કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
“મિત્રો ! કૃષિ વિકાસ મંડળનાં આપણે સૌ ખેડૂત ભાઈઓ એકઠા થઇ ગયા છીએ, અને મિટિંગ શરૂ કરવાનો વખત પણ થઇ ગયો છે. પણ પશુપાલન અંગે માર્ગદર્શન આપવા ભાવનગરથી આવનાર પશુપાલન અધિકારીશ્રી હજુ પહોંચી શક્યા નથી. હાલ આપણી પાસે સમય છે. મહેમાનની રાહે અહી બેઠા બેઠા ગપ્પાં મારવાં કરતા પશુપાલન અંગે આપણા મનમાં ઉઠતા સવાલોની એક યાદી બનાવી લીધી હોય તો અધિકારીશ્રી પાસેથી ખુલાસા મેળવવામાં ઘણી રાહત રહે એવું મારું માનવું છે. તમારો શો મત છે હીરજીભાઈ આ બાબતે ?” ઉગામેડી મુકામે શ્રી દેવરાજભાઈ ગઢિયાનાં યજમાનપદે, તેમની વાડીએ મળેલી કૃષિ વિકાસ મંડળની મિટિંગમાં – મંડળના વડીલ સભ્ય શ્રી માધુભાઇએ ઊભા થઇ રજૂઆત કરી.
“ભાઈઓ ! માધુભાઈનું આ સુચન આજની મિટિંગ સંદર્ભે ખુબ જ ઉપયોગી ગણાય. તમને કેમ લાગે છે ઠાકરશીભાઈ, દેવરાજભાઈ, પોપટભાઈ, મનુભાઈ, વાલેરાભાઈ, મહેન્દ્રભાઈ, રાજનભાઈ અને આપ બધાને, બોલો !“ મેં સૌની સંમતિ માગી.
“હા હા, બરાબર છે.” સમૂહનો પ્રતિસાદ.
“તો સાંભળો ! જે અધિકારી આવવાના છે તે પશુપાલન વિષય અંગેના પૂરા જાણકાર વ્યક્તિ છે. એટલે પશુ ખરીદવું હોય ત્યારે ક્યા ક્યા મુદ્દા ધ્યાનમાં લેવાથી શરુ કરી દૂધ ઉત્પાદન વધારે મેળવવા માટે કેવા ખોરાક-પાણી-માવજત આપવા ? સાજે-માંદે કેવી ચાકરી કરવી ? બચ્ચાં ઉછેરમાં શું ધ્યાન રાખવું ? પશુ વેતરે ન આવતું હોય કે વિયાણા પછી મેલી ન પડતી હોય તો કેવા ઉપાય કરવા ? કોઈ જાનવર ગરમીમાં જ ન આવતું હોયતો શું કરવું ? આવી બધી અતથી ઇતિ સુધીની વિગતો તો એ તઝ્જ્ઞ આપવાના જ હોય. છતાં કોઈ બાબત બાકી રહી જતી હશે તો તેમના વકતવ્ય પછી આપણે પૂછી શકશું.
પણ આ તકે મને એક સાવ નવા જેવો વિચાર આવે છે કે આપણે સવાલો તો પશુપાલનને લગતા જ પૂછીએ, પણ થોડી અલગ પ્રકારની વિગતોવાળા, જો તમારી બધાની સંમતિ હોય તો પૂછવા લાયક સવાલોની વાત કરું. બોલો કરું ?”
“કરો કરો, પણ સાવ જુદા પ્રકારના એટલે કેવા ? કંઈક મગનું નામ મરી પાડો તો ખ્યાલ આવે ને ?” મનુભાઈએ સવાલ કર્યો.
“સાંભળો ! પશુપાલન અંગે સમાજમાં જે કેટલીક અંધશ્રધાઓ, માન્યતાઓ, ભ્રમણાઓ અને ખ્યાલો – જે પ્રસરી રહ્યા છે, કહોને લોકમાનસમાં રૂઢ થઇ ગયા છે, તેવા ખ્યાલોની એક યાદી બનાવીએ તો એના તઝજ્ઞ પાસેથી સાચા-ખોટાની સમજ મેળવી શકીએ.“ મેં થોડી વિગત કહી.
“પણ હીરજીભાઈ ! તમે કેવા પ્રકારના સવાલો પૂછવાનું કહી રહ્યા છો, ઈ હજુ મારા મગજમાં ઉતર્યું જ નથી ! એકાદ નમૂનારૂપ સવાલ તમે કરી બતાવો તો ખ્યાલ આવે કે અમારે કેવા સવાલ કરવા ?” ઠાકરશીભાઈએ પોતાનો મૂંઝારો રજુ કર્યો.
