આ પહેલાં આપણે સુશ્રી દેવિકાબહેનનાં અમેરિકા આવ્યા પછીનાં સંસ્મરણોની સફર  તેમની કલમને સથવારે કરી.
હવે આગળ …..

૪. ન્યૂજર્સીથી હ્યુસ્ટનની રાહે..

ગાડી જુદે, નવે પાટે વળી.. એકવીસમી સદીની શરૂઆત જાણે જિંદગીને એક નવા વળાંક પર લઈ આવી. વાત એમ બની કે, બંને દીકરાઓ ભણી-ગણી-પરણી પોતપોતાના ક્ષેત્રે આગળ વધ્યાં. વ્યવસાય પ્રમાણે સૌએ સ્થળાંતર કર્યું. પતિને પણ હોંગકોંગ,લંડન વગેરે જુદે જુદે સ્થળે, જૉબને કારણે ફરવાનું શરૂ થયું. ભર્યુંભાદર્યું  ન્યૂજર્સીનું ઘર ખાલી થઈ ગયું.  ૧૯૯૮માં પ્રથમ અને ૨૦૦૨માં બીજી પૌત્રીનો જન્મ થયો.. તે ૨૦૦૪ના ઓક્ટો.મા પૌત્રનો જન્મ થયો. એ દિવસ ન્યૂજર્સીનો આખરી દિવસ હતો. ન્યૂજર્સીના ઘરના ૨૧-૨૨ વર્ષના સહસ્ત્ર સંભારણાની પોટલી બાંધી ન્યૂજર્સીથી સામાન સાથે ગાડી રવાના કરી. ઘર છોડ્યાની વેદનાએ જાતજાતના શબ્દ-રૂપ ધર્યા, ગતિ પકડી.

સૌએ સાથે મળીને સ્વેચ્છાએ જ નક્કી કર્યું હતું કે હવે આ કાતિલ ઠંડીમાંથી બહાર નીકળીને ભારત જેવી ઋતુવાળાં સ્ટેઈટમાં જવું અને એ રીતે જ અમે તૈયારી પણ કરી હતી. છતાં પેલાં “જૂનું ઘર ખાલી કરતાં”ની અનુભૂતિએ મનને વીંધી નાંખ્યું. ખરેખર ઘર સમેટવું એટલે જાણે જીવન સંકેલવું! કેટલું બધું છોડવાનું? છોડતાં છોડતાં રડવાનું ને રડતાં રડતાં છોડવાનું. સાચું કે ખોટું, સારું કે નરસું પણ મારું એટલું સારું! કેટલાંકના ભૌતિક મૂલ્યો તો કેટલાંક જીવથી અમોલા. અરે,વસ્તુની તો સીધી વાત, પણ સંસ્મરણો? એ તો મરણના દુઃખ જેવાં. દેખાય નહિ ક્યાંય પણ ઊંડે સુધી ભોંકાય. કાચની કણીની જેમ ખૂંચે. તોયે જીવતરના ગોખે પાછાં અચાનક ઝબૂકે! માનવના શરીરરૂપી ઘરને સંકેલતા ઈશ્વરને પણ વેદના થતી જ હશે ને? કદાચ પરિવર્તન એનો ક્રમ હશે? તો પછી એની પ્રક્રિયા સહજ કેમ નથી? સરખી કેમ નથી? માંડવું અને સમેટવું, ઉકેલવું ને સંકેલવું, જન્મ અને મરણ, મિલન અને વિરહ. ફરક કેમ? કદાચ ઈશ્વરનો સંદેશ એવો હશે કે, ફરક સમજમાં છે. સ્વસ્થતા હોય ત્યાં ફરક નથી. એટલે કે બંનેને માણો અને સ્વસ્થ રહો.

સમયને પસાર કરવા માટે શરૂઆતમાં અહીંની પ્રાથમિક સ્કૂલમાં volunteer work શરૂ કર્યું.  પુસ્તકોનું આકર્ષણ વધારે હોવાથી સ્કૂલની લાયબ્રેરીથી આરંભ કર્યો.  આશય એવો હતો કે, પૌત્રીઓની આસપાસ સ્કૂલમાં જ રહી શકાય.  અહીં પૌરાણિક વાર્તા અને વિસ્મય વિશે વળી એક પ્રસંગ સાંભર્યો અને તેની સાથે પૌત્રીના પ્રશ્નથી થયેલ અનુભવ પણ.

