પ્રીતિ શાહ-સેનગુપ્તા

ભાઈ રતન રામગોબિનનું આતિથ્ય પર્ફેક્ટ હતું. બધી સગવડોનો ખ્યાલ એમણે રાખ્યો હતો. સાંજે મંદિરમાં એમણે જે જે ગાયું તે પણ પર્ફેક્ટ હતું. ઇન્ડિયાથી કેટલે દૂર, છતાં કેટલું ક્શતિહીન હતું એમનું સંગીત. એમણે ખૂબ ભાવથી ગાયેલું એક ગીત હતું, ઇતની શક્તિ હમેં દેના, દાતા, મનકા વિશ્વાસ કમજોર હો ના. મને ઊંડે સુધી એમની આ સાધના અને ભક્તિ સ્પર્શી ગયાં.

પછી આરતી વખતે મૃદંગ, મંજીરાં, કરતાલ, તબલાં, હાર્મોનિયમ અને નાના ઘંટના નાદ ને સૂરથી ખંડ છવાઈ ગયો. દીવાના અજવાળાની સાથે ધૂપની સેંર પણ પ્રસરતી રહી. એ સર્વેના પ્રોત્સાહનને માટે, આરતીમાં મેં ખાસ ભેટ મૂકી.

રામગોબિનની સાથે એક બીજા યુવાન પણ ગાતા હતા. એ પણ ખૂબ સારું ગાતા હતા. એમની ઓળખાણ કરાવેલી, કે દેવેન્દ્ર કૌશિક નામના એ ગાયક મૂળ નેપાળના હતા, પણ વર્ષોથી હરિદ્વારમાં રહેતા હતા. ત્યાં  રામગોબિન સાથે મળવાનું થયા કરતું, ને એમાંથી પછી રામગોબિન એમને અહીં ગયાનામાં લઈ આવેલા.

ગયાનાને લાક્શણિક એવી રોટી – જાડી, મેંદાની – અને આલુ-ગોભીનું શાક જમી લીધા પછી અમે એ બંનેને વધારે ગાવાની વિનંતી કરી. રામગોબિન તો એકાદ ગીત ગાઈને ઊઠી ગયા, પણ દેવેન્દ્ર બહુ શોખથી અમને ગીતો સંભળાવતા રહ્યા. ગઝલ-ગાયકીમાં એ કાચા હતા, પણ ભજન અને શાસ્ત્રીય ગાયકીમાં ઘણા પ્રવીણ હતા. એ ભજન લખતા પણ હતા, ને એને ‘સ્તુતિ’ કહેતા હતા.

તબીબી-સેવા તેમજ સમાજના પરિચયને માટે આ આખા દિવસનો અનુભવ યાદગાર તેમજ મનનીય રહ્યો.

સવારે રવા ઢોંસા, કસાવા કંદનું શાક અને ચટણીનો સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર હતો. બધાંમાં મસાલો રામગોબિને પોતે કરેલો. ચ્હા પણ સરસ થયેલી. ઓછી પડી, પણ વધારે બનાવી ના શકાઈ કારણકે પત્તી ખલાસ થઈ ગઈ હતી. આટલી દૂરના નાના થાણામાં બધું તરત મળે પણ ક્યાંથી?

ન્હાઈ-ધોઈને હું નીચે મંદિરમાં જતી રહેલી. બધાં દેવ-દેવીઓ સરસ વાઘામાં હતાં. ધરાવાયેલાં બધાં કમળ રાતોરાત ખૂબ મોટાં ખીલી ગયેલાં. આહા, શું શોભા. મંદિરમાં હંમેશાં કોઈ ને કોઈ ધૂન ચાલુ જ રહે છે. ૐ નમઃ નારાયણાયનું પુનરાવર્તન ઍમ.ઍસ. સુબલક્શ્મીના સૂરમાં ખૂબ કર્ણપ્રિય બનતું હતું. આગળ તરફના શિવ તથા માતાનાં મંદિરોમાં પણ પ્રાતઃવંદના થઈ ચૂકી હતી.

આ બધી દેવ-પ્રતિમાના ફોટા મેં બહુ ભાવથી લીધા. પછી અચાનક કમ્પાઉન્ડના મુખ્ય દ્વારમાંથી જોયું, તો આકાશમાં સૂર્યના પ્રકાશ અને ભૂખરાં વાદળોએ મળીને અસામાન્ય ડિઝાઇન સર્જી હતી. એ તરફ રહેલી બર્બિસ નદીના જળ પર તો ઝળહળાટ હશે.

અહીંથી જવાનું મન નહતું થતું, પણ અમે તો તબીબી-ડ્યુટી પર હતાં, અને આજે બીજા એક ગામમાં દરદીઓની તપાસ માટે જવાનું હતું. અમને લેવા બે નાની વૅન આવેલી. બહુ દૂર નહતું જવાનું. રસ્તા પર થોડે સુધી પાછાં જઈને, બર્બિસ નદી પરનો, ગઈ કાલવાળો પુલ પસાર કર્યો. ત્યાં સુધીમાં આકાશમાં એ રંગ રહ્યા નહતા.

