ટકાઉપણાની વિભાવનાના અગ્રદૂત : જ્યોર્જ પર્કિન્સ માર્શ

લેખન-સંકલન : યાત્રી બક્ષી

જેમ પ્રકૃતિનાં દુર્ગમ સ્થળોને ખેડીને તેનું અવલોકન કરવું, નોંધ કરવી અને ત્યારબાદ વૈજ્ઞાનિક પદ્ધતિઓના આધારે વર્ગીકૃત કરી દસ્તાવેજ રચવા મહત્ત્વના છે તે જ રીતે વિશ્ર્વની માનવજાતના જીવન સાથે તે શોધખોળ કે દસ્તાવેજો જોડી આપવા માટે ભગીરથ લેખનકાર્ય આરંભવું એ પણ ખૂબ મહત્ત્વનું છે. આપણે આજે જે કંઈ જાણી-માણી રહ્યા છીએ તે તમામ વિગતો બે પ્રકારનાં માધ્યમોમાંથી ઉપલબ્ધ છે, એક વૈજ્ઞાનિક દૃષ્ટિએ સંગ્રહિત અહેવાલો અને દસ્તાવેજો અને બીજું એ સંદર્ભે વિવેચકો, નિરીક્ષકો અને લેખકોએ આપેલાં રસપ્રદ લખાણો, વિવરણો અને પ્રકાશનો. આજે આવા એક અમેકિરન લેખકની લેખનની કેડીએ ચાલીશું.

જ્યોર્જ પર્કિન્સ માર્શ એક અસાધારણ વ્યક્તિ હતા. તેઓ અમર્યાદ ઊર્જા, અનંત ઉત્સાહ અને અપાર બુદ્ધિ ધરાવતી વ્યક્તિ હતા. તેમને અમેરિકાના પ્રથમ પર્યાવરણવાદી માનવામાં આવે છે. આજથી એકસો વર્ષ પહેલાં તેમણે ‘માણસ અને પ્રકૃતિ’ નામના નોંધપાત્ર પુસ્તકમાં આપણાં વિનાશક કાર્યો વિશે ચેતવણી આપી હતી. માનવક્રિયા દ્વારા સંશોધિત ભૌતિક ભૂગોળ-પર્યાવરણ ઉપર માનવપ્રવૃત્તિઓની વિનાશક અસર વિશે ચિંતા વ્યક્ત કરનાર તેઓ સૌ પ્રથમ હતા. જ્યોર્જ પર્કિન્સ માર્શ, પ્રખ્યાત વિદ્વાન અને પ્રકૃતિવાદી, પર્યાવરણીય ચળવળના સ્થાપક પિતાઓમાંના એક તરીકે ઘણા લોકો માટે જાણીતા છે. વિદ્વાન માર્શ જીવનભર જ્ઞાનના પ્રેમી રહ્યા. તેમણે તેમના જ્ઞાનનો ઉપયોગ કુદરતી વિશ્ર્વના લાભ માટે કર્યો હતો. આપણે તેમને એક દૂરદર્શી વિચારક-લેખક તરીકે જાણીએ  એ પહેલાં એમના જીવન વિશે જાણવું જરૂરી છે જેથી એમની બહુમુખી પ્રતિભાને સમજી શકાય.

જ્યોર્જ પર્કિન્સ માર્શનો જન્મ ૧૫ માર્ચ, ૧૮૦૧ના રોજ વુડસ્ટોક, વર્મોન્ટ, યુ.એસ.એ.માં થયો હતો. તેમના પિતા, ચાર્લ્સ માર્શ, ન્યાયાધીશ હતા અને માતા સુસાન, પ્રત્યેક માતાની જેમ પ્રેમાળ અને વત્સલ હતી. માર્શ એક ગંભીર બાળક હતા. તેથી તેઓ ઉંમર કરતાં ઘણા મોટા લાગતા. તેમણે પાંચ કે છ વર્ષની ઉંમરે લેટિન અને ગ્રીકનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. તેમના મોટા ભાઈ ચાર્લ્સે તેમનામાં વાંચનનો આજીવન જુસ્સો જગાડ્યો. જોકે, નબળા પ્રકાશમાં ખૂબ વાંચન કરવાથી તેમની આંખોમાં તણાવ વધતાં તેઓ લગભગ સાત કે આઠ વર્ષના થયા ત્યાં સુધીમાં દૃષ્ટિ વિહીનતાના શિકાર બન્યા. પછીનાં ચાર વર્ષ સુધી, તે ભાગ્યે જ કંઈ વાંચી શક્યા કારણ કે હવે વાંચન માટે તેમને બીજા પર આધારિત રહેવું પડતું. તેમ છતાં તેમણે યાદ રાખવાની આશ્ર્ચર્યજનક શક્તિઓ વિકસાવી. આમ, અંધકારમય ઓરડો નહિ, પ્રકૃતિનો કાયમી પ્રેમ પ્રાપ્ત કર્યો.