ખૂબ નાની હતી ત્યારથી જ આપણી પૌરાણિક વાર્તાઓ વાંચુ કે વડિલો/શિક્ષકો વગેરે પાસેથી સાંભળું ત્યારે હંમેશા મનમાં ઘણા સવાલો ઉદભવે. પણ કુમળું મન જાત સાથે જ કંઈક સમાધાન કરી લે. આવું તે કંઈ પૂછાય તેવી થોડી ભીરુતા પણ ખરી જ. મને હંમેશાં એમ થાય કે, કુંતીએ મંત્રનો ઉપયોગ કર્યો અને કર્ણનો જન્મ થયો એ વાત સાચી માની જ કેવી રીતે લેવાય? બીજું, ધારો કે ઘડીભર માની પણ લઈએ તો કુંતીએ એ વાત છુપાવી કેમ? એક જ વાર હિંમત કરીને કહી દીધું હોત તો કેટકેટલાં અનર્થો અટકાવી શકાત? એ જ રીતે, ગુરુ દ્રોણાચાર્યે એકલવ્યનો અંગૂઠો માંગ્યો એ વાત ક્યારેય મનને જચતી ન હતી. પછી તો એ વાતને વર્ષો વીત્યાં, અને એ કુતૂહલતા લગભગ દબાઈ ગઈ હતી. તેવામાં પૌત્રીને વાર્તાઓ કહેવામાં, એ જ વાર્તા સળવળીને નજર સામે આવી. જેમ જેમ હું કહેતી ગઈ તેમ તેમ એના ચહેરાની રેખાઓમાં આશ્ચર્ય અને આંખોમાં પ્રશ્નાર્થ ડોકાતાં ગયાં. છેવટે એ બોલી જ ઉઠી. બાપરે! શિક્ષક થઈને વિદ્યાર્થીનો અંગૂઠો માંગ્યો? ના…ના..આ તો બરાબર ના કહેવાય. That is not fair..ઘડીભર હું આનંદ અને આશ્ચર્ય વચ્ચે સ્તબ્ધ થઈ ગઈ. આશ્ચર્ય એ વાતનું કે, વર્ષો પહેલાંનો સવાલ આજે ફરીથી મારા જ લોહીમાં દોહરાય છે અને જવાબ?

નૈતિક મૂલ્યોની પરંપરા આજે પણ કોયડો બની રહી છે. આવી તો કંઈ કેટલીય વાતો આપણા પુરાણોમાં છે. ભગવાન થઈને નાની વાતમાં કોઈનું માથું કાપી નાંખે? એવો પ્રશ્ન એક બાળક કરે ત્યારે કેવું લાગે?. એકલા પુત્રનું જ નહીં, હાથીની પણ હત્યા કરી? અત્યારના યુગમાં આ વાર્તા સાંભળતું બુદ્ધિશાળી બાળક તરત જ કહે કે, ‘ગણપતિનું માથું તો તાજું ત્યાં જ પડ્યું હતું ને? તે ન ચોંટાડતાં, એક હાથીની હત્યા કરવાની શી જરુર હતી?’ આમાંથી  સમજવા મળે છે કે, કાલ્પનિક વાર્તાઓ હોય કે, સાચાં સ્મરણો હોય, તેનો દસ્તાવેજી ઈતિહાસ એક એવું સાહિત્ય છે કે, જે વિરોધાભાસની વચ્ચેથી પણ સારાસારનો વિવેક શીખવે છે, તેની વચ્ચે પણ જીવંત રહેવાનું શીખવા મળે છે.

હા, વાત આગળ વધારું. અમેરિકન લાયબ્રેરીમાં કામ કરતાં કરતાં, પછી તો બન્યું એવું કે કામથી પ્રભાવિત થઈને મને ત્યાં જ જૉબની ઑફર મળી અને મેં સ્વીકારી જેને કારણે મને મોટી હૂંફ મળી.  અમેરિકાની શિક્ષણ પધ્ધતિ, લોકોનો વિવેક, વાણી વર્તન-વ્યવહારને ખૂબ નજીકથી જોવાં/સાંભળવાં અને એ રીતે અનુભવવાં મળ્યાં. ન્યૂયોર્ક/ન્યૂજર્સીથી તદ્દન જુદા જ વાતાવરણમાં હોવા છતાં મારી દિલચશ્પી વધી.  નવા અમેરિકન મિત્રો થયા. ઘણું શીખવાનું મળ્યું. એ વિશે  પ્રસંગો ટાંકવા ગમશે.

