પ્રવાસી યુ. ધોળકિયા

અગાઉના લેખમાં આપણે તંત્ર વિજ્ઞાનનાં કેટલાંક પાસાંઓ જોયાં. તેમાં આપણે ઓશો રજનીશના મંતવ્યો જાણ્યાં હતાં

વીસમી સદીમાં શ્રી વ્રજ માધવ ભટ્ટાચાર્યે પણ તંત્ર પર સાધના કરી છે. તેમના વિચારો તેમનાં પુસ્તકો Saivism and the Phallic World અને The World of Tantra માં વિગતવાર વાંચવા મળે છે. આપણે અહી તે ટુંકમાં જોઈશું.

તેઓ લખે છે કે તંત્રમાં સનાતન પરંપરાના રહસ્યવાદ પર ગંભીર ચિંતન જોવા મળે છે. આ પરંપરા અવૈદિક છે, પણ તેનાં સારાં પાસાંઓનો તંત્રમાં સમાવેશ કરાયો છે. ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વની પ્રાચીન પરંપરાઓમાં તેને સ્થાન મળ્યું છે.

આ એક અતિ ગતિશીલ પરંપરા છે કેમકે તેનો આધાર વિશ્વમાન્ય માતૃશક્તિમાં છેં. માતૃશક્તિમાં શ્રદ્ધા ધરાવતા જાદુ, પ્રકૃતિપૂજા તેમ જ અનેક પ્રકારની રક્ત રંજીત વિકૃત સાધનાઓનો તેમાં પ્રવેશી ગઈ છે. પરંતુ, તંત્ર ઉપાસકને ભારતમાં યોગ્ય પરીક્ષણ પછી દીક્ષા અપાય છે. તેથી, માતૃશક્તિમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવનાર જ તાંત્રિક માર્ગનો સાધક બની શકે.

અહીં શક્તિ સાથે પિતા તરીકે શિવની પણ એટલી જ ઉપાસનાને સ્થાન છે. આ વિજ્ઞાન કોઈ વ્યક્તિ હોય કે પછી સમુહ હોય તેને સમાન તકો પુરી પાડે છે. વળી, જગતના ધર્મોમાં જે કંઈ કર્મકાંડ છે તેનું ઉદ્‍ભવસ્થાન તંત્ર છે. આ પરંપરામાં આદ્યા શક્તિને ચંદ્રનું રૂપ માનવામાં આવે છે. પિતા શિવ તેને પોતાના મસ્તક પર ધારણ કરી ચંદ્રમૌલિ બન્યા છે. આ પરંપરામાં માતા એક શક્તિ, કુંડલિની, છે. તે જાગ્રત થાય છે ત્યારે સાધકમાં શક્તિનો ઝરો ફૂટે છે.

જગતના વિદ્યમાન ધર્મો ભલે એવો દાવો કરે કે તેઓ એક પરમ પિતામાં માને છે, પણ તેઓ વચ્ચે ભારે મતભેદ અને વિખવાદ છે. સામાન્ય પ્રજામાં તે વિશે સાચું જ્ઞાન હોતું નથી. ફક્ત તંત્ર પરંપરામાં જ સામાન્ય લોકોને સાધના માટે યોગ્ય ગણવામાં આવે છે. તેમાં આડી અવળી વાતોને કોઈ સ્થાન નથી. અહીં કોઈ આડંબરને સ્થાન નથી. પરિણમે બહારથી તંત્ર વિજ્ઞાનના વિરોધ છતાં તેને સાર્વત્રિક માન્યતા મળી છે. તંત્રમાં દરેક સાધકને પોતાના દેવી – દેવતાઓમાં અનન્ય શ્રદ્ધા છે, કેમકે આ દેવી – દેવતાઓ જ તેમને તંત્ર માર્ગે આગળ વધવાની પ્રેરણા આપતી વિધિઓ શીખવામાં મદદ કરે છે.

