ધિક્કારનાં ગીતો

મુજરા, ઐયાશી, ભક્તિ, ઉદાસી, આક્રોશ, નજાકત વગેરે વગેરે.

દીપક સોલિયા

મુજરો એટલે શું? મૂળભૂત રીતે તો તે મનોરંજન અને ઐયાશીનો જ એક પ્રકાર ગણી શકાય. નવાબો ‘બિચારા’ બહુ બધું કામ કરે અને બહુ બધું ટેન્શન લે એટલે તેમના ભારેખમ મનને હળવું કરવાની સગવડ તરીકે મુજરા મુગલકાળમાં શરૂ થયા હોવાનું કહેવાય છે. મુજરા શબ્દનો મૂળ અર્થ આદર આપવો, સલામી ભરવી, ઝૂકવું એવો થાય છે, પરંતુ પ્રેક્ટિકલી મુજરો શબ્દ મુખ્યત્વે કોઠા પરનો નાચ સૂચવે છે. એ નવાબીયુગ, કોઠા અને મુજરા આમ તો હવે લગભગ લુપ્ત થઈ ચૂક્યા છે, પરંતુ વાસ્તવિક જગતમાં મુજરાના વળતાં પાણી શરૂ થયાં ત્યાર પછી પણ ફિલ્મોમાં તેનું ચલણ ખાસ્સું રહ્યું.

સફેદ ગાદલાં પર, કાંડે સફેદ ફુલના ગજરો બાંધીને, દારૂ પીતાંપીતાં અને કોઠાવાળી બાઈને લોલૂપ નજરે જોતાંજોતાં અમીર ઐયાશો મુજરા માણે એવા દૃશ્યો-ગીતો હિન્દી ફિલ્મોમાં ઘણાં બધાં છે. અલબત્ત, ક્યારેક મુજરા કોઠાને બદલે અમીરના ઘરે પણ યોજાતા જોવા મળે. ઘરના કોઈ મોટા પ્રસંગે અતિ અમીર માણસ પોતે એકલા મુજરો માણવાને બદલે મહેમાનો-આમંત્રિતોને તેનો લાભ આપવા માટે કોઠેવાલીને ઘરના આંગણે નચાવે. જેમ કે ફિલ્મ પાકીઝાના ક્લાઈમેક્સમાં લગ્નપ્રસંગે કોઠાવાળી મીનાકુમારીને ઘરે બોલાવીને નચાવવામાં આવે છે અને પોતાના પ્રેમીના લગ્નપ્રસંગે નાચતી વખતે ભડકેલી કોઠાવાલી કાચ ફોડીને કાચના ટુકડા પર નાચીનાચીને પોતે ઘાયલ થાય છે અને જોનારને ઘાયલ કરે છે. એ ગીત તમને કદાચ યાદ હશેઃ

આજ હમ અપની દુઆઓં કા અસર દેખેંગે,
તીર-એ-નઝર દેખેંગે, ઝખ્મ-એ-જિગર દેખેંગે.

ખેર, મુજરાઓમાં પુરુષો તો સ્ત્રીને દિલ બહેલાવનારી ‘ચીજ’ તરીકે જ જોતાં હોય તો પણ એ હકીકત નથી બદલાતી કે મુજરો કરનારી સ્ત્રી કોઈ ચીજ નથી હોતી. એ એક જીવતીજાગતી વ્યક્તિ હોય છે. પ્રેક્ષક પુરુષના મનમાં ભલે ઐયાશીનો જ ભાવ હોય, પરંતુ નાચનારી સ્ત્રીના મનમાં કળાની સાધનાનો, આવડતની અભિવ્યક્તિનો અને ઇવન ભક્તિનો ભાવ પણ હોઈ જ શકે. ફિલ્મ ‘અમરપ્રેમ’નું પેલું અમર ગીત તમે સાંભળ્યું જ હશેઃ રૈના બીતી જાયે, શ્યામ ન આયે. આ એક નિર્ભેળ ભક્તિગીત લાગી શકે, પણ ફિલ્મમાં પુષ્પાબાઈ નામની એક કોઠેવાલી કોઠા પર નાચવાને બદલે શાંતિથી બેસીને આ ગીત ગાય છે અને તેને સાંભળ્યા બાદ હીરો આનંદબાબુ કહે છે કે તમારું નામ પુષ્પાને બદલે મીરાં હોવું જોઈતું હતું.

ભક્તિ ઉપરાંત ઉદાસીની અભિવ્યક્તિ માટે પણ ફિલ્મોમાં મુજરાઓનો ઉપયોગ અસરકારક રીતે થયો છે. ફિલ્મ ઉમરાવજાનનો પેલો ઉદાસ મુજરો બહુ જાણીતો છેઃ જુસ્તજૂ જિસકી થી ઉસકો તો ના પાયા હમને, ઇસ બહાને મગર દેખ લી દુનિયા હમને.

ફિલ્મ અદાલતના આવા જ બે ઉદાસ મુજરાની વાત આપણે વિગતે કરીઃ

૧) યૂં હસરતોં કે દાગ મહોબ્બત મેં ધો લિયે, તથા
૨) ઉન કો યે શિકાયત હૈ કે હમ કુછ નહીં કહતે.