પૌત્રીની પહેલી એલિમેન્ટરી સ્કૂલના પ્રિન્સિપાલનું નામ હતું મિસ સીએરા. ખૂબ જ સૌમ્ય, શાંત અને વિવેકી. સદા યે હસતાં. હું વૉલન્ટીયર કામ કરતી. એ મારી પર ખૂબ જ પ્રભાવિત. દીકરાની બદલી લંડન થતાં પૌત્રીઓને પણ એ સ્કૂલ છોડીને જવું પડ્યું. છતાં પણ મેં મારું કામ ત્યાં ચાલુ જ રાખ્યું હતું. એક દિવસ તેમણે મને પોતાની કેબીનમાં બોલાવી અને અડધોએક કલાક મિત્રભાવે વાતો કરી, મારા હવે પછીના પ્લાન વિશે પણ જાણ્યું. મને ખૂબ સારું લાગ્યું. પછી તો થોડાક સમય પછી એક ‘વીકેન્ડ’માં મારા મોબાઈલ પર ફોન આવ્યો કે, સ્કૂલને તમારી જરૂર છે. તમે ફોર્મ ભરીને મને  હમણાં મોકલાવો અને સપ્ટે. મહિનાથી ફુલ ટાઈમ જોબ શરૂ કરી દેશો.  મારા આશ્ચર્ય અને આનંદનો પાર ન રહ્યો. ખુશીના પ્રતીક તરીકે મેં ફૂલ-પાંખડી આપી તે પણ ‘YOU deserve it’ કહી પ્રેમથી પરત કરી. ત્યારપછી તો ખૂબ જ આદરપૂર્વક, આર્થિક જરૂર ન હોવા છતાં પણ મિસ સીએરા તે સ્કૂલમાં હતાં ત્યાં સુધી, મેં ત્યાં જ જૉબ કરી.  તેમની સાથેનો સંબંધ પણ કાયમ  માટે યાદગાર અને અકબંધ જ રહ્યો.

એવો જ એક બીજો પ્રસંગ બીજી એક સ્કૂલના પ્રિન્સિપાલ મિસ ફીમસ્ટરનો થયો. ૨૦૧૩ની સાલ હતી. મારી વર્ષગાંઠનો દિવસ. સ્કૂલના ‘ડ્રાઈવે’માં મારી કાર પાર્ક કરી હું ફોન પર મારા નવા ગુજરાતી  ( કાવ્યસંગ્રહ) પુસ્તક ‘પબ્લીશ’ થયાની ખુશીની વાત કરી રહી હતી. મને ખ્યાલ ન હતો, પણ પાર્કીંગ લૉટમાં ચાલતાં ચાલતાં પ્રિન્સિપાલના કાન મારી વાત સાંભળવામાં સતેજ થયા. ફોન પૂરો થતાં તેમણે એ વિશે થોડી પૂછપરછ કરી. દરમ્યાનમાં અમે બંને સ્કૂલની અંદર પ્રવેશી ચૂક્યાં હતાં. થોડી જ વારમાં બેલ વાગ્યો અને સ્કૂલના ન્યૂઝ બુલેટિનના ટીવી પર તેમણે ઍનાઉન્સ કર્યું કે ‘ here is a news.. Please Join me to congratulate our staff, Mrs. Dhruva for her newly published  foreign language Book today…હું તો છક્ક થઈ ગઈ અને પછી તો આખો દિવસ મારી પર અભિનંદનનો વરસાદ  સતત વરસતો રહ્યો. વાત તો નાની સરખી હતી પણ જે રીતે એને વધાવવામાં આવી તેની મહત્તા ઘણી હતી.

અમેરિકન સ્કૂલની  પણ આવી તો ઘણી વાતો અને યાદો છે.  નાનાં ભૂલકાંઓની વિવિધતા,  નવી રીતો અને શિક્ષણ સંસ્થાઓનું નવું વાતાવરણ વગેરે જાણવાનું હંમેશા મળતું રહેતું. એજ કારણસર મેં ૨૦૧૯ની સાલ સુધી અઠવાડિયામાં બે દિવસ જવાનું ચાલુ જ રાખ્યું હતું. જે વાત મારે કહેવી છે તે એ કે, જ્યાં જે કામ કરીએ તેને મન મૂકીને ચાહીને, પ્રેમથી કરીએ અને આંખ-કાન ખુલ્લાં રાખી કશુંક નવું શીખવાનું અને સારું સ્વીકારવાનું  ચાલુ રાખીએ તો ભલે જે ચાહીએ તે ન મળે, પણ જે મળે તેને ચાહી શકીએ. ખૂબ મઝા આવશે.

