ક્યારેય ઊંચો થયો હોય એવું બન્યું નથી. ચીઢ, ગુસ્સો, ઘાંટાઘાંટ તો જાણે એમના સંસારમાં અમાસનો ચંદ્ર જેવી અશક્ય ઘટના. હા, ક્યારેક બનાવટી ગુસ્સો કરે પણ એમાંય ભરપૂર પ્રેમ છલકાતો હોય.
કમલા તો સાક્ષાત લક્ષ્મી,પાર્વતી, સરસ્વતી, સીતા, સાવિત્રી, દમયંતીનું સ્વરૂપ. રૂપ, ગુણ, સહનશીલતા, અતિથિ સત્કાર, પતિ-ભક્તિ, પ્રેમ-સ્નેહથી છલોછલ પત્ની પામીને નિર્મલ પોતાની જાતને નસીબદાર માનતો.
ક્યારેક નિર્મલ અતિ પ્રેમાવેશમાં આવીને કમલાને કહેતો, “નારીનું જીવન તને મળ્યું છે છતાં ગુસ્સો, અહંકાર, અભિમાન, ઈર્ષા, રાગ-દ્વેષથી આટલી મુક્ત કેવી રીતે રહી શકે છે?”
ગોરજ ટાણે છવાયેલો આકાશી રંગ કમલાના ચહેરા પર ઉતરી આવતો.
“મારે તો જીવવું-મરવું બંને તમારી જ સાથે છે તો પછી ગુસ્સો કેવો ને વાત કેવી! ઈર્ષા કે વાદ-વિવાદ પણ શા માટે?”
હા, મરવાની વાત પર પતિ-પત્ની વચ્ચે જરૂર વિવાદ થઈ હતો. કોણ પહેલાં મરે અને કોણ પછી, એ અંગે બેમાંથી એકે સમાધાન કરવા તૈયાર નહોતાં. બંનેને એકબીજા વગર જીવવાનું મંજૂર નહોતું. પતિના મૃત્યુની વાતથી પત્ની જે વ્યથા અનુભવતી એ જોઈને નિર્મલ નમતું જોખતો.
“ભલે, તને વિદાય કરતાં મને ગમે એટલું દુઃખ થાય એ હું સહન કરી લઈશ. તારાં વિના જીવવું કેટલુંય અકારું હશે એ જીરવી લઈશ, પણ જીવતેજીવે તે મને દુઃખ નથી આપ્યું તો પહેલાં મરીને તને વૈધવ્યનું દુઃખ નહીં આપું.
સધવા મૃત્યુની કલ્પનાથી કમલાની આંખમાં આનંદમિશ્રિત આંસુ ધસી આવતાં સાથે પતિની એકલતા, અસહાયતાનો વિચારથીય કમલાને પીડા થઈ આવતી.
“હું નહીં હોઉં પછી કોણ તમારી સંભાળ લેશે?”
“સારું તો એવું કરીશું, આપણે બંને એક સાથે એક ચિતામાં પોઢીશું. એકમેકને યાદ કરવાની ચિંતા નહીં.” નિર્મલ આશ્વાસન આપતો. બંને જણાં પોતાની બાળકો જેવી હરકતથી હસી પડતાં, જાણે યમરાજા એમનું કહ્યું માનીને બંનેને એક સાથે બાંધીને ના લઈ જવાના હોય!
જેમજેમ ઉંમર વધતી ગઈ એમ બંને જણાંએ મરવાની વાત કરવાનું છોડી દીધું. પણ, બંનેનાં મનની અંદર કોઈ એકલું પડી જશે એ વાતનો સતત ભય રહેતો. સંતાનો મોટાં થવા છતાં બંનેના પ્રેમમાં ન કોઈ અંતરાય ઊભો થયો કે ના કોઈ સાંસારિક વૈરાગ્ય.
કમલા કહેતી કે, “પતિ-પત્નીના પ્રેમમાં યુવાની કે બુઢાપાની સીમાઓમાં ક્યાં બંધાય છે? શારીરિક સંબંધથી વધીને આત્માનોય સંબંધ હોય કે નહીં? જીવનનો હવે જેટલો સમય બાકી છે ત્યાં સુધી તો હું એમની સંભાળ લઈશ.”
અને એવું જ બન્યું. કમલા મૃત્યુશૈયા પર હતી ત્યારે એને દીકરા-દીકરીઓ કે પોતરાંઓ કરતાં પતિની ચિંતા અધિક હતી.
