એ ગાડાંના ધંધામાં બાપાને ખૂબ આર્થિક નુકસાન થયેલું. એ નુકસાન ભરપાઈ કરવા એમણે ખેતરમાં કૂવો ખોદવા લોન લીધેલી. એ કૂવામાં પથરા વધારે ને પાણી ઓછું આવ્યું. પથરા તોડવા બાપાએ ઘણી વાર એક સાથે વીસ વીસ સુરંગો મૂકવી પડતી. એને કારણે દેવું થઈ ગયેલું. એક દેવામાંથી બહાર આવવા બીજો ધંધો કરે ને એ ધંધો દેવું વધારે. આખરે અમારે એક ખેતર ગિરો મૂકવું પડેલું. જો કે, તો ય કૂવામાં પૂરતું પાણી ન હતું આવ્યું. આખરે બાપાએ બીજું ખેતર પર ગિરો મૂકેલું. એ દરમિયાન હું એસ.એસ.સી.માં પ્રથમ વર્ગમાં પાસ થયો. એથી મારું કુટુંબ ખૂબ દુ:ખી થઈ ગયેલું. કેમ કે એમની પાસે મને કોલેજમાં મોકલવાના પૈસા ન હતા. આખરે બાપા નજીકમાં આવેલા મુવાલ નામના એક ગામના એક કણબી પાસેથી ત્રણસો રૂપિયા લઈ આવેલા. એ ત્રણસો મારા હાથમાં મૂકતાં એમણે મને કહેલું કે આ પૈસા લઈને આણંદ જા. ત્યાં પ્રાથમિક શાળાના શિક્ષકની કોલેજ છે. એક વરસની. તું એક વરસમાં માસ્તર થઈ જઈશ.
હું એ પૈસા લઈને આણંદ જવાને બદલે મોડાસા ગયો. ત્યાં મેં આર્ટસમાં પ્રવેશ લીધો. એકાદ અઠવાડિયું આર્ટ્સ કર્યું હશે ત્યાં જ કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું, “કોમર્સ કર. નોકરી જલ્દી મળશે.” હું કોમર્સમાં ગયો. ત્યારે હું હોસ્ટેલમાં રહેતો હતો. નાનકડી રૂમમાં અમે ત્રણ જણ હતા. હું ઘેરથી દશીવાળો સ્ટવ લઈ ગયેલો. હું એના પર ખીચડી બનાવતો ને દહી સાથે ખાતો. પાછળથી મેં હોસ્ટેલમાં ખાવાનું શરૂ કરેલું. હું ઘેર જતો ત્યારે બા મને દૂધથી બાંધેલા લોટના મરચામીઠાવાળા રોટલા આપતાં. હું એ રોટલા પર દસ દિવસ કાઢી નાખતો. એટલા દિવસનો મને કટ મળતો. એથી મારું ફૂડ બીલ ત્યાર પંચાસીને બદલે પાંસઠ રૂપિયા આવતું. બા દર મહિને સો રૂપિયા ક્યાંકથી લઈ આવતાં ને એમાંથી ઘર ચલાવવા વીસ રૂપિયા પોતે રાખી લેતાં અને બાકીના પંચાશી મને આપતાં. એમાંથી પાંસઠ હું ફૂડબીલના આપતો. એક તબક્કે શાહુકારોએ બાને/બાપાને પૈસા ધીરવાનું બંધ કર્યું. એમણે મને પાછો ઘેર બોલાવી લીધો. અને હું એક સેમેસ્ટરમાં જ કોલેજ પડતી મૂકીને ઘેર આવ્યો. બાપાએ કહ્યું: મારી સાથે આવ ને સુથારી કામ શીખી લે. મારી પાસે પણ એ સિવાય બીજા કોઈ વિકલ્પો ન હતા.