સારા વાતાવરણ અને સારી વ્યક્તિઓની આસપાસ રહેવું ખૂબ જરૂરી હોય છે. જીવન તો એક લપસણી ભૂમિકા છે. ક્યારે લપસી જવાય, કંઈ કહેવાય નહિ. પણ સારી વ્યક્તિઓ આસપાસ હશે તો ટટ્ટાર રહેવાનું સરળ બનશે. આનાં અનુસંધાનમાં એક બીજી વાત લખવી જરૂરી લાગે છે.

વર્ષો જૂના દિવસોમાં સૌથી વધુ સાંભરે છે એક આદર્શ કુટુંબ અને તેમાં થતી રહેતી અમારા સૌ ભાઈબહેનોની અવરજવર. ગાંધીકથા કહેનારા શ્રી નારાયણ દેસાઈનો પણ અમદાવાદ ખાતે આ ઘેર જ મુકામ. મારા માનસ પર આ મજમુદાર પરિવારની ઘેરી અસર અને ત્યાંથી કેળવાતી જતી સમજણ. કુટુંબની દરેક વ્યક્તિઓ સરળ, સેવાભાવી અને સમજદાર. એક સરસ જીવન કેવું હોઈ શકે એ વાત ત્યાંથી સમજાય. બધું જ વ્યવસ્થિત ચાલે, દરેક કામો પ્રેમથી થાય, સાંજના સમયે સૌ સાથે બેસીને ઘરમાં પ્રાર્થના કરે ત્યારે મંદિર જેવી પરમ શાંતિનો અનુભવ થાય. શાળા-કોલેજોમાંથી ભણતર થાય છે તો આવાં સારાં વાતાવરણમાંથી વ્યક્તિત્વનું ઘડતર અને ચણતર થાય છે એ વાતનો પાયો દ્રઢપણે હૈયામાં જડાઈ ગયો. ભાઈબહેનો અને માતપિતા તો પોતાનાં હોય જ, પણ ફરિશ્તા જેવી આવી વ્યક્તિઓ અનેકનો વિસામો બની રહે છે. હજી આજે પણ મારી ભારતની મુલાકાત દરમ્યાન તેમનાં ઘેર જાઉં ત્યારે ધન્યતાનો અનુભવ થાય છે.

બીજી થોડાં વર્ષો પહેલાંની એક વાત.

અમારાં બેકયાર્ડમાં માળી કામ કરતો હતો. ત્યાં તેને અચાનક ગૅસની સખત દુર્ગંઘ આવતી જણાઈ. તપાસ કરતાં ખબર પડી કે બહારની ગૅસની પાઈપમાં તિરાડ પડી છે અને ત્યાંથી ગૅસ નીકળી રહ્યો છે. એણે દોડતાં આવીને અમારાં બારણે જોરજોરથી ઘંટડીઓ દબાવી. રસોઈ કરતી મેં ગભરાટમાં દોડીને “શું થયું, શું થયું’  પૂછતાં પૂછતાં બારણું ખોલ્યું. એણે જલ્દી જલ્દી વાત કરી ઈમરજન્સીને ફોન જોડ્યો. મેં રસોઈના ચાલુ સ્ટવને એકદમ બંધ કર્યો, ફોન અને કારની ચાવી લઈ ઘરની બહાર નીકળી ગઈ, ગૅસ કંપનીના માણસોને ફોન કરી બોલાવ્યા. ૨-૫ મિનિટમાં તો પોલીસો, ફાયર ટ્રક અને ગૅસ કંપનીના માણસો બધા આવીને કામે લાગી ગયા અને તે જ સમયે જૂની ગૅસ-પાઈપ કાઢી નાંખી, નવી પાઈપ લગાવી દીધી. વિચાર કરો કે કેટલી મોટી  શક્ય હોનારતમાંથી હું બચી ગઈ..! ( તે સમયે ઘરમાં હું એકલી જ હતી.) કહેવાનું તાત્પર્ય એ જ કે, ખૂબ જરૂરી સવલતો અહીં સહેલાઈથી, તરત જ અને સમયસર મળી જાય છે!!

આવા ચાર-પાંચ દાયકાઓના વિદેશના અનુભવોના અર્કરૂપે લખાયેલા બાવન પત્રોને એક સાહિત્યિક આકાર પણ મળ્યો. કેટલી અને કેવી ખુશી!! ‘આથમણી કોરનો ઉજાસ’ પુસ્તક રૂપે પાથરી અમે ( હું અને મારી સહલેખિકા નયના પટેલ) અંતર અજવાળ્યાં અને ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિકનાં વિજેતા પણ બન્યાં.