“કહું લ્યો, દા.ત. મારા ગાંડાકાકા હરિજનને ડબલામાં કંઈક ભરીને વોંકળાને કાંઠે જતા ભાળીને મેં પૂછેલું કે “આ ડબલામાં શું ભર્યું છે? અને આમ ક્યાં જઈ રહ્યા છો ? તો કહે “ મારી ગાયને ‘ખાપરી’ થઇ છે, અને આંચળમાં દૂધ ભેળું લોહી આવે છે, આ દૂધ હું રાફડે રેડવા જાવ છું. રાફડે નાગદાદાનો વાસ હોય, એ જ આપણા દ:ખમાંથી ઉગારો કરી હકે. સમજ્યોને ભાઈ હીરજી !”
“હવે ભેળાભેળો હું યે એક સવાલ કરી વાળું કે મારા આપા મનેય એવી વાત કહેતા હતા કે “ગાય, બળદ કે ભેંસને “આફરો” ચડ્યો હોય ત્યારે ચોસલા ગામના જ કરશનદાદા ભરવાડ એની જમણા હાથની પહેલી અને છેલ્લી આંગળી દ્વારા મીઠાની કાંકરી પકડી ઢોરના બરડા ઉપર સાતવાર ઉતારે એટલે આફરો ઉતરી જતો.” એવી ગાંડાઆપાનાં દિકરા હિપાએ વાત કરી
“અરે, એવું તો ઘણું બધું છે.” કહી ઠાકરશીભાઈએ આગળ ચલાવ્યું. “અમારા વિસ્તારમાં એક ઝેરીબાપુ રહે છે.કોઈની ભેંશ ઉપર કોકની ભારે નજર પડી ગઈ હોય, અને પરિણામે તે પારહો ન વાળતી હોય, અને ડોબું ડબકાઈ ગયું હોય તો પહોંચી જવાનું ઝેરીબાપુની મઢીએ, એ સાત ગાંઠ મારી જે દોરો કરી આપે તે ભેંશનાં આગલા જમણા પગે બાંધી દેવાનો–એટલે એ ડોબું મેલી નજરમાંથી મુક્ત થઇ જાય એવી લોકો સોડેધાડે વાતું કરે છે બોલો ! એનો ખુલાસો આપણે અધિકારી પાંહેથી મેળવી હકાયને ?
“આ બધા પ્રશ્નોની યાદી તો બરાબર થાય છે ને હીરજીભાઈ ?” અન્તુભાઈએ ધ્યાન દોર્યું.
“હા હા, તમારા સૌ તરફથી રજુ થતા સવાલોની અક્ષરેઅક્ષર નોંધ મહેન્દ્રભાઈ કરી જ રહ્યા છે. એટલે તમતમારે સૌ ખુલ્લા દિલે જે વાત કહેવી હોય તે કહ્યા કરો.”
ત્યાં કાનજીભાઈ ઉભા થયા અને કહે, “ મારો ભાગિયો એવી વાત કરે છે કે અમારે ત્યાં કોઈને જાજા ઢોરાં હોય તો એ બધા સાજા-નારાવ્યા રહે અને ગયું-ભેશું દૂધ વધુ આપ્યા કરે ઈ વાસ્તે કાગડા [પંખી] ને પકડી, તેને ટાંગે દોરી બાંધી, વાડીએ ટીંગાડી રખાય છે.”
“અરે, કોઈ ગાય વિયાણા પછી તરત ચક્કર ખાઈ પડું પડું થતી હોય તો બસ એમ જ સમજવું કે કોઈની ભારે નજરથી તે “ટોકાઈ” ગઈ છે, એનું ખીરું એના બચ્ચાને પીવડાવવાને બદલે નદીમાં-જળમાં પધરાવી દેવાય તો જ જળદેવતાનાં આશીર્વાદ એ ગાય ઉપર ઉતરે અને ગાય બૂરી નજરમાંથી છૂટકારો મેળવે-આ વાત કોણે કરી ઓ ચોક્કસ ખ્યાલ રહ્યો નથી, પણ આ વાત મેં કાનોકાન સાંભળી છે હો ભાઈઓ !” બટુકભાઈએ પોતે સાંભળેલી વાત સૌને કહી. .
“તો હવે કોઈના મનમાં આવી ભ્રમણા ભરેલી વાત યાદ આવતી હોય તો કહો ભૈલા ! છે કોઈના ધ્યાનમાં બોલો !” મેં હજુ વધારે અણઘડ ઉપાયોની ઉઘરાણી આદરી.