મોડાસા એ રીતે મારું ‘ઘર’ બન્યું. પણ માંડ ચાર-પાંચ મહિના માટે જ. ત્યારે મારી પાસે પેન્ટ ન હતું. હું પટાવાળો લેંઘો પહેરીને કોલેજ જતો. જૂતાં પણ ન હતાં. હું ઉઘાડે પગે કોલેજ જતો. એકાદવાદ બાએ સ્થાનિક બજારમાંથી ચંપલ લઈ આપેલાં. ચામડાનાં. બાએ ચારપાંચ દિવસ સુધી એ ચંપલ દિવેલમાં બોળી રાખેલાં. તો પણ એ સુંવાળાં થયાં ન હતાં. હું પહેરતો તો એનાથી મારા પગ છોલાઈ જતા.
ઘેર પાછા આવ્યા પછી મેં ભણવાની ઇચ્છા છોડી દીધી હતી. જો કે, ત્યારે જો એસએસસીમાં સારા ટકા આવ્યા હોય તો તમને સરકારમાં ક્યાંક કારકુનની નોકરી મળી જતી. પણ, મારી ઉમર ઓછી પડતી હતી. એથી જાહેરાતો આવતી તો પણ હું ક્યાંય અરજી કરી શકતો ન હતો.
એ દરમિયાન મારાં ફોઈનો છોકરો શંકરભાઈ અમારા ઘેર આવ્યા. એ ગોધરામાં ટેલિફોન ઓપરેટર હતા. એમને ત્યાં દીકરી આવેલી. એમણે મને કહ્યું કે તું ગોધરા ચાલ. મારી દીકરીને રાખવામાં મદદ કરજે અને સમય મળે ત્યારે કોલેજ જજે. મેં એમની ઓફર સ્વીકારી લીધી. અને હું એમની સાથે ગોધરા ગયો. વતન ટ્રોય બન્યું.
શંકરભાઈ અને એમનાં પત્ની મહાલક્ષ્મીભાભીએ મને સારી રીતે રાખતાં હતાં. એમનું ઘર પણ ભાડાનું હતું. આગળ બેઠક રૂમ. વચ્ચે સુવાનો રૂમ અને છેલ્લે રસોડું. હું અને એમની દીકરી આગળની રૂમમાં સૂતાં. મેં ત્યારે ગોધરાની કોમર્સ કોલેજમાં પ્રવેશ મેળવેલો. હું રહેતો હતો ત્યાંથી કોલેજ દૂર હતી. જો કે, શંકરભાઈએ મને એક સાયકલ લઈ આપી હતી. હું સાયકલ પર કોલેજ જતો. પણ જેવા ક્લાસ પૂરા થાય કે તરત જ પાછો ઘેર આવી જતો.
આખરે ત્યાં મેં મારું એક સેમેસ્ટર પૂરું કર્યું. હું પ્રિ-કોમર્સમાં થર્ડ ક્લાસમાં પાસ થયો. એ દરમિયાન ટેલિફોન ઓપરેટરની એક જાહેરાત આવી. મેં એના જવાબમાં અરજી કરી. મારે એસ.એસ.સી.માં ૬૨.૩% ટકા હતા. એ વરસે એ લોકોએ ૬૨% વાળા ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં બોલાવેલા. હું લેખિત તથા મૌખિક ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયો. અને થોડાક વખતમાં જ એમણે મને અમદાવાદ બોલાવ્યો. ટેલિફોન ઓપરેટરની તાલિમ માટે.
ત્યાં, મેં આગળ નોંધ્યું છે એમ, હું નવરંગપુરામાં આવેલી વિશ્વકર્મા હોસ્ટેલમાં રહેતો હતો. ત્યાંથી અસારવામાં આવેલી મેન્ટલ હોસ્પિટલ પાસેના એક સંકુલમાં મારી તાલિમ ચાલતી હતી. હું મોટે ભાગે ચાલીને જતો ને ચાલીને આવતો. ત્યારે ત્યાં જવાના સીધા રસ્તા ન હતા. નવરંગપુરાથી મારી તાલિમનું કેન્દ્ર આશરે છ કે સાત માઈલ દૂર હશે. ત્યારે મને સો કે એકસો દસ રૂપિયાનું સ્ટાઈફંડ મળતું. એમાંથી મને એએમટીસ બસની ટિકિટ પરવડે એમ ન હતી. જો કે, અમદાવાદમાં હું ત્રણ જ મહિના રહેલો. ત્યાર પછી મારું પોસ્ટિંગ ગોધરા થયેલું અને પાછો હું ગોધરા આવેલો.
