પ્રવાસી યુ. ધોળકિયા

તાંત્રિક પરંપરા વિષય પરના અગાઉના બે લેખમાં આપણે અનુક્રમે તંત્ર વિજ્ઞાનનાં કેટલાંક પાસાંઓ અને રહસ્યવાદની ગતિશીલ પરંપરા વિશે ટુંકમાં ચર્ચા કરી હતી. તંત્ર પરંપરાની ચર્ચાના અંતિમ તબક્કામાં આપણે હવે પ્રવેશ કરીશું. અહીં થોડું પુનરાવર્તન થઈ શકે છે. તેનું કારણ એ છે કે તાંત્રિક પરંપરા પર લખનારા શ્રી વ્રજ માધવ ભટ્ટાચાર્ય પોતાના દૃષ્ટિબિંદુ પર ભાર મુકવા માટે આ પ્રકારનું વિવેચન કરે છે.

પંચમકાર વિધિઓ

તંત્રની વિધિઓને વિશ્વના વિદ્વાનો જ નહીં પણ ભારતના અનેક વર્ગો નીચી દૃષ્ટિથી જૂએ છે. આ વિજ્ઞાનમાં વામાચારીઓ પંચમકારની વિધિઓને અતિ મહત્વની ગણે છે તેના અમલમાં જે અમુક બાબતો જોવા મળે છે તેને કારણે આ વિધિઓ વિશે ઉતરતો મત પ્રવર્તે છે. આ પંચમકાર વિધિઓમાં માછલી ખાવી, માંસનું ભક્ષણ કરવું, મદીરા પીવી, સ્ત્રી – પુરુષનો સમાગમ (મૈથુન) કરવો અને અનેક પ્રકારના અર્થવિહિન મંત્રોનો આગ્રહ રાખવો એવી અમલવારીની તંત્ર વિજ્ઞાનની વિધિઓને ઉતારી પાડવા માટે કારણભૂત બને છે.

આપણે જોકે એ વાતની અહીં નોંધ લેવી જોઈએ કે સર્વાનંદ, શ્રી વામ, રામકૃષ્ણ પરમહંસ, ક્રિશ્નાનંદ, અભિનવગુપ્ત, શંકરાચાર્ય, સાહિબ કોલ, લાલકીક, ભૈરવી, બ્રહ્માણી અને કિનારામ જેવી મહાન હસ્તીઓ તાંત્રિકો હતી. તેઓ આ પંચમકારની વિધિઓને આ મુજબ સમજાવે છે-

૧) મસ્ત્ય – યોગના પ્રાણયામનો એક પ્રકાર

૨) માંસ – ચોક્કસ લક્ષ્ય માટે જડ પદાર્થોનો આધાર લેવો

૩) મૈથુન – જીવનું શિવ સાથે મિલન

૪) મદિરા અને ૫) મંત્રો  –  આ મહાયોગીઓએ મદિરા અને મંત્રો વિશે પોતાનાં મંતવ્યો ભલે અન્ય સંદર્ભોમાં કર્યાં હોય, પણ આપણે અગાઉ જોયું તેમ કોઈ મંત્ર સાધક માટે અર્થવિહિન નથી. વળી સાધનાથી જ્યારે સાધક શિવત્વ પામે છે ત્યારે તેનામાં અદ્‍ભૂત નશાનો સાક્ષાત્કાર થાય છે. ગુરુ વિના તંત્રમાં સિદ્ધિ શક્ય નથી. ગુરુ વિના આ માર્ગની સફર એ તંત્રના આ અફાટ સાગરને બે હાથથી એકલે તરી જવા બરાબર છે. તે ઉપરાંત, તાંત્રિક માર્ગ બેધારી તલવાર જેવો છે. ગુરુનાં માર્ગદર્શન વગર એ માર્ગ પર મૃત્યુ પણ નિશ્ચિત છે.

બુદ્ધનો દર્શાવેલ તાંત્રિક માર્ગ જ્યારે તિબેટમાં રાષ્ટ્ર ધર્મ બન્યો ત્યારે ત્યાંના સાધકો પંચમકારનો વધારે ઉપયોગ કરવા લાગ્યા. તેથી, તિબેટમાં બૌદ્ધ ધર્મની સ્થાપના કરનારા પદ્મસંભવે સાધકોને પહેલાં પ્રાયશ્ચિત કરીને પંચમકારોનો ઉપયોગ કરતાં શીખવ્યું. પરિણામે તિબેટનો તાંત્રિક માર્ગ વામાચારી હોવા છતાં બહુ સૌમ્ય બની રહ્યો. ઇ.સ. ૧૯૫૦માં જ્યારે ચીને તિબેટ પર ગેરકાયદેસરનો કબજો જમાવ્યો ત્યારે આ તિબેટી તાંત્રિકો અમેરિકા ને યુરોપમાં સ્થાયી થયા. ત્યાં તેઓએ વજ્રયાન માર્ગ સ્થાપિત કર્યો. ભારતમાં પણ આપણે ગમે તે માર્ગે સિદ્ધિ મેળવેલા તાંત્રિકોના કર્મોને ચમત્કાર તરીકે જોઈએ છીએ. પરંતુ આપણે એ નથી જોતા કે આ સિદ્ધોએ પતંજલિના વિભૂતિયોગ કરતાં પણ શ્રેષ્ઠ સિદ્ધિઓ મેળવીને શાંત પ્રકૃતિમાં સ્થિત થયા છે.