“હા હા ! મને એક વાત યાદ આવે છે” કહી કરશનભાઈએ આગળ કહ્યું,” સાચું–ખોટું ભગવાન જાણે, પણ અમારા મલકમાં એવી માન્યતા છે કે ગાય કે ભેંશ ફાલું થયા પછી બે-ત્રણ મહીને પેશાબ કરતી વખતે ચામડીનો જે ભાગ ભીનો થતો હોય ત્યાં નજર કરવાની. ત્યાં સૂકાયે જો છારી બાજેલી ભળાય તો સમજવું કે એ ગાય કે ભેંશ સો ટકા “ગાભણ” છે જ, એ વાત નક્કી.”
કરશનભાઇની વાત સાંભળી શામજીભાઈ પણ ઉભા થયા, અને કહે “ ગાય કે ભેંશ ખરેખર ગાભણ જ હોય એવી સાબિતીની લોકવાયકાનો હું યે એક વધુ પૂરાવો આપું તો અત્યારની જ નહિ, પણ જૂની-પૂરાણી એક એવી માન્યતા છે કે ગાય કે ભેંશને ફાલું થયા પછી ૩ – ૪ મહિના વીતી ગયા હોય તો શીંગડાનાં મોદા ઉપરથી રૂંવાટી ખરી ગયેલી ભળાય, એટલે એ ગાભણ જ છે એવું નક્કી થાય.”
“એલા ભાઈ ! આ તો સમાજમાં પ્રવર્તતા બહુ બધા વહેમો અને ખ્યાલોની યાદી લાંબી જ થતી જાય છે, ભાઈ મહેન્દ્ર ! નોંધો છોને બરાબર ? મિત્રો ! સાંભળવામાં રસ પડે એવી એક વાત મને યે યાદ આવી રહી છે. વળી મેં નજરોનજર જોયેલી સત્ય હકિકત છે. અમારા માજી એટલે કે મારા બાપાના બા- ની એ વખતે હાજરી અને એમની નાં હોવા છતાં હું કાળપૂંછી ભેંશ ખરીદી લાવેલો. એ ભેંશ ગરમીમાં આવતા ગુંદાળા ગામના પાડે ફાલું કરાવ્યા પછી એને દોરી ઘરના ડેલામાં પ્રવેશતાવેંત અમારા એ માજીએ ઓંસરી માંથી એકદમ હેઠા ઉતરી ભેંશનાં માથામાં ફટ કરતુ એક દોણકુ ફોડ્યું. હું તો જોઈ જ રહ્યો ! ને કહ્યું કે માં આવું કેમ કર્યું ? તો કહે, “તને નો ખબર પડે. એને આમ ઝઝકાવી [ભડકાવી] દીધી હોય તો એ ઉથલો નો કરે.“ બોલો ! આ અમારા માજીનું એના વખતનું ઘરગથ્થું વિજ્ઞાન હતું.”
“હીરજીભાઇની જેમ, અમારા માજી પણ અત્યારે હયાત નથી, પણ એ એવું કહેતા કે જાનવર ફાલું થઈને આવે પછી એ ગાભણ હોય ત્યાં સુધી એને ગોળ ન ખવરાવાય. અને માનોકે ભૂલામાયે ખવરાવાય ગયો હોય તો ક્યારેક “તરોઈ” પણ જાય” આટલી વાત કરી વિરજીભાઈ બેસી ગયા.
“નસવાડી બાજુનાં મારા ભાગિયા દલુની પાસેથી મેં સાંભળ્યું છે કે કોઈ કારણસર ઢોરું અણોહરું રહેતું હોય, ખાણ-નીરણ ખાવાનું છોડી સાવ નિસ્તેજ પડ્યું રહેતું હોય ત્યારે એ ઢોરાંનાં કાન ઉપર કાપા મૂકી લોહી વહેવરાવી દેવાથી ઢોરું સાજુ થઇ જાય છે. અને કાન પર કાપા મૂકનારા જાણકારો પણ ગોત્ય કરવાથી મળી જતા હોય છે.” આટલું કહી કેશવભાઇએ પૂરું કર્યું.
