લતા જગદીશ હિરાણી

એક હતું કબ્બુ કબૂતર ને એક હતી કક્કુ કોયલ.

કબ્બુ ને કક્કુ બેય પાડોશી. મોટા લીમડાના ઝાડ પર કબ્બુ રહે ને સામેના બીજા મોટા વડના ઝાડ પર કક્કુ રહે.

રોજ સવાર પડે ને કબ્બુ ‘ઘુ ઘુ…. ઘુ ઘુ’ કરે.  સામેના ઝાડ પરથી કક્કુ ‘કુહુ કુહુ’ કરે. બેય ગીતો ગાય. વાતોના વડા કરે. કબ્બુની મમ્મી આવે એટલે કબ્બુ જમવા બેસે. કક્કુને કહે -તારી મમ્મી આવી ગઇ ? જો કક્કુની મમ્મી ન આવી હોય તો કબ્બુ એને લંચ માટે બોલાવે.

ધીમે ધીમે કરતાં કબ્બુ અને કક્કુ મોટાં થયાં. બાજુના વડના ઝાડ પર એક વલ્લુ વાંદરો આવ્યો. એય હજી નાનકડું બચ્ચું હતું. એણે જોયું કે કબ્બુ અને કક્કુ મજાના દોસ્ત હતાં.

એક દિવસ એ વલ્લુ વાંદરો કબ્બુ પાસે ગયો. – કબ્બુ, જો તારું ગળું કેવું ઘોઘરું છે ને કક્કુ કેવું  સરસ ગાય છે ? એમ કેમ ? જંગલમાં બધાં કહે છે કે કક્કુનું ગીત સાંભળવાની મજા આવે છે.

વલ્લુ વાંદરાએ સળી કરી લીધી ને હુપ હુપ કરતાં ક્યાંય જતો રહ્યો, પણ કબ્બુભાઇ શિયાંવિયાં થઇ ગયા. રડમસ ચહેરે પપ્પાને ફરિયાદ કરવા માંડ્યા,

‘મારે ટ્યુશન રાખવું છે. વલ્લુભાઇએ મને તાનસેનસરનું એડ્રેસ આપ્યું છે. એ બાજુના જંગલમાં રહે છે. હું તો એની પાસે શીખીશ. મારેય કક્કુ જેવું ગાવું છે.’

‘અરે, તું શું કામ ફિકર કરે છે. આખી આ ગ્રીન યુનિવર્સિટીમાં બધાં મારું માને. હું તને સરસ મજાનું સર્ટિફિકેટ અપાવી દઉં કે કબ્બુ મસ્ત ગાય છે.’

પણ કબ્બુ માન્યું નહિ.

કબ્બુની મમ્મી યે સમજાવીને થાકી પણ કબ્બુ એકનું બે ન થયું.

આખરે બંન્ને પહોંચ્યા મોર તાનસેન પાસે. મોરભાઈ આંખ બંધ કરીને રાગ આલાપવામાં પડ્યા હતા. ક્યાંય સુધી કબ્બુ અને એની મમ્મી રાહ જોઇને બેસી રહ્યાં. અંતે એણે આંખ ખોલી.

‘બોલો, શું કામ હતું ?’

‘આ જુઓને, મારો કબ્બુ કજિયો કરે છે કે એણે કક્કુ જેવું ગીત ગાવું છે. એ મારે કેમ શીખવવું ?

મને તો ઘુ ઘુ કરતાં આવડે ને કબ્બુનેય હું એ જ શીખવું ને ?’

‘સાવ સાચી વાત. તારે ઘુ ઘુ જ કરાય કબ્બુ બેટા.’

આટલું સાંભળતાં જ કબ્બુભાઇની આંખ ફરી છલકાઇ ગઇ.

‘ના, પણ મને વલ્લુભાઇ સાચી વાત કહે છે કે મારે કક્કુ જેવું જ ગાવું જોઇએ.’

‘અરે, એ વલ્લુ વાંદરો ? આખા ગામનો પંચાતિયો ? એની વાત ભૂલથીયે ન સાંભળીશ.’

‘પણ સર, હું મહેનત કરીશ. મને શીખવાડો ને !’

‘સારું, એમ કર, તું કક્કુને અહીં લઇને કાલે આવજે, ઓકે !’

કબ્બુ અને એની મમ્મી પોતાના ઝાડ પર ગયા અને રાત પડી એટલે સુઇ ગયા. સવાર પડતાં જ કબ્બુ જઇને કક્કુને બોલાવી આવ્યું.

‘ચાલ આપણે તાનસેનસર પાસે જવાનું છે.’

કક્કુ તો તૈયાર. એને ફરવા જવું બહુ ગમતું. કબ્બુ ને કક્કુ બંને ઉડતાં ઉડતાં પહોંચ્યા મોર તાનસેન પાસે. મોરભાઈએ રાગ પૂરો કરી આંખ ખોલી.

‘બોલો બચ્ચાંઓ, તમને શું શીખવું છે ?’

કક્કુ કહે – હું તો આ કબ્બુને કંપની આપવા આવ્યો છું. મારી મમ્મી કહે છે, તું ગાય છે એ બરાબર છે.

‘વેરી ગુડ, બેટા. પણ આ કબ્બુને તારા જેવું ગાવું છે એમ વાત છે ને ?’

હા, સર. – કબ્બુએ બીતાં બીતાં કહ્યું.

‘એમ કરો, પહેલાં તમે બંને કળા કરીને એક નૃત્ય કરો. પછી હું તને શીખવીશ.’

‘મને એ નહિ આવડે સર.’

‘અને મનેય એ ન આવડે. – કક્કુએ સૂર પુરાવ્યો.

‘એવું કેમ ચાલે ભાઇ ?’

ત્યાં એક નાનકડી ખિસકોલી ફરતી હતી. આ વાતો સાંભળી એ ફૂસફૂસ કરતી હસી પડી.

‘કેમ તારેય ગાતાં શીખવું છે કક્કુ જેવું કે કબ્બુ જેવું ?’ મોરભાઈએ ખિસકોલીને પૂછ્યું

‘ના રે ના, કંઇ બીજા જેવું થોડું ગવાય ? હું તો મારા જેવું જ ગાઉં.’

એક પોપટ ઉડતાં ઉડતાં ગાતો ગયો,

બીજા જેવું ન ગવાય, ન ગવાય
ગાંડા જેવું ન થવાય, ન થવાય.

અને ખિસકોલીએ સૂર પુરાવ્યો – આપણે આપણા જેવા થવાય. !

મોરભાઈ મરક મરક હસવા માંડ્યા. – ચાલો જોઇએ બધા પોતાનું ગીત ગાઓ જોઇએ, અને એક સાથે ખિસકોલી, પોપટ અને કક્કુ ગાવા માંડ્યા.

બધાંએ પોતાના જ અવાજમાં પોતાનું જ ગીત ગાયું.

કબ્બુ બિચારું શરમાઇ ગયું. એ સમજી ગયું. એને થયું – મારી મમ્મી બહુ સમજાવતી હતી પણ મેં મુર્ખાઇ કરી. ભગવાને જે આપ્યું હોય એ જ મજાનું હોય ને !

ત્યાં સામેથી કબ્બુની મમ્મી યે ઘુ ઘુ કરતી આવી. કબ્બુ લાગી પડ્યું મમ્મીની સાથે ઘુ ઘુ કરવા.

સૌએ સાથે મળીને ડાન્સ કર્યો. ખાધું, પીધું ને રાજ કર્યુ, વન આખું આબાદ કર્યું.