વિમલાતાઈ

નરેનની નોંધ થી આગળ

નરેનની વાત

૧૯૬૭

હમીરાથી બાઈ અને મારી સૌથી નાની બહેન જયુ (જેને બાઈ ડૉલી કહેતા) અમદાવાદ ગયાને ત્રણ-ચાર મહિના થયા અને યુદ્ધનાં વાદળ વીખરાઈ ગયાં. બોર્ડર નજીકના વિસ્તારમાં તૈયાર હાલતમાં રહેલી અમારી ફર્સ્ટ આર્મ્ડ ડિવિઝન સીમા પરથી શાંતિના સ્થળ અંબાલા કેન્ટોનમેન્ટમાં ગઈ. અંબાલામાં અમને સુંદર બંગલો મળ્યો. અમે બાઈને પત્ર લખી અંબાલા આવવાની તૈયારી કરવાનું કહ્યું. બાઈ મને લેવા માટે ક્યારે બોલાવે છે તેની અમે રાહ જોઈ રહ્યા હતા. બે-એક મહિના બાદ બાઈનો પત્ર આવ્યો. તેમણે લખ્યું હતું કે વહેલી તકે આવીને મને લઈ જા.

મને રજા મળી અને બાઈ તથા ડૉલીને લઈને અમે અંબાલા ગયા. આર્મ્ડ ડિવિઝનમાં મને ત્રણ વર્ષ થઈ ગયા હોવાથી મારી બદલી જમ્મુ થઈ અને અમે ત્યાં એક વર્ષ રહ્યા. વર્ષ લગભગ પૂરું થવા આવ્યું અને બાઈને ઝીણો ઝીણો તાવ આવવા લાગ્યો. તે વખતે મને થયું કે આ માંદગી કદાચ કાશ્મીરની ઠંડીને કારણે થઈ હશે. આમ પણ બાઈનો શરદીનો કોઠો હતો તેથી રારદી અને ખાંસી તરત જ થઈ જતાં. શરૂઆતમાં સાદા દવાદારૂ કર્યા, પણ બે’એક અઠવાડિયામાં તેમને સુવાણ ન આવ્યું તેથી અમે તેમને જમ્મુની મિલિટરી હૉસ્પિટલમાં લઈ ગયાં. ત્યાંના ડૉકટર મેજર પરેરાએ બાઈને તરત દાખલ કર્યા અને પેથોલૉજિકલ ટેસ્ટ લેવાનું શરૂ કર્યું. બાઈ પંદરે’ક દિવસ હૉસ્પિટલમાં રહ્યા તે દરમિયાન ટેસ્ટનાં પરિણામ આવી ગયા. એક દિવસ મેજર પરેરાએ અમને આઘાતજનક સમાચાર આપ્યા. બાઈને લુકેમિયા હતો.

તે વખતે જમ્મુની મિલિટરી હૉસ્પિટલ સાવ નાનકડી હતી. ઓફિસર વૉર્ડમાં ફકત એક જ બેડ હતી. વળી કેમોથેરપીની કોઈ વ્યવસ્થા નહોતી. ત્યાંની સિવિલ  હૉસ્પિટલ વિરો જેટલું કહીએ એટલું ઓછું. ગંદકી અને અસ્વચ્છતા એટલી હતી કે મિલિટરીના પેશન્ટસ ત્યાં કદી મોકલવામાં આવતા નહિ. મેજર પરેરાએ સલાહ આપી કે બાઈને જલંધરની મિલિટરી હૉસ્પિટલમાં ખસેડવા જોઈશે. સાવ અજાણી જગ્યાએ જવા કરતાં અમે બાઈને અમદાવાદ લઈ જવાનું નક્કી કર્યું. પઠાણકોટથી રાતની ટ્રેનમાં નીકળી સવારે અમે નવી દિલ્લી પહોંચ્યા. ત્યાંથી જૂની દિલ્લી સ્ટેશને ગયા અને અમદાવાદની ટ્રેન પકડી. મારો ઓર્ડર્લી મહાબીરસિંહ અલ્વર સુધી સાથે હતો. તેણે મને ટ્રેન બદલવામાં, સામાન ચડાવવામાં તનતોડ મહેનત કરી.