“સાંભળો સાંભળો ! હું જ્યારે નાનો હતો ત્યારે અમારા વઢીયારા બળદની જોડીમાં એક બળદિયાને પેટે બે અર્ધગોળાકાર ચકારડામાં ડામ આપેલા જોઈ મારા બાપાને પૂછ્યું હતું કે આપણા આ બળદિયાને પેટે ડામ શા માટે દેવરાવ્યા છે ? અને આ કોણે દીધા છે ? તો મને જવાબ મળેલો કે આ બળદિયાને “માળવી” નામનું દરદ થયું હતું. એ મટાડવા વેરશિડાએ દાઢો ગરમ કરી બે ડામ આપેલ છે, અને એ પછીથી એ બળદિયાએ ધ્રાહંવા [એક પ્રકારની ઉધરસ] નું બંધ કરી દીધેલ છે. કદાચ આ વાત માનવાજોગ એટલા માટે હોઈ શકે, કારણ કે ભૂરખિયા પાસેના રામપરા ગામે એક દાદા હતા. જે જેવા પ્રકારનો દુ;ખાવો હોય એ પ્રમાણે – પેટનું દરદ હોય તો પેટ ઉપર, માથાનો દુ;ખાવો હોય તો કપાળ ઉપર, અને પગના દુ;ખાવાથી લૂલો હાલતો હોય તો ગોઠણ કે થાપા ઉપર દાતરડું ગરમ કરી ડામ આપવાની સેવા કરતા હતા, એની મને ખાસ ખબર છે. બોલ ભાઈ મહેન્દ્ર ! કુલ કેટલા આવા સાચા-ખોટા ઘરગથ્થું ઉપચારોની યાદી થઇ છે ?“
“કાકા, યાદી તો ઘણી લાંબી થઇ છે. પણ થોડા માઠા સમાચાર એવા છે કે, મેં હમણા જ આપણે ત્યાં આવનાર મહેમાનશ્રીને રીંગ કરી હતી. ફોન તો એમણે ઉપાડ્યો. પણ તેઓ અહી નહિ આવી શકે તેવી દિલગીરી વ્યક્ત કરી છે.”
“કેમ ? શું થયું એમને અધવચ્ચે ?” મેં ઉતાવળે ઉતાવળે સવાલ કર્યો.
“એમને જિલ્લામાંથી ફોન આવ્યો કે તેમની ઓફિસની ધારાસભ્યશ્રીની ઓચિંતાની મુલાકાત ગોઠવાઈ હોઈ, એક કલાકમાં ઓફીસ પર હાજર થવાનો આદેશ આવ્યો. એટલે એમણે હાલ તુરત તો અરધેથી પાછા ફરવાનું ગોઠવવું પડ્યું છે.અને કહેવરાવ્યું છે કે આવતી મિટિંગમાં સો ટકા આવી પહોંચશુ” મહેન્દ્રભાઈએ વિગત આપી.
“હવે ? આજની મિટિંગમાં હાલતુરત મહેમાન તઝ્જ્ઞ ક્યાંથી બોલાવશું ?” અમરશીભાઈએ મૂંઝવણ રજુ કરી.
“કશો વાંધો નહિ. આજ એ મહેમાન ન આવી શક્યા તો શું થઇ ગયું ? આપણે આ યાદી કરેલ સવાલો હમણા સાચવી રાખીએ. આવતા મહિનાના છેલા બુધવારે એના એ જ પશુપાલન અધિકારીએ આવવાનું વચન આપ્યું છે. તે વખતે તેમને જ પૂછી આમાંથી કેટલી માન્યતાઓ સાચી અને કેટલી ખોટી છે એના ખુલાસા મેળવશું. આપણે હવે આ તકે નિશાળોમાં જેમ “સ્વયં શિક્ષણ દિન” ઉજવાતો હોય છે એમ આપણે આજ “સ્વયં અનુભવ વિસ્તરણ મિટિંગ” ની ઉજવણી કરી નવો ચીલો પાડીએ. પણ એ શરુ કરતા પહેલા આવતી મિટિંગ કોની વાડીએ રાખશું એ નક્કી કરી લઈએ. બોલો, જેને આવતી મિટિંગનાં યજમાન થવું હોય તે હાથ ઉંચો કરે. મારા બોલ પૂરા થયા ભેળા જ વાલેરાભાઈનો ઉંચો હાથ દેખી મેં જાહેરાત કરી કે “આવતી મિટિંગમાં શ્રીવાલેરાભાઈની વાડીએ આપણે સૌ મળશું. હવે આપણામાં જે વ્યવસ્થિત રીતે ગોપાલન કરતા હોય તેવા ઘણા બધા સભ્યો છે જ. એ બધા વારાફરતી એક પછી એક ઉભા થઇ પોતાને થયેલ અનુભવની વાત કરે અને આપણે સૌ સાંભળીએ. અનુભવની વાતો પૂર્ણ થયે આજની મિટિંગનાં યજમાન દેવરાજભાઈએ તૈયાર કરાવેલ રોટલા-શાકના જમણને ન્યાય આપી છૂટા પડીએ, તે વહેલો આવે આવતા મહિનાનો છેલ્લો બુધવાર, ખરુંને મિત્રો !
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
