મંજૂષા
વીનેશ અંતાણી
યાદોની વણજારનો અંત હોતો નથી. ક્યારે શું યાદ આવી જાય એની ખબર પડતી નથી. ઘણી વાર તો સવારે જાગતાની સાથે જ આપણું મન કોઈ જૂનું ગીત ગણગણવા લાગે છે. અચાનક કોઈ ચહેરો મનમાં જાગી ઊઠે અને આપણો વર્તમાન ખળભળાવી મૂકે. વર્ષો પહેલાંની કોઈ સુગંધ સ્મૃતિમાં સળવળી ઊઠે અને એક સમયે એ સુગંધ સાથે જોડાયેલું બધું યાદ આવી જાય.

ફ્રાન્સના ખૂબ જાણીતા લેખક માર્સેલ પ્રૂસ્તની સાત ભાગ લખાયેલી એક નવલકથા છે – ‘ઇન સર્ચ ઓફ લોસ્ટ ટાઇમ’ – ખોવાયેલા સમયની શોધમાં. આખી નવલકથા સ્મૃતિઓની આસપાસ ગૂંથી છે. એમાં એમણે બે પ્રકારની સ્મૃતિ પર ભાર મૂક્યો છે. એક પ્રકારની સ્મૃતિ, જેમાં આપણે કશુંક યાદ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે જ એ યાદ આવે. બીજા પ્રકારની સ્મૃતિ, જેમાં અનાયાસ કશુંક યાદ આવી જાય. બીજા પ્રકારની સ્મૃતિઓ બિન બુલાયે મેહમાન જેવી હોય છે. જેમકે પહેલા વરસાદની સુગંધ આપણને બાળપણમાં લઈ જાય છે. એ ઉંમરે વરસતા વરસાદમાં પલળતા-પલળતા દોસ્તો સાથે કરેલી ધીંગામસ્તી યાદ આવી જાય છે. એ સ્મૃતિ જાગે ત્યારે વ્યક્તિની ઉંમર વીસ વર્ષની છે કે પચાસની કે એંસીની એની સભાનતા રહેતી નથી, એ સંપૂર્ણપણે બાળક બની જાય છે. કેરીની મોસમમાં એક સમયે બહુ ભાવતી દેશી કેરીનો સ્વાદ જીભ પર ફરી વળે છે. કોઈ અજાણ્યા ગામનું તળાવ જોતાં જ આપણે વતનના કાચા તળાવની પાળે પહોંચી જઈએ છીએ.
એક વાર બસમાં મારી બાજુમાં બેઠેલા માણસના પરસેવાની ગંધથી મને મારી પ્રાથમિક શાળાનો પટાવાળો યાદ આવી ગયો હતો. માર્સેલ પ્રૂસ્ત એમની નવલકથામાં અચાનક જાગી ઊઠેલા એક સ્મરણનો ઉલ્લેખ કરે છે. મોટા થયા પછી એ કોઈ રેસ્ટોરન્ટમાં ચા પીતા હતા, એમણે ચામાં કેક બોળીને મોઢામાં મૂકી તે સાથે જ એમના ચિત્તમાં દૂરના શહેરમાં રહેતી વહાલસોયી વડીલ મહિલાનું ઘર ઊપસી આવ્યું હતું. નાનપણમાં એ ઘરમાં વિતાવેલા દિવસો, રવિવારની સવાર અને એ મહિલાનો સ્નેહ વગેરે બધું યાદ આવી ગયું હતું. પ્રૂસ્ત કહે છે કે ભૂતકાળ ક્યારેય મરતો નથી. એ આપણી રોજબરોજની જિંદગીની સપાટી નીચે છુપાયેલો રહે છે અને તક મળતાં જ બહાર નીકળવાની પ્રતીક્ષા કરતો રહે છે.
વયના પાછલા પડાવ પર પહોંચ્યા પછી યાદદાસ્ત ધૂંધળી પડવા લાગે ત્યારે કેટલાક લોકોને ડર લાગે છે કે તેઓ સ્મૃતિશેષ બની જશે તો એમના જીવનમાં શું બાકી રહેશે? વૃદ્ધાવસ્થામાં સ્મૃતિ બહુ મોટો આધાર હોય છે. કુટુંબના લોકો મૃત્યુ પામનાર વડીલની થોડી ચીજો થોડો સમય સાચવી રાખે છે, પછી સમય જતાં એ ચીજોને સાચવી રાખવાની જરૂર રહેતી નથી. ઘરમાં આવતી નવી ચીજો માટે જગ્યા કરવા માટે પણ જૂની ચીજોનો નિકાલ કરવો પડે છે.