આ વિજ્ઞાનમા વિધિ – વિધાનો ઉપરાંત ચિહ્નો, નિશાનીઓ, પ્રતિકો, રૂપ, અવાજ (Sound) અને તેના બેસવાના સ્થાન વિશે પણ સ્પષ્ટતા જોવા મળે છે.  આ ચિહ્નો અને પ્રતીકોનો ઉપયોગ ધ્યાન સારી રીતે કરી શકાય એ માટે ધ્યાન કરતી વખતે કરવામાં આવે છે.

તંત્રમાં યોગ અને ધારણા એ ખરેખર આદ્યાશક્તિ અને શિવનાં અતિમૂલ્ય પાસાં છે. જોકે આદ્યા શક્તિ આધાત્રી (Matrix) હોવાથી અહીં મૂળમાં આદ્યા શક્તિ છે[1]. આ શક્તિમાંથી સર્જન પ્રક્રિયા થાય છે. આદ્યા શક્તિ કોઈ પણ પ્રકારની  પ્રગતિનો અંતિમ છેડો છે.  આ શક્તિ દરેક પંચમહાભૂતોનું સર્જન કરીને તેમનું સંયોજન કરે છે અને તેમનું વિઘટન અને વિનાશ પણ કરે છે. આ માતૃશક્તિ જ પરમ ચૈતન્યનું મૂળ છે, જેમાં લય પ્રલયની પ્રવૃતિ સતત ચાલતી રહે છે. તેથી જ શારદા તિલક તંત્ર જણાવે છે કે ‘ અમે એવી પરમ શક્તિની પ્રાર્થના કરીએ છીએ કે જે શિવ સહિત લાલ પુષ્પોના રંગથી વિભૂષિત છે તે અમારા દેહમાં જે સુષુમ્ણા નાડીનો નાદ છે તેને જાગૃત કરી અમને શિવત્વ તરફ દોરે અને કુંડલિની યોગનું ફળ આપે.’

સુષુમ્ણ નાદ એટલે માતૃ શક્તિ અને શિવનાં અર્ધનારીશ્વર રૂપમાં રહેલ પ્રથમ નાદ. આ નાદથી પૃથ્વીનું સર્જન થયું છે.તંત્ર એટલે સાર્વત્રિક રીતે લોકપ્રિય છે કે તેમાં માતામાં રહેલા પ્રેમનું પ્રસ્ફૂરણ થાય છે. બાઈબલમાં એવું પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે ઈશ્વરે પ્રથમ શબ્દ રચ્યો અને તેમાંથી સૃષ્ટિનું સર્જન થયું. આમ જગતના તમામ પ્રાચીન ધર્મોના પાયામાં તંત્ર હતું. પરંતુ વિદેશોમાં તે પછી તંત્ર સામે ભારે વિરોધ જાગ્યો. એટલે આ બધી તાંત્રિક પરંપરાઓ ભારતમાં આવી અને અહીંની તાંત્રિક પરંપરાઓમાં વિલિન થઈ ગઈ.

વિદેશોમાં આ પરંપરામાં યોની અને લિંગની પૂજા થતી. પરંતુ, ભારતમાં તેનું ઉર્ધ્વીકરણ કરવામાં આવ્યું. જોકે જ્યારે તંત્ર સાધના દ્વારા સાધક / સાધિકામાં કુડલિની જાગૃત થાય છે ત્યારે તેઓમાં જાતીય આવેગો (Sexual Impulses) પણ વધી જાય છે. તેથી તેઓમાં જો ઉર્ધ્વગામી વૃતિનો અભાવ હોય તો એ લોકો ભોગવિલાસી બની જાય છે. રાધા આવી ઊચ્ચ ભૂમિકા ધરાવતાં હોવાથી કૃષ્ણના સૂક્ષ્મ પ્રેમને પામી શક્યાં હતાં. એ રીતે સાધક / સાધિકા ઉર્ધ્વીકરણ દ્વારા જાતીય આવેગ પર નિયંત્રણ મેળવી શકે તો તો તેઓ પણ દિવ્યતા પ્રાપ્ત કરી શકે છે.