એક યુવાન તરીકે માર્શનું ઔપચારિક શિક્ષણ નજીવું હતું અને તેમની શીખવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં નબળી દૃષ્ટિ અને ધીમે ધીમે શ્રવણ શક્તિ પણ નબળી થઈ જતાં તેઓ વારંવાર બીમાર રહેતા. શાળાના અભ્યાસમાં નિયમિત રહી શક્યા નહિ. ૧૮૧૬માં, માર્શના પિતાએ તેમને એન્ડોવર, મેસેચ્યુસેટ્સ ખાતે ફિલિપની એકેડેમીમાં મોકલ્યા, જે દેશની પ્રથમ એવી શાળા હતી જ્યાં ઉચ્ચ શિક્ષણ માટે બાળકોને તાલીમ આપવામાં આવતી.

શિક્ષણ માટે જરૂરી એવી બે ઇન્દ્રિયો નબળી હોવા છતાં માત્ર ૧૫ વર્ષની ઉંમરે, માર્શે કૉલેજનો અભ્યાસ શરૂ કર્યો. તેના મોટાભાગના સહપાઠીઓ કરતાં તેઓ ત્રણથી પાંચ વર્ષ નાના હતા. સ્વભાવે શરમાળ વિદ્યાર્થી માર્શ માત્ર ૧૯ વર્ષની ઉંમરે કૉલેજમાંથી સ્નાતક થયા. સ્નાતક થયાનાં માત્ર બે અઠવાડિયાં પછી માર્શ, ‘અમેરિકન લિટરરી, સાયન્ટિફિક અને મિલિટરી એકેડેમી’માં ગ્રીક અને લેટિન ભાષાઓના પ્રોફેસર તરીકે કામ કરવા માટે નોર્વિચ, વર્મોન્ટ ગયા. જોકે, ચાર માળની ઈંટની બેરેક જેવી નિરાશાજનક અને અંધકારમય એકેડેમી માર્શને પ્રોત્સાહિત નહોતી કરતી, આથી તેઓ મોડી રાત સુધી પુસ્તકાલયમાં જર્મન અને સ્કેન્ડિનેવિયનમાં વાંચનકાર્યોમાં મોટાભાગનો સમય પસાર કરતા હતા.

કમનસીબે, વર્ષ પૂરું થતાં પહેલાં જ માર્શની દૃષ્ટિ વધુ બગડી અને તેમને એકેડેમી છોડી દેવાની અને નેત્ર ચિકિત્સક શોધવાની ફરજ પડી. માર્શ વુડસ્ટોક પાછા ફર્યા. વાંચનનો સદંતર ત્યાગ કર્યા પછી તેમની દૃષ્ટિમાં ધીમે ધીમે સુધારો થયો અને વિન્ડસર કાઉન્ટી કૉર્ટના એટર્ની તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. થોડા સમય પછી, માર્શે વર્મોન્ટની સામેની બાજુએ આવેલા બર્લિંગ્ટનમાં સ્થળાંતર કર્યું, જે આગામી ૩૫ વર્ષ માટે તેમનું ઘર બની ગયેલું. તેમણે બર્લિંગ્ટનમાં કાયદાનો અભ્યાસ કર્યો. ૧૮૨૫માં તેમને બારમાં દાખલ કરવામાં આવ્યા. તેમણે પોતાની જાતને ફિલોલોજિકલ અભ્યાસમાં પણ સમર્પિત કરી. ૧૮૩૫માં તેઓ વર્મોન્ટની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં નિયુક્ત થયા અને ૧૮૪૩થી ૧૮૪૯ સુધી કૉંગ્રેસમાં પ્રતિનિધિ રહ્યા. તેમણે મિસિસિપી ખીણના પ્રાચીન સ્મારકોના સંપાદક તરીકે સેવા આપી. જ્હોન્સનના યુનિવર્સલ સાયકલોપીડિયા માટે ઘણા લેખો લખ્યા અને ‘ધ નેશન’ને ઘણી સમીક્ષાઓ અને પત્રો આપ્યા.

