પ્રીતિ શાહ-સેનગુપ્તા

ગયાનામાંની પહેલી સવારે પાંચ વાગ્યે ઊઠી જવાનું હતું. જોકે મને થાય કે હું પોણો કલાક મોડી ઊઠી શકી હોત, કારણકે મને તૈયાર થઈને નીકળી જતાં અડધો કલાક પણ ના જોઇએ. છતાં, જાગી તો ગઈ જ, કારણકે ઊઠો, ઊઠોની બૂમો પડવા માંડેલી, અને બારણાં પર ટકોરા પડવા માંડેલા.

આ પહેલા દિવસથી જ ગયાનામાંની અમારી તબીબી-યાત્રા શરૂ થતી હતી, ને અમારે ઘણે દૂર પહોંચવાનું હતું. સવારે સાડા છ વાગ્યે તો અમે વૅનમાં હતાં. ટૂંકમાં “જિઓ” કહેવાતું જ્યૉર્જ ટાઉન શહેર તરત પાછળ રહી ગયું. ઝડપથી આવી ગયેલી, સુંદર ડૅમૅરારા નદીને અમે પાછી ઓળંગી.

આખે રસ્તે બીજી કેટલીયે નદીઓ આવતી રહી. સાવ નાની ખરી, પણ બધી જ પાણીથી છલોછલ. આવી જ રીતે, કેટલીયે વસાહતો પણ આવતી ગઈ. એ પણ નાની નાની – થોડાં ઘર, એકાદ શાળા, એકાદ ચર્ચ, બેએક મંદિર. આસપાસ હોય ડાંગરનાં ખેતર. બધાં લણાઈ ગયેલાં, એટલે જમીન ખાલી ને કથ્થાઇ દેખાય.

ક્યારેક નામનું પાટિયું આવે, પણ કોઈ વસાહત ના હોય. ને નામો પણ કેવાં -કોલમ્બસ, ઝીલૅન્ડ, હોપ, પૅરૅડાઇઝ, સારાહ, મૅરિ; અને ક્યાંક તો કલકત્તા પણ જોયું! એક વસાહતના પરિસરમાં એક સામટી સાત-આઠ મસ્જિદો પસાર થઈ, તો બીજે સામટાં મંદિરો પણ આવી જાય.

ક્યાંક રસ્તા પાસે ઘોડા ફરતા દેખાય. એમનો ઉપયોગ ચીજવસ્તુઓ લઈ જવા માટે થાય છે. ગાડાં સાથે જોડાયેલા ઘોડાઓ પણ જોયા. ક્યાંક રસ્તાની પાસે ગાયો ને બકરીઓ પણ જોઈ.

રસ્તા પરની સ્પીડ લિમિટ હતી કલાકના એંસી કિ.મિ.ની. બહુ નવાઇ લાગી.  કઈ રીતે હોઈ શકે આટલી સ્પીડ અહિંયાં? એક લેનનો તો રસ્તો છે. વાહનો ઘણાં ઓછાં, તોયે બધાં ફાસ્ટ જઈ જ ક્યાંથી શકવાનાં?

ગયાના જેવા નાના દેશને પણ કુલ દસ વિભાગોમાં વહેંચેલો છે. જ્યૉર્જ ટાઉન ચાર નંબરમાં છે, તો અમે દક્શિણ દિશામાં જ્યાં જતાં હતાં, તે બર્બિસ વિભાગ પાંચ નંબરમાં છે.

ધરતી સાવ સપાટ છે આ તરફ. બરાબર દરિયાના લૅવલ પર છે. અમારી વૅનમાં તો સારી ઠંડક હતી, પણ બહાર સૂરજ ઘણો ગરમ હશે. જોકે આકાશમાં સફેદ વાદળ ઘણાં હતાં. આ બાજુ નાળીયેરી ખૂબ છે, ને હંમેશાં સુંદર દેખાય. થોડાં ગુલમહોર, કોઈ બીજાં સફેદ ફૂલોના ગુચ્છ, તેમજ સફેદ, પીળાં અને ગુલાબી રંગોનાં કરેણ જોવાં ગમે. આંબા પણ બહુ સરસ, રાજસ્થાની શૈલીનાં ચિત્રોમાં હોય તેવા લાગે. બદામનાં ઝાડ પણ ખરાં.

ઘણી વાર, લાંબી દાડીવાળાં, મોટાં, ગુલાબી કમળ રસ્તાની ધાર પર થયેલાં દેખાય. સ્થિર પાણીમાં અક્કડ ઊભાં હોય. સૌથી વધારે આકર્ષક લાગે. પણ ફોટો પાડવાની તક ના મળે. વૅન સડસડાટ ચાલી જતી હોય.

બર્બિસ નદીને પાર જવા માટે વેરો ભરવાનો આવ્યો. છ-સાત વર્ષ પહેલાં જ આ પૂલ બંધાયો છે, નહીં તો હોડી વાટે જ જવું પડતું. અત્યારે પણ અસંખ્ય હોડીઓ એમાં ફરતી રહે છે. કોઈ વહાણ કે મોટી બોટ પસાર થવાની હોય ત્યારે પૂલના બે ભાગ છૂટા પડીને ઊંચા થાય છે. ત્યારે બંને બાજુ, ટ્રાફીકને અટકી જવું પડે.

