આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.
આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.
આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.
પરેશ ર. વૈદ્ય
થોડા સમય પહેલાં બૅન્ગ્લુરુમાં ક્રિકેટને લગતા એક સમારંભમાં ભાગદોડ અને ધક્કામુક્કી થયાં તેમાં ૧૧ જણાએ જીવ ખોયો. છેલ્લાં પાંચ-સાત વર્ષથી નવી દિલ્હી રેલવે સ્ટેશન, નદી ઉપરના પુલો, કેરળમાં શબરીમલૈ મંદિર, મહારાષ્ટ્રમાં માંઢરદેવીની ટેકરી અને કુંભમેળો જેવાં વિવિધ સ્થળે આવી ઘટનાઓનું પુનરાવ્ર્તન થયા જ છે. આટલું ઓછું હોય તેમ એવરેસ્ટ શિખરનાં છેલ્લાં ચઢાણ પર પણ ઘણી વાર ધસારો થાય છે.
આવી મોટા પાયાની ભાગદોડ -ધસારાના સમાચાર પહેલાં ક્યારેય આવતા નહોતા. જે જગ્યાનાં નામ લીધાં છે એ તો જેવડી આજે છે તેવડી જ હંમેશાં હતી. પરંતુ ત્યાં હાજર થનારા લોકોની સંખ્યા બમણી, ત્રમણી કે ચાર ગણી થઈ ગઈ છે. થોડે અંશે આ વધારો ‘સોશિયલ મીડિયા’ના કારણે હોઈ શકે, પરંતુ વિશેષ કરીને વસ્તીના વધેલા આંકડાને લીધે છે. સતત વધી રહેલી વસ્તી એ નક્કર હકીકત છે, જેનાં સીધાં કે આડકતરાં પરિણામો જીવનના ઘણાં પાસાઓ ઉપર અસર કરે છે.
આઝાદી વખતની ૩૫ કરોડની વસ્તી આજે ૧૪૨ કરોડ છે! એ દેખાયા વિના કેમ રહે?

અમારી જિંદગીના પૂર્વાર્ધમાં બસમાં કે ટ્રેનમાં ઊભા-ઊભા સફર કરવાનો પ્રસંગ જોયો નથી (મુંબઈની લોકલ ટ્રેનનો અપવાદ છોડીને). તેવું જ કહી શકાય દીવાળી જેવા તહેવારો વખતે બજારોમાં કે મેળાઓમાં દેખાતી ‘હેયેહૈયું દળાવા’ જેવી ગિરદી વિશે. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવું તે કોઈ સિદ્ધિ કે ગૌરવ લેવાની વાત નથી. વહીવટકર્તાઓ માટે એ પડકાર છે. તેને “ડેમોગ્રાફિક ડિવિડન્ડ” (એટલે કે વસ્તીને કારણે થતા ફાયદા)નું હુલામણું નામ આપવાથી ગંભીરતા હળવી નથી થઈ જતી. દર પાંત્રીસ વરસે વસ્તી બમણી થતી હોય ત્યારે શાળા, કૉલેજ, દવાખાનાં, બસો, નોકરીઓ એ બધું બમણું કરતાં રહો તો પણ જીવનધોરણની દષ્ટિએ તમે ત્યાં ના ત્યાં જ રહો! સુવિધાઓ આ દર કરતાં વધારે ઝડપથી વધે તો જ નાગરિકોનાં જીવનમાં ફરક પડે.
આ હિસાબે આપણે જે કંઈ હાંસલ કર્યું છે તે નક્કી જ નોંધપાત્ર સિદ્ધિ ગણાય. આમ છતાં પાયાની જરૂરતો કે આર્થિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જવાથી વસ્તી વિસ્ફોટનાં મૂળભૂત પરિણામો દૂર નથી થઈ જતાં. કેટલાંક પરિણામો દેખાય છે કે માપી શકાય છે તો કેટલાંક આડકતરાં હોવાથી તેનો સીધો સંબંધ જણાતો નથી. ગુનાખોરી, રૃશવતખોરી, હિંસાચાર, અનીતિ વગેરે આવાં ભાવનાત્મક પાસા છે.