તેમનું પારિવારિક જીવન જોઈએ તો માર્શે ૧૮૨૮માં બર્લિંગ્ટનના એક અગ્રણી જમીનમાલિકની પુત્રી હેરિયેટ બ્યુએલ સાથે લગ્ન કર્યાં, પરંતુ બે પુત્રો જન્મ્યા પછી માત્ર પાંચ વર્ષમાં પત્નીનું અવસાન થયું. ૧૮૩૯માં તેમણે કેરોલિન ક્રેન સાથે લગ્ન કર્યાં, જેઓ એક શિક્ષક, કવિ, ભાષા-શાસ્ત્રના વિદ્વાન અને મૂળ મેસેચ્યુસેટ્સનાં નારીવાદી હતાં. કેરોલીન જ્યોર્જથી પંદર વર્ષ જુનિયર હતી, પરંતુ તેની તીવ્ર બુદ્ધિએ ઉંમરના આ અંતરને અતિક્રમી માર્શની મિત્રસંગિની બનાવી દીધી. કેરોલીનની બૌદ્ધિક અને કલાત્મક રુચિઓએ માર્શને નારીવાદી દૃષ્ટિકોણથી પ્રભાવિત કર્યા. પરિણામે તેઓને મહિલા શિક્ષણમાં ખૂબ રસ પડ્યો, જેનાથી તેઓ સાહિત્યિક માર્ગને અનુસરવા પ્રેરાયા. ડાર્ટમાઉથ કૉલેજ, હેનોવરમાં માર્શે કાયદાની સફળ પ્રેક્ટિસ વિકસાવી. તેમની તીક્ષ્ણ ગ્રહણશક્તિએ તેમને શાસ્ત્રીય સાહિત્ય, ભાષાઓમાં પ્રખરતા અપાવી. માત્ર ૩૦ વર્ષની ઉંમર સુધીમાં ૨૦ ભાષાઓમાં તેઓની અસ્ખલિત ક્ષમતા હતી. તેઓ સાથેસાથે કૃષિ વિજ્ઞાનના અભ્યાસ તરફ પણ આકર્ષાયા. સિલ્વીકલ્ચર અને માટી સંરક્ષણ એમના રુચિના વિષય બન્યા. ૧૮૪૨માં તેઓ કૉંગ્રેસ માટે ચૂંટાયા હતા, જ્યાં તેઓ ભૂતપૂર્વ પ્રમુખ જ્હોન ક્વિન્સી એડમ્સથી ખૂબ પ્રભાવિત હતા. એડમ્સની દીર્ઘ દૃષ્ટિ અને કુદરતી સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપનમાં સરકારની ભૂમિકાના વિચારો માર્શને માટે પ્રેરણાદાયી નીવડ્યા.

