કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

મહાન વિજ્ઞાની એરીસ્ટોટલે ૮૦ વર્ષની ઉંમરે વાંસળી શીખવાનું શરુ કર્યું. આ જોઇ કોઇએ પૂછ્યું કે “આટલી ઊંમરે વાંસળી શીખતા તમને શરમ નથી આવતી ?” એરીસ્ટોટલે કહ્યું, “ના ! શરમ તો મને હમણાં સુધી થતી હતી, જ્યારે બીજાને વાંસળી વગાડતા જોતો અને મને તે આવડતું નહોતું ત્યારે.” ઉંમર ગમે તેટલી હોય, શીખવામાં કોઇ શરમ ન હોવી જોઇએ. માનવ જાતની આજ સુધીની પ્રગતિ તેના કુતુહલ અને અભ્યાસવૃતિના કારણે થઈ છે.

ઉદાહરણ સાવ નાની ઉંમરવાળાનું : “પ્રાંશુ ! હું પૂછું એનો જવાબ દઈશ બેટા ! આપણા દેશનું નામ શું ?” એ કહે “ભારત.” મેં આગળ પૂછ્યું, “અને ભારતની રાજધાનીના શહેરનું નામ ?” તો કહે “દિલ્હી”. હાથમાં પૃથ્વીનો ગોળો લઈ મેં ચોથા ધોરણમાં અભ્યાસ કરતા મારા પૌત્ર પ્રાંશુ ભીંગરાડિયાને તેના સામાન્યજ્ઞાનની ખરાઇ અર્થે પ્રશ્નો પુછવાના શરુ કર્યા.

“ચાઇનાની રાજધાની ?….ઈઝ્રાયલની ?. અફઘાનીસ્તાનની ?, ઇરાકની ? એમ હું નકશામાં જોઇ દેશનું નામ પૂરુ બોલી ન રહ્યો હોઉં ત્યાં જ પૌત્ર પ્રાંશુ તેની રાજધાનીનું નામ ફટાફટ બોલી દેતો જોઇ-સાંભળી હું તો અચંબામાં પડી ગયો ! આવી રીતે મેં ૨૨-૨૫ દેશોની રાજધાની વિશે પૂછ્યું, પણ બધા જ સવાલોના સાચા જવાબો સાંભળી મારી ખુશીનો કોઇ પાર ન રહ્યો ! કહેવું પડે આ બાળકનું ! સાવ નાની વયમાં આટલું બધું સામાન્યજ્ઞાન ? કેટલી બધી યાદશક્તિ ? આટલી નાની ઉંમરે આટલી બધી યાદશક્તિ ખીલવી શક્યો હોય તો મોટો થયે ક્યાં પહોંચશે ? અમને વડીલોને એને જ્યારે ને ત્યારે મોબાઇલમાં રચ્યો પચ્યો રહેતો ભાળી “બાળક મોબાઇલમાં આટલો બધો ચોટ્યો રહે તે બરાબર નહોતુ લાગતું” પણ તેનો સદુપયોગ થાય તો તેનો મોબાઇલ પાછળ ખરચેલો  સમય લેખે લાગ્યો ગણાય.

વિદ્યાવારિધીઓને મન પણ શીખવાને જ મહત્વ :

[૧]……સ્વ. ન.પ્ર. બુબુચદાદા ગ્રામ વિદ્યાપીઠ લોકભારતીનું મૂલ્યવાન ઘરેણું હતા. તેમની નિયમિતતા, નમ્રતા, બુદ્ધિમતા, વાક્ચાતુર્ય, રમુજી સ્વભાવ અને સામાન્યજ્ઞાન અસાધારણ હતાં. તેમણે 88 મે વર્ષે “ક્રેંચ ભાષા” શીખવાનું શરુ કરેલું. આ ઉંમરે તો માણસ બધામાંથી પરવારી જાય. ઘણાને આની નવાઇ લાગી અને પૂછતા;” આવો નવો પરિશ્રમ કેમ કરો છો ?”  તેમનો જવાબ હતો,  “યુરોપની શ્રેષ્ઠ ભાષાઓમાંની આ “ફ્રેંચ” નું સાહિત્ય બહુ સમૃદ્ધ છે, ઉપરાંત આપણી સંસ્કૃતભાષા અને યુરોપની ફ્રેંચ ભાષાના બંધારણની તુલના કરવાની મારી લાંબી ઇચ્છા હવે પૂરી કરવામાં સમય આપી શકું છું.”. જો કે તે પછી ૩-૪ વરસ જ તેઓ જીવ્યા. પણ છેલ્લે સુધી ફ્રેંચ ભાષાના અભ્યાસમાં જ તેઓ વ્યસ્ત હતા બોલો ! અરે, વિનોબા ભાવેતો જુદી જુદી કેટલીય ભાષાઓના જાણકાર અને કેટલાય ધર્મશાસ્ત્રોમાં પારંગત હોવા છતાં “હવે કંઇ નવું શીખવું  નથી”  એવું એમણે જીવનભર ક્યારેય વિચાર્યું નહોતું.   ,

