પંખીઓના દેશમાં

ગિરિમા ઘારેખાન

આકાશમાં ભમતી રહેતી અનેક વાદળીઓ આપણે રોજ રોજ જોઈએ છીએ. આજે હું તમને બે વાદળીઓની વાર્તા કહીશ.

એકનું નામ હતું ભૂરી અને બીજીનું નામ હતું ધોળી. બે ય વાદળીઓ આકાશમાં આમ તેમ ફર્યા કરે. એક વાર એવું બન્યું કે સૂરજ ખૂબ જ તપવા માંડ્યો. એના કિરણો આગ વરસાવતા હોય એવું જ લાગે. ધરતી ઉપર તો બધા ત્રાહિમામ થઇ ગયા. નદી-તળાવોમાં પાણી ખલાસ થઇ ગયું. માણસો અને પશુ – પંખી પાણીની શોધમાં આમતેમ ભટકવા માંડયા. જમીન ઉપરથી ઘાસ પણ સૂકાઈ ગયું. અને આકાશ! આકાશ તો સૂરજની ગરમીથી સૂરજ જેવું જ ગરમ રહેવા માંડ્યું.

હવે પેલી બે વાદળીઓ પણ તરસથી પરેશાન થઇ ગઈ. એ લોકોએ આકાશમાંથી જમીન ઉપર જોયું – ક્યાંય પાણી છે? બધે પાણી સૂકાઈ ગયું હતું. આકાશમાં આમ તેમ રખડતા રખડતા એમની નજર નીચે દરિયા ઉપર પડી. વાદળીઓ તો દરિયો જોઇને ખુશ ખુશ! એ તો પાણીથી છલોછલ ભરેલો હતો. એમાં મોટાં મોટાં મોજાં ઉછળતા હતાં. સૂર્યના ગરમ ગરમ કિરણો એના ઉપર પણ પડતાં હતાં અને એને લીધે દરિયાનું પાણી વરાળ બનીને આકાશ તરફ આવતું હતું.

એ જોઇને વાદળીઓને થયું કે પાણી ન મળે તો કંઈ નહીં, વરાળ પી ને તરસ છિપાવીએ. એ બંને તો
દરિયાના પાણીની વરાળ પીવા માંડી. વરાળની ગરમીથી ભૂરી અને ધોળીનો રંગ અચાનક કાળો થઇ ગયો. એમના હલકા ફૂલ શરીર પણ ભારે થઇ ગયાં. એટલામાં જોરદાર પવન ફૂંકાવાનો ચાલુ થયો.

પવન તો આ વાદળીઓને પોતાની સાથે ખેંચી જવા માંડ્યો. પહેલા એણે ભૂરી વાદળીને ખેંચી. વાદળીને બહુ મજા પડી. એને લાગતું હતું કે એ પોતે જ પવન થઇ ગઈ છે. કોઈ જ મહેનત વિના એને આકાશમાં ઉડવા મળતું હતું. એ નીચે નજર નાખે તો જુદા જુદા પ્રદેશો પણ જોવા મળતા હતાં. એ તો મસ્તીમાં આવીને ગાવા માંડી:

હું ભૂરી ભૂરી વાદળી
આજે થઈ ગઈ કાળી
તાજી માજી થઈને
પવન સાથે ઊડી

વાદળી તો ગાતી ગાતી આગળ વધતી હતી ત્યાં અચાનક બીજું કોઈ પણ ગાતું હોય એવો અવાજ એના કાને પડ્યો. ભૂરીને તો લાગતું હતું કે આમ ઉડવાવાળી એ એકલી જ છે. આ બીજું કોણ ગાતું હતું? એણે એ અવાજ સાંભળવા કાન સરવા કર્યા. એને સંભળાયું:

હું ધોળી ધોળી વાદળી
આજે થઇ ગઈ કાળી
તાજી માજી થઈને
પવન સાથે ઊડી

ભૂરી વાદળીને તો ગુસ્સો આવ્યો. એને થયું કે આ ધોળી વાદળી મને ચીડવવા માટે મારી પાછળ પાછળ આવે છે અને મારા ચાળા પાડે છે. એણે પવનને થોડીક વાર ધીમા થવાનું કહ્યું અને પોતે પણ ઊભી રહી ગઈ. જેવી ધોળી વાદળી ગાતી ગાતી એની નજીક આવી કે એણે બૂમ પાડીને પૂછ્યું, “એઈ ધોળી, કેમ મારી પાછળ પાછળ આવે છે? પાછી મારા ચાળા પણ પાડે છે.’