પર્યાવરણ
“પર્યાવરણ’ અને ‘પ્રદૂષણ’ એ શબ્દો ૧૯૭૦ના દાયકા સુધી કોઈએ સાંભળ્યા ન હતા. હવામાં ઝેરી વાયુઓ ભળતાં થતું વાયુપ્રદૂષણ પહેલાં ધ્યાન પર આવ્યું. તેના પછી નદીનાળામાં ઠલવાતાં રસાયણોને કારણે પાણીનું પ્રદૂષણ. આ ઉત્સર્જન કરતા ઉદ્યોગોમાંથી ઘણા તો વધતી વસ્તીની જરૂરતો પૂરી કરવા માટે હતા. રાસાયણિક ખાતર, જંતુનાશકો, કોલસાથી ચાલતાં વિદ્યુતમથકો, કપાસના વિકલ્પ તરીકે બનાવાતાં નાયલૉન કે ટેરિન એ બધાં જરૂરી બનતાં જતાં હતાં. તેનાથી થતાં પ્રદૂષણને સ્વીકારવું જ પડે તેવી માનસિકતા હતી.
જોકે ૧૯૮૬માં તેનાં નિયંત્રણનો કાયદો બન્યો. ૧૯૮૯ પછી પર્યાવરણ ક્ષેત્રે એક નવો ખલનાયક સામે આવ્યો, તે કાર્બનડાયોક્સાઇડ. આજે માનવજાત સામે સૌથી મોટો ભય “વૈશ્વિક ઉષ્મા’નો છે,
જે આ કાર્બનડાયોક્સાઇડ વાયુની વધી રહેલી માત્રાથી ઊભો થયો છે. એનો મુખ્ય સોત પેટ્રોલિયમ તેલની પેદાશો છે, જે ઊર્જા મેળવવામાં વપરાય છે. આપણે પ્રતિ વ્યક્તિ કાર્બનડાયોક્સાઇડ વાયુનો વપરાશ ઘણો ઓછો છે, પરંતુ પ્રચંડ વસ્તીના કારણે એ વાયુના કુલ ઉત્સર્જનમાં આપણે દુનિયામાં ત્રીજા નંબરે આવીએ છીએ. હવામાનમાં ફેરફારને કારણે વધતી ગરમી, તીવ્ર વાવાઝોડાં અને બીજી અસરોથી તો વાચકો હવે પરિચિત છે.
જૈવ વિવિધતા
તમે ગામમાં રહેતા હો, ગામડામાં કે શહેરમાં – એક વસ્તુ તરફ જરૂર ધ્યાન જતું હશે કે તમારા ગામની સીમ દૂર ખસતી જાય છે. ઘણી જગ્યાએ તો બે ગામની સીમ મળી જવાને કારણે સીમ જેવું કંઈ રહ્યું જ નથી. શહેરો બાબત પણ આ જ ખરૂં છે. સીમમાં વૃક્ષો ઉપરાંત ઝાડી-ઝાડવાં રહેતાં (ત્યાં આજે ડામરની સડક દેખાય છે). તેમાં કેટલુંક ઉપયોગી
પણ હતું. ગામ માટે દાતણ, આમલી, ગોરસ આમલી, પીલુ, બોર, લૂસકાં એવું ઘણું બધું ત્યાંથી મળતું. સીમમાં ભ્રમણ કરતાં કેટલુંય તો જાતે પણ તોડી આવતા. બાળકો જંગલી છોડોમાંથી બીજ જેવી કેટલીક વસ્તુ ખાતાં, જેનાં કોઈ પ્રમાણિત નામ પણ નહોતાં (કચ્છમાં એક ‘ગાંગી’ થતી, બીજા કોશેટા – જે મોતી જેવા દૂધિયા રંગના રહેતા).