 [૨]……….ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા અને ગ્રામવિદ્યાપીઠ લોકભારતી સણોસરાના સ્થાપક  નાનાભાઇ ભટ્ટને અવસાન પહેલાં બે વર્ષે અકસ્માતમાં પગનું હાડકું ભાંગતાં સતત પથારીવશ રહેવું પડેલું. એવી સ્થિતિમાં પણ નાનાભાઇએ “ક્વોન્ટમ થિયરી” વિશે અભ્યાસ શરુ કર્યો. તેઓ ધર્મ, આધ્યાત્મ અને કેળવણીના માણસ હતા, વિજ્ઞાનના નહીં. બધાને નવાઇ લાગે. નાનાભાઇએ ખુલાસો કરતા કહ્યું કે “ઉપનિષદ અને ક્વોન્ટમ થિયરીમાં શું સામ્ય છે તે તપાસવું જોઇએ. એટલે મેં ક્વોન્ટમ થિયરી વિશે વાંચવાનું શરુ કર્યું છે.” આખો દિવસ પથારીમાં ગાળવા છતાં આ નવા અભ્યાસને કારણે તેઓ તાઝા રહેતા હતા. તેઓ શરીરની પીડા પણ ભૂલી જતા હતા.

[૩]………જૈન સાધુ મુનિ રાજદર્શન વિજયજી ફૂલછાબની “સાધુતો ચલતા ભલા”  કોલમમાં લખે છે કે “એક સંતે મોટી ઉંમરે સન્યાસ સ્વીકાર્યો. લોકો કહે: હવે આ ઉંમરે સન્યાસ લઈને તમે શું કરશો ? આ સીત્તેર તો તમને થયાં, હવે બે-પાંચ વર્ષમાં તો તમે સાવ નકામા થઈ જશો !  સંતે કહ્યું: તમે કેવી વાત કરો છો ? હું ઘરડો લાગુ છું ? ઘરડો તો દેહ થાય છે, મન ક્યાં ઘરડું થાય છે ? મારાં જે થોડાં ઘણાં વર્ષો બચ્યાં છે એમાં આનંદનો મેળો જામે માટે હું સન્યાસ લઉં છું.”

         આપણે માની ન શકીએ એવું કામ એ સંતે કર્યું. અનેક દુહાઓ, પંક્તિઓ, શેર, લોકગીતો, સુભાષિતો કંઠસ્થ કર્યા અને એમાં જે સુભાષિતો એમને બહુ ગમતાં હતાં એનું એક એક પેજ ભરીને વિવેચન તૈયાર કર્યું. વીસ વર્ષમાં એમણે ત્રણસો ત્રણસો પાનાનાં બાર પુસ્તકો તૈયાર કર્યાં. પછી દેહ થાક્યો પણ મન અખંડ રહ્યું. મનને થાક ન લાગવા દીધો. આજે હિંદીભાષી વાચકો માટે તેમનું સાહિત્ય અંગત વ્યક્તિ જેવું કામ કરે છે.

