સમાજદર્શનનો વિવેક

કિશોરચંદ્ર ઠાકર

દેશમાં ગરીબી, મોંઘવારી, બેરોજગારી, પ્રદુષણ જેવી અનેક સમસ્યાઓની ચર્ચા અને ચિંતા જુદા જુદા વર્ગોમાં થતી હોય છે. પરંતુ જેની અસર પેઢીઓ સુધી થઈ શકે તેમ છે તે દેશનાં શિક્ષણની સમસ્યા વિશે ચિંતા અને ચર્ચા બહુ જ ઓછી થાય છે. સામાન્ય માણસને તો પોતાનાં બળકનાં પ્રાથમિક શાળાના અભ્યાસક્રમનો પણ ખ્યાલ નથી હોતો. તો પછી ઉચ્ચશિક્ષણ વિશે તો પૂછવું જ શું? અલબત સરકારની નવી શિક્ષણનીતિ બબતે એક નાનકડા વર્ગમાં સવાલો ઊભા કરવામાં આવ્યા છે. કદાચ કોઇને લાગે કે આ સવાલો તો જે તે સરકાર વિરોધી બુદ્ધિજીવીઓના રાજકીય પૂર્વગ્રહોને કારણે હોઈ શકે. પરંતુ જેમને સરકારની શિક્ષણનીતિ અંતર્ગત યુનિવર્સિટિના ગણિતના અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમ સાથે કામ પાડવાનું છે તેવા ગણિતના વિદ્વાન પ્રાધ્યાપકોનો તે અભ્યાસક્રમ સામે તીવ્ર વિરોધ છે.

શિક્ષણમાં ગણિતનું મહત્વ આપણે સારી રીતે જાણીએ છીએ ઇજનેરી જેવા અભ્યાસક્રમમાં તો ગણિત એ પાયાની જરૂરિયાત છે. વૈજ્ઞાનિકો બ્રહ્માંડના રહસ્યો શોધવા ડ્રો‌ઈંગરૂમમાં બેસીને ગણિતનાં સમીકરણોનો આશરો લેતા હોય છે. ભૌતિકશાસ્ત્ર અને ગણિતને અલગ પાડી શકાય તેમ નથી. એ જ રીતે અવકાશ વિજ્ઞાન પણ ગણિત આધારિત છે. ચાર્ટડએકા‌ઉ‌ન્ટ (C A)જેવા વ્યવસાયી અભ્યાસક્રમ માટે પણ ગણિતનાં જ્ઞાનની જરૂર છે. સામાન્ય અંકગણિત તો આપણી રોજબરોજની જરૂરિયાત છે. આથી જ ગણિતનો અભ્યાસક્રમ નક્કી કરતી વખતે જો કાચું કપાય તો દેશના વિકસમાં પ્રતિકૂળ અને દુરોગામી અસરો પડે. આટલી પૂર્વભૂમિકા પછી મૂળ વાત પર આવીએ.

સામાજિક અને રાજકીય ફેરફારો તેમજ નવી નવી શોધોને કારણે સરકારની શિક્ષણનીતિ અને અભ્યાસક્રમોમાં ફેરફારો થતા રહ્યા છે. સામાજિક પર્યાવરણ અને ભાષાના પોતાના જ બદલાવાને કારણે ભાષાશિક્ષણના અભાસક્રમોમાં પણ ફેરફાર કરવા જરૂરી બને છે. આજનાં બાળકને ‘તકલી’ એ કઈ બલાનું નામ છે તેની જાણ ન હોવી સ્વભાવિક છે આથી જ આઝાદીના પહેલા દસકામાં ભણાવવામાં આવતી કવિતા ‘તકલી ભલી તકલી ભલી, વાહ સૂતરવાળી રે’ એ કવિતા આજે એકદમ અપ્રસ્તુત લાગે છે. ૫ કોથળા ૩ મણ અને ૧૧ શેરના કેટલા શેર થાય એવા દાખલાની કોઇ ઉપયોગિતા રહી નથી. આર્કિમિડિઝે શોધેલા ઉચ્ચાલનો યાદ રાખવા માટેના સાણસી, સૂડી અને ચિપિયો હવે માત્ર ઘર વપરાશ માટે જ ઉપયોગી છે. આથી વિજ્ઞાન અને ગણિતમાં સતત અને ઝડપી નવી શોધોને કારણે અભ્યાસક્રમોની વારેવારે સમીક્ષા કરવી પડે છે. આવું વત્તેઓછે અંશે શિક્ષણના દરેક વિષય બાબતે છે. આથી સરકારે બદલાતા સમય સાથે કદમ મિલાવવા માટે અભ્યાસક્રમો અને શિક્ષણનીતિમાં પણ ફેરફારો કરવા પડે છે. આ માટે તજજ્ઞોની સમિતિ નિમાતી હોય છે.