ત્યાંથી ડાબે વળીને આગળ ગયાં, ને થોડી વારમાં ‘ધ ઍડવર્ડ’ નામની મિડિયમ-સાઇઝની વસાહત આવી લાગી. અહીં ઘણાં ચર્ચ હતાં. સાવ સાધારણ, ને નાનાં, પણ ઘણાં. એમ સાંભળ્યું કે અહીં મોટાં, સરસ દેખાતાં હિન્દુ મંદિરો પ્રત્યે વેરભાવ હોય છે. એટલેકે, હિન્દુ મંદિરોની પૈસાપાત્રતા પ્રત્યે ઇર્ષા.

દુનિયાનું ભાગ્યે જ કોઈ સ્થાન આવા ભાવો વગરનું હશે, નહીં?

અહીં શેરડીનાં ખેતર  હતાં. અસ્તવ્યસ્ત હતાં. શેરડી હજી કપાઈ નહતી. ને ડાંગર તો ક્યારની લણાઈ ગયેલી લાગે છે. જમીન આછા લીલા રંગની, ને સૂકી દેખાય. અને તદ્દન સપાટ.

શેરડીનાં ખેતર
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

રસ્તાની અને મંદિરની વચ્ચે નાની નીક હતી. જવા-આવવા માટે એક પાટિયું મૂકેલું. ગોઠવણી જોઈને જ જાણે ગરબડ જેવું લાગે. પણ અંદર ગયા પછી જગ્યા ખરાબ નહતી. આ હતું ધ ઍડવર્ડ વિગ્નેસ્વર ટૅમ્પલ. મુખ્ય દેવ હતા વિઘ્નેશ્વર, એટલેકે ગણેશ. પહોંચતાંની સાથે જ શિવલિંગની સ્થાપના હતી.

નીચેની હૉલ જેવી જગ્યામાં હિન્દીના, સંગીત અને નૃત્ય શીખવવાના વર્ગો ચાલે છે. ઉપર મુખ્ય મંદિર છે. આમ તો ત્રીસ વર્ષ જૂનું છે આ મકાન, પણ તાજેતરમાં જ એમાં નવા ફેરફારો થયા છે. નવેસરથી બંધાયું જ છે, એમ કહી શકાય. સમાજનાં સદસ્યો બધી રીતની મદદ કરે છે. આ ગામમાં ખ્રિસ્તીઓ અને મુસ્લિમો પણ છે, અને હિન્દુ મંદિરને ટકવા, વધવા, સુધરવા માટે હંમેશાં બહુ મહેનત કર્યા કરવી પડે છે.

જરા નિરાંતે જોયું તો ગમ્યું મને આ મંદિર. મૂર્તિઓની ગોઠવણી અને એમનાં વસ્ત્રપરિધાન ખૂબ સરસ લાગ્યાં. કદાચ એટલે, કે ત્યાં વધારે પડતી ચીજો નહતી. મૂર્તિઓની આસપાસ ખોટી શોભા માટે કશું જ નહીં. દેવીઓનાં વસ્ત્રોના રંગ રસપ્રદ હતા. લક્ષ્મી અને દુર્ગા ઘેરા મરૂનમાં હતાં, રાધા અને સીતા બે જુદા આછા રંગોમાં, અને સરસ્વતી સોબર, હાથીદાંતી રંગની સાડીમાં હતાં. હનુમાન, સૂર્ય, કાર્તિકેય વગેરેની નાની મૂર્તિઓ પણ હોય જ.

સવારે નવ વાગ્યામાં દરદીઓ રાહ જોતાં બેઠાં હતાં. ગરમ દેશોમાં દિવસ વહેલો શરૂ થાય, અને બપોર સુધીમાં કામો પતાવીને લોકો ઘરની ઠંડકમાં રહેવું પસંદ કરતા હોય છે. નીચેના હૉલમાં જરા ભીડ થઈ ગઈ, પણ સારી હવા હતી, અને ડાભનું પાણી અમને અપાતું હતું, તેથી કામના કલાકો સારા જતા હતા.

ઉપરના વરંડામાં લંચની વ્યવસ્થા પણ સરસ હતી. ત્યાં તો ફરફર પવન પણ હતો. ઉપમા, ચોળાવાળો ભાત, મોટા ચણા, ખરખડિયાં, ઝીણી સમારેલી લીલી ભાજી, ચીઝ પફ, ઍપલ સ્ટૃડલ વગેરે મળીને ઘણી વસ્તુઓ હતી. જમવાનું સુખ મન પણ પામ્યું.

એ પછી દરદીઓ ઘટ્યાં, પણ આવતાં તો રહ્યાં જ. અઢી વાગ્યે હૉલ ખાલી થઈ ગયો ત્યાર સુધીમાં લગભગ બસો દરદીઓની તપાસ કરવામાં આવી હતી. અમે સમાજને મદદરૂપ બન્યાં હતાં, તે જોઈ શકાતું હતું.


ક્રમશઃ


સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.