વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

રજનીગંધા, રાતની રાણી, કેટલું સરસ નામ અને એવી જ મઝાની એનાં ફૂલોની સુગંધ. રાત પડે, અંધકાર ઘેરાય અને એનાં ફૂલોની રેલાઈ આવતી સુગંધથી મન આનંદસાગરમાં લહેરાય. ખૂબ ગમે છે આ રજનીગંધાના ફૂલોની સુગંધ.

છતાં, મેં રજનીગંધાનો છોડ રોપવાની અનુમતિ ક્યારેય આપી નથી. એની પાછળ એક એવી સ્મૃતિ જડાયેલી છે કે….શું કહું?

સત્તર વર્ષની ઉંમરે કૉલેજમાં ભણતા યુવાનનું જીવન કેવું હોય? અંગ્રેજો સોળ વર્ષની ઉંમરને ‘સ્વીટ સિક્સટીન’ કહે છે. સોળ વર્ષે યુવાનીમાં કેટલાય લોકો પ્રેમમાં આંધળુકિયા કરી ઊંધેકાંધ પછડાતા હોય છે. સુંદર યુવતી જોઈ નથી કે અત્યંત ભાવુક બની વાસ્તવિકતાથી દૂર સપનાંની દુનિયામાં ખોવાઈ જાય. માથે કવિતા લખવાનું ભૂત સવાર થાય.

પુસ્તકમાં આલેખાતો પ્રેમ આદર્શ લાગે. કેટલીય યુવતીઓના સૌંદર્ય, ચારિત્ર્ય પારખ્યા પછી અંતે માલતી પર મારી પસંદગી ઢળી. માલતી સુંદર હતી. ચાંદનીની જેમ ચમકતો ચહેરો, નશીલી આંખો, નાજુક પૂતળી જેવી કાયા, હંસલી જેવી ચાલ, પણ અવાજમાં ગજબનો રોફ. માલતીનો આ રોફ મને સૌથી વધુ આકર્ષી ગયો.

માલતીને આવતી જોવા હું બહાર વરંડામાં જઈને ઊભો રહેતો, કાશ મારી આ ઉપાસના માલતી સુધી પહોંચતી હોત! પણ, નહોતી પહોંચતી. હું ઘણી વાર વિચારતો કે માલતી પ્રત્યેના મારા પ્રેમમાં ખરેખર સાવ નિર્દોષતા, પવિત્રતા હતી ખરી?  ખરેખર એને ઉપાસના કેવી રીતે કહી શકાય કારણ કે કેટલીય વાર વૃક્ષ સાથે વેલી વીંટળાય એમ માલતી મને વીંટળાઈને ઊભી હોય એવી કલ્પના થઈ જતી.

માલતી અમારા ઘરથી થોડે જ દૂર ઊંચી દીવાલવાળા મહેલ જેવા ઘરમાં રહેતી હતી. એના પિતા સાથે મારે સાધારણ પરિચય હતો. કદાચ માલતી પણ મને ઓળખતી હશે.

રાત્રે જમીને બહાર નીકળતો ત્યારે પગ અનાયાસે માલતીની ઘર તરફ જ વળતા. એના ઘરના ઝાંપા પાસે રજનીગંધાનો છોડ હતો. એ છોડ પાસે સંતાઈને બેસુ તો માલતી એના રૂમમાં આરામથી વાંચતી બેઠેલી દેખાય. હું એમ જ કરતો. ટેબલ પર મૂકેલા લેમ્પના અજવાળામાં માલતીના ચહેરા પરના ભાવ જોઈ શકતો. મોડી રાત સુધી ઊંઘ આવી જાય ત્યાં સુધી એ વાંચ્યા કરતી. ઝોકે ચઢેલી માલતીનું માથું ટેબલ પર અફળાતું તો એ પરાણે આંખો ફાડીને જાગવા મથતી.

મને મન થતું કે બૂમ મારીને એને કહું, બસ કર હવે. પણ, એ તો આંખો ચોળતી ફરી વાંચવા લાગતી. રજનીગંધાની સુગંધથી મન તર થઈ જતું છતાં શ્વાસ રોકીને હું એને જોયા કરતો. એ સુવાસિત વાતાવરણ સ્વર્ગના નંદનવન જેવું લાગતું અને માલતી મારી સ્વપ્નપરી.

ક્યારેક એ ‘મંજરી’ છંદમાં કવિતા ગાતી. એનો અવાજ સુરીલો હતો. એના કંઠની માધુરી સૌને રસવિભોર કરી દે એવી હતી.