સિત્તેરના દાયકામાં ગણિતનો ‘ગણપરિચય’ (‘Set theory’)નો મુદ્દો જે સ્નાતક કક્ષાએ ભણાવવામાં આવતો તે હાલ પ્રાથમિક શાળાનાં સાતમા ધોરણમાં ભણાવવું જરૂરી થઈ પડ્યું છે. તેથી ડોલર ગમે તેટલો ઊંચોનીચો થાય તો પણ વિનિમયના દાખલાનો અભ્યાસ રદ કરવો પડ્યો છે.

નવી શિક્ષણનીતિ(NEP2020) અંતર્ગત ગણિતના અભ્યાસક્રમમાં ફેરફાર કરવો જરૂરી થઈ પડતા યુનિવર્સિટિ ગ્રા‌ન્ટ કમિશને(UGC)ઓગસ્ટ ૨૦૨૫માં કોલેજ કક્ષાએ પણ ગણિતના અભ્યાસક્રમનો નવો મુસદ્દો ઘડ્યો છે. આ મુસદ્દા માટે લોકોના પ્રતિભાવો પણ માગવામાં આવ્યા છે. સામાન્ય લોકોએ શા પ્રતિભાવો આપ્યા તેની જાણ નથી પરંતુ જેમને શિરે ગણિત ભણાવવાની જવાબદારી છે તેવા શિક્ષકોનાં સંગઠ્ઠન -Mathematics Teachers’ Association- દ્વારા ખૂબ જ પ્રતિકૂળ પ્રતિભાવો આપવામાં આવ્યા છે. સંગઠ્ઠન તરફથી UGCને જણાવવામાં આવેલ પત્રની તમામ વિગતો આપવામાં લંબાણ થવા ઉપરાંત ગણિતના વિષયની કેટલીક ટેકનિકલ બાબતો સામાન્ય વાચકને સમજવી મુશ્કેલ હોઈ મુખ્ય મુદ્દાઓ જ જણાવવાનો ઉપક્રમ રાખ્યો છે. પરંતુ એ પહેલા Mathematics Teachers’ Association બાબતે જાણવું જરૂરી છે.

ગણિત શીખવામાં મદદ થાય તેમજ તેનો સઘન અભ્યાસ થઈ શકે તે માટે ૧૯૫૨માં Mathematics Teachers’ Association ની સ્થાપના કરવામાં આવી હતી. ગણિતના શિક્ષકો, ગણિત માટેની સંસ્થાઓ, શાળાઓ ઉપરાંત ગણિતમાં રસ ધરાવતા જિજ્ઞાસુઓ આ સંસ્થામાં આવકાર્ય છે. હાલ સંસ્થાના સભ્યોની સંખ્યા લગભગ ૩,૦૦૦ જેટલી છે. સંસ્થાએ વર્ષોથી એક શક્તિશાળી અધિકૃત સંગઠ્ઠન તરીકે પોતાની ઓળખ જાળવી રાખવા ઉપરાંત પોતે ગણિત શીખવવા સંબંધિત બાબતો પર સત્તા સામે પ્રતિક્રિયા આપે છે. જરૂર પડ્યે વાચાળ પણ બને છે. ગણિત શીખતા તમામ લોકોના લાભ માટે નિર્ણયોને સંગઠ્ઠન પ્રભાવિત કરે છે. આ કાર્ય તે સરકારના પ્રભાવ અને દખલગીરીથી મુક્ત રહીને કરે છે. સંસ્થાની કામગીરી માટે જરૂરી નાણાં સભ્યપદ માટેની ફી દ્વારા ઉભા કરવામાં આવે છે. સંસ્થાની આટલી ઓળખ બાદ તેના UGC ની દરખાસ્ત પર પ્રતિભાવ આપતા મૂળ મુદ્દાઓ પર આવીએ