આ વૃક્ષો દૂર થઈ જતાં હવે ગામની બજારમાં દાતણ કે આમલીના કાતરા નથી દેખાતાં. જે લાંબે સુધી તેને તોડવા જાય તે એની કિંમત વધુ માગે તે સ્વાભાવિક છે. એ ન મળે તો એ લાવે નહીં.
જેવું સીમમાં નાને પાવે બન્યું તેવું જંગલો બાબત મોટે પાયે બન્યું. પહેલાં લાકડાં માટે જંગલ કપાયાં, પછી ત્યાં ડેમ, ખનીજની ખાણો કે કારખાનાં બન્યાં. જંગલનાં ઘણાં કાર્યો છે. એ કાર્બનડાયોક્સાઇડ શોષે છે, વરસાદ લાવે છે અને પહાડોમાં જમીનનું ધોવાણ અટકાવે છે. આ બધાં જેટલું જ મહત્ત્વનું કામ છે. જીવો અને વનસ્પતિની વિવિધતાને ટકાવવાનું. કુદરતમાં અગણિત પ્રકારનાં પ્રાણીઓ, પક્ષી, કીડા અને જંતુ છે, જેનો પરસ્પર જોડે સંબંધ હોય છે. માણસ આ સંબંધ પૂરો સમજ્યો પણ નથી. પણ એનો જંગલમાં પેસારો થવાથી પ્રાણીઓ અને પક્ષીઓની ઘણી જાતો વિલુપ્ત થવા લાગી છે. રીંછ, વરુ, શિયાળ કે લોમડીને સર્કસની બહાર કુદરતી વાતાવરણમાં હવે કોઈએ જોયાં હશે કે કેમ તે શંકા છે.
બહુ પ્રચલિત ઉદાહરણ ચકલીનું છે. એ એક નાજૂક પક્ષી છે તેથી આપણાં ઘરોની અંદર માળા બનાવી રહેતી હતી. એ જો બહાર ખુલ્લામાં ઈંડાં મૂકે તો કાગડા ખાઈ જાય. હવે એ અદની ચકલી કેટલી જગ્યાએથી અદશ્ય થઈ ગઈ છે. એ બાબતનું ધ્યાન ખેંચવા દર વરસે વીસમી માર્ચે તેનો હવે ‘દિવસ’ મનાવવામાં આવે છે! આવું જ એક રસપ્રદ ઉદાહરણ છે એક વરસાદના કીડાનું. સાથેના ચિત્રમાં બતાવેલ લાલ રંગના મખમલી રુવાંટીવાળા કીડા વરસાદ પડવાના બીજા દિવસે હજારોની સંખ્યામાં મેદાનોમાં ફૂટી નીકળતા. કચ્છમાં વરસાદને “મીં’ કહે છે એટલે આ કીડાનું ત્યાં પ્રચલિત નામ ‘મીંનો મામો’ (વરસાદનો મામો) હતું. એ સુંવાળું જીવડું અચાનક તદ્દન ગુમ થઈ ગયું છે. એ ક્યાંથી આવતું હતું તેનો જ અભ્યાસ નહોતો થયો, તો તે કેમ ગુમ થયું તેની કોને ચિંતા હોય? એ વિડંબના જેવું છે કે જે વાઘ, ચિત્તાથી ૧૯૫૦માં માણસ ડરતો હતો, તેને બચાવવા માટે પ્રોજેક્ટ બનાવી સેંકડો અબજ રૂપિયા હવે ખર્ચ કરે છે!
સામાજિક સંદર્ભ :
કોઈ દેશની વસ્તીની ઉંમર પ્રમાણે વહેંચણીના આલેખને વસ્તીનો પિરામિડ કહે છે. ચિત્રમાં ભારત માટે ૧૯૫૧ના વર્ષમાં જે વહેંચણી હતી તે બતાવી છે.