ગોધરામાં આરંભમાં હું શંકરભાઈના ત્યાં રોકાયેલો. પછી મેં એક નાનકડી ઓરડી ભાડે રાખેલી. હશે આશરે દસ બાય દસની. એમાં પણ મેં એક દશીવાળો સ્ટવ રાખેલો. હું રોજ ખીચડી બનાવતો ને દહીં સાથે ખાતો. બન્ને વાર. અને પૈસા બચાવતો. ત્યારે મારો ૭૮૧ રૂપિયા પગાર હતો. એમાંથી હું દર મહિને માબાપને ૫૦૦ રૂપિયા મોકલતો. કેમકે એમને ઘણું દેવું થઈ ગયેલું હતું. બાકીના ૨૭૧માંથી સો રૂપિયા ભાડાના જતા. બાકીના ખાવાપીવાના.
મેં ગોધરામાં ઘણા મિત્રો બનાવેલા. સૌ પહેલો મિત્ર કવિ/લેખક વિનોદ ગાંધી. પછી કવિ સુભાષ દેસાઈ અને દિનેશ ભટ્ટ. અમે અઠવાડિયામાં એકાદવાર ક્યાંક મળતા અને અમારી ઓછી અને બીજાની સાહિત્યિક કૃતિઓ વધારે વાંચતા. ત્યારે અમે હિન્દી કવિતાઓ પણ ખૂબ વાંચતા. એમાં ધૂમિલની અને દુષ્યન્તકુમારની કવિતાઓનો પણ સમાવેશ થતો. ત્યાં ગોધરામાં રહીને જ મેં અને વિનોદ ગાંધીએ ‘ઢંઢેરો’નામનું એક પતાકડું શરૂ કરેલું. પાછળથી મેં એકલા હાથે ‘Tension’ નામનું સામયિક કાઢેલું. એના ચારેક અંક કાઢ્યા હશે. ગોધરામાં એક પુસ્તકાલય- સ્ટુઅર્ટ પુસ્તકાલય- સારું હતું. એનો લાયબ્રેરીયન, મને હજી એમનો ચહેરો યાદ આવે છે, ઘણી વાર નિયમની ઉપરવટ જઈને મને એક સાથે છથી સાત પુસ્તકો વાંચવા આપતા. એ પહેલાં મેં કદી પણ સાહિત્યમાં કે ગુજરાતી ભાષામાં રસ લીધો ન હતો. નાનપણમાં તો કદી નહીં.
એ સમયગાળામાં જ મેં અંગ્રેજી સાહિત્ય પણ વાંચવાનું શરૂ કરેલું. હું ત્યારે સુરેશ જોષીને વાંચતો અને એમાં જે વિદેશી સાહિત્યકારોનાં નામો આવતાં એ સાહિત્યકારોનાં પુસ્તકો પુસ્તકાલયમાં હોય તો ઘેર લઈ આવતો અને વાંચતો. સુભાષ દેસાઈ ત્યારે પુસ્તકો ખરીદતા. એમને જોઈને હું પણ પુસ્તકો ખરીદવાના રવાડે ચડેલો.