તંત્રમાં ચિહ્નો, પ્રતીકો અને શ્રીયંત્રનો આધાર લેવામાં આવે છે. અથર્વવેદમાં પણ આ બધાંને સ્થાન છે. તૈતરિય અરણ્યક અને ચૈતર્ય અરણ્યકમાં પણ ચક્ર, મંત્ર અને યંત્રનો ઉલ્લેખ છે. વેદના શ્રૌતામણિ અને વાજપેય યજ્ઞોમાં વામાચાર તંત્રમાં વપરાતા નશાકારક પદાર્થોનો ઉલ્લેખ છે. તેથી જ કુલાર્ણવ તંત્રમાં અંદરખાને વેદયુક્ત આત્માનું  અનુસંધાન જોવા મળે છે.વેદના યજ્ઞોમાં પશુબલિનું બાહુલ્ય હતું. તંત્રમાં એવું બાહુલ્ય ન હોવા છતાં પણ થોડે ઘણે અંશે પશુબલિનો પ્રયોગ થતો હતો. તેનો અર્થ એમ નથી કે ત્રંત્રના ઉદ્‍ગમ અને વિકાસના પાયામાં વેદ પરંપરા છે. તાંત્રિક પરંપરા સ્વતંત્ર રીતે ઉદ્‍ભવી છે.

પછી એવું બન્યું કે વેદ અને શ્રમણ પરંપરાઓમાં તાંત્રિક તત્ત્વોનો સમાવેશ થયો. શંકરાચાર્યના આનંદલહેરી ગ્રંથમાં પણ જે માતૃવંદના છે તેમાં તંત્રની અસર સ્પષ્ટ વર્તાય છે. ભગવાન બુદ્ધ અને ઈસુ ખ્રિસ્ત પણ સમર્થ તાંત્રિકો હતા, કેમકે કોઈ પણ ધર્મને વ્યાપક બનવું હોય તો તેને વિધિ – વિધાનો, ચિહ્નો અને પ્રતીકોનો આશ્રય લીધા વિના છૂટકો નથી. જ્યાં આ સાધનોનો ઉપયોગમાં લેવાય છે ત્યાં તેના પાયામાં તંત્ર છે. શંકરાચાર્યે પણ જ્યારે પરકાયા પ્રવેશ કર્યો હતો ત્યારે તેમણે તંત્ર વિજ્ઞાનનો ઉપયોગ કર્યો હતો. એ રીતે વેદ અને તંત્ર વચ્ચે કોઈ તાત્ત્વિક વિવાદ નથી. તંત્ર ક્યારે પણ એવો દાવો કરતું નથી કે તે વેદથી પ્રાચીન છે.

તંત્રમાં સમાજના બધા વર્ગોને સ્થાન હતું. તેથી તેમાં કામાચાર, કુદરત વિરોધી જાતીય કત્યો, નશાનું સેવન તથા માંસ – માછલીનું ભક્ષણ સારા એવા પ્રમાણમાં પ્રવેશી ગયાં. પરિણામે, વૈદિક પ્રથામાં માનનારા વર્ગને તંત્ર સામે એક હથિયાર મળી ગયું. બન્ને વચ્ચેનો વિરોધ જાહેરમાં પ્રગટ થવા લાગ્યો. પરંતુ, તે સમયે પતંજલિ, વરાહ મિહિર જેવા મહાન યોગીઓએ મોરચો સંભાળી લીધો અને બન્ને પક્ષોના વિરોધીઓ વચ્ચે શાંતિ સ્થાપી. તે સમયે તંત્રના ઘણા મૂળભૂત ગ્રંથો લખાયા, જેમાં આ વિજ્ઞાનની સાચી દક્ષિણમાર્ગી વિધિઓને સમજાવવામાં આવી. ‘શિવ સૂત્ર’ના રચયિતા વસુગુપ્ત જણાવે છે કે આ વિજ્ઞાન તેમને સાક્ષાત શિવે આપ્યું હતું. ‘મોતોત્તર’ તંત્રના રચયિતા શ્રી કંથનાથ પણ આવું જ વિધાન કરે છે. પૌરાણિક ધર્મના વ્યાસ પરંપરાના જ્ઞાનીઓ પણ પુરાણમાં તંત્રના નકારાત્મક પાસાં ન પ્રવેશે તેનું ખાસ ધ્યાન રાખ્યું હતું.

