વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
સુદર્શન અને સુચરિતા. એકમેક માટે સર્જાયું હોય એવું યુગલ.
સાંજ પડે પોતપોતાની ઑફિસેથી પાછા આવે પછી તો આ વિરાટ દુનિયામાં એ બે સિવાય અન્ય કોઈ છે એ સાવ ભૂલી જતાં.
સુચરિતા એટલે વાતોનો પટારો. પટારામાંથી વાતોનો ખજાનો નીકળે. સુદર્શન નીરવ શ્રોતાની ભૂમિકામાં ગોઠવાઈ જાય. પ્રતિદિન આ ક્રમ જળવાતો.
સુચરિતા એ દિવસે પણ રોજના સમયે જ પાછી આવી. રોજની જેમ ચા, નાસ્તો લઈને સુદર્શનની રાહ જોતી બેઠી. રોજની જેમ સુદર્શન પણ આવીને સુચરિતાની બાજુમાં ગોઠવાયો, પણ કોણ જાણે હંમેશની જેમ આજે સુચરિતાની વાતોનો પટારો ખુલ્યો જ નહીં.
આશ્ચર્યથી સુદર્શન સુચરિતાની સામે જોઈ રહ્યો. સુચરિતા માથું નમાવીને ચાના કપમાં ખાંડ ઓગાળતી બેઠી રહી.
અષાઢ મહિનામાં વરસવાની રાહ જોતાં ઘેરાયેલાં વાદળોની જેમ સુચરિતાનો ચહેરો પણ અકળ ભાવોથી ઘેરાયેલો હતો.
એક સમય હતો જ્યારે સુચરિતાએ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની શરૂઆત કરી હતી. આમ તો આ મહાનગરમાં આવીને નોકરી શરૂ કરી એને ઘણો સમય થયો હતો, પણ સુચરિતા હજુ ઑફિસના આટાપાટા કે મહાનગરના હડદોલાથી ટેવાઈ નહોતી.
અરે, હજુ તો દરેક સ્ટેશને નિશ્ચિત સમયે, નિશ્ચિત સમય માટે ઊભી રહેતી લોકલ ટ્રેનમાં શરીરથી ઘસાઈને થતી ધક્કામુક્કીથી પણ ક્યાં ટેવાઈ હતી? આ ધક્કામુક્કીની વચ્ચે અટવાતાં અટવાતાં માંડ ટ્રેનમાં ચઢ્યા પછી બેસવાની વાત તો દૂર જાત સાચવીને સભ્યતાથી ઊભા રહેવાની મોકળાશ પણ મળતી નહીં. ટ્રેનના ડબ્બાનો રૉડ પકડીને ઊભી હોય ત્યારે કોઈ પુરુષના સ્પર્શ માત્રથી એ સંકોચાઈ જતી.
તે દિવસે ડબ્બામાં ઊભા રહેવાની જગ્યા ન મળતાં એ અકળાતી હતી ને જ એક યુવક ભીડમાંથી રસ્તો કરતો એની પાસે આવીને ઊભો રહ્યો. સુચરિતા એ યુવકની સામે આશ્ચર્યથી જોઈ રહી. અચાનક એ યુવકે સુચરિતાનો હાથ પકડી એક તરફ એને ખેંચીને એક ખાલી સીટ પર બેસાડી દીધી.
“પાંચ દિવસથી જોઉં છું કે, બેસવાની જગ્યા મેળવવાની વાત દૂર આ ભીડમાં સરખી રીતે ઊભા રહેવાની જગ્યાય કરી શકતી નથી તો ઘરની બહાર નીકળે છે જ શું કામ?”
યુવકના અવાજમાં અધિકારની છાંટ હતી. સુચરિતાને નવાઈ લાગી. આ યુવક ગાડરિયાં ટોળાંથી ખરેખર જુદો છે કે પછી સહાનુભૂતિના આવરણ હેઠળ એના મનમાં કોઈ બીજો મતલબ હશે?
જોકે યુવકના ચહેરા પર એવા કોઈ મતલબી ભાવ ન દેખાયા. સાવ સામાન્ય ચહેરો, સાધારણ પહેરવેશ, પણ આંખોમાં અનન્ય સંવેદના, અનુકંપા છલકાતી લાગી. પહેલી મુલાકાતમાં જ સુચરિતાને લાગ્યું કે એની આંખો ઘણું કહી જતી હતી. આજ સુધી આવી સંવેદના કે અનુકંપાનો એને ક્યારેય અનુભવ થયો નહોતો.
એ યુવકનો આવો વડીલ જેવો ભાવ સુચરિતાને જરા વિચિત્ર લાગ્યો. થોડો કઠ્યો પણ ખરો. એ સહેમી ગઈ.
“નારાજ થઈ ગઈ દીદી? પણ, શું ખોટું કીધું મેં? હું તો જે જોઈ રહ્યો હતો એ કહ્યું.”
યુવકે એને દીદી કહ્યું એથી સુચરિતા ચમકી. પોતાના પતિની ઉંમરની વ્યક્તિ એને દીદી કહેતી હતી! જોકે એ હજુ કશું વિચારે કે પૂછે એ પહેલાં તો ચારેબાજુથી લોકોની બૂમાબૂમ સંભળાઈ.