એક બાજુ અનુભવી મન કહેતું કે, ‘તું નાહક ચિંતા કરે છે. સમય જતા આ શોક ઓછો થઈ જશે. સમયની સાથે દિવસ-રાત બદલાય, ઋતુઓ બદલાય છે એમ નિર્મલનું દુઃખ, શોક થાળે પડશે ને અન્ય માનવીની જેમ સહજ જીવન જીવવા માંડશે’ પણ દિલ એ વાત માનવા કેમેય તૈયાર નહોતું થતું.
એને મરવા કરતાં પોતાના ગયા પછી પતિનું શું થશે એની પરવા વધુ હતી. પોતાનો અભાવ ન સાલે એ માટે દીકરા-દીકરીઓને, પુત્રવધૂને પતિની સંભાળ રાખવાની અંતિમ ક્ષણો સુધી સતત ભલામણ કરતી રહી.
કમલાનું અવસાન થયું. નિર્મલને છોડીને સઘળું થાળે પડવા માંડ્યું, સવારથી માંડીને આખો દિવસ કમલાના નામનો એનો જાપ ચાલુ રહેતો. કમલા ખાવાનું બનાવવાથી માંડીને પીરસવા સુધી, પગ દબાવી આપવાથી માંડીને પથારી કરવા સુધી કેવી રીતે કામ કરતી એ રટણ ચાલું રહેતું. નિર્મલનું મન રાજી રહે એ માટે ઘરમાં સૌ કમલાની જેમ કામ કરવા કોશિશ કરતાં.
કમલાના હાથનો જાદુ તો અન્યના હાથમાં ક્યાંથી આવે? દરેક બાબતમાં, દરેક કામમાં કમલાની તુલનાથી પુત્રવધૂ પણ પાછી પડતી. સમય જતા નિર્મલનું ખાવા-પીવાનું, ઊંઘવાનું ઓછું થતું ગયું. કમલાએ પાથરેલી પથારીમાં જેવી ઊંઘ આવતી એવી હવે ક્યાં આવવાની?
આખો દિવસ કમલાની ચૂડી, ચશ્મા, સિંદૂર, સાડીઓને સ્પર્શીને એ ભૌતિક ચીજોમાં કમલાનું અસ્તિત્વ અનુભવતા.
કમલા વિના એ મૃત્યુ જેવી યાતના અનુભવતો એથી પરિવારને વિશેષ યાતના થતી. એનું મન બીજે વાળવાના અનેક પ્રયાસો પછીય એ વળીવળીને કમલાની વાતોનો તંતુ પકડી રાખતો.
કોઈની ક્યાં સુધી ધીરજ રહે?
નિર્મલનો કમલા પ્રત્યેનો અપાર પ્રેમ જ અભિશાપ બનતો ચાલ્યો. કમલાના અવસાનને ત્રણ મહિના પસાર થઈ ગયા, પણ કમલા મૈયર ગઈ હોય અને ગમે ત્યારે પાછી આવશે એવી રીતે નિર્મલ એની ચીજ-વસ્તુઓને સાચવ્યા કરતો. કરકસરમાં માનતી કમલાએ ક્યારેય નિરર્થક ખર્ચો કર્યો નહોતો કે ક્યારેય નિર્મલ પાસે વધારાના રૂપિયા માંગ્યા નહોતા છતાં સંસાર સરસ રીતે ચાલતો. કમલા એ કેવી રીતે ચલાવતી હશે એનું નિર્મલને હંમેશાં આશ્ચર્ય થતું.
એક દિવસ કમલાના કબાટમાંથી એક થેલી મળી. થેલીમાં રૂપિયાની સાથે એક કાગળ હતો. કાગળમાં લખ્યું હતું, ‘તમારો સ્વભાવ જાણું છું. જરૂર પડે કોઈની પાસે પાંચ રૂપિયાય નહીં માંગો એટલા માટે હંમેશાં મારા માટેના ખર્ચમાંથી બચાવીને તમારા માટે મૂકતી જાઉં છું. થેલીના રૂપિયા જોઈને પુત્ર-પુત્રવધૂ સ્તબ્ધ. આટલા રૂપિયા એકઠા કરવામાં માએ જીવનભર શેનો ત્યાગ નહીં કર્યો હોય!
