યોગેન્દ્ર યાદવ

“હું ? હું તો કંઈ નથી કરતી, ઘરે જ હોઉં છું અને હાઉસ વાઈફ છું.” મારે ઘણી વાર આવા જવાબનો સામનો કરવો પડે છે. જ્યારે કોઈ દંપતીની મુલાકાત થાય તો ઘણે ભાગે પુરુષ જ પોતાનો પરિચય પહેલાં આપે છે. તેમનાં પત્ની પાછળ-બાજુમાં ઊભાં હોય છે. ચૂપચાપ ‘નમસ્તે’ કરે છે. હું જેમ પુરુષને પૂછું તેમ બહેનને પણ પૂછું છું ‘અને આપ શું કરો છો ?’ આની પાછળ મારો હેતુ તેમની હાજરીની નોંધ લેવાનો અને વાતચીતમાં તેમને ભેળવવાનો હોય છે, તેમની કમાણીના સ્રોત અંગે પૂછવાનો નહીં. પરંતુ જો એ બહેન ગૃહિણી હોય તો એવું બને છે કે તે સંકોચ પામે છે, તેમાં પણ જો તે ભણેલી ગણેલી આધુનિક બહેન હોય તો ખાસ આવું બને છે. સંકોચથી તે કહે છે તે ‘કંઈ નથી’ કરતી.

આ જવાબથી હું વ્યાકુળ બની જાઉં છું. હું તેમને કહું છું, ઘરમાં કામ કરવું એ ‘કંઈ નહીં’ની કક્ષામાં નથી આવતું. પોતાનો દાખલો આપું છું. એક વાર મારે ત્રણ અઠવાડિયાં સુધી એકલે હાથે મારાં બંને નાનાં બાળકોને સાચવવાનો વારો આવ્યો હતો. અમે વિદેશમાં હતાં એટલે બીજી કોઈ પારિવારિક મદદ પણ મળે તેમ ન હતું. ત્યાં કોઈ પણ કામનું વેતન એટલું છે કે પૈસા આપીને ઘરનાં કામો કરાવવાની શક્તિ બહુ ઓછા લોકોની હોય છે. તેથી બાળકોને તૈયાર કરવાં, શાળામાં મૂકવા જવાથી માંડીને રસોઈ, વાસણ, ઘરની સફાઈ – બધું કામ જાતે જ કરવું પડતું હતું. ત્રણ અઠવાડિયાં સુધી “કંઈ નહીં” કરતાં-કરતાં મારી કમર તૂટી ગઈ હતી. તેથી જ્યારે કોઈ “કંઈ નહીં” કહે છે ત્યારે મને ખ્યાલ આવે છે કે એ કેટલી મહેનતનું કામ છે !

આ કિસ્સો સાંભળીને ગૃહિણીના ચહેરા પા સ્મિત આવી જાય છે. પરંતુ હૃદય અને મગજ પર પડેલી આ વાતને તમે એક દાખલાથી તો ભૂંસી નથી શકતા. સમાજને કેવી રીતે સમજાવીએ કે એક સ્ત્રી કેટલું કામ કરે છે – જ્યારે તે માત્ર ‘ઘરમાં’ હોય છે.

આમ તો આ બાબત સાબિત કરવાની કંઈ જરૂર ન હોવી જોઈએ, પરંતુ તાજેતરમાં જ એક સરકારી અહેવાલે મારી આ ધારણાને પુષ્ટિ આપી  કે ખરેખર એક સરેરાશ સ્ત્રી એક સરેરાશ પુરુષ કરતાં વધારે કામ કરે છે. આ કોઈ નાનોસૂનો અભ્યાસ કે આમ જ કોઈના ખિસ્સામાંથી કાઢેલો આંકડો નથી. ભારત સરકારે છેલ્લાં પાંચ વર્ષથી સરકારી રાહે અખિલ ભારતીય સ્તર પર ‘ટાઈમ યુઝ સર્વે’ કરવાનું શરૂ કર્યું છે. દર પાંચ વર્ષે નેશનલ સેંપલ સર્વે દ્વારા કરવામાં આવતા આ સર્વેમાં દેશનાં લગભગ દોઢ લાખ કુટુંબોના છ વર્ષથી મોટા બધા સભ્યોનો સર્વે કરવામાં આવે છે.