માર્શે ૧૮૪૭માં વર્મોન્ટની રુટલેન્ડ કાઉન્ટીની એગ્રીકલ્ચર સોસાયટીમાં એક ભાષણ આપ્યું હતું, જેમાં કેન્દ્રવર્તી વિચાર એ હતો કે જંગલોને કાપીને અને સાફ કરીને અને કાદવીયા જલપ્લાવિત વિસ્તારોને નાબૂદ કરીને માનવી જે તે વિસ્તારની સ્થાનિક અને પ્રાદેશિક આબોહવાને પ્રભાવિત કરે છે. અઢારમીથી ઓગણીસમી સદીનો વળાંક એટલે કે પ્રબુદ્ધ યુગ દરમિયાન એટલાન્ટિક મહાસાગરની બંને બાજુના ફિલસૂફો, પ્રકૃતિવાદીઓ અને સ્થાનિક ચુનંદા લોકોમાં આ એક સામાન્ય ચર્ચા હતી, જેમાં ડેવિડ હ્યુમ, કોમ્ટે ડી બફોન, થોમસ જેફરસન, હ્યુજ વિલિયમસન, એલેકઝાન્ડર વોન હમ્બોલ્ટ, ચાર્લ્સ લાયેલ અને અન્ય ઘણા લોકોનો સમાવેશ થાય છે. કૉંગ્રેસમાં બીજા સત્રમાં સેવા આપ્યા પછી, માર્શને તુર્કીમાં યુ.એસ.ના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે મધ્ય પૂર્વીય અને ભૂમધ્ય ભૂગોળ અને કૃષિ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો. ૧૮૫૨માં તેમને તુર્કીથી પાછા બોલાવ્યા તે પહેલાં તેમણે વોશિંગ્ટન, ડી.સી.ની સ્મિથસોનિયન સંસ્થાને ઘણા નમૂનાઓ મોકલ્યા હતા. તેઓ ૧૮૫૬માં રિપબ્લિકન પાર્ટીના સભ્યા પણ બન્યા.

કેટલાક દસ્તાવેજો માર્શના વ્યક્તિત્વમાં વસેલી કુદરતની ઝાંખી કરાવે છે. આસા ગ્રે, વનસ્પતિશાસ્ત્રીને લખેલા પત્રમાં તેઓ કહે છે : “હકીકતમાં જુઓ તો ખરેખર મેં પ્રારંભિક જીવનનો મોટો સમય જંગલોમાં જ વીતાવ્યો હતો. વર્મોન્ટના પ્રદેશનો મોટો હિસ્સો મારી યાદમાં, કુદરતી જંગલોથી ઢંકાયેલો હતો; અને વ્યક્તિગત રીતે જમીનો સાફ કરવા, ઉત્પાદન અને લાકડાના વેપારમાં નોંધપાત્ર હદ સુધી રોકાયેલા હોવાને કારણે, મને જંગલની જમીન અને જંગલનાં ઉત્પાદનોનું સંચાલન કરવાની અયોગ્ય પ્રણાલીના પરિણામે થતી અસરોનું અવલોકન કરવાનો અને અનુભવવાનો પ્રસંગ મળ્યો છે.” માર્શની ઉંમર જેમ જેમ વધતી ગઈ તેમ તેઓ શિયાળામાં વર્મોન્ટમાંથી બહાર જવાનું પસંદ કરતા. તેમની આત્મકથા લખનાર લોવેન્થલ તેમના શબ્દોમાં જ નોંધે છે કે “શરદી મને સંપૂર્ણ રીતે લકવાગ્રસ્ત કરી દે છે, અને હું ન તો કસરત કરી શકું છું કે ન તો અભ્યાસ કરી શકું છું. આ આબોહવામાં એકસાથે મહિનાઓ સુધી ‘બેઝર’ની જેમ ‘હાઇબરનેટ’ કરવાની જરૂરિયાતને કારણે જીવન ખરાબ રીતે ટૂંકું થઈ જાય છે, અને મને નવેમ્બર અને મે વચ્ચેનો સમયગાળો અસ્વસ્થ ઊંઘ કરતાં થોડો સારો લાગે છે.”

વર્મોન્ટના શિયાળામાંથી બહાર નીકળવાનું તેમનું સપનું ત્યારે સાકાર થયું જ્યારે તુર્કીમાં (૧૮૪૯-૧૮૫૪) અને પછી નવા રચાયેલા કિંગડમ ઓફ ઈટાલીમાં યુ.એસ.ના પ્રધાન તરીકે સેવા આપવા માટે તેમની નિયુક્તિ થઈ. મધ્ય પૂર્વમાં વર્ષો સુધી રહેવાને કારણે તેમને સમગ્ર ઇજિપ્ત અને અરેબિયાના કેટલાક ભાગોમાં મુસાફરી કરવાનો સમય મળ્યો. ૧૮૬૧માં પ્રમુખ અબ્રાહમ લિંકને તેમને ઈટાલીના પ્રથમ પ્રધાન બનાવ્યા, તેઓ મૃત્યુ સુધી તે પદ પર રહ્યા હતા. તે સમયગાળા દરમિયાન તેમણે ‘મેન એન્ડ નેચર’ – ‘માણસ અને પ્રકૃતિ’ અથવા ભૌતિકભૂગોળમાં માણસે કરેલા બદલાવો વિશેના પુસ્તક ‘એઝ મોડીફાઈડ બાય હ્યુમન એક્શન’ (૧૮૬૪)માં તેમના સંચિત જ્ઞાન અને અનુભવનો સારાંશ આપ્યો.