તંત્રના સિદ્ધાંતો

તંત્ર પરંપરા તેના તાત્ત્વિક જ્ઞાનને અતિ ઉચ્ચ સપાટીએ સ્થાપિત કરે છે. તે આધ્યાત્મિક વિજ્ઞાન છે તેથી તેની વિધિઓ પણ માનવદેહમાં રહેલી અપૂર્ણતાઓને અતિક્રમિત કરે છે. તેનું અંતિમ લક્ષ્ય સાધક અને સાધ્યનું જોડાણ કરવાનું છે. તંત્ર જણાવે છે કે આ દેખાતું જગત દેખીતી રીતે ભલે શાશ્વત શક્તિથી સર્જાયું છે, પણ જગત ક્ષણભંગુર છે. શાશ્વત શક્તિ પોતાની લીલા રચીને  સંસારને સર્જે છે. આ જગત જનની જ બ્રહ્મની વિશ્વ સર્જનની શક્તિનું પ્રગટ સ્વરૂપ છે. આપણે માનવો આ બધાંથી અજ્ઞાન છીએ. આપણામાં રહેલી અપાર શક્તિઓ તંત્ર સાધના દ્વારા જ્યારે પ્રગટ થશે ત્યારે માનવને અધ્યાત્મના શિખરે પહોંચતાં કોઈ રોકી નહીં શકે. માનવજાત મૂર્છિત અને અર્ધનિંદ્રિત અવસ્થામાં છે. તંત્ર સાધના તેને જગાડીને પરમ જ્ઞાની અને વિસ્તાર પામતી રહેતી દિવ્યતા તરફ આગળ વધતો રહેતો માણસ બનાવશે અને કાળને જાણે કે આલિંગન આપશે. આ માનવ આપણો મુક્તિદાતા – આજની ભાષામાં ‘યોગી સુપરમેન’ – કહેવાશે.

માનવ જાતમાં આ પ્રકારનાં જાગરણ માટે અનેક વિધિઓનો સંચય કરવામાં આવ્યો છે. આ વિધિઓમાં યોગિક આસનો, મુદ્રાઓ, ન્યાસ, મંત્રવિદ્યા અને તંત્રવિજ્ઞાનનો સમાવેશ કરવામાં આવેલ છે. સાધક આ બધું યોગ્ય ગુરુના માર્ગદર્શન હેઠળ સાધ્ય કરતો જ હશે તો તેનામાં દેહમાં રહેલાં છ ચક્રો[2] – માનવીની જ્ઞાનતંત્રીય વ્યવસ્થાની મોટી શાખાઓ નજીક કરોડની સાથેના ઉર્જા કેન્દ્રો –  મૂળાધારથી ઉર્ધ્વગામી થઈ સાતમા મસ્તકમાં રહેલા સહસ્ત્રાધારને છેદીને શિવ સાથે સાયુજ્ય પ્રાપ્ત કરી શકશે.