મને બરાબર યાદ નથી પણ એ સમયગાળામાં જ અમેરિકન ચિન્તક ઇવાન ઇલિચ ગુજરાત આવેલા. એ પણ ગાંધીબાપુના આશ્રમની મુલાકાતે. મેં એમનું Deschooling Society નામનું પુસ્તક વાંચેલું. એનો મારા પર ખૂબ પ્રભાવ પડેલો. એટલો બધો કે એ પુસ્તક વાંચ્યા પછી મેં ન ભણવાનું નક્કી કરેલું. પણ, અમારી ઓફિસમાં એક વ્યાસબહેન હતાં. એમનું નામ હું ભૂલી ગયો છું. એમણે મારા માટે કાંઈક બીજું જ નક્કી કરેલું. એ મને ભણાવવા માગતાં હતાં. એક દિવસે એમણે મને કોલેજના ફીના પૈસા હાથમાં આપી કહ્યું, “તારે ભણવાનું છે. લે આ ફી.” હું એમને ના ન પાડી શક્યો. અને મેં ગોધરાની શેઠ પી. ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રવેશ લીધો. એ પણ ગુજરાતી મુખ્ય વિષય સાથે ને હિન્દી ગૌણ વિષય સાથે.
પહેલા વરસે મેં એક પણ પાઠ્યપુસ્તક વાંચ્યું ન હતું. એને બદલે મેં પરીખ-ઝાલાની ગાઈડો વાંચેલી. હું ક્લાસમાં પણ ખાસ જતો ન હતો. મને અધ્યાપકો ખૂબ કંટાળાજનક લાગતા. પણ જ્યારે મેં વાર્ષિક પરીક્ષા આપી ત્યારે મારે ૫૬ ટકા આવેલા. હું ખુશ થઈ ગયેલો. પાઠ્યપુસ્તકો વાંચ્યા વગર માર્કસ આવે એ કોને ન ગમે. એમ કરતાં મેં ગુજરાતી મુખ્ય વિષય સાથે ત્યાંથી બી.એ. કર્યું. ત્યારે મારો નાનો ભાઈ, ભીખો, પણ મારી સાથે રહેતો. ઘણી વાર એ પણ મારા માટે ખાવાનું બનાવતો.
મારી ભણવાની ધખશ જોઈને મારી સાથે નોકરી કરતા કેટલાક ટેલિફોન ઓપરેટરોએ મને એમ.એસ. યુનિ.માં સુરેશ જોષીના હાથ નીચે ભણવા જવા દબાણ કર્યું અને મેં એમ કર્યું. હું રાતે બારથી સવારના સાત નોકરી કરતો અને પછી સવારે નવ વાગ્યાની ટ્રેઈન લઈને વડોદરા જતો. ક્લાસમાં બેસતો અને સાંજે છ વાગે પાછો આવતો. એ દરમિયાન ટ્રેઈનમાં ઊંઘી લેતો. હોમવર્ક હું નોકરી પર હોઉં ત્યારે કરતો.
ત્યાં જ એક દિવસે મારા મકાનમાલિકે મને કહ્યું કે તમે મારું ઘર ખાલી કરશો કે નહીં કરો? ને મને ખૂબ લાગી આવ્યું. હું બીજા જ દિવસે એમનું ઘર ખાલી કરીને મારા એક મિત્ર, જયન્તિ પટેલના ત્યાં, રહેવા ગયો. એ પણ બીજા એક મિત્ર સાથે રહેતો હતો. ભાડાની રૂમમાં. જયન્તિ ત્યારે મારી સાથે ટલિફોન ઓપરેટર હતો. એ પણ સાહિત્યનો જીવ હતો. ત્યારે હું, વિનોદ ગાંધી અને જયન્તિ પટેલ રોજે રોજ ક્યાંકને ક્યાંક બેસતા અને સાહિત્યની વાતો કરતા.
એકાદ વરસ જયન્તિ સાથે રહ્યા પછી મેં વડોદરા બદલી કરાવી. ત્યારે હું એમ.એ.ના બીજા વરસમાં હતો. વડોદરામાં, મેં અગાઉ નોંધ્યું છે એમ, મારે કોઈ સ્થાયી કહી શકાય એવું ઘર ન હતું. મને વડોદરાનાં મકાનનાં ભાડાં પરવડે એવાં ન હતાં. મારે માબાપને પણ પૈસા મોકલવાના હતા.
