પ્રીતિ શાહ-સેનગુપ્તા
મોટી વૅન લેવા આવે એની રાહ જોવામાં સવા-દોઢ કલાક નીકળી ગયો. અહીંથી અમે જિયો, એટલેકે જ્યૉર્જ ટાઉન, પાછાં જવાનાં હતાં. એ જ રસ્તે જતાં, હવે મેં જોયું, કે ક્યાંક ક્યાંક મોટાં સરસ ઘર હતાં, નવાં રંગેલાં, મૉડર્ન લાગતાં; અને બરાબર સામે જ, જૂનાં, સાધારણ ઘર પણ હોય. આનું પણ એક સ્પષ્ટ એવું કારણ છે.
ગયાના તો ઘણો નાનો દેશ ગણાય. એની વસ્તી હશે આઠેક લાખથી પણ ઓછી. એમાં પણ પૈસાદાર ને ગરીબના સ્પષ્ટ ભેદ થયેલા છે. બીજી જાતિઓના લોકોમાં, તેમજ ઇન્ડિયનોની અંદર પણ આ ભેદ છે. કારણ એ છે, કે લાખો ગયાનિઝ લોકો કૅનૅડા, અમેરિકા, ઇંગ્લંડ જેવા પરદેશોમાં જઈ વસ્યાં છે. એ બધાં પોતપોતાનાં કુટુંબોને પૈસા મોકલે છે, આર્થિક મદદ કરે છે, અને તેથી આ કુટુંબો વધારે સુખી જીવન ગાળી શકે છે.
એક એવો પણ વર્ગ છે, કે જે આધુનિક છે, સુશિક્ષિત છે, પરદેશોમાં ફરવા જાય છે, અંગ્રેજી બોલે છે, એમની છોકરીઓ જીન્સ ને કુરતી જેવાં કપડાં પહેરે છે, એમના છોકરાઓ કાળાં ગૉગલ્સ પહેરીને ગાડીઓ ફેરવે છે. તો બીજો વર્ગ, કદાચ, ખેતીમાં કામ કરનારાંનો હશે, કે જેમની જિંદગી આનાથી સાવ જુદી હશે.
મોટા ભાગનાં દરદીઓ આ પ્રકારનાં હતાં, તેમ કહી શકાય. શારીરિક શ્રમ અને માનસિક નિષ્ક્રીયતા – આવા પ્રકારનું જીવન જીવતાં હોય, મુખ્યત્વે તેવાં સ્ત્રી-પુરુષોને અમે બે દિવસથી તપાસતાં રહ્યાં હતાં. પછીથી મારે ગયાનાના શ્રીમંત વર્ગ સાથે પણ સંપર્ક થયા હતા. સદ્ભાગ્યે મને દેશની બંને બાજુ જોવા મળી હતી.
એ સાંજે જિયોની હોટેલમાં પહોંચ્યાં પછી રાતનું ભોજન ક્યાં લેવું, તે વિષે થોડી વિમાસણ થયેલી. શાકાહારી ખાવાનું જલદી મળે નહીં, અહીં બહાર. આવતી વખતે, અમે બેએક જણાંએ પિત્ઝાની એક રૅસ્ટૉરાઁ રસ્તામાં જોયેલી. એ ચાલીને જવાય તેટલે જ હતી. તેથી અમે પંદર જણ ત્યાં ગયાં. રસ્તા પર બહુ બત્તીઓ નહીં, અને ફૂટપાથ પર ચાલતાં, ઠોકર ના વાગે તે સાચવવું પડે. ચાલો ભાઈ, પિત્ઝા હતા તો સારા!
સવાર તો વહેલી જ પડવાની હતી, તે અમે જાણતાં હતાં. પાંચથી યે પહેલાં બધાંને ઊઠવું પડ્યું, અને ઉતાવળે, સાડા પાંચ વાગતાંમાં તો અમે વૅનમાં બેસી ગયાં હતાં. પરિકા પહોંચતાં એક કલાક થવાનો હતો.
ડૅમૅરારા નદી પરનો, સવા માઇલ લાંબો, પુલ પસાર કર્યો. ડચ ઍન્જિનિયરો દ્વારા, એ પાંત્રીસ વર્ષ પહેલાં બંધાયેલો. વહાણો પસાર થવાનાં હોય ત્યારે આ બ્રિજ પણ બે ભાગે ખુલી જાય છે. ફરીથી જોઈએ, અને ફરીથી સુંદર લાગે આ નદીઓ. સૂકી નદી એટલે શું, એની કલ્પના પણ ના આવે અહીં કોઈને.