યંત્રો

શ્રી ભટ્ટાચાર્ય તંત્ર વિજ્ઞાનમાં યંત્ર વિશે સમજાવતાં કહે છે કે તંત્ર વિજ્ઞાનમાં યંત્ર મંત્ર જેટલું જ મહત્વનું છે. યંત્રમાં ભૂમિતિ પર આધારિત આકૃતિ (Design) અને ભાત (Pattern) હોય છે. યંત્રમાં રેખાઓ અને વળાંકોનો બહોળો ઉપયોગ થયેલો છે. સંસ્કૃતમાં યંત્રનો અર્થ નિયંત્રણ કે બંધન થાય છે. તે એક સાધન છે, જેના પર સાધક ધ્યાન કેન્દ્રિત કરીને સારી રીતે ધારણા કરી શકે છે. એ સમયે તેણે પોતાના વિચારો અને મનોવિકારો પર નિયંત્રણ રાખવું આવશ્યક છે. જ્ઞાનીઓએ આવાં યંત્રોની બનાવટ જાગતીક ચેતના (Cosmic Power)માંથી મેળવી છે. આ રીતે સાધક જો યંત્રની આકૃતિ અને ભાત પર ધ્યાનનું પ્રભુત્વ મેળવે તો તેની તંત્રમાર્ગ પરની પ્રગતિ ચોક્કસ થાય છે.

પરંતુ, યંત્રના ઉપયોગમાંપણ ગુરુનું  માર્ગદર્શન આવશ્યક બને છે. ગુરુઓનો અનુભવ એવો છે કે કોઈ પણ સાધક એક જન્મમાં આ પ્રકારની સિદ્ધિ  મેળવી શકતો નથી. તેણે એ માટે ઘણા જન્મો લેવા પડે છે. આપણે, સનાતનીઓ, પુનર્જન્મમાં માનીએ છીએ એટલે તંત્રસાધનાની વિભાવના આપણને સમજાય છે, અને તેથી તંત્રસાધના પ્રમાણમાં સરળ બને છે. પરંતુ એક જ જન્મમાં માનતા ખ્રિસ્તી, યહુદી કે ઇસ્લામ જેવા અબ્રાહમી ધર્મો માટે તંત્રમાર્ગ બહુ કઠણ બની રહે છે.

તંત્રમાં સંગીત, ભાષ્ય, અક્ષરો, સ્પંદનો મહત્વનાં છે. યંત્રમાં આકૃતિ અને ભાતનાં માધ્યમો આ માધ્યમો કરતાં પણ વધારે અસરકારક છે. આ માધ્યમો સાધકને આધ્યાત્મિક અનુભવ કરાવે છે. યંત્ર એક પ્રકારના દેવતાનું સ્થાન લે છે, જે સાધકને જ્ઞાન સુધી પહોંચાડવાનું સીધું સાધન બને છે. અહીં માયા પણ તેની ભુમિકા ભજવે છે. સાધના સમયે સાધક જો નિર્બળ બનશે તો સંસારનાં માયારૂપી બંધનોમાં તે જક્ડાઈ જશે. લાલચ અને આસક્તિથી તે ભ્રમિત થઈ જશે અને પતન પામશે. આ સમયે પોતાના અનુભવોને આધારે ગુરુ ખાસ પ્રકારના મંત્રો અને યંત્રોને આવરી લેતી વિધિઓ વડે માર્ગદર્શન પુરૂં પાડે છે. આ વિધિઓનું યોગ્ય જ્ઞાન આપીને સાધકનો બચાવ કરીને ગુરુ સાધકનો તંત્રમાર્ગ સુલભ બનાવે છે.

વેબ ગુર્જરીના સુજ્ઞ વાચકો એ સત્યથી પરિચિત હશે કે મોટાં અંબાજી, કામખ્યા દેવી અને વૈષ્ણો દેવીનાં સ્થાનકોમાં કોઈ મૂર્તિ નહીં પણ શ્રી યંત્રો છે.

ઉપસંહારમાં એમ કહી શકાય કે તંત્ર સાધનામાં પણ સાધકને અંતમાં સિદ્ધિ પછી સત્ ચિત્ આનંદનો પ્રચંડ અનુભવ થાય છે. તંત્ર એ શક્તિ ઉપાસના તો છે જે, પરંતુ તેનું અંતિમ સોપાન શિવ છે.