[૪]……….ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલામાં દોઢેક વરસ કામ કર્યા પછી મનુભાઇ પંચોળી [દર્શક}ને એમ થયું કે “ સંસ્થાનો મુખ્ય ઉદ્યોગ ખેતી છે, ત્યારે જ્યાં સુધી હું જાતે જ ખેતી વિશેનું વિજ્ઞાન અને એનાં વિવિધ કાર્યોની પ્રત્યક્ષ રીતે જાણકારી નહીં મેળવું ત્યાં સુધી વિદ્યાર્થીઓ સાથેના પ્રયોગકાર્યમાં રંગ નહીં લાવી શકું.” અને નાનાભાઇની મંજુરી લઈને-જેઓ વાંકાનેર રાજ્યના ભૂતપૂર્વ ખેતીવાડી અધિકારી અને તરવડામાં પોતાની વાડીમાં ખેતી કરી રહેલ ઉદ્યાનપંડિત ઇસ્માઇલભાઇ નાગોરીની વાડીએ રહી, જમીનવિજ્ઞાન, જંતુ વિજ્ઞાન, પાક વિજ્ઞાન, કીટકશાસ્ત્ર, પાણી અને જમીનના સંબંધો તથા ફળઝાડ ઉછેરની તાલીમ લીધેલી. વળી પોતે કહ્યું હતું કે “આ તાલીમને પરિણામે મેં જોયું કે  “ખેતી એ કેવળ એક ધંધો નથી, પણ એક સંપૂર્ણ જીવન સાધના છે, સંસ્કાર ઘડતર છે” આ વાત અનુભવ વિના સમજાવવી મુશ્કેલ છે. ખેતીમાં તો પળે પળે ભગવાનની લીલા પ્રગટતી જોઇ શકાય છે. ખેડૂતનું ચિત્ત સુકોમળ, વ્યાપક અને સમતોલ બની જાય છે. અળસિયાં, ફુદાં, પતંગિયાં, બળદ, ગાય, મરઘાં, કુતરાં, ખેતીના દાડિયા, જમીન, વૃક્ષ, વનસ્પતિ બધામાં કુદરતનો અપૂર્વ રસ નીતરતો ભાળે છે. ચાર મહિના હું તરવડા ખેતી શીખવા રહ્યો તે દહાડા તીર્થસમાન નીવડ્યા.” વિદ્યાર્થીઓને ખેતીનું માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં પણ પ્રત્યક્ષરૂપે આપવું હોય તો એ માટે થઈને પોતે ખાસ સમય ફાળવી ખેતી શીખવા તરવડા ચાર મહિના રોકાયા. મનુભાઇની ઉંમર તો વિદ્યાર્થીઓને શીખવવાની હતી, પોતાને શીખવાની થોડી હતી ? છતાંયે આવી ઉંમરે તેઓએ ખેતી વિજ્ઞાનને શીખવાને પ્રાધાન્ય આપ્યું.

પાકે ઘડે કાંઠા ચડાવ્યાનો મારો પોતાનો અનુભવ :

મેં ૧૯૬૫માં  કૃષિસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો તે સમયે કોઇના ઘેર ટેલીફોન કે કોઇ પાસે મોબાઇલ નહોતા. ઇમરજન્સીમાં કોઇને સમાચાર આપવાના થાય તો “તાર” નો આશરો લેવાતો. એટલે આ “ઇંટરનેટ” કે “લેપટોપ” જેવા સાધનને નજરે જોવાની વાત તો બાજુએ રહી, તેનું નામ સુદ્ધાં સાંભળાયું નહોતું. એટલે અત્યારના આધુનિક સમયમાં કંઇ લખવાનું હોય, હિસાબ કરવાના હોય, અવનવી વિગત શોધવાની હોય, કે કોઇને વિગત કે ટપાલ મોકલવાની હોય તો તે બધું જ “લેપટોપ”- “ઇંટરનેટ” ના માધ્યમથી કરાતું ભાળી મને બહુ ઇંતેજારી થયા કરતી અને આ બધું મને પણ આવડે કે નહીં ? એવું મનમાં થયા કરતું.