UGCની દરખાસ્તની અસર હજારો કોલેજો-યુનિવર્સિટિઓ ઉપર અને તે દ્વારા લાખો વિદ્યાર્થીઓ પર પડવાની હોઇ તે દરખાસ્તને શિરે જવાબદારીનો મોટો બોજો હોવો જોઇએ. આ વાતને ધ્યાનમાં રાખીને સંગઠ્ઠને UGCને સૂચિત અભ્યાસક્રમમાં નીચે આપેલા કેટલાક મૂદ્દાઓનો ફોડ પાડવા માટે લખ્યું છે.

*સૂચિત નવા મૂસદ્દામાં ગણિતના અભ્યાસાક્રમમાં ફેરફાર કરવા માટેના કારણોની તર્કસંગત સમજૂતિ આપવી જોઈએ. આ અભ્યાસક્રમને અંતે વિદ્યાર્થીઓને શું પ્રાપ્ત થશે તેનો સ્પષ્ટ ખ્યાલ મુસદ્દો ઘડનારાઓને હોવો જોઇએ.

*દેશમાં હાલનાં ગણિતના અભ્યાસક્રમનું વિવેચનાત્મક મૂલ્યાંકન, અભ્યાસક્રમના પાયાની મજબૂતીમાં કોઇ ખામી જણાય તો તેને દૂર કરવી તેમજ કોઈ નવી પ્રાથમિક્તા શોધીને તેની સ્પષ્ટતા પણ કરવી જોઇએ.

*ગણિતના શિક્ષકો અને યુનિવર્સિટિ સિસ્ટમ પર આ મુસદ્દાને કારણે થતી અસરો વિશે સ્પષ્ટ ખ્યાલ હોવો જરૂરી છે.

*મુસદ્દામાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં જે વિવિધ વિકલ્પો આપવામાં આવ્યા છે તે દાખલાદલીલો દ્વારા સમજાવીને પસંદ કરવા માટેનું સુનિયોજિત માળખું હોવું જોઇએ.

*આપણે ત્યાંના વિદ્યાર્થીઓની વિવિધ જરૂરિયાતો જાણી, ચર્ચા કરીને તેને સંતોષવાના વિવિધ રસ્તાઓમાંથી ચોક્કસ પસંદગી કરવી જોઇએ.

પરંતુ શિક્ષકોના આ સંગઠ્ઠનનું માનવું છે કે મુસદ્દામાં આવું કશું કરવાનો પ્રયાસ સુદ્ધા કરવામાં આવ્યો નથી તેના બદલે કેટલાક અભ્યાસક્રમોને “મૂલ્યવર્ધિત” તો કેટલાકને “કૌશલ્યવર્ધી” એવા રૂપાળાં નામો તો આપવામાં આવ્યા પરંતુ આ અભ્યાસક્રમો સૂચવવા માટેના તર્કબદ્ધ કારણો સૂચિત મુસદ્દામાં સમજવા ખૂબ જ મુશ્કેલ છે.