આ ઉદાસ મુજરાઓ મૂળભૂત રીતે તો પુરુષ સામેની ફરિયાદ જ છે, પણ એમાં દ્વેષ ઓછો અને નજાકત વધુ છે. ઉમરાવજાનની રેખા ગાય છે કે “એ ‘અદા’ ઔર સુનાયે ભી તો ક્યા હાલ અપના, ઉમ્ર કા લંબા સફર તય કિયા તન્હા હમને” અને અદાલતની નરગિસ ગાય છે કે “ઘર સે ચલે થે હમ તો ખુશી કી તલાશ મેં, ગમ રાહ મેં ખડે થે વો હી સાથ હો લિયે”… આ બધા ગીતોમાં ઉદાસીની અભિવ્યક્તિ એટલી સઘન અને વ્યાપક છે કે એ ફક્ત કોઈ એક ચોક્કસ પુરુષ સામે એક ચોક્કસ નારીની ફરિયાદ બની રહેવાને બદલે જાણે પ્રત્યેક મનુષ્યની અંગત ઉદાસીની અભિવ્યક્તિ કરનારાં ગીતો બની રહે છે.

આપણી આ શ્રેણી છે સ્ત્રી-પુરુષનાં આપસી દ્વેષ-ફરિયાદને વ્યક્ત કરતાં ગીતો વિશેની. આવાં કેટલાંક મુજરા-ગીતોની ચર્ચાના અંતે એક એવા ગીતની વાત કરીએ જેને ફરિયાદની અભિવ્યક્તિ કરવા બાબતે સૌથી સીધા, વન-ટુ-વન, ચોટદાર અને છતાં નજાકતપૂર્ણ મુજરાનો ઍવોર્ડ આપી શકાય. એ મુજરો છે ફિલ્મ ‘મમતા’નો. ગીતના શબ્દો આ પ્રમાણે છેઃ

રહતે થે કભી જિન કે દિલ મેં હમ જાન સે ભી પ્યારોં કી તરહ
બૈઠે હૈ ઉન્હી કે કૂચે મેં હમ આજ ગુનહગારોં કી તરહ.

દાવા થા જિન્હેં હમદર્દી કા, ખુદ આ કે ન પૂછા હાલ કભી
મહફિલ મેં બુલાયા હૈ હમ પે હંસને કો સિતમગારોં કી તરહ.

સીધા બાત, નો બકવાસઃ

અમને દિલમાં રાણીની જેમ બેસાડેલાં અને હવે એમના ઘરમાં અમે ગુનેગારની જેમ બેઠાં છીએ. સાહેબશ્રીનો દાવો તો હમદર્દીનો હતો, પણ કોઈ દિવસ ખબરઅંતર ન પૂછ્યા એ તો ઠીક, અમને ઘરે બોલાવીને એ અમારા પર કોઈ જુલમીની જેમ હસી રહ્યા છે.

બરસોં સે સુલગતે તનમન પર અશ્કોં કે તો છીંટે દે ન સકે
તપતે હુએ દિલ કે ઝખ્મોં પર બરસે ભી તો અંગારો કી તરહ.

અમારી બેહાલી પર એમણે બે આંસુ વહાવ્યા હોત તો અમને થોડી તસલ્લી, થોડી ઠંડક મળી હોત, પરંતુ આ જાલીમ માણસ તો દિલના લબકારા મારતા જખમો પર અંગારાની જેમ વરસી રહ્યો છે.

આવી અતિ દાહક અભિવ્યક્તિ બાદ અચાનક કોઠાવાલી બાઇ કૂણી પડીને પોતાની લાચારી અને બેબસીનું બયાન આપે છેઃ

સૌ રૂપ ધરે જીને કે લિયે, બૈઠેં હે હઝારોં ઝહર પિયે,
ઠોકર ન લગાના હમ ખુદ હૈ ગિરતી હુઈ દિવારોં કી તરહ.

ટકી રહેવા માટે ખૂબ ઝાંવા મારવા પડ્યા, સમાજે ખૂબ લાતો મારી. હવે અમારી પડુંપડું થતી દિવાલને તમે પણ ઠોકર મારશો તો પડી જશે આ દિવાલ, તૂટી જઈશું અમે…

મજરૂહ સુલતાનપુરીએ લખેલા આ ગીતના શબ્દો જેટલા ચોટદાર છે એટલું જ સંગીતકાર રોશનનું સંગીત હૃદયભેદી છે. અને આ બેય બાબતો સાથે ફિલ્મના પરદે અભિનેત્રી સુચિત્રા સેને ઉદાસી, આક્રોશ અને નજાકતની સહિયારી અભિવ્યક્તિ દ્વારા જે ત્રિવેણીસંગમ રચ્યો છે એ તો જોઈ-સાંભળીને જ માણી શકાય. ગીત  તમે જાતે જ એને જુઓ, માણો, અનુભવો.


(ક્રમશઃ)


શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com