મંત્ર

ભારતના મંત્રોની વિદેશોમાં સમજ્યા વિના વગોવણી કરાતી આવી છે. મંત્રોનું ભાષાંતર શક્ય નથી. તેનું કારણ કે મંત્રનો કોઈ સામાન્ય અર્થ નથી. પરંતુ, સાધક માટે મંત્ર બહુ મહત્વના છે. મંત્રનું ઉચ્ચારણ ક્યાં અને કેવી રીતે કરવામાં આવે છે તેનું મહત્વ છે. તેથી જેને આત્મજ્ઞાન તેને જ મંત્રનો કોઈ અર્થ હોય છે. મંત્ર આપણા કાનમાં વાગતો ઘંટડીઓનો ધુર રણકાર નથી કે નથી કોઈ માધ્યમમાંથી આવતો કર્કશ અવાજ કે ધ્વનિ. પરંતુ, ‘મહેશ્વર સૂત્ર’માં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ૫૧ મૂળાક્ષરો ચોક્કસ પ્રકારના ધ્વનિતરંગો માનવ દેહની ગ્રંથિઓને જાગૃત કરે છે. આ એકાવન સ્વરોને એકીકૃત કરીને ૐકાર રચાયો છે. આત્મ – જાગૃતિ માટે પણ ધ્વનિતરંગ મહત્વના છે. તેથી જ નાદ શબ્દ વેદ, પુરાણ અને બાઈબલમાં  સૃષ્ટિસર્જનના કારણોનું પ્રથમ ચરણ છે.


હવે પછીના મણકામાં તાંત્રિક પરંપરા વિશે હજુ વધારે થોડી વાત કરીશું.


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.


[1] દસ મહાવિદ્યા અને શિવના દસ સ્વરૂપ

(૧) મહાકાળી અને મહાકાલ.

(૨) તારા અને અક્ષોભ્ય

(૩) ષોડશી અને કામેશ્વર.

(૪) ત્રિપુરા સુંદરી અને દક્ષિણામૂર્તિ

(૫) માતંગી અને માતંગ

(૬) ભૂવનેશ્વરી અને ત્ર્યંબકેય

(૭) છિન્નમસ્તા અને ક્રોધભૈરવ, કબંધ

(૮) ઘૂમાવતી વિધવા રૂપે છે

(૯) બગલામૂખી અને મૃત્યુજંય, એકત્ર

(૧૦) કમલા અને સદાશિવ

પ્રકૃતિ અનુસાર દસ મહાવિદ્યાના ત્રણ સમુહ છે.

સૌમ્ય કોટી: ત્રિપુરા સુંદરી, માતંગી, ભુવનેશ્વરી,કમલા

ઉગ્ર કોટી. : મહાકાળી,છિન્નમસ્તા,ઘૂમાવતી, બગલામુખી.

સૌમ્ય અને ઉગ્ર કોટી : તારા,ત્રિપુરા સુંદરી,ભૈરવી.

મહાશક્તિ મહાકાળી સાક્ષાત મહામાયા આદિશક્તિ છે.

[2] સામાન્ય રીતે સાત ચક્રોને નીચે મુજબ વર્ણવવામાં આવે છે:

૧. મૂળાધારા (સંસ્કૃતઃ मूलाधार) પાયાનું અથવા મૂળ ચક્ર (કરોડરજ્જુ *કોકીક્સ*માં છેલ્લુ હાડકું)

૨. સ્વાધિસ્થાન (સંસ્કૃત: स्वाधिष्ठान) અંડકોશ/જનેન્દ્રિય

૩. મણીપુર (સંસ્કૃત: मणिपूर) નાભિ વિસ્તાર

૪. અનાહટા (સંસ્કૃતઃ अनाहत) હૃદય વિસ્તાર

૫. વિશુદ્ધ (સંસ્કૃતઃ विशुद्ध ) ગળું અને નાકનો વિસ્તાર

૬. અજના (સંસ્કૃતઃ आज्ञा) પિનીયલ ગ્રંથી અથવા ત્રીજી આંખ

૭. સહશ્રરા (સંસ્કૃતઃ सहस्रार) શિરની ટોચ; ‘નવા જન્મેલ બાળકનો પોચો ભાગ