સૌથી મોટો વાંધો જે રીતે આપણા દેશના પ્રાચીન ગણિતના અભ્યાસક્રમો શીખવવાનું સૂચવવામાં આવ્યું છે તેની સામે છે. અલબત્ત સંગઠ્ઠન માને છે કે આપણને આપણા ગણિતના પ્રાચીન અને સમૃદ્ધ વારસાનું ગૌરવ તો હોવું જ જોઇએ. વળી ગણિત શીખનાર દરેક વિદ્યાર્થીએ આપણા આ વારસાનાં ઐતિહાસિક મહત્વને પણ જાણવું જોઇએ. વાત ખરી છે કે આપણી શિક્ષણ પ્રણાલીમાં જેનાં મૂળ યુરોપ બહારના દેશોમાં છે તે પ્રકારના ગણિતને મોટેભાગે અવગણવામાં આવ્યું છે. ભારત ઉપરાંત વિભિન્ન પ્રાચીન સંસ્કૃતિઓના ગણિતમાં પ્રદાન વિશે પણ જાણવું જરૂરી છે. પરંતુ આ કામ તો એકાદ સત્રમાં અને અલગ અભ્યાસક્રમ તરીકે શીખવી શકાય તેમ છે. પરંતુ આ સંદર્ભમાં UGCનો આ મુસદ્દો બધી જ રીતે અતિશય (ઓવરબોર્ડ) જણાય છે. ગણિતમાં ભારતે આપેલા ઝળહળતા પ્રદાનને ઉપસાવવાની સાથે ગણિતમાં થઈ રહેલા વૈશ્વિક વિકાસ પર પણ ભાર મૂકવો જોઈએ. પરંતુ મુસદ્દામાં -આપણા પ્રાચીન ગણિતના- અભ્યાસક્રમોની લાંબીલચ યાદી મૂકવામાં આવી છે. વળી યાદીની દરેક સામગ્રી અલગથી ભણવા માટે એકાદ બે તાસ તો પૂરતા છે. પરંતુ મુસદ્દામાં તો આ બધી સામગ્રીનો ખીચડો કરવામાં આવ્યો છે.

આપણા દેશની જેમ ચીન, ઇરાન અને ગ્રીસ જેવા દેશોમાં પણ ગણિતનો પ્રાચીન વારસો છે અને વાજબી રીતે તેમને તેનું ગૌરવ પણ છે. પરંતુ આ દેશોએ તો એક વિષય તરીકે તો આજના ગણિતને જ શીખવવાનું મુનાસીબ માન્યું છે.

ગણિતના કલનશાસ્ત્ર કે કમ્પ્યુટર માટેનાં કૌશલ્ય જેવા મુખ્યધારાના અભ્યાસક્રમોમાંથી પસંદ કરવા માટે આપેલા અભ્યાસક્રમોમાંથી એક વિકલ્પ તરીકે આવા ઐતિહાસિક અભ્યાસક્રમોને વિદ્યાર્થીઓ દ્વારા પસંદ કરવા માટે મૂકવા એ તો હાસ્યાસ્પદ જ છે. આ પ્રકારની પસંદગીનો કોઇ અર્થ ખરો? પછીથી તો વિદ્યાર્થિઓ જેને ઊંડાણથી શીખવા માટે ખૂબ જ મહેનત કરવી પડે તેવા મુખ્યધારાના ગણિતને બદલે જેમાં માત્ર ગોખવાનું જ છે તેવા ‘ભારતીય’ ગણિતની જ પસંદગી શા માટે ન કરે? કારણ કે તેમ કરવાથી જ પરીક્ષામાં વધારે ગુણ પ્રાપ્ત થાય તેમ છે.

વધુમાં એકવીસમી સદી યુવાનો માટે જીવનમાં અનિશ્ચિતતા, આબોહવા પરિવર્તન, પર્યાવરણીય અધોગતિ, ભૌતિક જગતમાં ડિજિટલ આક્રમણ જેવા અનેક પડકારો લઇને આવી છે. આથી ઉચ્ચ શિક્ષણની જરૂરિયાત છે કે સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે તેવા તજજ્ઞો પેદા કરે. આ બધી શક્યતાને ધ્યાનમાં રાખીને નવા રસ્તાઓ શોધવા જરૂરી છે. આ માટે જરૂરી લચિલાપણાની મુસદ્દામાં ખામી છે.

