મંજૂષા
વીનેશ અંતાણી
એક અપ્રગટ નવલકથામાં મૃતાત્માઓને રહેવાના સ્થળની કલ્પના કરવામાં આવી છે.

એ સ્થળનું આકાશ ગાઢ લીલા રંગનું છે. એની નીચે જાંબુડી અને રાખોડી રંગનાં વાદળ સ્થિર ઊભાં છે. મુલાયમ હવામાં ક્યારેક વિષાદની તો ક્યારેક શાતા આપતી લહેરખીનો સ્પર્શ થાય છે. જગ્યાએ જગ્યાએ આછા ધુમ્મસી રંગના ફુગ્ગા ઊડે છે. એ ફુગ્ગાઓમાં મૃત લોકોના પૂર્વજન્મની સ્મૃતિઓ ભરી છે. કોઈ ફુગ્ગા કાગળના ફાનસમાં મૂકેલી મીણબત્તીના અજવાળાથી પ્રકાશિત હોય છે, તો કોઈ ફુગ્ગામાં બુઝાવા આવેલો દીવો ટમટમે છે. સમગ્ર વિસ્તારમાં ચાંદી જેવા રંગની સુંવાળી રેતી પથરાયેલી છે. આ સ્થળની ચારે બાજુ દૂર દૂર સુધી ભૂખરા પર્વતોની હારમાળા આવેલી છે. એ પર્વતોની વચ્ચે રાજહંસ જેવાં શ્વેત સરોવરો આવેલાં છે. વૃક્ષોની ડાળીઓ પર ઝગમગતા હીરા જેવાં ફૂલો ખીલ્યાં છે.
અહીં સમય સીધી રેખામાં ચાલતો નથી, ચક્રાકારે વમળાતો ગતિ કરે છે. અહીં નિવાસ કરતા મૃતાત્માઓ પાસે વાણી નથી. તેઓ ભાષાથી પર થઈ ગયા છે. તેમ છતાં પૃથ્વી પર વસતાં સ્વજનો સાથે સંવાદ કરવાની ઇચ્છા થાય ત્યારે તેઓ મૂક સંવાદ કરી શકે છે. ક્યારેક સ્વજનોનાં સપનાંમાં આવે છે, ક્યારેક સંકેતોથી પોતાના અદૃશ્ય અસ્તિત્વનો આભાસ કરાવે છે. અત્યંત સંવેદનશીલ પરિવારજનોને એમના મૃત પૂર્વજોની હરફરના આછા ભણકાર થાય છે.
માનવજાતને પ્રાચીન સમયથી અસીમ આકાશ, ઊંચા પર્વતો, વિશાળ સમુદ્રો અને દિશાઓની પેલી પાર શું આવેલું હશે એ જાણવાની જિજ્ઞાસા રહી છે. એ માટે માનવોએ પુરાકથાઓ, દંતકથાઓ, કાવ્યો, મહાકાવ્યો અને નાટકોમાં કાલ્પનિક જગતનું નિર્માણ કર્યું છે અને એ માર્ગે તેઓ વાસ્તવિક જગત અને કાલ્પનિક જગત વચ્ચેનું અંતર કાપવાની મથામણ કરતા રહ્યા છે. આ કથાઓ રોજિંદી જિંદગીના એકધારાપણા અને હતાશામાંથી બહાર લાવી માનવોમાં એક પ્રકારની આસ્થા જન્માવે છે.
હિંદી અને ઉર્દૂના જાણીતા લેખક ખાલિદ જાવેદે એમની નવલકથા ‘અરસલાન અને બહઝાદ’માં એક વિશિષ્ટ પ્રદેશની વાત કરી છે. પ્રાચીનતમ વાર્તાઓથી માંડી નવી વાર્તાઓ આ પ્રદેશમાં જન્મે છે, પોષણ પામે છે અને દુનિયાભરમાં પ્રસરે છે. આખી દુનિયાના સાહસિક પ્રવાસીઓ, વહાણવટીઓ, યાત્રાળુઓ અહીં આવે છે, તેઓ એમણે બીજેથી સાંભળેલી, જાતે અનુભવેલી, કથાઓ અહીં મૂકી જાય છે અને નવી કથાઓ એમની સાથે લઈ જાય છે. એ રીતે કથાઓ એક સ્થળમાંથી બીજાં સ્થળોમાં પહોંચે છે. એ કથાઓમાં સત્યકથાઓ હોય છે, પુરાકથાઓ હોય છે, લોકકથાઓ અને દંતકથાઓ હોય છે. પેઢી દર પેઢી ઊતરી આવતી આ કાલ્પનિક કથાઓ વાસ્તવિક જગતમાં બનેલી હકીકતોના દસ્તાવેજોથી વધારે પ્રતીતિકર લાગે છે.