અમદાવાદ ગયા બાદ અમે બાઈને વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલમાં દાખલ કર્યા. તે વખતે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સારવારની શોધ થઈ ન હતી, પણ બાઈની સારવારમાં કશી કમી રહેવા ન દીધી.

જમ્મુથી નીકળતી વખતે મને ખબર મળ્યા હતા કે ભારતીય સેનામાં મને પરમેનન્ટ રેગ્યુલર કમિશન ન મળ્યું. બાઈને અમદાવાદ લાવ્યા બાદ મને દિલ્લીથી આવેલ પત્ર મળ્યો કે મારો ૧૯૬૫ના યુદ્ધનો ગોરખા રેજીમેન્ટ સાથેનો રેકર્ડ ઉત્તમ હતો, અને મારા પાંચ વર્ષના એન્યુઅલ કૉન્ફિડેન્શિયલ રિપોર્ટ ઘણા સારા હતા, તેના આધારે બૉર્ડર સિક્યોરિટી ફોર્સમાં કમિશન્ડ અફસરની નિયુક્તિ માટે મને દિલ્લી ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યો છે. બાઈની હાલત નાજુક હોવાથી મેં ઈન્ટરવ્યૂમાં હાજર ન રહેવાનું નક્કી કર્યું. અમે બધાં રાત દિવસ હૉસ્પિટલમાં જ રહેતા હતા. રાતના વખતે બે જણા બાઈ પાસે તેમની પાસે જ રહેતા. સ્ત્રીઓનો વોર્ડ હોવાથી હું રાતના અગિયાર વાગ્યા પછી વૉર્ડ બહાર એક બાંકડા પર બેસતો. એક દિવસ અમારા ભાભીએ બાઈને કહ્યું કે નરેનને સારી નોકરીનો ઈન્ટરવ્યૂ આવ્યો છે, પણ તમને છોડીને તે ત્યાં જવાની ના પાડે છે. ઈન્ટરવ્યૂની આગલી રાત્રે બાઈ પાસે હું રોકાવાનો હતો. સવારે તેમની પાસે ગયો ત્યારે તેમણે મને કહ્યું, ભાઈલા, મને સરલાબાઈએ કહ્યું કે તને મોટા અફસરની જગ્યા માટે ઈન્ટરવ્યૂ આવ્યો છે, પણ તું ત્યાં જવાની ના પાડે છે. તું દિલ્લી જઈ આવ. તું પાછો આવે ત્યાં સુધી મને કશું નહિ થાય. મારા તને આશર્વાદ છે. જા, દીકરા, તું ત્યાં જરૂર જઈ આવ. તને ત્યાં નોકરી મળી જ શે.

ટ્રેનથી દિલ્લી સુધીનો પ્રવાસ ચોવીસ કલાકનો હતો, તેથી તે રાત્રે વિમાનથી નવી દિલ્લી જવાનું નક્કી કર્યું. સદ્ભાગ્યે ટિકિટ મળી ગઈ અને રાત્રે જ દિલ્લી પહોંચી ગયો. સવારે ઈન્ટરવ્યૂ ઘણો સારો થયો. સીલેક્શન બોર્ડના અધ્યક્ષ બી.એસ.એક.ના ડાયરેક્ટર જનરલ શ્રી. કે.એફ. રુસ્તમજી હતા. તેમણે તો મને
ત્યાં જ જણાવી દીધું કે મારી આસિસ્ટંટ કમાંન્ડન્ટની રેન્કમાં નિયુક્તિ કરવામાં આવી છે અને તેનો લેખિત હુકમ યથાવકાશે મળી જરો. બપોરની ફ્લાઈટથી હું પાછો અમદાવાદ આવી ગયો. એરપોર્ટ પરથી સીધો હોસ્પિટલ ગયો અને બાઈને મળ્યો. તેમને મેં મારી બી.એસ.એફ.માં થયેલી નિયુક્તિના સમાચાર આપ્યા અને તેઓ ઘણા ખુશ થયા. તેમણે મારા માથા પર હેતથી હાથ ફેરવ્યો, આશિષ આપ્યા અને ઘેર જવાનું કહ્યું.