આખી જિંદગી તેઓ રાજદ્વારી અને એકેડેમિક્ વર્તુળોમાં રહ્યા, ખાસ કરીને તેમના દ્વારા કરાયેલ નોલેજ બેંકની સ્થાપના અમેરિકાના ઇતિહાસ માટે મહત્ત્વનો પાયો બની રહી. ગ્રીસ અને રોમમાં તેમણે રાજદ્વારી બંધારણીય કાયદાઓ અને વહીવટી પ્રશાસનની સ્થાપના માટે સેવા આપી હતી.

તેમના જીવનચરિત્રના લેખક ડેવિડ લોવેન્થલે તેમને ‘બહુમુખી પ્રતિભાવાન વર્મોન્ટર’ તરીકે ઓળખાવ્યા છે. અંગ્રેજી ભાષાની ઉત્પત્તિ પર પણ તેમણે એક પુસ્તક લખ્યું હતું અને ઉત્તર અમેરિકામાં તેઓ અગ્રણી સ્કેન્ડિનેવિયન વિદ્વાન તરીકે જાણીતા હતા, તેમણે વોશિંગ્ટન મોન્યુમેન્ટ સહિતની ઇમારતો ડિઝાઈન કરી. વોશિંગ્ટનમાં કોંગ્રેસમેન તરીકે (૧૮૪૩-૪૯) માર્શે સ્મિથસોનિયન સંસ્થાને માર્ગદર્શન આપવામાં મદદ કરી. પાંચ વર્ષના તુર્કીના નિવાસ દરમ્યાન તેમણે ક્રાંતિકારી શરણાર્થીઓને મદદ કરી હતી અને ધાર્મિક સ્વતંત્રતાની હિમાયત કરી હતી. તેમણે ઈટાલિયન ફોરેસ્ટરના કામનો પણ અભ્યાસ કર્યો, ખાસ કરીને એડોલ્ફ વોન બેરેન્જર અને જંગલ પુન:સંગ્રહના અભિગમોથી તેઓ પ્રભાવિત થયા હતા.
‘મેન એન્ડ નેચર’ : માનવીને પૃથ્વીના પર્યાવરણના વિનાશના એજન્ટ તરીકે રજૂ કરનાર સર્વપ્રથમ દસ્તાવેજ

૧૮૬૨માં તેઓએ વિશ્ર્વવિખ્યાત પુસ્તક ‘મેન એન્ડ નેચર’નું લેખન શરૂ કર્યું. ૧૯મી સદીના ભૂગોળ, ઇકોલોજી અને રિસોર્સ મેનેજમેન્ટમાં સૌથી નોંધપાત્ર પ્રગતિમાં આ તેમનું સૌથી મોટું યોગદાન છે. આ પુસ્તક ૧૮૬૪માં પ્રકાશિત થયું. પુસ્તકમાં ચર્ચવામાં આવેલા મુદ્દાઓએ પ્રકૃતિના અનેક અભ્યાસુઓ માટે નવી દિશાઓ ખોલી આપી. આપણી લેખમાળામાં અન્ય પ્રકૃતિવિદોની સરખામણીએ પ્રથમ દૃષ્ટિએ માર્શ એક વિદ્વાન રાજદ્વારી માત્ર લાગે, પરંતુ આ એક પુસ્તકમાં તેમણે આપેલી વિવેચનાઓ અને પૃથ્વીનાં અનેક તત્ત્વો અને પ્રક્રિયાઓને પ્રભાવિત કરવામાં માનવસમાજની ભૂમિકાનો એક મહત્ત્વનો મુદ્દો તેમને મહત્ત્વના વિચારક તરીકે પ્રથમ હરોળમાં લાવી મૂકે છે.