એમાં ૨૦૦૫ ની સાલે મારા પત્નીને ગોઠણનું ઓપરેશન કરાવવાનું થતાં ૮-૧૦ દિવસ દીકરાના ઘેર સુરતમાં રહેવાનું થયું. એક દિવસ દીકરા ભરતને “લેપટોપ” પર કામ કરતો ભાળી પૂછી બેઠો કે “ હેં બેટા ! મને આ લેપટોપ ચલાવતા આવડે ?”  મને કહે, “ બાપા ! તમારી ઇચ્છા હોય તો આવો તમને શીખવાડું.”, હું તો વિદ્યાર્થી બની દીકરા પાસે લેપટોપ ચલાવવાનું શીખવા બેસી ગયો. લેપટોપ કેવી રીતે ખોલવું, ખોલ્યા પછી ક્યા નિશાન પર “ટચ” કરી શરુ કરવું, માઇક્રોસોફ્ટ વર્ડ ખોલવું, કર્સર કેમ ચલાવાય વગેરે જેવી પ્રાથમિક વિગતો દીકરો કહેતો ગયો તેમ હું લેપટોપ પર કરતો ગયો. ઉપરાંત “ગાઈડ” સ્વરૂપે એક બુકમાં લખતો પણ ગયો. ત્રણ દિવસ તાલીમ લીધા પછી ચોથા દિવસે મને લેપટોપ પર ગુજરાતીમાં લખાણ લખતો જોઇ દીકરો કહે, “બાપા ! આ લેપટોપ અને પ્રિંટર બન્ને વાનાં ગામડે લેતા જાઓ !” આજની ઘડી ને કાલનો દિવસ ! આજ [૨૦૨૧] છેલ્લા ૧૫-૧૬ વર્ષથી હું મારા કૃષિ વિષયક અનુભવ લખાણો લેપટોપ પર ગુજરાતીમાં લખી રહ્યો છું અને દર અઠવાડિયે બે દૈનિકપત્રો અને હર મહિને આઠ-નવ કૃષિ વિષયક સામયિકોને “નેટ” દ્વારા “મેઇલ” કરી દઉં છું. આજે તો ૭૫ વટાવી ગયો છું, પણ છેલ્લા ૧૫ વરસથી એટલેકે ૬૦ વરસની ઉંમરે હું ઇંટરનેટનો ઉપયોગ કરવાનું શીખ્યો ! કહેવાય ને પાકે ઘડે કાંઠા ચડાવ્યા એવું જ !

ધર્મ ક્ષેત્રે પણ “શીખવા”ને અપાએલ મહત્વ :

[૧]……..ભગવાન શ્રીકૃષ્ણે વ્રજમાં બાળલીલા દરમ્યાન મોટા મોટા અસુરોનો સંહાર કર્યો હતો. દેવરાજ ઇંદ્રને પડકાર ફેંકીને પોતાની આંગળી પર ગોવર્ધન પર્વતને ધારણ કર્યો હતો. મથુરાના શક્તિશાળી રાજા કંસનો વધ કર્યો હતો. આવા સમર્થ પ્રભુ પણ વિદ્યા પ્રાપ્ત કરવા માટે ઉજ્જેનમાં આવેલ ગુરુ સાંદીપનિના આશ્રમમાં ગયા હતા. માણસનું પદ કે ઉંમર ગમે તે હોય, નિરંતર જ્ઞાન પ્રાપ્ત કરતા રહેવું જોઇએ.

[૨]………. મહાભારતનુ યુદ્ધ પુરું થઈ ગયા પછી બાણશય્યા પર સૂઇ રહેલા ભીષ્મપિતામહ સૂર્ય ઉત્તરાયણનો થાય એની રાહ જોઇ રહ્યા હતા એ વખતે ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું કે “તમે ભીષ્મપિતામહ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરો.” યુધિષ્ઠિર તો  જીવનના સંઘર્ષોમાંથી ઘણું બધું શીખ્યા હતા એમ છતાં ભગવાને તેમને જ્ઞાન પ્રાપ્ત કરવા ભીષ્મપિતામહ પાસે જવાનું કહ્યું. તેથી   તેઓ જ્ઞાન પ્રાપ્ત કરવા ભીષ્મપિતામહ પાસે ગયા અને એના લીધે જ આપણને મહાભારતમાં શાંતિ તથા અનુશાસન પર્વના સંવાદનો અદભૂત લાભ મળ્યો છે.

વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ સાથે પરીક્ષા આપી : માલપરાની વાત્સલ્યધામ લોકશાળાના અભ્યાસ દરમ્યાન 1961ની સાલે અમે કેટલાક વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ તરફથી લેવામાં આવતી હિંદીની पहली, दूसरी, तीसरी પાસ કર્યા પછીની ચોથી  “वीनीत” ની પરીક્ષા દીધી ત્યારે અમ વિદ્યાર્થીઓની સાથોસાથ શાળાના આચાર્યશ્રી અને સંસ્થાના સંચાલકશ્રી પણ પરીક્ષામાં બેઠેલા. ઉંમર ભલે મોટી હોય કે હોદ્દો ભલે ગમે તેટલો ઉંચો હોય, શીખવામાં કોઇ બાધા આવતી નથી.

