સ્વ-વિકાસ : વિચાર વલોણું

તન્મય વોરા

મારા વ્યવસાયને લગતી એક બહારગામની મુલાકાતથી હું પાછો ફરી રહ્યો હતો. મેં જે ટેક્ષી તે નક્કી કરી ટેક્ષીના ડ્રાઈવરની આંખોમાં ચમક હતી. કસાયેલો બાંધો ધરાવતો એ યુવાન ઉત્સાહથી છલકાતો હતો. તેનાં સ્વાગતમાં ખુશખુશાલી અને વર્તણૂકમાં સહજ વ્યાવસાયિકતા હતી. જેમ જેમ ટેક્ષી ચાલવા લાગી તેમ તેમ તેણે મારી સાથે અર્થતંત્ર, નોકરીઓની પરિસ્થિતિથી લઈને પોતાને ટેક્ષી ચલાવવાનું કેમ ગમે છે તે વિશે વાતચીત શરૂ કરી. તે એક અનોખો દ્રષ્ટિકોણ ધરાવતો હોય તેવું લાગતું હતું. તેનો ઉત્સાહ લગભગ ચેપી હતો અને હું પણ, અવશપણે, તેની સાથે વાતચીતમાં ખેંચાઈ ગયો !

નોકરીઓથી લઈને વેચાણ સુધીના વિષયો પરની વાતચીતમાં એક તબક્કે, તેણે પોતાનો સેલ ફોન કાઢ્યો અને એક વિડિઓ રેકોર્ડિંગ બતાવવાનું શરૂ કર્યું. મને તે પ્રેરણાત્મક વિડિઓ જેવું લાગ્યું. તેણે મને ફોન આપ્યો જેથી હું તે વ્યક્તવ્ય જોઈ/સાંભળી શકું. તેણે પછીથી ખુલાસો કર્યો કે તેણે એક અગ્રણી પ્રેરક/વેચાણ વક્તાના આ દિવસભરના સેમિનારમાં હાજરી આપવા માટે તેની માસિક આવકનો લગભગ ૩૦% ખર્ચ કર્યો હતો. તેણે મને પણ યુ ટ્યુબ પર ક્યાંકથી એ વક્તાના વિડિઓ શોધી ને જોવા  માટે વિનંતીપૂર્વક સૂચન કર્યું.

આ વ્યક્તિ તરીકે ખરેખર અદ્‍ભૂત હતો કેમકે તેણે પોતાની ભૂતકાળની કે વર્તમાન સામાજિક પરિસ્થિતિ, પોતાની નોકરી કે શૈક્ષણિક લાયકાતના અભાવને મર્યાદા તરીકે જોયાં જ ન હતાં. આમ, તેણે મને શીખવ્યું કે નવું નવું શીખતા રહેવાની કોઈ સીમા નથી. નવી વસ્તુઓ શીખવા માટે એકમાત્ર પૂર્વશરત એ છે કે ખુલ્લું, તૈયાર, ગ્રહણશીલ અને જિજ્ઞાસુ મન હોવું જોઈએ. નવું શીખવાને જ્યારે તમે કોઈ ડિગ્રી માટે કે બીજાંઓની નજરોમાં સ્વીકૃતિ તરીકે બાહ્ય પ્રમાણપત્ર માટે નથી જોતા, ત્યારે નવું શીખવાની કક્ષા શ્રેષ્ઠ સ્તરે પહોંચે છે.

ટોમ પીટર્સ તો કહે જ છે કે  જો તમે બિઝનેસ ટ્રાવેલર છો, તો તમે કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ પાસેથી નહીં પણ કેબ ડ્રાઇવરો પાસેથી સૌથી વધુ શીખો છો. તમને જીવન વિશેનો એક વાસ્તવિક દ્રષ્ટિકોણ જાણવા મળશે.  મેં આ કથનનાં હાર્દનો અનુભવ તે દિવસે જાતે કર્યો.

હવે પછી જ્યારે મને કેબની જરૂર પડશે, ત્યારે મને ખબર છે કે મારે કોને ફોન કરવો!


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.