જીવનકથાની આ શેરી આગળ વધીને વર્તમાનને રસ્તે વળે તે પહેલાં હજી ઘણી ગલીઓ, ખાંચા, ખડકી, પોળ મળશે. અમે ન્યુ જર્સીથી હ્યુસ્ટન સ્થળાંતર કર્યું  ત્યારે ભાઇબેનોએ કહેલું કે મને અહીં ખૂબ ગમશે. કારણ કે,અહીં ગુજરાતી સાહિત્ય સરિતા છે ! પછી દર મહિને નિયમિત મળતી હ્યુસ્ટનની  સાહિત્ય-સરિતામાં કદમ માંડ્યા ત્યારે એમાં ચાલતી પ્રવૃત્તિઓ જાણીને મન આનંદિત થઈ ગયું.  જન્મજાત વવાયેલા ભીતરના બીજને પ્રકાશ અને પાણી મળતાં એક પ્રફુલ્લિત છોડ ઉછરતો, ત્યારે સ્પર્શાયો ! ધીરે ધીરે, કલમને એક દિશા મળી,પછી વેગ મળ્યો, સાચું માર્ગદર્શન મળ્યું અને એમ કરતાં કરતાં આંતરિક  શક્તિઓ સળવળી, ભાષાનો અભ્યાસ કામે લાગવા માંડ્યો અને વિકાસનો પંથ દેખાયો. પછી તો કાગળની દોસ્તી અને કલમ સહેલી !!  એટલે કે કલમ સખી..અરે..ના..ના.. કીબોર્ડની દોસ્તી અને ક્લીક ક્લીક સહેલી…

શબ્દોની નાવ લઈ ચાલી સવારી સંવેદનાના સાગરમાં તરતી.
ભાવોઅભાવોના કાંઠાની વચ્ચે આમ અક્ષરહલેસેથી સરતી.

હ્યુસ્ટનમાં બંને ભાઈ બહેન હોવાથી તેમનો સતત સાથ મળ્યો. સતત ચાલતી સાહિત્યિક પ્રવૃત્તિઓને કારણે મોટામાં મોટો ફાયદો એ થયો કે ભીતરની સર્જનાત્મકતાને મઝાનો ઢાળ મળ્યો, સુંદર ગતિ મળી અને ‘રોલર કોસ્ટર’ની જેમ વેગીલી બની. કલમ કસાતી ગઈ, સાહિત્યિક મિત્રો મળતા ગયાં,વાંચન વધતું ગયું, પ્રવૃત્તિઓ પણ વધતી ગઈ. સાથે સાથે ટેક્નોલોજીને કારણે વિવિધ વ્યાપ પણ વધતા ચાલ્યા.

અહીં થોડી સર્જનપ્રક્રિયાની ગલીમાં વળું છું. કોલેજ-કાળ દરમ્યાન વિદ્વાન પ્રોફેસર્સ પાસેથી જે શબ્દાર્થમીમાંસા અને કાવ્યમીમાંસાનો અભ્યાસ કર્યો હતો તેમાં અહીંના મૂળે પાકિસ્તાની ગઝલકાર શ્રી રસિક ‘મેઘાણી’ જેવા અને બીજાં પણ ઘણાં ‘વેબ’ પરના કવિ-મિત્રો તથા વિવિધ માધ્યમોના સીંચને મોટો ભાગ ભજવ્યો. એ તો હકીકત છે કે, દરેક સર્જનપ્રક્રિયાનું મૂળ સંવેદના છે એ પછી સજ્જ્તા પણ એનું બીજું ચરણ છે. જીવાતા જીવનમાંથી અને જોવાતા જગતમાંથી આપણને ઘણું બધું સતત મળતું જ રહે છે. થોડી સભાનતા અને સજાગતા હોય તો પંચેન્દ્રિયોને  સ્પર્શતી દરેક અનુભૂતિ આપમેળે કોઈ ને કોઈ રીતે વ્યક્ત થતી રહેતી હોય છે. પણ જો એને કવિતાના નિશ્ચિત્ત રૂપમાં નિખારવી હોય તો થોડી સજ્જતા જોઈએ જ. જેમ થાળીમાં વેરાયેલાં રંગબેરંગી ફૂલો સૌને ગમે. પણ એને એક ‘પેટર્ન’ પ્રમાણે વ્યવસ્થિત ગૂંથીને, વેણી કે હાર બનાવીએ તો વધુ શોભે. અથવા બીજી રીતે કહીએ તો નાનું બાળક હાથ–પગ હલાવીને નાચવા લાગે તો એને ડાન્સ કર્યો કહીને તાળીઓ પાડીએ અને એ જ બાળક નક્કી થયેલા નિયમ અનુસાર તાલીમ લઈને ‘ભરત નાટ્યમ’કે ‘કથ્થક’ કે એવો કંઈક શાસ્ત્રીય ડાન્સ કરીને બતાવે તો એ સાચી નૃત્યકલા કહી શકાય. બસ, એનું જ નામ સજ્જતા. સાધના પછીનું સર્જન. અભ્યાસ,આયાસ અને રિયાઝ પછીનો નિખાર.

