રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

નમસ્કાર મિત્રો,  “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે.

Death is not extinguishing the light; it is only putting out the lamp because the dawn has come – Rabindranath Tagore

જેમ મેં અગાઉ જણાવ્યું તેમ દરેક સામાન્ય વ્યક્તિની જેમ ગુરુદેવના જીવનકાળમાં પણ એક  કપરો કાળ આવ્યો કે જેનાથી તેમના જીવનની દિશા બદલાઈ ગઈ. જીવનમાં આવેલા  આ ઝંઝાવાતના લીધે  તેમનું  પરમાત્મા સાથેનું જોડાણ વધુ ઉત્કટ થયું.અને એ દિવ્ય શક્તિનું સતત સાનિધ્ય અનુભવવા લાગ્યા. ગુરુદેવે મૃત્યુને અતિ નિકટથી નિહાળ્યું હતું. ૧૪ વર્ષની કાચી ઉંમરે માતાને ગુમાવ્યા બાદ ગુરુદેવે લેખન અને કવિતા દ્વારા પોતાના હૃદયની સંવેદનાઓને કલમ દ્વારા કંડારવાની શરૂઆત કરી. પછીના બે દાયકા દરમિયાન, કવિવરના જીવનમાંથી એક પછી એક અંગત સ્વજનોની બાદબાકી થતી રહી અને ગુરુદેવ જીવનની ક્ષણભંગુરતા અને મૃત્યુની મહાનતાને વધુને વધુ નિકટથી નિહાળતા ગયા અને સમજતા ગયા. અને એ સમજણને કવિતાઓ દ્વારા પ્રગટ કરતા ગયા…આવી જ કોઈ સમજણને પ્રગટ કરતી એક રચનાને  આજે આપણે જાણીશું અને માણીશું.  જીવન અને મૃત્યુના અફર સત્યને ઉજાગર કરતી આ રચનાનું સર્જન કવિવરે 1903માં તેમના પત્ની મૃણાલિની દેવીના દેહાંત પછી કરેલ હતું.

પૂજાપારજોયમાં(વિભાગમાં) અને “આશ્વાસ” ઉપ પારજોય માં વર્ગીકૃત થયેલી આ રચનાનું શીર્ષક છે “আছে দুঃখ আছে মৃত্যু” (Achhe Dukkho Achhe Mrityu) જેનું ભાવાત્મક અનુવાદિત શીર્ષક છે ” વિષાદ અને આનંદ…   ”. આ રચના રાગ જોગીયા અને લલિત એમ મિશ્ર રાગ પર સ્વરબધ્ધ થયેલી છે અને તેને એકતાલ તાલમાં તાલબદ્ધ કરવામાં આવેલ  છે.

મેં આ રચનાનોગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આરચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.

વિષાદ અને આનંદ… 

વિષાદ અને વિદાયના વમળોની વચ્ચે પણ 
આશાનો ટચુકડો દીવો પ્રજ્વલિત જણાય છે  

મૃત્યુની કાલિમાના અંધકારની મધ્યમાં પણ 
જીવનધારાનો ધબકાર સતત અનુભવાય છે

 ચોમેર શોકના વિશાળ સાગરની મધ્યે પણ
વાસંતી ફૂલો થકી મેઘધનુષના રંગો પ્રસરાય છે

 ભરતી અને ઓટની આવનજાવન વચ્ચે પણ 
સૂર્ય-ચંદ્રનો નિરંતર ઉદય અને અસ્ત થાય છે 

પાનખરમાં એકલું-અટુલું થયેલું પેલું વૃક્ષ પણ 
વસંતમાં અચૂક જ ફરી નવપલ્લવિત થાય છે 

ચાલ્યા જ કરે છે જીવન કેરું ચક્ર સતત નિરંતર
 એ ચક્ર કેરી ગતિમાં તારી અકળ ગતિ કળાય છે