આ સર્વેમાં તેમના ઘરે જઈને તેમને પૂછવામાં આવે છે કે છેલ્લા ચોવીસ કલાકમાં તમે શું શું કર્યું. દર અડધા કલાક કે તેથી પણ ઓછા સમયમાં કરેલ દરેકેદરેક કામની વિગતો તેમાં નોંધીને તેનું વિશ્ર્લેષણ કરવામાં આવે છે – આ અહેવાલમાં. આ અભ્યાસનો પ્રથમ અહેવાલ વર્ષ ૨૦૧૯માં બહાર પડ્યો હતો. બીજો રિપોર્ટ તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સાર્વજનિક કર્યો છે.

૨૦૨૪ના આંકડા પર આધારિત આ નવો અહેવાલ જણાવે છે કે આપણા દેશમાં એક સરેરાશ સ્ત્રી દરરોજ એક સરેરાશ પુરુષની સરખામણીમાં એક કલાક વધુ કામ કરે છે. ચોક્કસ આંકડા જોઈએ તો સરેરાશ દરેક પુરુષ દરરોજ ૩૦૭ મિનિટ (એટલે કે ૫ કલાક ૭ મિનિટ) કામ કરે છે તો એક સરેરાશ દરેક મહિલા દરરોજ ૩૬૭ મિનિટ (છ કલાક ૭ મિનિટ) કામ કરે છે. ફેર એટલો છે કે પુરુષને મહદ્અંશે તેના આ કામ માટે વેતન મળે છે, પરંતુ સ્ત્રીના મોટાભાગના કામનું કોઈ વેતન તેને મળતું નથી. એક સરેરાશ પુરુષના ૩૦૭ મિનિટના કામમાંથી ૨૫૧ મિનિટના કામના તેને પૈસા મળે છે. તેની માત્ર ૫૬ મિનિટ એવાં કામોમાં જાય છે જેમાંથી કમાણી નથી થતી. પરંતુ સ્ત્રીની પરિસ્થિતિ તદ્દન ઊંધી છે. તેના ૩૬૭ મિનિટના કામમાંથી તેને માત્ર ૬૨ મિનિટના કામમાંથી વેતન મળે છે અને તેનું ૩૦૫ મિનિટનું કામ ‘કંઈ નહીં’ની શ્રેણીમાં આવે છે. અને તેથી જ માત્ર એટલું કહેવું યોગ્ય નથી કે પુરુષ બહારનું કામ કરે છે અને સ્ત્રી ઘરનું. અંદર તેમજ બહાર બંને કામ ભેગાં કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે સ્ત્રીનું કામ ભારે (વધુ મેહનત-સમય લેનારું) હોય છે.

૨૦૨૪ના રિપોર્ટના બધા આંકડા હજુ જાહેર નથી કરાયા પરંતુ ૨૦૧૯ના આંકડાઓને આધારે આપણે થોડી ઊંડાણથી આ વાત સમજીએ. આ ‘કંઈ નહીં’ વાળાં કામ મુખ્યત: બે શ્રેણીમાં વહેંચી શકાય તેમ છે – એક તો ઘરમાં રસોઈ, સફાઈ, કપડાં ધોવાં, પાણી ભરવું જેવાં ઘર ચલાવવા માટે કરવાનાં કામો અને બીજું બાળકો અને વયસ્કોને સંભાળવાનું કામ.