તેમનું આ પુસ્તક ‘મેન એન્ડ નેચર’એ ઇકોલોજીના પ્રારંભિક કાર્યની રચના છે, જે દ્વારા કેળવાયેલી સમજે એડિરોન્ડેક પાર્કની રચનામાં ભૂમિકા ભજવી હતી. એડિરોન્ડેક પાર્ક એ ઉત્તર પૂર્વીય ન્યુયોર્કનું એક ઉદ્યાન છે જે એડિરોન્ડેક પર્વતોનું રક્ષણ કરે છે. આ ઉદ્યાનની સ્થાપના ૧૮૯૨માં “તમામ લોકોના સ્વાસ્થ્ય અને આનંદ માટે મફત ઉપયોગ માટે” અને વોટરશેડની સુરક્ષા માટે કરવામાં આવી હતી. ૬.૧ મિલિયન એકરમાં ફેલાયેલું તે યુનાઇટેડ સ્ટેટ્સનું સૌથી મોટું ઉદ્યાન છે.

એડિરોન્ડેક પાર્કમાં ૪૬ ઉચ્ચ શિખરો, ૨,૮૦૦ તળાવો, ૪૮,૦૦૦ કિ.મી. લંબાઈની નદીઓ અને ઝરણાંઓ અને અંદાજિત ૨૦૦,૦૦૦ એકર(૮૧,૦૦૦ હેક્ટર)માં જૂનાં-વિકસિત જંગલો છે. અહીં ૧૦૫ નગરો અને ગામડાઓ તેમજ અસંખ્ય ખેતરો, વ્યવસાયો અને લાકડાં કાપવાનો ઉદ્યોગ છે. ઉદ્યાનમાં ૧૩૦,૦૦૦ કાયમી અને ૨૦૦,૦૦૦ મોસમી રહેવાસીઓની વસ્તી છે અને ૧૨.૪ મિલિયનથી વધુ વાર્ષિક મુલાકાતીઓ તેની મુલાકાત લે છે. માનવ સમુદાયોનો સમાવેશ આ ઉદ્યાનને ઔદ્યોગિક વિશ્ર્વમાં વિકસિત જમીનોના સંરક્ષણમાં સૌથી સફળ પ્રયોગોમાંથી એક બનાવે છે. એડિરોન્ડેક ફોરેસ્ટ પ્રિઝર્વને ૧૯૬૩માં નેશનલ હિસ્ટોરિક લેન્ડમાર્ક તરીકે નિયુક્ત કરવામાં આવ્યું હતું. વિશ્ર્વમાં માનવસમાજ દ્વારા અમલમાં મૂકવામાં આવેલું આ એક એવું સ્તુત્ય કાર્ય છે જેનાથી બીજાં કેટલાંયે આવાં સ્થળો પ્રાકૃતિક દૃષ્ટિએ રક્ષિત કરી શકવાની વાસ્તવિક પ્રેરણા આપે છે.

માર્શે દલીલ કરી હતી કે વન નાબૂદી, રણમાં પરિણમી શકે છે. ભૂમધ્ય સમુદ્રની આજુબાજુની એક વખતની લીલીછમ જમીનોને સાફ કરવાનો ઉલ્લેખ કરીને, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે “માણસ દ્વારા નિર્ધારિત અનેક કામગીરી પૃથ્વીના ચહેરાને ચંદ્રની જેમ લગભગ સંપૂર્ણ વેરાન બનાવવાની દિશામાં લઈ જઈ રહી છે.” તેમણે દલીલ કરી હતી કે જ્યાં સુધી માણસ સંસાધનોનું સંચાલન કરે છે અને તેને સારી સ્થિતિમાં રાખે છે ત્યાં સુધી કલ્યાણ સુરક્ષિત છે. ભાવિ પેઢીઓનું કલ્યાણ, સંસાધન-વ્યવસ્થાપનમાં રહેલું છે, આથી પ્રત્યેક નીતિ અને કામગીરીઓમાં તેની સુરક્ષા નિર્ણાયક હોય તે અનિવાર્ય છે. સંસાધનોની અછત એ પર્યાવરણીય અસંતુલનનું પરિણામ છે, જે ગેરવાજબી માનવીય ક્રિયાઓનું પરિણામ છે.

