તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
બરાબર દસ વરસ થયાં નમો સરકારે હર ૨૬મી નવેમ્બરે સંવિધાન દિવસ મનાવવાનો ચાલ શરૂ કર્યાને. ૨૦૧૫નું વરસ આંબેડકરનું એકસો પચીસમું વરસ હતું એ નિમિત્ત પકડીને ત્યારે સરકારે આ ગેઝેટબદ્ધ જાહેરાત કરી હતી. સંવિધાન કહેતાં બંધારણ વિશે, એની આણ-આમન્યા-અવકાશ વિશે શાસનકર્તાઓમાં તેમ નાગરિકોમાં પરસ્પર સમજ ને સમાદર રહે તેમજ યથાપ્રસંગ ભિન્નમત અને વિરોધ સારુ મોકળાશ રહે એ વાસ્તે આ પ્રકારનાં આયોજનોની અવશ્ય એક ભૂમિકા છે. સ્વરાજ લડત સાથે સીધા સંબંધ વગરનાં બળો આજે સત્તારૂઢ છે ત્યારે પશ્ચાદવર્તી ધોરણે તેઓ સુડતાલીસ પૂર્વ સંધાનની કોશિશમાં હોય પણ સ્વાભાવિક જ છે
જેના ઘડતરમાં આંબોડકરનો અગ્રફાળો હતો તે સંવિધાન અમલમાં આવ્યું ૧૯૫૦ના જાન્યુઆરીની છવ્વીસ મેએ. પ્રજાસત્તાક તરીકે વિધિવત અમલમાં આવવાનું થયું તે ૧૯૫૦ના જાન્યુઆરીની 26મીએ, કેમ કે ૧૯૨૯માં જવાહરલાલ નેહરુના પ્રમુખપદે, ત્યારે તો રાષ્ટ્રીય ચળવળવત કોંગ્રેસે મુકમ્મલ આઝાદીનો ઠરાવ કર્યો એને પગલે ૧૯૩૦થી હર ૨૬મી જાન્યુઆરીએ પૂર્ણ સ્વરાજ દિવસ મનાવવાનું શરૂ થયું હતું. હાલ શાસનમાં બેસેલ વિચાર પરિવાર, આ બધા છૂટી ગયેલા તાંતણા સાથે જોડાય એથી રૂડું શું.
આંબેડકર ૧૨૫નું ઓઠું લેવાઈ જ રહ્યું છે ત્યારે એ સંભારવું રસપ્રદ એટલું જ દિશાપ્રદ પણ બની રહેશે કે ૨૬મી નવેમ્બરના પૂર્વ દિવસે, ૨૫મી નવેમ્બરે, એમણે ગૃહમાં શું કહ્યું હતું. એમણે કહ્યું હતું કે રાજકીય સમાનતા, એક માથું- એક મત, અમલમાં આવે છે, પણ આર્થિક સામાજિકતા વિષમતા બરકરાર હોય એનું શું. દેખીતી રીતે જ, બંધારણે બક્ષેલ મૂળભૂત અધિકારો તેમજ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ઉજાસમાં સમતા ને ન્યાયની બાકી અગર ચાલુ લડાઈનો ઊહાપોહભેર એક સંકેત એમાં પડેલો હતો.
હાલનો સત્તા પરિવાર એટલે કે એના તત્કાલીન પુરોગામીઓ સંવિધાન નિર્માણની પ્રક્રિયા પરત્વે શું વિચારતા હશે? સંઘના મુખપત્ર ઓર્ગેનાઈઝરની ફાઈલો જોઈએ તો હાય રામ, આ બંધારણમાં મનુસ્મૃતિનો ન તો મહિમા છે, ન તો તેને કોઈ સ્થાનમાન સુદ્ધાં છે. સાવરકર સમગ્રમાં તેમ બીજા સરસંઘચાલક ગોળવલકરના ‘બન્ચ ઓફ થોટ્સ’માં આ વાત ઊના નિસાસા કરતાં વધુ તો આક્રોશી ઢબે ઈતિહાસદર્જ છે.
૧૯૪૬-૪૯ના ગાળામાં બંધારણ સભાની જે કામગીરી ચાલી એને અંગે દિશાસૂચક સામગ્રી પણ સ્વરાજ લડતમાં પડેલી હતી. કોંગ્રેસે સોંપેલ કામગીરી સર મોતીલાલ નેહરુએ ઘડેલ બંધારણ મુસદ્દો 1928માં બહાર આવ્યો એમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર, સ્વતંત્રતા ને સમાનતા તેમ લઘુમતીઓના અધિકારી વગેરે વાનાં કાનૂની પરિપાટીમાં અક્ષર રૂપ પામ્યાં હતાં.