આ બંને પ્રકારનાં કામોમાં સ્ત્રીઓ પર આવતો ભાર દરેક વર્ગનાં કુટુંબોમાં આપણે જોઈ શકીએ છીએ. એક સામાન્ય ભ્રમ એવો પ્રવર્તે છે કે સ્ત્રી જ્યારે કમાવા લાગે છે ત્યારે તેના પરથી આ બોજો ઓછો થઈ જાય છે. પ્રસ્તુત રિપોર્ટ કહે છે કે હકીકતમાં કામ કરનારી એટલે કે પૈસા કમાનારી બહેનો બંને તરફથી પિસાય છે. ગ્રામીણ કુટુંબોમાં રોજી માટે કામ કર્યા બાદ પણ આ બંને પ્રકારનાં ઘરનાં કામોમાં સ્ત્રીની સરેરાશ ૩૪૮ મિનિટ ખર્ચાય છે તો શહેરી કુટુંબોમાં પણ ૩૧૬ મિનિટ. જો પુરુષ બેરોજગાર હોય તો પણ મોટાભાગના કિસ્સાઓમાં તે ઘરના કામમાં મદદરૂપ નથી બનતો.

૨૦૧૯નો રિપોર્ટ એ ભ્રમનું પણ ખંડન કરે છે કે સ્ત્રીઓ સજવા-ધજવા પાછળ વધુ સમય ખર્ચે છે. એક સરેરાશ દિવસમાં નહાવા-ધોવા તૈયાર થવામાં પુરુષને ૭૪ મિનિટ લાગે છે. જ્યારે બહેનોને તેનાથી ઓછી ૬૮ મિનટ થાય છે. ખાવા-પીવામાં પુરુષોને મહિલાઓ કરતાં દસ મિનિટ વધુ સમય લાગે છે. ગૃહિણીને આરામ કરવા, વાતચીત કરવા તેમજ મનોરંજન માટે દિવસમાં ૧૧૩ મિનિટ મળે છે જ્યારે પુરુષને ૧૨૭ મિનિટ.

હવે સવાલ એ છે કે એ કોણ નક્કી કરે છે કે કયા કામ માટે પૈસા (વેતન) મળે અને કયા કામ માટે નહીં ? સ્પષ્ટ જ છે કે આ બાબત કામના મહત્ત્વના આધાર પર નક્કી નથી થતી. ઓફિસ અને ફેક્ટરીના કામ વગર તો દુનિયા ચાલીયે જાય પરંતુ રસોઈ અને બાળકોની સાર-સંભાળ વિના તે ચાલી શકે ખરી ? પુરુષપ્રધાન સમાજે પોતાના ફાયદા માટે આ વ્યવસ્થા બનાવી છે. તો શું આ અન્યાય ને દૂર કરવા માટેની કોઈ વ્યવસ્થા ન હોવી જોઈએ ?

છેલ્લાં થોડાં વર્ષોથી ઘણાં રાજ્યોમાં મહિલાઓને અમુક રકમ નિયમિત રૂપે આપવાનું ચલણ શરૂ થયું છે. જુદા જુદા નામથી ચાલી રહેલી આ યોજનાઓને પૈસા વહેંચવાની જોખમકારક પ્રવૃત્તિના રૂપમાં જોવામાં તેમજ બતાવવામાં આવે છે. પરંતુ જો આ દેશ પુરુષો કરતાં સ્ત્રીઓની મહેનત પર ચાલી રહ્યો હોય તો રાષ્ટ્રનિર્માણમાં તેમના આ યોગદાનના બદલામાં તેમને કંઈક ચૂકવણું કરવામાં આવે તો તેમાં ખોટું શું છે ?

તેને ચૂંટણીઓ આવતાં (ચૂંટણીની અગાઉ) લાંચ કે ભીખની જેમ આપવાને બદલે મહિલાઓ માટે ‘કૃતજ્ઞતા નિધિ’ જેવી કોઈ રાષ્ટ્રવ્યાપી યોજના કેમ બનાવાતી નથી ? માત્ર ૮મી માર્ચના મહિલા દિવસ પર જ નહીં, વર્ષના પ્રત્યેક દિવસે આ અંગે વિચાર કરવો જરૂરી છે.


(નવોદય ટાઇમ્સમાંથી અનુવાદિત)


ભૂમિપુત્ર : ૧ મે, ૨૦૨૫