માનવસમુદાયે યુગોથી યાદ રાખેલી કથાઓનો જાદુ સંસ્કૃતિના વિકાસમાં ખૂબ મહત્ત્વનો ફાળો આપે છે. આવા જ પ્રકારની વાત મૂળ ભારતનાં અંગ્રેજી લેખિકા ટશન મહેતા એમની ‘મેડ સિસ્ટર્સ ઓફ એસી’ નામની ફેન્ટસી નવલકથામાં જુદી રીતે આલેખી છે. એમાં એમણે દુનિયાની બધી સંસ્કૃતિમાં પ્રચલિત કથાઓના મ્યૂઝિયમની કલ્પના કરી છે. આ મ્યૂઝિયમમાં હજારો-લાખો ઓરડા આવેલા છે. એ અંતહીન વિશાળ ઓરડાઓમાં દુનિયાના આરંભથી માંડી આજ સુધીની વાર્તાઓનો ખજાનો ભર્યો છે. આ મ્યૂઝિયમમાં પ્રવેશ કરવા માગતી વ્યક્તિએ ‘ખુલ જા સિમ સિમ’ની જેમ માત્ર ‘ખુલ’ બોલવાની જરૂર હોય છે. ‘ખુલ’ કહેતાની સાથે જ મ્યૂઝિયમના તોતિંગ દરવાજા ઊઘડી જાય છે. અહીં પ્રવેશ કરનાર લોકોને આ જગ્યા અજાણી નથી લાગતી. એમને લાગે છે કે તેઓ એમનાં દાદા-દાદી પાસેથી નવી નવી વાર્તાઓ સાંભળવા પોતાના જ ઘરમાં આવ્યાં છે.
આપણાં પુરાણોમાં મેરુ પર્વતનો ઉલ્લેખ છે. પૃથ્વી અને આકાશને જોડતો આ દૈવી પર્વત બ્રહ્માંડના કેન્દ્રમાં સ્થિત છે. એના શિખર પર વિશાળ સુવર્ણનગરી આવેલી છે. દેવોનું સ્વર્ગ મેરુ પર્વત પર આવેલું છે. સૂર્ય, ચન્દ્ર અને બીજા ગ્રહો મેરુ પર્વતની આસપાસ ભ્રમણ કરે છે. જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ મેરુ પર્વતનો ઉલ્લેખ જોવા મળે છે. તિબેટની બૌદ્ધ પરંપરા અને હિન્દુ પૌરાણિક કથાઓમાં હિમાલયમાં કોઈ જગ્યાએ એક દિવ્ય સ્થળની કલ્પના કરવામાં આવી છે. અત્યંત પવિત્ર એવું આ સ્થળ જ્ઞાન, શાંતિ, કરુણા અને ઉચ્ચ કક્ષાની આધ્યાત્મિકતાનું કેન્દ્ર છે. આ સ્થળમાં શુદ્ધ હૃદયના લોકો જ નિવાસ કરી શકે છે.
એક ગ્રીક પૌરાણિક કથા પ્રમાણે સૂર્ય પશ્ચિમ દિશામાં સમુદ્રમાં અસ્ત પામે છે એની પાછળ એક રહસ્યમયી જગ્યા આવેલી હતી. એ જગ્યામાં સ્વર્ગીંય બગીચો હતો. એ બગીચાને ‘હેસ્પરિડ્ઝનો બગીચો’ કહેવાતો કારણ કે એની સારસંભાળ લેવાની જવાબદારી હેસ્પરિડ્ઝ તરીકે જાણીતી ત્રણ અપ્સરાઓની હતી. એ અપ્સરાઓનું રૂપ સંધ્યા સમયના સૂરજની લાલિમા જેવું હતું. બગીચામાં સુંદર ફૂલોથી શોભતાં વૃક્ષોની વચ્ચે સોનાના સફરજનનું એક વૃક્ષ આવેલું હતું. એ સોનાનાં સફરજન પ્રાપ્ત કરી શકનાર વ્યક્તિને અમરત્વ મળે છે એવી માન્યતા હતી. બગીચાનું રક્ષણ એક ભયાનક અજગર કરતો હતો. એથી માનવો કે દેવો ત્યાં સુધી પહોંચી શકતા નહોતા, છેવટે ગ્રીક પૌરાણિક કથાઓનો મહાન યોદ્ધા હરક્યુલિસ અજગરને હરાવી સોનાનાં સફરજન લઈ જવામાં સફળ થયો હતો.
દુનિયાની દરેક સંસ્કૃતિમાં આ પ્રકારની અનેક કથાઓ પ્રચિલત છે. દુનિયાભરના લોકો જાતજાતની કથાઓ રચીને વાસ્તવિક ક્ષિતિજોની પેલે પાર આવેલા કોઈ અગમ્ય સ્થળની પરિકલ્પના કરતા રહ્યા છે. પ્રાચીન કથાઓનું અર્થઘટન કરનાર અભ્યાસીઓ કહે છે તેમ એ કથાઓમાં માનવોની તુચ્છ જીવનથી ઉપર ઊઠી કોઈ દિવ્ય લોકમાં પહોંચવાની આકાંક્ષાનું પ્રતિબિંબ પડે છે.
માનવજાત પોતાની પહોંચની બહાર આવેલાં અલૌકિક પર્વતો, સમુદ્રો, ટાપુઓ, બગીચા, આત્માઓનાં નિવાસસ્થાન જેવાં સ્થળોની કલ્પના કરી રોજિંદા સુખ-દુ:ખોને ભૂલવાની કોશિશ કરે છે. જ્યાં સુધી અગમ્ય સ્થળોની કથા રચવાનું ચાલુ રહેશે ત્યાં સુધી નવી નવી કથાઓ રચાતી રહેશે. ક્થાની કાલ્પનિક ભૂમિ માનવમનની અતૃપ્ત ઇચ્છાઓને પૂરી કરવાનું દિવ્ય સ્થળ છે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