1930માં મીઠાની લડત સાથે નાત-જાત-કોમ-લિંગ એકે ભેદ વગરનો મુદ્દો કેન્દ્રમાં આવ્યો. ૧૯૩૧માં ભગતસિંહની શહાદત સાથે ક્રાંતિની વ્યાખ્યા નકરા બોમ્બવાદમાં નહીં અટવાતા આર્થિક-સામાજિક ન્યાયમાં ઠરી. એ જ વરસે વલ્લભભાઈના પ્રમુખપદે કરાચી કોંગ્રેસે મૂળભૂત અધિકારોનો ઠરાવ પસાર કર્યો. ૧૯૩૧માં પુના કરાર સાથે સર્વસમાવેશી રાજકીય પ્રથાપૂર્વક સામાજિક બદલાવની દિશામાં કદમ ભરાયું. 1946-1949ની ચર્ચાઓની પૂંઠે પડેલી આ ઈતિહાસ સામગ્રી વિશે, મોડે મોડે એની સાથે સંધાન શોધનારને કશીક તો ખબર હોવી જોઈશે.
આંબેડકરનું સ્પષ્ટ માનવું હતું કે હિંદુ સમાજમાં વર્ણ અને લિંગ ગત ઊંચનીચ તેમજ ભેદભાવ લગભગ પ્રાણરૂપ મહત્ત્વ ધરાવે છે. એની નાબૂદી વગર અમથા અમથા કાયદા ઘડ્યે કશો શક્કરવાર વળવાનો નથી. નેહરુ અલબત્ત પ્રગતિશીલો સાથે હતા અને એમણે કટકે કટકે કોડ બિલ પસાર કરાવી જાણ્યું. વર્તમાન શાસન એના પૂર્વસૂરિઓની પેઠે સત્તાવારપણે મનુસ્મૃતિની હિમાયતમાં જણાતું નથી એ સાચું, પણ બંધારણ દિવસના ગર્જનતર્જન સાથે પોતે ક્યારેક ક્યાં હતા ને કેવી ખોટી લાઈન પકડી હતી એવી કોઈ આત્મનિરીક્ષણની ઈન્દ્રિય એની કને છે કે કેમ તે તો આપણે જાણતાં જાણીશું.
હમણે હમણે સંઘ વર્તુળોએ ફેરઉછાળેલો મુદ્દો બંધારણના આમુખમાંથી સેક્યુલર ને સોશ્યલિસ્ટ એ સંજ્ઞાઓ પડતી મૂકવાનો છે. એક વાત સાચી કે આમુખમાં આ બે શબ્દો કટોકટીકાળે ઉમેરાયા હતા તે વાતે કંઈક અસુખને અવકાશ હોઈ શકે છે. પણ આ પક્ષ પરિવારના વિચારબંધુઓએ સર્વોચ્ચ અદાલતનાં દ્વાર ખટખટાવ્યાં ત્યારે તત્કાલીન વડા ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાના વડપણ હેઠળની ખંડપીઠે સ્પષ્ટ કર્યું જ હતું કે બંધારણીય સુધારાની જોગવાઈ હેઠળ આમુખમાં ઉમેરો વૈધ છે. ઉપરાંત, આપણને અભિમત અર્થ સેક્યુલર કહેતાં સર્વ ધર્મ માટે સમાદરનો અને સોશ્યલિસ્ટ કહેતાં આર્થિક-સામાજિક શોષણમાંથી મુક્તિનો છે. એ રીતે આ બંને સંજ્ઞાઓ સંવિધાનના બુનિયાદી માળખાનું અભિન્ન અંગ છે.
આ બધું સમજીને આત્મનિરીક્ષણપૂર્વક આગળ ચાલવું તે ખરો પડકાર છે. સંવિધાન હત્યા દિવસ જેવાં ઉજવણાં દાખલ કરીને કટોકટીવિરોધ જેવા સાચા મુદ્દાને પક્ષીય ઓજાર તરીકે વાપરવાનું રાજકારણ આ સંદર્ભમાં પુનર્વિચાર માગે છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૬– ૧૧– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