લગાતાર ત્રણ મહિના સુધી રોજ રાત્રે એક એક કલાક સંતાઈને એને જોયા કરી છે. વરસાદના દિવસો શરૂ થયા. મારા માટે વરસાદ નહીં વિપદાના દિવસો શરૂ થયા. જ્યારે ખૂબ વરસાદ હોય ત્યારે એ બારી બંધ કરી દેતી. જાણે મારા હૃદયના બારણાં બંધ થઈ જતાં.

એક દિવસ માલતીના પિતાને એમના બાગના તમામ જૂના ફૂલઝાડ અને દીવાલની આસપાસ ફૂટી નીકળેલાં ઝાડની સફાઈ કરાવવી છે એવું કહેતા સાંભળ્યા અને મારું હૃદય ધબકાર ચૂકી ગયું.

ઓહ, હવે હું મારી માલતીને કેવી રીતે જોઈશ? મારું નંદનવન બચાવવાના એકમાત્ર ઉપાય તરીકે મારા હૃદયના ભાવ ઠલવતો એક પત્ર માલતીને લખ્યો. એમાં ત્રણ ત્રણ મહિનાથી રજનીગંધાના છોડ પાસે બેસીને કેવી રીતે હું એની ઉપાસના કરતો એ પણ લખ્યું. રજનીગંધાના છોડને બચાવી લેવા વિંનતી કરી. ‘વ્હાઇટ ઓફ વેલ્સ’ના છોડની ડાળી માંગવાના બહાને માલતીને પત્ર આપવા નીકળ્યો.

પહોંચ્યો ત્યારે ત્યાં હો-હલ્લા મચી હતી. દસેક માણસો એકઠા થઈને એક લાંબા કાળા નાગને લાઠીથી મારવા મચ્યા હતા.

આટલા સમયથી કોઈનુંય ધ્યાન નહોતું પડ્યું કે, રજનીગંધાના છોડની આડમાં એનું નિવાસસ્થાન હતું. જ્યારે છોડ કાપ્યો ત્યારે એ ફુંફાડા મારતો નીકળ્યો.

મારા હોશ ઊડી ગયા. કલેજું થરથર કાંપવા માંડ્યું. જીવ તાળવે ચોંટ્યો. હવે એક ક્ષણ મારાથી ત્યાં ટકાય એમ નહોતું. આટલા સમયથી જ્યાં બેસીને હું માલતીને જોતો ત્યાં મારી નજીક જ એ ભયંકર નાગ રહેતો હતો!

કોશિશ કરવા છતાં એ વાત હું ભૂલી શકતો નહોતો. એવું લાગતું કે ફેણ ચઢાવીને એ કાળો નાગ મારી પીઠ પાછળ બેઠો છે.

એ રાત્રે મને સખત તાવ ચઢ્યો. સપનામાંય સઘળે નાગ દેખાતો. પલંગ પર, મારી છાતી પર, દરવાજા પર, છત પર લટકતો નાગ જોઈને ઊંઘમાં બૂમ પાડતો, “નાગ નાગ.”

ઘરના સૌ લાઠી લઈને દોડી આવતા.

સપનામાં માલતી નાગકન્યા જેવી લાગતી. એનો ચહેરો જોવો ગમતો પણ એનો નાગકન્યા જેવો દેહ જોઈને છળી જતો.

એક મહિના સુધી તાવમાં તપતો રહ્યો. માંડ થોડું સારું થયું અને માલતીના ઘર તરફ નીકળ્યો ત્યારે જાણ થઈ કે એ લોકો ઘર વેચવા મૂકીને કન્નૂર ચાલ્યા ગયા છે. ઘણાં લાંબા સમય પછી જાણ થઈ કે માલતીના લગ્ન થઈ ગયા અને બે બાળકો છે.

હજુ ક્યાંકથી રજનીગંધાની સુગંધ આવે ત્યારે મારી સત્તર વર્ષની ઉંમરનો ઘેલછાભર્યો પ્રેમ યાદ આવે છે. સાથે ઊંઘરેટી આંખે પુસ્તક વાંચતી માલતીનો ચહેરો અને ફેણ ઊઠાવીને બેઠેલો કાળો નાગ યાદ આવે છે.

આજ સુધી ક્યારેય મારા બાગમાં રજનીગંધાનો છોડ રોપવા દીધો નથી.

બસ, આટલી છે સોળ વર્ષે ઊંધેકાંધ પ્રેમમાં પડેલા યુવકની વાત.


એસ.કે. પોટ્ટેક્કાટ લિખીત વાર્તા -રજનીગંધા પર આધારિત ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.