શિવ શું છે તે સમાજવતાં અભિનવગુપ્ત એમના ગ્રંથ ‘તંત્રસાર’માં અતિ આનંદિત  થઈને જણાવે છે કે –

The Supreme Lord Shiva is essence of his own light and our own (માનવ) self. By what means then he is to be achieved? Due to his own light, he cannot be known. Due to his eternity, his essence cannot be attained …… He is undivided by time, unlimited by space, He is all in all.

પરમેશ્વર શિવ પોતાના પ્રકાશ અને આપણા પોતાના (માનવ) સ્વનો સાર છે. તો પછી તેમને કયા માધ્યમથી પ્રાપ્ત કરી શકાય? તેમના પોતાના પ્રકાશને કારણે, તેમને જાણી શકાતા નથી. તેમની શાશ્વતતાને કારણે, તેમનો સાર પામી શકાતો નથી  …… તેઓ સમય દ્વારા વિભાજિત નથી, અવકાશ દ્વારા અમર્યાદિત છે, તેઓ સર્વસ્વમાં સર્વસ્વ છે.

શાક્ત તંત્ર

અત્યાર સુધી આપણે તંત્ર જે વિચારણા કરી છે તેમાં મા શક્તિને શિવનાં અર્ધાંગિની તરીકે સ્થાન આપ્યું છે. આ રીતે શિવતંત્રમાં દેવીને પ્રમાણમાં ગૌણ સ્થાન અપાયું છે. પરંતુ, શાક્ત તંત્રમાં માતાજીને સ્વતંત્ર રૂપે સાધવાની વિધિઓના વિજ્ઞાનમાં સ્થાન છે. તેમાં સૌથી પ્રમુખ નીચે મુજબની દસ વિદ્યાઓ છે –

૧) કાલી

૨) તારા

૩) ત્રિપુરા સુંદરી

૪) ભુવનેશ્વરી

૫) ભૈરવી

૬) છિન્ન મસ્તા

૭) ધુમ્રાવની

૮) બગલામુખી

૯) માતંગી

૧૦) કમલા

દસ મહાવિદ્યાઓ પર યુ ટ્યુબ પર જ્ઞાનસભર માહિતી રજૂ થતી રહે છે, જેમાં કેટલીક સ્ત્રી સાધિકાઓ પણ છે. વાચકોને એ સત્યની જાણ હશે કે ૧૯૬૨માં જ્યારે ચીને આપણા દેશ પર આક્રમણ કર્યું ત્યારે આપણી અપુરતી તૈયારીને કારણે આપણે ચીનનએ રોકી શક્યા ન હતા. એ સમયે આપણા તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરૂને એવી સલાહ આપવામાં આવેલી કે મધ્ય પ્રદેશના સતનામાં આવેલાં બગલામુખી દેવીની જો તમે સાધના કરશો તો ચીનનો પ્રતિકાર કરી શકાશે. નેહરૂ નાછૂટકે એમ કરવા તૈયાર થયા. તેઓએ સતના જઈ બગલામુખી દેવી પાસે સંકલ્પ કર્યો.પછી આ દેવી પાસે વિદ્વાનોએ નવ દિવસ સુધી બગલામુખી દેવીની તાંત્રિક સાધના કરી. બરાબર નવ દિવસે સાધના પૂર્ણ થતાં જ ચમત્કાર થયો. ચીને એકપક્ષી યુદ્ધવિરામ જાહેર કરી ભારતની જીતેલી જમીન છોડી દઈ તેનું લશ્કર પાછું બોલાવી લીધું !

શાક્ત તંત્ર અને આગમોમાં કોઈ ભેદ નથી. આપણે આગમો પરના લેખમાં શાક્ત તંત્રના મુખ્ય ગ્રંથો તેમજ ઉપતંત્રોનો ઉલ્લેખ કરેલ છે.

શાક્ત તંત્રમાં ચોસઠ યોગિનીઓ (જોગણીઓ)નું મહત્વનું સ્થાન છે. હિંદુ મંદિરો તોડવાના વિદેશીઓના મુર્ખ પ્રયાસો છતાં નવમીથી અગિયારમી સદીમાં બંધાયેલાં ચોસઠ જોગણીનાં આપણાં તેર જેટલાં મંદિરો આજે પણ અસ્તિત્વ ધરાવે છે[1]. આજે પણ આ મંદિરોમાં તાંત્રિક વિધિઓ થતી જોવા મળે છે.

વૈષ્ણવ તંત્ર પર આપણે ચર્ચા નથી કરી કેમકે શિવશક્તિ તંત્રવિજ્ઞાન પરિપૂર્ણ છે, અને તેમાં બધું તાંત્રિક જ્ઞાન સમાઈ જાય છે.


હવે પછીના મણકામાં લેખમાળાના સમાપન ભણી આગળ વધતાં કઈક વિશેષ વિચારણીય મુદ્દાઓ વિશે વાત કરીશું.


[1] Serial nomination of Chausath Yogini Temples


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.