“અરે અમર, આ તું શું કરે છે? એમને જગ્યા આપીને તું આખો રસ્તો ઊભો રહી શકીશ?”
“ક્યારેક આમ ઊભા રહીને સારું લાગે છે. એક જગ્યાએ બેસીને પૂતળા જેવો બની ગયો હતો.” અમરના જવાબથી સૌ દંગ રહી ગયા.
“હા, તેં તો કહી દીધું કે ઊભા રહીને તને સારું લાગે છે, પણ તને આમ ઊભેલો જોઈને અમને તકલીફ થાય છે એનું શું?” કહીને સુચરિતાની સામે બેઠેલી એક વયસ્ક મહિલાએ સહેજ ખસીને અમરને બેસવાની જગ્યા કરી આપી.
“જોયું દીદી, આપીએ તો પામીએ. તમને બેસવાની જગ્યા કરી આપી તો મનેય બેસવાની જગ્યા મળી ગઈ ને?” અમર સુચરિતાની સામે જોઈને હસ્યો.
એ દિવસ પછી સુચરિતાએ જોયું કે, એને ચઢવાનું સ્ટેશન આવે ત્યારે અમર ટ્રેનના બારણાં પાસે એની રાહ જોતો ઊભો જ હોય. ક્યારેક ધક્કામુક્કીમાં એ ચઢી ન શકે તો એને હાથ આપીને ચઢવામાં મદદ કરતો અને રોકેલી સીટ પર બેસાડતો. દિવસો પસાર થયા તેમ છતાં સુચરિતા એની સાથે સહજ થઈ શકતી નહોતી. એ કંઈ બોલે કે ના બોલે અમર તો બસ, વગર પૂછે વાત માંડી દેતો.
પણ, સુચરિતા તો સીટ પર બેસતાની સાથે બારીની બહાર જ જોયા કરતી. એક દિવસ અમરે પૂછી લીધું,
“દીદી, મારો ચહેરો જરાય સારો નથી?”
અમરનો ચહેરો જ નહીં અમર પણ સાચે જ સરળ અને સૌમ્ય હતો. એક વાર કોઈ એને મળે કે એના ચહેરા પર નજર પડે તો હંમેશાં એને જોવાનું, મળવાનું જોવાનું મન થાય એવો હતો એટલે સુચરિતાને અમરનો સવાલ સમજાયો નહીં. અવઢવમાં એની સામે તાકી રહી.
“કેમ હું તમારો ચહેરો નહીં જોઉં તો સુંદરમાંથી કુરૂપ થઈ જશે? ભગવાને મને આજુબાજુ કે આગળપાછળ નજર નથી આપી, પણ હવે તમે મારી સામેની સીટ પર બેસજો. જેથી હું બહાર ઝાડપાન, પાણી-પવન. આભ-ધરતી જોવાના બદલે તમારી સામે જોઈ શકું.”
ધીમેધીમે સુચરિતાને અમરનો સ્વભાવ ગમવા માંડ્યો. એને સમજાયું કે, અમર ન હોત તો ટ્રેનની આ યાત્રા એના માટે આટલી સુગમ ન હોત.
એક દિવસ સ્ટેશને ટ્રેન ઊભી રહી ત્યારે બારણાં પાસે અમરનો હસતો ચહેરો ન દેખાયો. સુચરિતા જાણે મુરઝાઈ ગઈ. માંડ અંદર પહોંચી. કોઈએ એની સીટ સાચવી હતી. સીટ પર બેસતાં પહેલાં એણે ચારેકોર નજર દોડાવી, પણ વ્યર્થ. અમર ક્યાંય ન દેખાયો.
એક, બે, ત્રણ,ચાર દિવસ પસાર થયા પણ અમર ન દેખાયો. અકળાઈને એણે અમરની જોડે બેસતા વિનાયકને અમરની ગેરહાજરી માટે પૂછ્યું. વિનાયકે જે જવાબ આપ્યો એ સુચરિતા માટે આઘાતજનક હતો.
અમર લ્યૂકેમિયાનો પેશન્ટ હતો. એના આખરી દિવસોમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ આશા છોડી દીધી હતી. સુચરિતાએ આસપાસ બેઠેલા સૌની સામે ધ્યાનથી જોયું. સૌના ચહેરા પર વિષાદની છાયા હતી.
એ દિવસે સુચરિતા ઑફિસમાં કશું જ કામ ન કરી શકી. ઘેર પહોંચીને સુદર્શન સાથે પણ કોઈ વાત કરવા અસમર્થ રહી. મનમાં આખો દિવસ એક જ વિચાર ઘોળાયા કર્યો, “અમર સૌને છોડીને ચાલ્યો જશે?”
સુચરિતાને આમ શાંત, સ્થિર બેઠેલી જોઈને સુદર્શને સ્નેહથી એના મૌનનું કારણ પૂછ્યું અને સુચરિતાના હૃદયનો બંધ તૂટી પડ્યો.
“અમરનો અંત નજીક આવી રહ્યો છે. અમર ચાલ્યો જશે. સદાને માટે.”
સુદર્શન સમજતો હતો કે, અમર સુચરિતાનો આત્મિય ન હતો છતાં મનથી ઘણો નજીક હતો.
ઈંદુ લતા મહાંતિ લિખીત વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