એ પછી તો નિર્મલને કમલાની ડાયરી મળી જેમાં કમલાએ લગ્નથી માંડીને ઘણી બાબતોનો નિર્ભિકતાથી ઉલ્લેખ કર્યો હતો. સંતાનોના જન્મ લાલનપાલન,પોતરાંઓના જન્મ, દાંપત્યજીવની સુખદ-દુઃખદ ઘટનાઓ એણે આલેખી હતી. એમાં કેટલીય એવી હતી જેની નિર્મલને આજ સુધી જાણ નહોતી કે નહોતી કમલાએ જાણ થવા દીધી. અનેક પારિવારિક સમસ્યાઓ જેનાથી એક પિતા તરીકે નિર્મલના હૃદયને ઠેસ પહોંચશે એ જાણીને ભલે કમલા એ આગની આંચમાં શેકાતી રહી પણ પતિ સુધી પહોંચાડવાના બદલે એણે પોતાના પાલવમાં સમેટી રાખી હતી.
કમલા માનતી કે, સંસારમાં આર્થિક જવાબદારીઓ પુરુષો સંભાળતા હોય ત્યારે પત્નીઓ મહત્વની કોઈ જવાબદારીઓમાં સહાયરૂપ થઈ શકતી નથી. હું પણ આર્થિક સંકટમાં સહાયરૂપ ન થઈ શકતી હોઉં તો મારા પતિને સંસારની હૈયા બળતરાથી તો દૂર રાખી શકું ને?
કમલાની ડાયરીનાં લખાણથી તો એ પતિને સમર્પિત આદર્શ નારી જ નહીં, સૌને દેવી જેવી પૂજ્ય લાગી.
નિર્મલને એવું લાગતું કે, ખરેખર એ આવી પત્નીને લાયક પતિ હતો ખરો? આ વિચારે એનો શોક વધુ ઘેરો બન્યો. હવે નિર્મલે કમલાની વાતોનું રટણ છોડીને ભાગવત-ગીતાની જેમ એ ડાયરી વાંચવા માંડી.
અંતે ડાયરીનું અંતિમ પાનું આવ્યું જે કમલાએ મૃત્યુના થોડા દિવસ પહેલાં લખ્યું હતું. એ વાંચીને નિર્મલના વિચારો, વાણી,વર્તન,વ્યવહારથી માંડીને વ્યક્તિત્વ સુદ્ધાં બદલાઈ ગયું. આજ સુધી જણસની જેમ સાચવેલી કમલાની તમામ ચીજો તોડી-ફોડીને ફેંકવા માંડી. અરે, કમલાના ફોટા સુદ્ધાં ફાડી નાખ્યા.
“આ મોહ,માયા, પતિ-પત્નીનો પ્રેમ સઘળું બાહ્ય દેખાડો છે. હું એક મૂર્ખની જેમ કમલાની યાદમાં મારું જીવન વેડફી રહ્યો હતો. એકલો આવ્યો હતો અને એકલો જઈશ.
“કમલા, મારી સાથે તેં આખું જીવન માત્ર નાટક કર્યું અને મેં સાચું માની લીધું. નફરત છે મને તારા માટે. આજથી તું મારા માટે સાચે જ મરી પરવારી.
“જે મરી ગયું એની પાછળ શોક શું કામ કરવાનો? હવે જીવનમાં શોકના બદલે આનંદ માણીશ. તારી છાયાથી મુક્ત સ્વતંત્ર માણસ બનીને જીવીશ.”
સાચે જ નિર્મલ ખૂબ પ્રફુલ્લિત બની ગયો. આજ સુધી શોકગ્રસ્ત નિર્મલમાં અચાનક ફરકથી સૌને આશ્ચર્ય અને સાથે ચિંતા થઈ.
સૌએ ડાયરીનું અંતિમ પાનું વાંચ્યું જેમાં લખ્યું હતું, “મારા પતિ જેવો સરળ, નિર્મોહી માણસ મળવો મુશ્કેલ છે, પણ આવતા ભવમાં હું એ મને પતિ નહીં પુત્રરૂપે મળે એમ ઈચ્છું છું. જીવનભર મેં એમને સંતાન જેવો સ્નેહ આપ્યો જેનાથી એ સંતુષ્ટ હતા. એમની પાસે દુનિયાભરનું સુખ મને મળ્યું છે, છતાં મારું મન એક વાતે વ્યથિત રહ્યું કે, એ સંપૂર્ણ હોવા છતાં મારી કલ્પનાના પુરુષ નહોતા. મારા મનના માણીગર નહોતા.”
પ્રતિભા રાય લિખીત, રાજેન્દ્ર પ્રસાદ મિશ્ર અનુવાદિત ઉડિયા વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