તેઓ જણાવે છે કે “માણસ તેની ખુશીથી વરસાદ અને સૂર્યપ્રકાશ, પવન અને હિમ અને બરફને આદેશ આપી શકતો નથી, તેમ છતાં એ હકીકત છે કે આબોહવા પોતે ઘણા કિસ્સાઓમાં ધીમે ધીમે બદલાઈ ગઈ છે અને માનવીય ક્રિયાઓ દ્વારા તે સુધરે અથવા બગડે છે. જંગલો બાષ્પીભવનને પ્રભાવિત કરે છે, એક તરફ કુદરતી સરોવરો અને તળાવોને સૂકવી બીજી તરફ જંગલોને સાફ કરતા જઈને, માનવી વાતાવરણમાં જે ભેજનું પ્રમાણ જળવાઈ રહેવું જોઈએ તેમાં વિક્ષેપ ઊભો કરે છે. જેના લીધે સૂરજના પ્રકાશ અને ગરમીના વિતરણ, સૂર્યકિરણોને પ્રતિબિંબિત અને શોષવાની ક્ષમતા અને ઊર્જાના વિકેન્દ્રિત રૂપાંતરણની પ્રક્રિયામાં અસંતુલન ઊભું કરે છે. જે પવનની દિશા, બળ અને તેમાં ભેજવહન ક્ષમતાને પ્રભાવિત કરે છે. નાની કે મોટી માનવીય વસ્તીમાં કે વનોમાં લાગતી આગ અને નાનાં-મોટાં માળખાકીય બાંધકામો વગેરે સમગ્ર વાતાવરણમાં ગરમીનું પ્રમાણ એવું તો વધારે છે કે વાસ્તવમાં વનસ્પતિજગતમાં ધીમે છતાં મોટાં પરિવર્તનો લાવે છે.”

આ વિવેચન બાદ જલવાયુ પરિવર્તન પર કામ કરનારા ઘણા વિજ્ઞાનીઓએ પણ જણાવ્યું અને સાબિત કરી આપ્યું કે ગીચ વસ્તી ધરાવતા લંડનનું સરેરાશ તાપમાન આજુબાજુના દેશના તાપમાન કરતાં એક ડિગ્રી અથવા બે ડિગ્રી વધારે છે, જે દુનિયાના બીજા ખૂણે રશિયા જેવી પાતળી વસ્તીવાળા દેશની આબોહવાને પણ સમાન કારણોસર સંવેદનશીલ રીતે બદલી શકે છે.

માર્શ વેદના સાથે લખે છે કે જૂનું જગત હોય કે નવા શોધાતા ભૂખંડો, માનવીને આ વિશાળ પૃથ્વી મળી છે પણ તેને શ્ર્વાસ લેવા પૂરતી જગ્યા નહિ રહે તે સ્થિતિએ એને લાવી મૂકશે, અને ત્યારબાદ સૃષ્ટિ દ્વારા તેને ફરી સ્વાસ્થ્યપ્રદ થવા બદલવાની અત્યંત ધીમી પ્રક્રિયાની રાહમાં વર્ષો વિતાવશે, પરંતુ એ આ નૈસર્ગિક વિપુલ કુદરતી સૌંદર્યને વેડફતો જ રહેશે.

પૃથ્વી પર માણસની ક્રિયાઓની બદલી ન શકાય તેવી અસરને માન્યતા આપીને, ટકાઉપણાની વિભાવનાના અગ્રદૂત તરીકે, માર્શને પ્રથમ પર્યાવરણ ‘સંરક્ષણવાદી’ તરીકે ઓળખવા વધુ સચોટ હશે. વર્મોન્ટમાં માર્શ-બિલિંગ્સ-રોકફેલર નેશનલ હિસ્ટોરિકલ પાર્કનું નામ માર્શ પરથી પડ્યું છે. આજે તેમને ‘માણસ અને પ્રકૃતિ’ પુસ્તકના તેમના યોગદાન માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે. વર્મોન્ટમાં યુવાનીમાં તેમણે કરેલાં અવલોકનો તેમજ મધ્યપૂર્વમાં તેમની મુસાફરી આ પુસ્તકનો આધાર બન્યાં છે. તેઓ પહેલા એવા અવલોકનકાર હતા કે જેઓએ સ્પષ્ટ સુણાવ્યું કે મનુષ્ય પરિવર્તનના એજન્ટ છે અથવા “ખલેલ પહોંચાડનાર એજન્ટ” છે. તેમના પ્રથમ પુસ્તક મેન એન્ડ નેચર બાદ, બીજી આવૃત્તિ ધ અર્થ એઝ મોડીફાઈડ બાય હ્યુમન એક્શન – (૧૮૭૪)માં માનવીની દખલગીરીથી પૃથ્વીના ભૌગોલિક પર્યાવરણમાં આવેલાં પરિવર્તનો વિષેના મુદ્દાઓ ફરી ચર્ચવામાં આવ્યા છે.