આપણા દેશની વાસ્તવિકતામાં યાદ રાખવું રહ્યું કે ઉચ્ચ ગણિતમાં સમાજના સામાજિક અને આર્થિક રીતે વંચિત વર્ગના વિદ્યાર્થીઓની ભાગીદારી ખૂબ નબળી  છે. નવી નીતિ, નવો  અભ્યાસક્રમ અને  તેના અમલીકરણમાં આ મુદ્દાને ગંભીરતાથી ઉકેલી શકે તેવી આશા દેખાતી નથી.

આ પરિપ્રેક્ષ્યમાં, સૂચિત મુસદ્દો ખૂબ જ નિરાશાજનક છે કારણ કે 21મી સદીમાં વિદ્યાર્થીઓને સામાજિક-આર્થિક અથવા બૌદ્ધિક જીવન માટે તૈયાર કરે તેવી દૂરંદેશી દેખાતી નથી. બીજી બાજુ, જો નવો અભ્યાસક્રમ અમલમાં આવે તો વર્તમાન અભ્યાસક્રમની જે પણ તાકાત છે તેને ધૂળધાણી કરી શકે તેમ છે.

આપણને ગણિતના એવા અભ્યાસક્રમની જરૂર છે જે વિદ્યાર્થીને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરે તથા સમસ્યાનું નિરાકરણ, અનુકુલનક્ષમતા અને વાસ્તવિક જગતના સંદર્ભોમાં નવા ખ્યાલો લાગુ કરવાની ક્ષમતાને પ્રોત્સાહન આપે. એ માટે આ માટે એવા અભ્યાસક્રમમાં શિક્ષણશાસ્ત્રના માધ્યમો જેવા કે પૂછપરછ આધારિત શિક્ષણ, સહયોગી સમસ્યાનું નિરાકરણ અને શોધ ઉપરાંત તેને દૃષ્ટિ સમક્ષ ખડા કરવા(visulaization) માટે ટેક્નોલોજીનો ઉપયોગ સામેલ કરવા પડે. અંડરગ્રજ્યુએટ અભ્યાસક્રમ માટે શિક્ષણશાસ્ત્ર પર વધુ ગંભીર વિચારણાની જરૂર છે અને તેને તેને પડશે એવા દેવાશે એવી વિચારણા તરીકે ગણી શકાય નહિ. સંગઠ્ઠને તો યુજીસીના પ્રસ્તાવિત મૂસદ્દાને સમૂળગો પડતો મૂકવા આગ્રહ કર્યો છે. ઉપરાંત ગણિતના અંડરર્ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ માટે નવી જ સમિતિની રચના કરવા UGCને વિનંતી કરી છે,

આ ઉપરાંત લગભગ 950 ગણિતશાસ્ત્રીઓ અને શિક્ષણકારોએ પોતાના હસ્તાક્ષરમાં અરજી કરીને UGCને અભ્યાસક્રમ ફરીથી તૈયાર કરવા માટે નિષ્ણાતોની એક નવી સમિતિ નીમવા વિનંતી કરી છે.

તેવી જ રીતે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ, બેંગલુરુના ૨૦૦૯થી ૨૦૧૩ સુધી આસિસ્ટન્ટ પ્રોફેસર અને ૨૦૦૬થી ૨૦૦૮ સુધી યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો (કેનેડા)માં રીસર્ચર (postdoc)તરીકે કામ કરનાર મંજુનાથ કૃષ્ણપુર તથા ‘અઝીમ પ્રેમજી યુનિવર્સિટિ’ , બેંગલુરુના પ્રોફેસર અને ઈન્સિટ્યુટ ઓફ સાય‌ન્સના ચેન્નાઇના નિવૃત ફેકલ્ટી આર રામાનુજમે પણ વર્તમાનપત્રોમાં લેખ લખીને UGCને આ મુસદ્દો પડતો મૂકવા ભારપૂર્વક જણાવ્યું છે.


(સંદર્ભ: Mathematics Teachers’ Associationનો પત્ર, ઈ‌ન્ડિયન એક્સ્પ્રેસમાં તારીખ ૨૬ સપ્ટે‌મ્બર, ૨૦૨૫નો આર રામાનુજમનો લેખ અને ગુગલ પરથી લીધેલી માહિતી)


શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.