આના જ સંદર્ભમાં એક બીજી, જરા જુદી વાત પણ માંડું. આ વાતના નેપથ્યમાં બાળપણમાં વાંચેલાં અને સાંભળેલાં કેટલાંક વાક્યો હતા. આજથી લગભગ ૫૫-૬૦ વર્ષ પહેલાં એક મેગેઝીનમાં વાંચ્યું હતું.”પાટણમાં પંકાયેલા પ્રતિષ્ઠિત પુરુષ પ્રાણલાલ પીતાંબર પંડ્યાએ પોતાના પ્રિય પુત્ર પ્રતાપને, પેટલાદમાં પંકાતા પ્રેમજીભાઈ પ્રભુલાલની પુત્રી પુષ્પા સાથે પરણાવ્યો.”  વર્ષો પછી એ વાંચનનું સ્મરણ જાગી ઉઠ્યું અને મનમાં એક તરંગ જાગ્યો કે આવું ગદ્યમાં તો ઘણા લોકોએ લખ્યું છે પણ કોઈએ પદ્યમાં લખ્યું છે? લખ્યું હોય તો કેવું? પણ એવા પદ્યને કવિતા તો ન કહેવાય એવી જાણ હોવા છતાં એ વિચારને અમલમાં મૂક્યો. ખૂબ જ અઘરું કામ હતું. ઘણો ઘણો સમય લાગ્યો. પણ છેવટે આપણા ગુજરાતી  બધા જ મૂળાક્ષરો પર એક કાલ્પનિક વાર્તા વિચારીને પદ્ય-રચના કરી. દા.ત. પહેલો અક્ષર ‘ક’ લઈએ તોઃ

કોમળ કોમળ કરમાં કંગન,
કંચન કેરા કસબી કંકણ;
કંઠે કરતી કોકિલ કુજન,
કુંવારી કન્યાના કાળજે કુંદન રીતે આખી પદ્યરચના..

અને એ જ રીતે ‘ખ’ જેવાં અઘરાં અને ‘ણ, ળ, ક્ષ અને જ્ઞ જેવાં અશક્ય અક્ષ્રરો ઉપર પણ કામ કર્યું અને ‘ક થી જ્ઞ’ સુધીના તમામ અક્ષરો અંગે ‘શબ્દોને પાલવડે’ નું પુસ્તક પ્રગટ કર્યું.

આ શબ્દ-સાધનાની સાથે સાથે કવિતાનો રિયાઝ પણ ચાલુ જ રહ્યો. આપણા થઈ ગયેલાં મહાન કવિઓની જીવનમાં પડેલી વધતી ઓછી અસરોને કારણે સર્જનાત્મકતા જાગતી જ રહી.

એક સુંદર સવાર હતી. રૂપાળું પોતીકું grandchild ખોળામાં હતું, એનું હસતું વદન, બારીની બહારથી ઝરમરતો વરસાદ અને સામે તરતાં કમળનાં ફૂલોનું મનોહર દૄશ્ય જોઈને એક લયબધ્ધ ગીત લખ્યું. ‘શતદલ’ જેની લયાત્મકતા અને વ્રજભાષી ઝલક ઠેકઠેકાણે પોરસાઈ અને સ્વરબધ્ધ પણ થઈ. તે ઉપરાંત, કાવ્યસંગ્રહો, સંપાદનો, ઈપુસ્તકો અને પત્રલેખન; એમ કુલ ૧૦ પુસ્તકો પ્રકાશિત થયાં. આમ, લેખન સતત ચાલુ જ રહ્યું છે છતાં એમ લાગે છે જાણે કશું જ નથી લખ્યું. કોઈ એવા શબ્દની, અર્થની અને તત્ત્વની શોધમાં છું જે હજી મળ્યાં જ નથી.

