ગઝલ
ચીનુ મોદી
પરખ દ્રશ્ય જોવાની ક્યારે હતી
સ્વયં નાવ તોફાની ક્યારે હતી
મને છોડી દેતા તને કષ્ટ શું
જણસ સાવ સોનાની ક્યારે હતી
નદી જેમ ઊંચેથી પટકાઉં પણ
જગા કોઇ મોભાની ક્યારે હતી
તમાશા બતાવે બધી બારીઓ
સડક એની પોતાની ક્યારે હતી
હતા સાત પરદા થવા રૂબરૂ
ગઝલ ચીજ કોઠાની ક્યારે હતી
ગીતઃ જળને બેઠું ચોમાસું
રક્ષા શુક્લ
જળને બેઠું ચોમાસું ‘ને મને સોળમું વરસ.
ભારે પગલે વાદળ તોયે મારા હિસ્સે તરસ !
છલછલ થાતું પગલું ‘ને પગલામાં તળાવ આખું,
કંકુવરણી પાની કહેતી ‘હું મહુડાને ચાખું.’
સગપણ ઊગ્યું શ્રાવણમાં ત્યાં મને ફૂટતું લાખું,
ભીંજાવાની તરસે દોડી જળમાં પાસા નાખું.
વરસાદી ઘટના ‘ને ધસમસ સપનાં અરસપરસ,
જળને બેઠું ચોમાસું ‘ને મને સોળમું વરસ.
ફરફરતું કોઈ પાન લઇને પાનેતરમાં ભરતી,
ઝંઝાવાતો જળ આપે ‘ને દર્પણ પાસે સરતી.
નેવાના જળની ધારે હું વગર તરાપે તરતી,
ટીંપાનું તોરણ હું આખા નભને બાંધી ફરતી.
દોટ મૂકી વાદળને કીધું ‘મન મૂકીને વરસ’.
જળને બેઠું ચોમાસું ‘ને મને સોળમું વરસ.
