વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

(ગૃહિણીકર્તવ્ય નિભાવવામાં પોતાના અસ્તિત્વ સમા નામનેય વિસારે પાડી દેતી યુવતીની કથા. કદાચ આ એક નહીં આવી અનેક ગૃહિણી હોઈ શકે.)

ગૃહિણી બની એ પહેલાં એ એક સુશિક્ષિત, ચપળ, ચતુર, દક્ષ હોવાની સાથે લાવણ્યમયી યુવતી હતી.

એક યુવકે એ યુવતીનું સૌંદર્ય, બુદ્ધિમત્તા અને પિતા તરફથી મળનારું દહેજ જોઈને એને પસંદ  કરી લીધી. અગ્નિની સાક્ષીએ એ યુવકે પહેરાવેલું મંગળસૂત્ર ધારણ કરીને યુવતી ગૃહિણી બનીને પતિગૃહે પધારી.

“જો મારી લાડલી, આ હવે તારું ઘર છે.” પતિએ કહ્યું.

પત્નીએ કમર કસી ઘરને અત્યંત કુશળતાથી લીપી ગૂંપીને રંગોળીથી સુશોભિત કર્યું.

“અરે વાહ! ગૃહસુશોભન અને રંગોળીમાં જ તારી કુશળતાનો પરિચય થઈ ગયો. શાબાશ, કીપ ઇટ અપ.” અંગ્રેજીમાં ફરી એકવાર પ્રસંશા કરી પત્નીનો ખભો થાબડ્યો.

પત્ની પોરસાઈ. જાણે જીવનનું એક માત્ર કર્મ કે ધર્મ હોય એમ લીંપણ-ગૂંપણ, ઘરસજાવટ, રંગબેરંગી રંગોળીથી ઘર સજાવતી રહી. ઘર, વર અને બાળકોની પાછળ એણે પોતાના અસ્તિત્વને વિસારે પાડી દીધું!

વર્ષોનાં વહાણાં વીતતાં ગયાં. અચાનક એક દિવસ એ ચમકી. અરે, મારું નામ? મારું નામ શું હશે?

હાથમાં પકડેલો સામાન જમીન પર પટકીને એ બારી પાસે જઈ ઊભી. બારીની સામેના મકાન પર  શ્રીમતી એમ. સુહાસિની, એમ.એ.પી.એચ.ડી, પ્રિન્સિપલને (એક્સ) કૉલેજ ના નામની ‘નેમપ્લેટ’ જોઈ.

‘અરે હા, મારું કોઈ એક નામ તો હશે ને? ખરી મુસીબત થઈ! હસતાં-રમતાં ઘરને સજાવવામાં નામ જ ભૂલી જવાયું એ વિચારે એનું મન બેચેન થઈ ગયું. જેમતેમ કરીને દિવસ પૂરો કરવા મથતી રહી. એટલામાં કામવાળી આવી. એને પોતાનું નામ પૂછ્યું.

“આ તે કેવી વાત, માલિકોના નામથી અમને શું મતલબ? અમારા માટે તો તમે શેઠાણી છો એટલું જ બસ. બહુ બહુ તો સફેદ ઘરવાળી શેઠાણીથી અમે તમને ઓળખીએ.” કામવાળીએ જવાબ આપ્યો.

“હંમ્મ, વાત તો સાચી. એને બિચારીને ક્યાંથી ખબર હોય?”

બપોરે છોકરાઓ સ્કૂલેથી આવ્યા.

“છોકરાઓ, મારું નામ શું છે એ તો કહો જરા?” છોકરાઓને તો ખબર જ હોય ને વિચારીને પૂછ્યું

“મા, તારું નામ ‘મા’ તો છે. અમે સમજણાં થયાં ત્યારથી તને ‘મા’ જ કહીએ છીએ અને તેં પણ ક્યારેય તેં તારું નામ ક્યાં કહ્યું છે?  હા, પિતાજીના નામથી ટપાલ આવે છે એટલે એમનું નામ ખબર છે. તારા નામથી તો ટપાલેય ક્યાં આવે છે?”

વાત તો સાચી છે. મને કોણ ટપાલ લખે છે? માબાપુ મહિનામાં એકાદ ફોન કરી લે છે. બહેનો પણ એમનામાં જ વ્યસ્ત છે. ક્યારેક પ્રસંગોપાત મળવાનું થઈ જાય ત્યારે ભાતભાતની વાત થાય પણ નામથી ક્યારેય કોઈએ બોલાવી હોય એવું યાદ નથી.

પડોશમાં રહેતી મહિલાઓને પૂછ્યું.

“આપણે ક્યાં એકબીજાનું નામ પૂછ્યું જ છે? ક્યારેક કોઈની સાથે વાત થાય તો સફેદ મકાનવાળાં કે દવાની કંપનીના મેનેજરના પત્ની કહીને ઓળખાણ આપીએ, બસ.”

હવે પતિના શરણે જવું પડશે. એમને તો મારું નામ ખબર હશે. રાત્રે પતિને પૂછ્યું.