સમયની સાથે સાથે, સમયની બળવત્તતા વધુ સ્પષ્ટ રીતે સમજાય છે. કઈ કેટલાયે સર્જકોએ જુદી જુદી રીતે સમય વિશે આલેખન કર્યું છે. પણ સમયની અવિરત ધારા તો કેવી ગજબની વસ્તુ છે. આપણી નજર સામે જ પળપળ વીતે છે અને છતાં ક્યારે, કેવા અને કેવી રીતે ફેરફાર થયા કરે છે, ક્યાં ખબર પડે છે? એકાએક એક પળ યુગ બની બેસે છે!! વ્યક્તિગત સંઘર્ષોની વાત વિચારીએ કે લખીએ ત્યાં તો, ૨૦૨૦નું વર્ષ સૌને માટે મહામારીનું રહ્યું. આખી દુનિયાએ સહિયારો સંઘર્ષ વેઠ્યો જેની વાત લખ્યા વગર કેમ ચાલે?

સાતસાત દાયકાથી જોવાતાં અને જીવાતાં બધાં જ વર્ષો કરતાં સાવ નોખું અને યાદગાર. આમ જોઈએ તો તો વર્ષ એક સમયનો હિસ્સો છે,એક ક્ષણનો કિસ્સો છે.એમાં વળી જુદું શું હોવાનું એવો પ્રશ્ન કોઈને પણ જરૂર થાય, પણ ૨૦૨૦નાં વર્ષની વાત તો એક ઐતિહાસિક ખેલ સમી સાવ અલગ જ રહી. વર્ષની શરૂઆતમાં માંડ નવા વર્ષને આવકાર્યું ત્યાં તો પૂર્વ દિશાથી કોરોનાનો કાળો કેર વિશ્વભરમાં વ્યાપી ચૂક્યો. માર્ચથી ડિસેમ્બર સુધીમાં શ્રીમતી કુન્દનિકા કાપડિયાથી માંડીને શ્રી જયંતભાઈ મેઘાણી સુધીના કંઈ કેટલાંયે સર્જકો ગુમાવ્યાં. એટલું જ નહિ, વિશ્વમાંથી વિદાય પામેલ માનવીઓનો આંકડો તો બે મિલીયન સુધી પહોંચી ગયો. કોને કોને, કેટકેટલું અને શું શું સંભારીએ?

માણસજાતને કોરો ના રાખનારી આ શક્તિએ કોઈ ભેદભાવ રાખ્યા વગર, સમગ્ર વિશ્વને, મનુષ્ય માત્રને, એક જ પ્લેટફોર્મ પર મૂકી દીધાં. આખી  દુનિયાને એક જ ક્લાસમાં બેસાડીને એણે એકસરખું કેટ્કેટલું શીખવાડી દીધું? એવું અને એટલું બધું નવું કે જે આપણે કોઈ, ક્યારેય અગાઉ શીખ્યાં જ ન હતાં!!! પહેલું સુખ તે જાતે નર્યા. કેટલી જૂની અને અસલ વાત! જીવનની અમાનત મૃત્યુ છે એ જ સાચી અને પાકી ક્ષણ. શ્વાસ છે તો જ જીવન છે એ સાચું પણ શ્વાસ શુદ્ધ હશે તો જ જીવતર સાર્થક. બાકી તો બધું જ તસ્વીરમાં! વ્યક્તિ-સ્વાતંત્ર્ય ધરી બેઠેલા આ વિશ્વને બીજો એક મંત્ર, નવી રીતે મળ્યો અને તે ‘પરિવાર અને પ્રેમ’નો. સૌની સાથે રહેવાનો. સતત દોડતા રહેતા માણસના ખરા હુન્નરને બહાર આણનારો પણ આ શક્તિનો એક અલગ અંદાઝ. ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કેવો આશીર્વાદરૂપ છે તે દર્શાવવાની એક અનોખી રીત. આંતરદેશીય ટપાલોમાંથી બહાર આવેલો આજનો સીનીયર વર્ગ ‘વેબીનાર’ ને ‘ઝુમ’ની જરૂરિયાતને સમજતો અને ઉપયોગ કરતા શીખ્યો. વાહ! સ્વચ્છ અને સ્પષ્ટ  ‘વિઝન’ ૨૦૨૦.