ડાબી તરફ પુરુષોની સંખ્યા અને જમણી તરફ સ્રીઓની સંખ્યા આપી છે. ઉંમરને પાંચ-પાંચ વર્ષનાં જૂથમાં લીધી છે. એના આકારને કારણે એ પિરામિડ કહેવાય છે. વસ્તીવધારાનો દર એટલે જન્મદર અને મૃત્યુના દરનો તફાવત છે. ૧૯૫૧માં આપણો આ દર સૌથી ઓછો, ૧.૩ ટકા, હતો. પછી તે વધતો ગયો. જો દેશમાં જન્મદર વધુ હોય અને બધાં વયજૂથમાં મૃત્યુ થતાં રહે તો આલેખ છે તેવો દેખાય. આપણે ત્યાં, તે પછી જેમ-જેમ આરોગ્ય સુધરતું ગયું અને મૃત્યુનું પ્રમાણ ઘટવા લાગ્યું તેમ આલેખનો આકાર બદલાતો ગયો. વસ્તીવધારાનો દર ૧૯૮૧માં સૌથી વધુ ૨.૨૨ ટકા થઈ ગયો. જોકે છેલ્લાં ત્રીસેક વર્ષથી જન્મનો દર સ્પષ્ટ રીતે ઘટવાથી વસ્તીવધારાનો એકંદર દર ઘટવા લાગ્યો છે. એટલે પિરામિડમાં નીચેના વયગટની સાપેક્ષ સંખ્યા ઘટવા લાગી. ૨૦૨૪ના વર્ષના આલેખમાં ત્રીસ વર્ષની નજીક ગ્રાફ સૌથી પહોળો થઈ તેની ફાંદ નીકળી છે! સમાજમાં પહેલાં સૌથી વધુ સંખ્યા બાળકોની હતી, હવે યુવાનોની છે.

એ તક પણ છે અને સમસ્યા પણ. આ મોટા અને શક્તિશાળી જૂથને રોજગાર આપી શકો તો દેશ સમૃદ્ધ બને અને ન આપી શકો તો એ ટોળું વિનાશક કામમાં લાગી શકે. આપણાં સાંસ્કૃતિક મૂલ્યોને પણ આ જ જૂથ આગળ લઈ જઈ શકે કે ડુબાડી શકે. જેમ-જેમ સમય જશે તેમ આલેખની ફાંદ ઉપર તરફ જશે. મહત્તમ વસ્તી વધારે વયની હશે, બાળકોની નહીં. ભવિષ્યમાં ક્યારેક વૃદ્ધો સૌથી વધુ સંખ્યામાં હશે. એનું ઉદાહરણ ચીનનો વસ્તી પિરામિડ છે. ત્યાં દંપતીને એક જ બાળક હોય તેવો કાયદો કરવામાં આવ્યો.

પચાસ વર્ષ પહેલાં વૃદ્ધાશ્રમ લગભગ હતા જ નહીં. માત્ર ચર્ચા કે વાર્તામાં એનું અસ્તિત્વ હતું. આજે ગુજરાતમાં જ દોઢસો જેટલા નાના-મોટા વૃદ્ધાશ્રમ છે. જે વડીલો આર્થિક રીતે સ્વતંત્ર હોય તે વળી “સિનિયર સિટીઝન હૉમ’ પસંદ કરે છે. એ “કૉમન કિચન’વાળાં માલિકીનાં ઘરો છે. આજે એ માત્ર મોટાં શહેરોની આસપાસ જ છે. જેમ સમયની સાથે પોતાનાં મકાન કે બંગલાને બદલે ફ્લૅટ (એપાર્ટમેન્ટ)ની પ્રણાલી આવી અને તેના માટે કાયદાકીય તથા સામાજિક ઢાંચા ઊભા થયા, તે જ રીતે સિનિયર હોય કે વૃદ્ધાશ્રમ જેવી સંસ્થાઓની આસપાસ સામાજિક ઢાંચો ઊભો થાય તે સરકાર અને સમાજસેવી સંસ્થાઓએ જોવું જોઈએ. કારણકે, એ જ આવતી કાલની વાસ્તવિકતા હશે.
ઓગસ્ટ ર૦૨૫ * નવનીત સમર્પણ
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક pr_vaidya@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