આ પહેલાં બાઈને એક અન્ય શુભ સમાચાર મળ્યા હતા. મધુમામાને ત્યાં પુત્રનો જન્મ થયો હતોઃ જયદીપ. બાઈ ઘણાં ખુશ થયા. તે વખતે તેમની પાસે સુધા બેઠી હતી. તેમણે સુધાને કહ્યું, ‘પરમાત્માની અપાર કૃપા થઈ. મારા પિયરિયાંના વંશમાં અપુત્ર રહેવાનો શાપ ખંડિત થયો. મધુને મારા આશિષ
અને અભિનંદન મોકલજે.’

બીજા દિવસે બાઈ પાસે ઘણો સમય બેઠો. તે રાત્રે હૉસ્પિટલમાં બાઈ પાસે હું હતો. રાત્રે અગિયાર વાગ્યા સુધી તેમની પાસે રહ્યો. ત્યાર બાદ વોર્ડની બહારના બાંકડા પર રાત ગાળી. પરોઢિયે અનુ અને જયુ (ડૉલી) આવ્યા, અને મને ઘેર મોકલ્યો. ઘેર આવીને ચા પીવાની તૈયારી કરી ત્યાં અનુ મારંમાર કરતી રિક્ષા લઈને આવી પહોંચી. રડતાં રડતાં તેણે કહ્યું બાઈની હાલત અત્યંત ગંભીર થઈ ગઈ હતી. તેઓ છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. અમે બન્ને તરત એ જ રિક્ષામાં પાછા હૉસ્પિટલ ગયા. બાઈના પ્રાણ તેમનાં કંઠમાં રોકાઈ રહ્યા હતા. જાણે મારી રાહ જોતાં હતા. મેં તેમને પાણી પિવડાવ્યું. અમારી વચ્ચે શબ્દ વિનાની આત્મિક વાત થઈ. મને એવી અનુભૂતિ થઈ જાણે તેઓ ડૉલીનાં લગ્નની ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા. મેં તેમના પગ પર હાથ રાખીને તેમને વચન આપ્યું કે ડૉલીનાં લગ્નની જવાબદારી હું પૂરી કરીરા. બાઈએ આ વાત સાંભળી હોય તેવું મને લાગ્યું. ૪ મે, ૧૯૬૮ના પરોઢિયે બાઈ અમને કાયમ માટે છોડી ગયા.

જીવનમાં પડેલી વાર હું મોકળા મને રડ્યો. આજે બાઈ ગયાને ૩૭ વર્ષ થયાં અને હું આ લખી રહ્યો છું ત્યારે પણ અશ્રુ રોકાતા નથી. મહાન દીપજ્યોતિ-સમાં બાઈ તેમના ફક્ત ૫૩ વર્ષના અલ્પજીવનમાં ઊભા થયેલા ભયંકર વાવાઝોડાં, વજ્રાઘાત અને ધરતીકંપમાંથી અમને બચાવીને સાગર કિનારે લઈ આવ્યા હતા.

અમારો જીવનપથ પ્રકાશવંતો કરતાં કરતાં પોતે જ પોતાના પ્રકાશમાં વિલીન થઈ ગયાં.

બાઈની મહાનતા કેવળ અમારા પૂરતી સીમિત નહોતી. ડગલે ને પગલે તેમણે નિ:સ્વાર્થતાથી લોકોની સેવા કરી. મારા સૌથી મોટા ભાઈની ચાર વર્ષની દીકરીનો ફ્રૉક દિવાળીના ફટાકડા ફોડતી વખતે સળગી ઊઠયો. એકદમ આગમાં તે લપેટાવા લાગી. અમે કોઈ કશો વિચાર કરીએ તે પહેલાં બાઈએ પોતાની હથેળી વતી ફ્રૉકનો સળગતો ભાગ મસળીને ઓલવી નાખ્યો હતો. તેમની બન્ને હથેળીઓ અને હાથ પર મોટા મોટા ફોલ્લા ઊઠયા હતા, જે મહિના બાદ રૂઝાયા હતા. મોટાભાભીની આંખમાં તે વખતે જોયેલા આંસુ અને કૃતજ્ઞતા મને હજી પણ સાંભરે છે. આવા તો કેટલાય પ્રસંગો બાઈના જીવનમાં ઉદ્‍ભવ્યા હતા.