શું આ બર્બિસ નદી. એ પણ અનહદ મોટી. પહોળો પટ, અને છલછલ થતું અપાર જળ. હવે અમે, પૂર્વ બર્બિસ કહેવાતા,  છ નંબરના વિભાગમાં પ્રવેશ્યાં. અહીં રસ્તા પર ગાડીઓ વધી હોય તેવું લાગ્યું. આ બાજુ મોટા ભાગનાં ઘર લાકડાંનાં થાંભલા પર બનાવેલાં હતાં. વરસાદના પાણીથી બચવા હશે, પણ સાથે જ, નાનાં પ્રાણીઓથી સાચવવા માટે પણ હોઈ શકે.

ન્યૂ ઍમ્સ્ટરડૅમ નામનું થાણું આવ્યું ત્યારે, આખરે એક ટાઉન જેવું લાગ્યું. ત્યાં ઘણાં ઘર હતાં, અમુક તો ખાસ્સાં મોટાં હતાં. ચર્ચ, મસ્જિદ, શાળા વગેરે પણ વધારે સંખ્યામાં હતાં. એક તો ઇથિયોપિયન ઑર્થૉડૉક્સ ચર્ચ પણ હતું. વળી, ચાઇનિઝ રૅસ્ટૉરાઁ અને ઇન્ડિયન સ્ટોર્સ પણ હતાં.

આટલે આવતાં અમને બે કલાક થયા હતા, જોકે અંતર તો હતું ત્રીસેક જ માઇલનું. આ પછી તરત અમે ‘ગે પાર્ક’ નામની જગ્યાએ આવી પહોંચ્યાં. ત્યાં વસાહત નાની છે, પણ ત્યાંનું મંદિર ખૂબ મોટું છે, અને બરાબર ધ્યાન ખેંચે તે રીતે, એકદમ રસ્તા પર, બનાવેલું છે.

બર્બિસના હિન્દુ સમાજનું આ શ્રી કૃષ્ણ મંદિર છે. અલબત્ત, મુખ્ય મંદિરમાં બધાં જ દેવ-દેવીઓ સ્થાપિત છે. મૂર્તિઓ, તેમજ એમનાં વસ્ત્ર-શણગાર ખૂબ જ સુંદર હતાં. જાણે જોતાં જ રહીએ. ગણેશ અને હનુમાનની સામે લાંબી દાંડીઓવાળાં, ખૂબ મોટાં ખુલેલાં લાલ-ગુલાબી કમળ મૂકેલાં હતાં.

આ મોટા મુખ્ય મંદિરની એક બાજુ પરના શિવમંદિરમાં, સુંદર શિવલિંગની આસપાસ બાર નાનાં લિંગ હતાં. બીજી બાજુ પર, કાલી માતા ઉપરાંત બીજી નવ દેવીઓનું મંદિર હતું. કાગળ અને પ્લાસ્ટીકના રંગીન હાર લટકાવીને સર્વત્ર શોભા કરેલી હતી.

શિવમંદિરમાં, સુંદર શિવલિંગની આસપાસ બાર નાનાં લિંગ

સાથે જ, ઇન્ડિયાથી લાવવામાં આવેલી અનેક શોભનીય ચીજો – દેવોના ફોટા, ગુજરાતનાં તોરણો ને ચાકળા,  ઓરિસ્સાના કપડાના લૅમ્પ વગેરે – ઠેર ઠેર ગોઠવેલી હતી. બધું સારું લાગે, અત્યંત ભક્તિપૂર્વક કરેલું લાગે.

પાછળ તરફ, એક મોટો હૉલ બનાવેલો છે, જેમાં નૃત્ય, સંગીત, રસોઇ, ભરત-ગુંથણ વગેરે માટેના વર્ગો ચાલે છે. આ બધું શીખવા, કાર્યક્રમોમાં ભાગ લેવા, કેટલાંયે છોકરાં નજીકથી, દૂરથી અહીં આવે છે.

ઉપરના માળે સાત-આઠ રૂમ બાંધેલા છે. અમારો ઉતારો ત્યાં હતો. એની એક તરફ સળંગ વરંડો હતો. ત્યાં તો ગરમી સાવ ભુલાઈ જાય તેવો, સરસ પવન વાતો હતો. અંદર કૃત્રિમ વાતાનુકૂલ હતું, અહીં બહાર કુદરતી ઠંડક હતી.

લીલું ઘાસ બધે ઊગી ગયું હતું. ફળદ્રુપ જમીન પરની દરેક નાળિયેરી પર કેટકેટલાં તો નાળિયેર. અહાહા, થઈ ગયું. જ્યારે ટાઇમ મળ્યો ત્યારે એ પ્રફુલ્લિત ગ્રામ્ય દૃશ્ય મેં જોયા જ કર્યું.


ક્રમશઃ


સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.