“એવું તે શું થયું કે, આજે આમ અચાનક નામ પૂછવું પડ્યું? પરણ્યાં ત્યારથી તને ‘ઓયે કે સાંભળે છે’ કહીને બોલાવાની ટેવ પડી છે અને તેં પણ ક્યારેય એવું ના કહ્યું કે, મારું નામ નથી તે મને  આવી રીતે બોલાવો છો? હવે તો મને પણ તારું નામ યાદ નથી.. લોકો પણ તને મીસીસ મૂર્તિ કહે છે, બરાબર?”

“મને મીસીસ મૂર્તિ નહીં મારું અસલી નામ જોઈએ છે.”

“આમાં હેરાન થવાની જરૂર નથી. કોઈ પણ નામ રાખી લે. વાત પૂરી.” પતિએ સલાહ આપી.

“વાહ! તમારું નામ સત્યનારાયણ મૂર્તિ છે અને તમને કોઈ શીવશંકર કે સુંદરરાવ નામ રાખવાનું કહેશે તો તમે રાખશો?”

“તું પણ ગજબ છું. ભણેલી છું. તારા સર્ટિફિકેટ પર જોઈ લે ને? આટલી સામાન્ય સમજ ન હોય તો કેમ ચાલે?”

ગૃહિણીએ સર્ટિફિકેટ શોધવામાં કબાટ ઉપરતળે કરી નાખ્યું. સર્ટિફિકેટ ના મળ્યું તે ના જ મળ્યું.  યાદ આવ્યું કે એ સર્ટિફિકેટ લાવી જ નહોતી. કંઈ નહીં પિતાજીના ઘેર જઈને શોધી લાવીશ.

“તું જઈશ તો અમારું, ઘરનું, ઘરની સાફસૂફીનું ધ્યાન કોણ રાખશે?” પતિએ પૂછ્યું.

“વાત તો સાચી. સૌને પોતપોતાનું કામ હોય એમ એ કામ મારું. બે દિવસ તમને અગવડ પડશે, પણ હવે નામ જાણ્યા વગર મને ચેન નહીં પડે.”

ગૃહિણીને અચાનક આવેલી જોઈને માબાપુ રાજી. આવવાનું કારણ જાણ્યું.

“મા, હું કોણ?”

“તું અમારી મોટી દીકરી. બી.એ.ભણાવી, પચાસ હજારનું દહેજ આપીને પરણાવી. હવે તો તું બે બાળકોની મા…..”

“મારે મારો ઇતિહાસ નહીં મારું સર્ટિફિકેટ પર લખેલું નામ જાણવું છે.”

સર્ટિફિકેટ ક્યાંક જૂના કાગળો, ફાઇલોમાં મુકાયું હોવાની શક્યતા જાણી ગૃહિણીએ આખું માળિયું ફંફોસી લીધું.

બીજા દિવસે પણ શોધવામાં નિષ્ફળતા રહી. ગૃહિણીને મન થયું કે, એ આજુબાજુમાં સૌને બૂમો મારી મારીને એનું નામ પૂછે.

અંતે એક સ્કૂલની સખી મળી જેણે એને શારદા કહીને બોલાવી. જાણે ભૂખ-તરસથી મરણાસન્ને પહોંચેલી વ્યક્તિને બે બુંદ પાણીથી જીવનદાન મળે એમ શારદાને જીવનદાન મળ્યું.

“તું એ જ શારદા છો ને જે દસમા ધોરણમાં પ્રથમ આવી હતી? કૉલેજની સંગીતસ્પર્ધામાં પણ પ્રથમ આવી હતી? સુંદર ચિત્રો બનાવતી? આપણે દસ જણાં હતાં. અમે સૌ એકબીજાને મળતાં રહ્યાં. કોણ જાણે તું કયા અજ્ઞાતવાસમાં ચાલી ગઈ?” સખીએ પ્રશ્નોની ઝડી વરસાવી.

“હા પ્રમીલા, હું એ જ શારદા છું. તેં કહ્યું ત્યાં સુધી મને યાદ નહોતું આવતું. મારા દિમાગમાં તો ઘર, ઘરની સાફસફાઈ, સુશોભન સિવાય કંઈ આવતું જ નહોતું.”

શારદાએ ઘરના માળિયે પડેલા સામાનમાંથી શોધી શોધીને પોતાનું સર્ટિફિકેટ, પોતે બનાવેલાં ચિત્રો, જૂનાં આલબમ, સ્કૂલ-કૉલેજમાં જીતેલા પુરસ્કારો એકઠા કર્યા.

ખુશ થઈને ઘેર આવી.

“આ જો, તું નહોતી તો ઘર સરાઈ બની ગયું. હાશ, હવે તું આવી હવે ઘરમાં તહેવાર જેવું લાગશે.” આવતાં વેંત પતિએ પોંખી.

“એ બધું તો ઠીક છે, પણ હવે તમે મને ‘ ઓયે કે સાંભળે છે’ કહીને નહીં શારદા કહીને બોલાવજો” કહીને ખુશહાલ મિજાજ શારદા ગીત ગણગણતી, નિરાંતે સોફા પર ગોઠવાઈ.

આજે એને પોતાની ઓળખ મળી હતી.


પી.સત્યવતી લિખીત – અનુવાદઃ જે. એલ રેડ્ડી – તેલુગુ વાર્તા પર આધારિત ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.