૧૯૭૬માં અમને ભાઈ બહેનોને પ્રસંગવશાત્‌ ભાવનગર જવાનું થયું. અમે જે બિલ્ડિંગમાં રહેતા હતા ત્યાંના અમારા પાડોશીઓને અમે મળવા ગયા. ત્યાંથી બહાર નીકળતા હતા તેવામાં એક કિશોર અમારી પાસે આવ્યો, અને અમને કહ્યું, “વિમળાબેનનાં છોકરાંવ તમે જ કે? જતાં પડેલાં અમારા બાપુને મળતા જાવ. એમને હમણાં જ ખબર્ય પડી કે તમે આંયા આવ્યા છો. એમણે તમને બરક્યા સે. મારી સાથે હાલો, તમને ઘર બતાડું.” અમે તેમને મળવા ગયાં. આ વૃદ્ધ પુરુષે મારી સાથે હાથ મિલાવ્યો, બહેનોને માથે હાથ મૂક્યો અને ગળગળા અવાજે કહ્યું, “તમારા બા એક દેવી હતાં.’

બાઈ ગયા પછી લગભગ એક વર્ષમાં અમારી વહાલી, નાનકડી ડૉલીનાં લગ્ન અમે ધામધૂમથી ઉજવ્યા. આજે તે પોતાના પતિગૃહે પોતાના પતિ, પુત્ર અને પુત્રવધૂ સાથે ભારતમાં સુખશાંતિથી રહે છે. સુધા – મારી પ્રિય બહેની – અને તેના પતિ ડૉક્ટરમોશાઈ પરદેશમાં પોતાના પુત્રોનાં પરિવારની સાથે આનંદથી રહે છે. દુઃખ એક જ વાતનું રહ્યું. અમારી મીના અમને છોડીને સૌથી પહેલાં બાઈ પાસે પહોંચી ગઈ.

બાઈ પ્રત્યેના કર્તવયમાં એક અંજલિ હજી બાકી છે. તેમની આત્મકથા પ્રકાશિત કરવાનું કાર્ય બાકી છે.

જ્યાં માતુ-ગ્દણની વાત આવે છે ત્યાં મારે કહેવું પડશે કે મારા આત્મા પર બાકી રહેલું એક કરજ જન્મોજન્મ સુધી રહેરો. એક અનન્ય અને ગૌરવવંતી માતાના પુત્ર તરીકે જન્મ પામવાથી હું કૃતાર્થ થયો તેનો અહેસાસ અને તેનો ઉપકાર હું યુગ-યુગાંતરમાં પણ ચૂકવી શકીશ નહિ. કદાચ આવતા કોઈ ભવમાં ફરીથી તેમના પુત્ર થવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય, અને…


અનુવાદકની નોંધ

નરેને આ ‘એપીલોગ’ લખી મોકલ્યો. તેના કહેવા પ્રમાણે બાઈની યાદગીરીની અનેક વાતો તેના સ્મૃતિપટમાં સ્પષ્ટ રીતે અંકાઈ છે, જે તેણે લખી મોકલી નથી. તેનું માનવું છે આ બાઈની આત્મકથા છે. તેમાં તેને (નરેનને) પોતાની કથની કહેવાનો અધિકાર નથી. નરેન એક અબૂધ અને સરળ સિપાહી છે – “Naïve and Sentimental Soldier” યદા-કદાચિત્‌ તેનામાં બાઈ જેવી લેખનશક્તિની સ્કુરણા અને આત્મકથા લખવા જેટલી શક્તિ આવે તો એક ‘ટ્રીલૉજી’ લખવાનો પ્રયત્ન કરશે એમ તેણે કહ્યું છે. તેને પથદર્શન કરનાર પ્રથમ સોપાન તો આ પુસ્તક છે. એક મિત્ર તરીકે તેને બાઈને અંજલી આપતાં પુસ્તકો લખવાની વિનંતી કરીશ.

– “એકલવ્ય’


કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com

બ્લૉગઃ  www.captnarendra.blogspot.com


સંપાદકીય નોંધઃ

આ સાથે વિમલાતાઈની સંઘર્ષમય આત્મકથાનો અહીં અંત આવ્યો છે.

હવે પછી નંવેમ્બર ૨૦૨૫ના ચોથા રવિવારથી શરૂ થઈને દર બીજા અને ચોથા રવિવરે ઝવેરચંદ મેઘાણીની ‘અશિતાનું કલંક યાને કોરિયાની કથા’ ક્રમશઃ પ્રકાશિત કરીશું.