માર્શનો કેન્દ્રવર્તી વિચાર એ હતો કે, “મેં ક્યારેય કોઈ પરિબળને મામૂલી માનીને મૂલવ્યું નથી કારણ કે એક જ ઉત્પત્તિ કારણ માનીને બીજી અનેક અસરો વિષે શોધ થઈ શકતી નથી. તેનું માપ અજ્ઞાત છે, તેના મૂળ તરીકે કોઈ ભૌતિક અસર શોધી શકાતી નથી કારણ કે એક પ્રક્રિયા એકલી અલગ રીતે પ્રભાવિત થતી કે કરતી નથી. માર્શ આ કથન દ્વારા દર્શાવે છે કે પારસ્પરિક સંબંધો જો પૃથ્વી પર જીવન ટકાવતા હોય તો પરસ્પરના પ્રભાવો તેના નાશનાં કારણો પણ બને છે. તે સમયના ભૂગોળશાસ્ત્રીઓ, આર્નોલ્ડ ગાયોટ અને કાર્લ રિટર દ્વારા મૂકવામાં આવેલો પરંપરાગત વિચાર એ હતો કે પૃથ્વીનું ભૌતિક પાસું સંપૂર્ણપણે કુદરતી ઘટનાઓ, પર્વતો, નદીઓ, મહાસાગરોનું પરિણામ છે. માનવજાતના ઘર તરીકે પૃથ્વીને એક અખંડ એકમ તરીકે માનીને તેના અભ્યાસ તરફ ક્યારેય કોઈ વળ્યું ન હતું. માર્શ પર્યાવરણીય અને સામાજિક સંબંધોની પરસ્પર નિર્ભરતાનું વર્ણન કરનાર પ્રથમ વ્યક્તિ હતા.

મેન એન્ડ નેચર પુસ્તકને વિવેચકો, વિજ્ઞાનીઓ અને સામાન્ય લોકો દ્વારા એકસરખો આવકાર મળ્યો હતો. માર્શ તેમની કેટલીક આગાહીઓ પર નિશાન ચૂકી ગયા હોવા છતાં, તે નોંધનીય છે કે આજે આ અસરોને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. તેમણે આર્બર ડે ચળવળ, વન અનામતની સ્થાપના અને રાષ્ટ્રીય વન વ્યવસ્થાને વેગ આપ્યો. માર્શનો પ્રભાવ અમેરિકન સરહદોની બહાર વિસ્તર્યો. આ પુસ્તક અનેક જંગલ- વ્યવસ્થાપકોએ સમગ્ર યુરોપ અને કાશ્મીર અને તિબેટ સુધી પહોંચાડ્યું.

૧૮મી સદીમાં જળવાયુ પરિવર્તન માટેનાં પરિબળોની ઓળખ કરી આપનાર જ્યોર્જ પર્કિન્સ માર્શએ કુદરતની કેડી પર એવો પ્રકાશ પાથરેલો કે જો તેના ચીંધી કેડીને કોઈએ અનુસરી હોત તો આજે જેનાથી આપણે માનવસર્જિત મહાવિલોપનની દિશામાં પૂરઝડપે દોડી રહ્યા છીએ તેના બદલે એકવીસમી સદીમાં ટકાઉ સ્વસ્થ જીવનના માર્ગો પર સુરક્ષિત પ્રગતિ કરતા હોત.


યાત્રી બક્ષી: paryavaran.santri@gmail.com


સંદર્ભ : ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ માહિતીઓ, સંશોધન લેખો અને સંગ્રહસ્થાનો


ભૂમિપુત્ર : ૧ જાન્યુઆરી, ૨૦૨૫