નદીના કાંઠા સળંગ લીલા દેખાય છે. કદાચ એ બધા મૅન્ગ્રોવ જળ-વૃક્શ હશે. અમે નદી પાર કરીને આગળ વધતાં ગયાં. બધું સરખા જેવું જ લાગે – ઘર, મસ્જિદ, ચર્ચ. કમાનો, ગુંબજ ને મિનારાવળી બે-ત્રણ મસ્જિદ બહુ સરસ લાગી. મેં જોયું કે ઘર સરસ હોય, મોટાં ને મોંઘાં હોય, ત્યારે પણ સાફસૂથરાં નથી લાગતાં. ને પછી મને ખ્યાલ આવ્યો, કે કારણ એ કે આ રસ્તાઓ પર કોઈ ફૂટપાથ, કે પાકી કિનારીઓ હોતી નથી. એટલે બધાં ઘર ધૂળિયા જેવા રસ્તા પર જ હોય.
સવા કલાક થયો, ને અમે ડાબે વળ્યાં. ઍસૅકીબો નદી તરફ. એ પરિકા નામનું બંદર હતું. હજી તો સવારે સાત વાગતા હતા, ને પ્રવૃત્તિઓનો પાર નહતો. પેલી તરફનાં ગામોમાં જવા માટે, આ નદી પરનું મુખ્ય ક્રૉસિન્ગ આ છે. હોડીઓ અને હોડીવાળાઓ હાજર હતા. મોટરબોટો પાણીમાં હાલતી હતી. ટિકિટબારી ખુલી ગઈ હતી.
સ્થાનિક લોકો ભેગા થયેલા હતા. જાહેર નૌકાઓ સવારે પાંચ વાગ્યાથી શરૂ થઈ જાય છે. નદીના કિનારા પરનાં ગામોમાં થોભતી થોભતી જાય, એટલે ઘણી વાર થાય છે એમાં.
ડક્કા પર પણ ધમાલ હતી. એક મોટું વહાણ નાંગરેલું હતું. એમાં માલસામાન લઈ જવાય છે, સામેનાં કિનારા પરનાં ગામોમાં. ચીજો ચઢાવાતી હતી. લીલા કાચ જેવા કેળાંની મોટી મોટી લૂમો વહાણમાં મૂકાવાની રાહ જોતી હતી. ચારે બાજુ હૈશો-હૈશો હતું જાણે. પણ જોવાની કેવી મઝા.
એક મોટરબોટમાં અમે બધાં ચઢ્યાં. ઘણી નાની બોટ હતી. એકદમ ટાઇટ બેસવું પડ્યું બધાંને. અમારી સાથે, દરેક જણની રાત્રી-બૅગો હતી, અને દવાઓ ભરેલા ત્રણ મોટા બૉક્સ પણ હતા. બધું માંડ માયું. વળી, અમારે દરેકે કેસરી લાઇફ-જૅકૅટ પણ પહેરવાં પડ્યાં.
બોટ ચાલવા માંડી કે ઘણું બધું પાણી ફીણ ફીણ થઈને ફુત્કારવા લાગ્યું, અને બોટની બંને બાજુએ પાણીની મોટી દીવાલો થતી ચાલી. અંદર સૂરજ બીલકુલ પહોંચતો નહતો, અને કૈંક પવન આવતો હતો, એટલે સંકડાશ હતી છતાં બહુ વાંધો ના આવ્યો.
આ ઍસૅકીબો નદી શક્તિવાન અને શોભનીય છે- માઇટી અને મૅગ્નિફિસન્ટ. ગયાનાની સૌથી મોટી નદી આ છે. બ્રાઝીલની સરહદ પાસે, ગયાનામાં દક્શિણ તરફ આવેલા આકારાઇ પર્વતોમાંથી એ નીકળે છે, અને ઉત્તર તરફ ગતિ કરે છે. દેશનાં જંગલો તેમજ મેદાનોમાં થતી, અન્ય નદીઓને પોતાનામાં સમાવતી, ૧,૦૧૦ કિ.મિ.નું અંતર કાપી, છેવટે એ ઍટલાન્ટીકમાં ભળે છે.
ખરેખર તો, ઍસૅકીબો નદીનું સ્વરૂપ જ સમુદ્ર જેવું છે. વહેણમાં લગભગ હંમેશાં, એનો પટ ઘણો વિશાળ જ રહે છે, પણ ઍટલાન્ટીકમાં સમર્પિત થાય છે ત્યારે એની પહોળાઈ એવી બને છે, કે જેને માપી ના શકાય. એટલેકે, કલ્પના કરી ના શકાય તેટલી પહોળાઈ એનો પટ ધારણ કરે છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી
એના મુખ-ત્રિકોણમાં અસંખ્ય ટાપુઓ, અને છીછરા, કાદવિયા હિસ્સા પણ છે. ને તેથી જ એનું માપ કાઢવું અઘરું છે. છતાં, આશરે, એના મુખને બત્રીસ કિ.મિ.થી વધારે પહોળું ગણવામાં આવે છે. મહાસાગરમાં ભળતી આ મહાનદ છે, જાણે ગયાનાની પોતાની ગંગા….
ક્રમશઃ
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