આજે વિશ્વ નાનુ થતું ગયું છે, પણ સાંકડું પણ થતું જાય છે. સાંકડું એ રીતે કે ટેક્નોલોજીએ અને એની ઝડપે માનવીય સ્પર્શ બુઠ્ઠો કરી નાંખ્યો છે. ફેસબૂકના ફળિયે, સેલ્ફીના સથવારે અને વોટ્સ-એપના વ્યવહારે સંવેદનાના તારોને શબવત્ કરી દીધા છે. આંગણાનાં દ્વાર પર ટકોરા મારીને આવનારા દોસ્તો અદૄશ્ય થયા છે! સાથે બેસીને સુખ-દુઃખની વાતો કરનારા લોકો (આપણા સહિત) હવે આધુનિક માધ્યમોમાં વ્યસ્ત થઈ ગયાં છે! છતાં માનવીને હવે એકલતા સતાવતી નથી. ટેક્નોલોજીએ એને ઘણા સહારા શોધી આપ્યા છે. પરિવર્તન આવકારદાયક જરૂર છે પરંતુ હકીકત તો હવે એ બની છે કે વ્યક્તિને માત્ર જાત સિવાય કશામાં રસ નથી, કોઈનામાં રસ નથી. મેઈલબૉકસમાં કોઈનો હાથથી લખાયેલો પત્ર મળે તો એક આશ્ચર્ય થાય છે! આ પ્રક્રિયાને શું કહીશુ? એના પરિણામને શું કહીશું? પ્રગતિ કે અધોગતિ? વિકાસ કે વિલાસ? કે આ ટેક્નોલોજીની બલિહારી ! એક ચિંતાજનક વાત છે.

એક બીજો વિચાર એ આવે છે કે,  “વતનનો ઝુરાપો” ઘટી ગયો છે અથવા તો બદલાઈ રહ્યો છે એમ લાગે છે. તેની પાછળ  મુખ્ય કારણો કદાચ આ પ્રમાણે હશે.

૧. વતનનું  જે ચિત્ર મનમાં રાખીને આવ્યાં હતાં તે હવે લગભગ બદલાઈને ભૂંસાઈ ગયું છે. ખરેખર તો હવે ત્યાં પરદેશની અસરો વધુ દેખાય છે.

૨. હવે અહીં પણ ઉત્સવો અને ઉજવણીનો માહોલ વતન જેવો જ, કદાચ વધારે જોવા મળે છે.

૩. જોજનો દૂર લાગતુ વતન હવે નિકટ આવી ગયું છે, વિશ્વ હવે નાનું બન્યું છે. તેથી પણ વ્યક્તિ કે વસ્તુઓનો ઝુરાપો ઓસરતો ગયો છે, નહિવત્ રહ્યો છે.

વતનની મમતા તો મા જેવી હોય જ. છતાં માશીના વ્હાલ સમી આ અમેરિકાની દુનિયાએ ઘણું ઘણું આપ્યું, શીખવ્યું અને પોતાની મેળે પગભર અને સધ્ધર થઈ શકાય છે એ પણ વ્યવહારું રીતે બતાવ્યું જ. તે ઉપરાંત સદીઓ જૂના વિચારોના સીમાડાઓને હટાવી દઈ સમજણ શક્તિની ક્ષિતિજો સતત વિકસાવી અને વિસ્તારી. જેમ જમીનમાં બીજ નાંખીને આપણને રોજ એનો વિકાસ જોવાનો આનંદ થાય છે તેમ માનવીનું સર્જન કરી, સર્જનહારને પણ આપણો વિકાસ જોઈને આનંદ જ થતો હશે ને? અને પ્રગતિને બદલે જો અધોગતિ જોતો હશે તો કેવું થતું હશે?

આજે અને આવતીકાલે, સૌ કોઈએ શીખવાનું એ કે, પરિવર્તન સંસારનો અને કુદરતનો સનાતન નિયમ છે.પ્રત્યેક સમાજમાં પરિવર્તન સતત અને અવિરતપણે આવ્યા જ કરે છે. કેટલાંક જૂથ અને સમૂહોમાં પરિવર્તન ઝડપથી આવે છે તો વળી કેટલાક સમાજમાં ધીમેથી આવે છે, પણ ફેરફારો તો થયા જ કરે છે. તેથી એને સમજી, સ્વીકારી, યોગ્ય રીતે અપનાવવું એ જરૂરી જ છે.

માનો યા ન માનો પણ પરિવર્તનથી સ્વભાવમાં અને આદતોમાં પણ flexibilityનો ગુણ કેળવાય છે. વળી આ પરિવર્તન આમ જોઈએ તો વિજ્ઞાને કરેલી રચનાત્મક શોધ અને સિદ્ધિને જ આભારી છે ને? બદલાતાં જવું, વિકસતાં જવું અને વિસ્તરતાં રહેવું એ પ્રકૃતિ  શીખવે છે, જિંદગીની હરપળ શીખવે છે. નિજીકથાના આ અધ્યાયોમાંથી ન જાણે કેટલીયે કણિકાઓ ઝગમગી ઊઠશે?


ક્રમશઃ