ગામડા ગામની યુવતીઓ પણ શીખવા બાબતે પૂરી ચબરાક નીકળી ! : હું તો ગામડામાં રહીને ખેતી કરનારો ખેડૂત છું. આસપાસના ઘણા વિસ્તારોમાં ખેતીના અભ્યાસાર્થે ફરનારી વ્યક્તિ હોવાથી કેટલાય ખેડૂત કુટુંબોના સહવાસમાં આવ્યો હોવાથી મારા જોવામાં આવ્યું છે કે કેટલીએ વખત એવું બનવા પામે છે કે મૂળ ગામડાના પણ શહેરમાં જઈ વસેલા માવતરની દીકરીને ખેતીકામોનો કશો પરિચય કે અનુભવ નથી હોતો. પરંતુ  લગ્ન થયા હોય ગામડામાં વસતા ખેડૂત કુટુંબમાં ! સાસરે આવ્યા પછી એ કેવી બદલી જાય છે ! એ ખેતીવાડીના બધાં  નીંદવું, પારવવું, વાઢવું, લણવું જેવા સામાન્ય ખેતીકામો તો શું, પણ ૧૬ લીટરિયો પંપ ખંભે લઈ દવા છાંટવી, હેંડલ મારી ઓઇલએન્જિન ચાલુ કરવું, ટ્રેકટર ચલાવવું કે ઘેર ગાય-ભેંશ જેવાં દુઝાણાં દોહવાં જેવા આવડત અને કૌશલ્ય માગી લે તેવા કાર્યો બહુ જ ચીવટ અને ઝડપથી શીખી લઈ, જવાબદારી પૂર્વક કરવા લાગી ગઈ હોય તેવી હોંશિયાર દીકરીઓની યાદી મારી પાસે છે મિત્રો ! પોતાનું મન ઇચ્છે તો શું નથી થઈ શકતું, કહો !

ખેતીમાં પણ વિજ્ઞાન ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. નવાં બિયારણો, નવી પદ્ધતિઓ, નવાં નવાં યંત્રો અને આયામો આવી રહ્યા છે ત્યારે, ક્યારેય આપણે એમ નહીં વિચારવાનું કે “હવે આપણાથી આમાં ન પડાય ! મારી તો ઉંમર થઈ ગઈ ! આ બધું આપણને ન ફાવે !“ જો એવું નકારાત્મક વલણ અપનાવશું તો માપથી ઝાઝા વાંહે રહી જઇશું હો ! “શરીર” થાકશે તો રાત્રિ દરમ્યાનના ઊંઘ અને આરામ થકી થાક ઉતારી સવારે તાજું બની જશે. પણ જો “મન’ને થકવી દેવાશે ને તો કોઇ નવું કામ શીખવાની ઇચ્છા જ મરી પરવારશે. માટે ખેતીમાં મન ક્યારેય ન થાકે એનું પૂરું ધ્યાન રાખવું પડશે હો ભાઇઓ !  નિરંતર શીખતા રહેવાની વૃતિ માણસને જીવનમાં આગળ ધપાવે છે. શીખવાનું બંધ કરી દે છે તેઓની પ્રગતિ અટકી જાય છે. જે માણસો હંમેશા નવું નવું શીખતા રહે છે અને પોતાની કાર્યકુશળતા વધારતા રહે છે તેને અવશ્ય સફળતા વરે છે. વળી તે અન્ય લોકો માટે એક અનુકરણીય આદર્શ બની જાય છે.

શીખવામાં કોઇ પદ-હોદ્દો કે ઉંમરનો બાધ નડતો નથી. કંઇ કેય નવું આવ્યું ? યા હોમ કરીને કુદી પડવાનું ! શીખવા માંડ્યે શું ન આવડે ? શીખ્યે પાર ! સફળતા ન મળે તો તે બિચારી જાય ક્યાં ?


સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com