ધોળી બોલી, “હું તો તારી પાછળ નથી આવતી. મને તો પવન જ્યાં લઇ જાય ત્યાં જાઉં છું અને મોજ કરું છું.’

પણ ભૂરીને એના જવાબથી સંતોષ ન થયો. એ વધારે મોટેથી બૂમ પાડીને બોલી, “તું મારા ચાળા તો પાડે જ છે. હું કાળી થઇ એટલે તેં પણ તારો રંગ બદલી નાખ્યો.’

ધોળી કહે, “પહેલા હું કાળી થઇ હતી, પછી તું થઇ. તું મારી નકલ કરે છે.’

બસ, પછી તો બે ય વાદળીઓ વચ્ચે જોરદાર ઝગડો ચાલુ થઇ ગયો. ભૂરી અને ધોળીએ પોતાની કટારો કાઢી અને એકબીજાની સામે ઉગામવા માંડી. આકાશમાં તો ચારેબાજુ કટારના ચમકારા ચમકારા. સાથે સાથે બંનેના મોઢામાંથી મોટા મોટા અવાજો પણ નીકળે. હવે આજુબાજુના બીજા વાદળા પણ એમનો જુસ્સો વધારવા માટે ગરજવા માંડયા. ધણણણ ધણણણ નગારા વાગતા હોય એવા અવાજો આવવા માંડ્યા. ઘરતી ઉપરથી લોકો ઉપર આકાશ તરફ જોવા માંડ્યા.

લડાઈ લડાઈમાં બંનેની કટાર એકબીજાને વાગી ગઈ. વાદળીઓમાં કાણા પડ્યા અને એમના શરીરમાં ભરાયેલી વરાળ પાણી થઈને નીચે ટપકવા માંડી. પછી તો ટપકાંમાંથી ધારાઓ બની અને જોતજોતામાં વાદળીઓ તો ખાલી થઇ ગઈ. હાંફતા હાંફતા બન્નેએ પોતાનું પાણી ક્યાં ગયું એ જોવા નીચે જોયું.
એમના આશ્ચર્યનો તો પાર ન રહ્યો.

એમની લડાઇ જોઇને ધરતી ઉપરના લોકો તો આનંદમાં આવી ગયા હતા. નદી, તળાવ ભરાવા લાગ્યા હતા. ખેડૂતો વાવણી કરવા માટે ખેતરમાં પહોંચી ગયા હતા. નાના બાળકો રસ્તા ઉપર વહેતા પાણીમાં કાગળની હોડીઓ બનાવીને મૂકતા હતાં. વૃક્ષો પણ સાફ થઈ જવાથી વધારે લીલાં લાગી રહ્યાં હતાં. મોરના ટહુકા તો આકાશ સુધી પહોંચતા હતા. પશુઓ રસ્તા ઉપર ભરાયેલા ખાબોચિયામાંથી પાણી પીવા લાગ્યા હતા. બધે આનંદ આનંદ હતો.

ભૂરી અને ધોળી થોડી વાર સુધી એકબીજાની સામે જોઈ રહી. એમને માનવામાં ન હતું આવતું કે એમનું પાણી નીચે પડ્યું એને લીધે આ બધું થયું છે. થોડી વાર પછી ધોળીએ ભૂરીને કહ્યું,

“ભૂરી, તું જુએ છે?”

“હમમ, લડવા લડવામાં આપણે ખાલી થઇ ગયા.’

હા, પણ એનાથી ધરતી ઉપર બધા કેટલા આનંદમાં આવી ગયા!”

“એટલે જ હું તો વિચારું છું.’

‘શું?’

કંઈ જવાબ આપ્યા વિના ભૂરીએ તો પવનને બૂમ પાડીને બોલાવ્યો અને કહ્યું, પવન, ચલ ફરીથી લઇ જા અમને.’

“ક્યાં? પવને પૂછ્યું.

“દરિયે પાણી ભરવા. ચાલ ધોળી આવવું છે ને? ભરાઈને ખાલી થવામાં કેવી મજા આવે છે?’
“હા હા. આવું જ છું.’ ધોળીએ કહ્યું.

“અમે પણ આવીશું.’ આજુબાજુ ઊભેલી બીજી વાદળીઓ પણ બોલી. અમે પાણી આપતી વખતે નગારા પણ વગાડીશું.’

હસતી હસતી બધી વાદળીઓ ચાલી પાછી દરિયે પાણી ભરવા.


ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