 કરી આ  આતમને તારા અસ્તિત્વમાં એકાકાર
 સત-ચિત્ત-આનંદની અનહદ અનુભૂતિ થાય છે 

©અલ્પા શાહ

વિષાદ અને આનંદ… સિક્કાની બે બાજુ…આનંદની હેલી અને વિષાદના વમળો એ બંનેની હાજરી સિવાય જીવન શક્ય જ નથી.  અને એ શાશ્વત સત્ય જાણવા છતાંય સ્વીકારવું ઘણી વાર અઘરું હોય છે…પોતાની પત્નીના દેહાંત પછી રચેલી આ રચનામાં કદાચ કવિવરે પોતે પોતાના મનને સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય તેમ લાગે છે .અને રચનાના અંતમાં કવિવરે જીવ માટે સત્ત-ચિત્ત-આનંદ પ્રાપ્તિનો જે એકમાત્ર માર્ગ છે તે તરફ અંગુલિનિર્દેશ કર્યો છે.

મનોવૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે, મૃત્યુ એ મનુષ્યના ભય અને વિષાદનું  સૌથી  મોટું કારણ છે. આમ તો દરેક જીવ માટે જન્મ અને મૃત્યુએ બેજ જીવનના સાશ્વત સત્ય છે અને આ બે સાશ્વત સત્યોના છેડા વચ્ચે વહી જતી પળો એજજિંદગી…   પણ છતાંય every living entity has inherent instinct for survival. શ્રીમદ્દ ભગવદ્ ગીતામાં પણ ભગવાને સ્વયઁ જીવન અને મૃત્યુની સાશ્વતતાને પ્રગટ કરતા કહ્યું છે કે

जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च |
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि || 27||

જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે એટલે મૃત્યુનો શોક કરવો વ્યર્થ છે. જીવનચક્ર એટલે કે Life Cycle. આ સૃષ્ટિનું નિર્માણ થયું ત્યારથી અનેકવિધ જીવોનું જીવનચક્ર ચાલતું આવ્યુંછે. આ જીવનનુંચક્ર આપણા જન્મ પહેલા પણ ચાલતું હતું અને આપણા મૃત્યુ પછી પણ ચાલતુંજ રહેવાનું..

પાંચ વર્ષ પહેલા ૨૦૨૦માં માર્ચના બીજા અઠવાડિયામાંજ સમગ્ર વિશ્વમાં કોરોનાની  મહામારીની  શરૂઆત થઇ હતી. સમગ્ર માનવજાતિને ભરડામાં લેનાર આ મહામારીએ અમીર-ગરીબ, રાજા-રંકને સમતળ લાવીને મૂકી દીધા હતા. આ બે વર્ષ દરમિયાન કોરોના એ માનવજાતિએ પાસેથી ઘણું બધું છીનવ્યું.  ઘણા બધા કુટુંબોએ તેમના સ્વજનોને કોરોના થકી ગુમાવ્યા જેની ખોટ કોઈ કાળે પૂરી નહિ થઇ શકે… પણ કવિવરે આ રચનામાં  જેમ દર્શાવ્યું છે તેમ આ વિષાદના અંધકાર વચ્ચે પણ જીવનતો સતત ધબકતું જ રહેવાનું… આપણી ઇચ્છાએ કે અનિચ્છાએ જીવનની ધારા તો વહેતી જ રહેવાની … સમયના અવિરત ચક્રની સાથે આ જીવનચક્ર તો સદાકાળ ચાલતું જ રહેશે.

આપણે સૌ જાણીએ છીએ કે દરેક શ્વાસે આપણા ભાગે લખાયેલા શ્વાસોમાંથી એક એક શ્વાસ ઓછો થાય છે. We are all travellers here and progressing towards our ultimate destination slowly and steadily with every breath we take.  માટે જ જેમ કવિવરે રચનાના અંતમાં જણાવ્યું તેમ, આ બાકી રહેલા શ્વાસોમાં અનંત સાથે એકાકાર થવાનો પ્રયત્ન કરી પરમાત્મા સાથે સાતત્ય અને સાયુજ્ય સાધીએ તેમજ કદાચ આ જીવનની ફલશ્રુતિ સમાયેલી છે. તેવું હું દ્રઢપણે માનું છું

તો ચાલો, એ સત-ચિત્ત-આનંદ સ્વરૂપ પરમાત્માનું સ્મરણ કરતા કરતા હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,