સંગીતનાં જૂનાં વાદ્યોની લે-વેચ કરતા આધેડ વયના સંગીતના શોખીન દુકાનદારે સરસ વાત કરી છે. એક દિવસ એક યુવાન જૂની સિતાર વેચવા આવ્યો. દુકાનદારે સિતારના તાર સૂરમાં લઈ એના પર આંગળી ફેરવી. એનો રણકાર સાંભળતાં જ વર્ષો જૂનું એક દૃશ્ય એની આંખમાં તરી આવ્યું. એ એના જ શહેરના મશહૂર સિતારવાદકની કોન્સર્ટમાં ગયો છે અને એના સિતારવાદનના જાદુમાં ખોવાઈ ગયો છે. ત્યાર પછી સિતારવાદક સાથે એનો ઘનિષ્ઠ સંબંધ બંધાયો. ઘણી વાર સિતારવાદક વહેલી સવારે રિયાજ કરતા હોય ત્યારે એ એમને ઘેર પહોંચી જતો. દુકાનદારે પેલા યુવાનને પૂછ્યું: ‘તમે જાણો છો, આ સિતાર કોની છે?’ યુવાને કહ્યું: ‘મારા દાદાની.’ એમનું નામ પણ જણાવ્યું. દુકાનદારે પૂછ્યું; ‘છતાં તમે આ સિતાર વેચી નાખવા માગો છો?’ યુવાને જવાબ આપ્યો: ‘હા, અમારા નવા ઘરમાં જગ્યા રોકે છે.’ દુકાનદારે યુવાને માગેલી કિંમતે સિતાર ખરીદી લીધી અને કહ્યું: ‘ભાઈ, તને ખબર નથી, તેં શું ગુમાવ્યું છે. આ સિતારના દરેક તારમાં સંગીતના એક યુગનો રણકાર છુપાયેલો છે.’
માનસિક તકલીફોથી પિડાતા લોકોની સારવાર કરતા નિષ્ણાતો ઘણી વાર દરદીને એમના ભૂતકાળમાં લઈ જાય છે. એ દ્વારા દરદીના અર્ધજાગ્રત મનમાં ધરબાયેલી બાબતોનો ખ્યાલ આવે છે. એના આધારે એની સારવાર શક્ય બને છે. પચીસ વર્ષની લીના કોઈની સાથે ભળી શકતી નહોતી. એના મનમાં ડર પેસી ગયો હતો એ કોઈ વ્યક્તિ સાથે સંબંધ બાંધશે તો પોતે દુખી થશે અને એ વ્યક્તિને પણ દુખી કરશે. આ ડરનાં મૂળ એના બાળપણમાં હતાં. એનાં માતાપિતા એમના બિઝનેસમાં સતત વ્યસ્ત રહેતાં હતાં. એ કારણે તેઓ એકની એક દીકરી લીનાને પ્રેમ અને હૂંફ આપી શક્યાં નહોતાં. લીના મનમાં ઠસી ગયું હતું કે કોઈને એની જરૂર નથી અને એ વધારાની વ્યક્તિ છે. એના ચિત્તમાં ઘર કરી ગયેલી ઉપેક્ષાની સ્મૃતિને લીધે એને એકલવાયું જીવન જીવવાની ફરજ પડી હતી.
સ્મૃતિમાં માણસના જીવનનું સાતત્ય સમાયેલું છે. જ્યાં સુધી આપણે વીતેલો સમય સાચવી શકીએ છીએ ત્યાં સુધી ‘અખંડ’ છીએ. માનવમન એક મજૂસ છે. ઘણા લોકો એમની મજૂસને ઘરના અંધારા ઓરડાના ખૂણામાં મૂકીને ભૂલી જાય છે કે એમાં શું ભર્યું છે. એમાં એમણે એમના ભૂતકાળના અવાજો, સ્પર્શો, સુગંધોની સાથે ચણિયા બોરના ઠળિયા, કોઈના પરફ્યૂમની સુગંધ અને અનેક રેશમી અને ખરબચડા સળવળાટો – એમ એક આખો વીતેલો સમય ઠાંસીઠાંસીને ભર્યો હોય છે. એ મજૂસમાં આપણે પોતે પણ હોઈએ છીએ.
પોતાને નવેસરથી પામવા માટે કોઈ પણ ઉંમરે મજૂસ ખોલી જૂનાં પોટલાંની ગાંઠ છોડવી જોઈએ. ‘ખુલ જા સિમ-સિમ’ બોલવા જેટલી જ વાર લાગશે અને આપણે આપણામાંથી બહાર નીકળી સ્મૃતિના અઢળક ખજાનામાં પહોંચી જશું. ‘તને સાંભરે રે – મને કેમ વીસરે રે…’ની રમત ભૂલવા જેવી નથી.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