વડોદરામાં હું, મેં આ લેખના આરંભમાં નોંધ્યું છે એમ, હોસ્ટેલોમાં અને મિત્રોના ત્યાં રહેતો. હું મોટે ભાગે રાતની નોકરી કરતો. ક્યારેક ટેલિફોન ઓફિસમાં જ પ્રાત:ક્રિયાઓ પરવારીને સવારે સાડા આઠે હંસા મહેતા પુસ્તકાલયમાં પહોંચી જતો. ત્યાં બેસીને વાંચતો. ક્યારેક સહેજ ઊંઘી પણ લેતો. ક્લાસ શરૂ થાય ત્યારે હું ક્લાસમાં જતો. ક્લાસ પૂરા થાય પછી પાછો હું પુસ્તકાલયમાં પહોંચી જતો. પછી રાતે બાર વાગે પાછો નોકરી પર જતો. ઘણી વાર હોસ્ટેલોના બાથરૂમમાં નાહી લેતો તો કોઈ પૂછતું નહીં. બેત્રણ મહિના હું આ રીતે ઘર વગર જ રહ્યો હોઈશ. ત્યાં જ એક મિત્રએ મને એની સાથે રહેવાની સગવડ આપી. એ પણ મારી જેમ જ ભણતો હતો. અર્જુનસિંહ એનું નામ. પછી અમે બન્ને બેએક વરસ સાથે રહ્યા. વચ્ચે વચ્ચે અમે ઘર બદલતા રહેલા. નહીં નહીં તો અમે ત્રણેક વાર ઘર બદલ્યું હશે. છેલ્લે, અમે એક દસ બાય દસની ઓરડીમાં સાથે રહેલા. એ ઓરડીના માલિકે અમને એક વાર કહેલું કે હું મહિનામાં એક જ વાર પેન વાપરું છું. પગાર લેતી વખતે.
વડોદરામાં રહીને મેં ગુજરાતી વિષય સાથે એમ.એ. કર્યું. એમાં મારો પહેલો નંબર આવેલો. મને ગોલ્ડ મેડલ પણ મળેલો પણ મેં ન હતો લીધો. એ દરમિયાન, રાજ્ય સરકારે એની શિક્ષણ નીતિ બદલેલી. એને કારણે પ્રિ. આર્ટ્સ, પ્રિ. કોમર્સ અને પ્રિ. સાયન્સ હાઈસ્કુલમાં ચાલ્યાં ગયેલાં. એથી ગુજરાતી વિષયના અધ્યાપકો ફાઝલ પડેલા. સરકાર જ્યાં સુધી એ ફાઝલ અધ્યાપકોને થાળે ન પડે ત્યાં સુધી કોઈ નવા અધ્યાપકોની નિમણૂંક કરવા માગતી ન હતી. એને કારણે મને કોઈ કોલેજમાં અધ્યાપકની નોકરી મળતી ન હતી. એથી મેં એ વખતે મેં, એમ કહોને કે ‘પાપી પેટ કે ખાતીર’ વધુ એક પ્રમાણપત્ર લેવાનું નક્કી કર્યું. એના એક ભાગ રૂપે મેં ભાષાશાસ્ત્રમાં ડિપ્લોમા કર્યો. એને કારણે મારી લાયકાતમાં એક ફૂમતું ઉમેરાયું. મને એમ હતું કે મને આ ફૂમતાને કારણે કદાચ ક્યાંક નોકરી મળી જશે.
અને મને સંતરામપુરની આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અધ્યાપકની નોકરી મળી ગઈ. પણ, કાયમી તો નહીં. કોલેજ દર વર્ષે ગુજરાતીના ફાઝલ અધ્યાપકોને નોકરી પર આવવા આમંત્રણ આપતી અને મોટા ભાગના અધ્યાપકો ના પાડતા. પછી એમની જગ્યાએ મને રાખવામાં આવતો. પણ, હવે હું આ પ્રકારની અસ્થિરતાથી ટેવાઈ ગયો હતો.
ક્રમશઃ
