દીઠે અડસઠ જાત્ર

દર્શના ધોળકિયા

‘કાળ અનંત છે અને પૃથ્વી વિશાળ છે.’ – એ ભવભૂતિવિધાન પ્રમાણે જગતના વિશાળ પટ ઉપર અનેક લોકોએ, જુદો જુદા ક્ષેત્રોમાં પોતપોતાની કક્ષા વિરલ અને ઉમદા રીતે પ્રગટ કરીને ઇતિહાસને વિભૂષિત કર્યો છે. કાળના અનંત પ્રવાહમાં થોડા સમય દરમિયાન આવીને કેટલોક વ્યક્તિઓ પોતાની અમીટ છાપ છોડી જતી હોય છે; કેટલીકનું નામ તો તેના યુગ સાથે પણ જોડાઈ જતું હોય છે; અને કેટલીક વ્યક્તિઓ સમય સાથે શાશ્વત રીતે સંકળાઈ જતી હોય છે. આ ત્રીજા પ્રકારમાં સમાવેશ પામતી વ્યક્તિઓ માટે આપણે ત્યાં ‘અવતાર’ એવો શબ્દપ્રયોગ કરરામાં આવે છે. સાંપ્રત સમયમાં આ શબ્દના અતિવપરાશને લઈને એનુ ગૌરવ ઘસાઈ ગયું જણાય, પણ મૂળમાં એનો અર્થ બહુ મોટો છે.
“અવતાર’ શબ્દનું વિવરણ આ રીતે કરવામાં આવે છે : તૃ – તરતિ – તરવું. तृ ધાતુને अव ઉપસર્ગ લાગતાં अवतरति શબ્દ બને છે. अवतरतिનો અર્થ છે – નીચે ઊતરે છે તે. એન! પરથી નીચે આવનાર વ્યક્તિ તે અવતાર – એવો અર્થ કરવામાં આવે છે.

ઘરતી ૫૨ જન્મ પામીને જે વ્યક્તિ ક્રમિક રીતે વિકાસ ભણી ગતિ કરે છે તે ‘યાત્રી’ છે. અવતાર નથી. અગતાર તો તે છે જે કશુંક વિશેષ લઈને જન્મ્યો છે. દુનિયામાં આવીને એનામ! રહેલું વિશેષ તત્ત્વ, અનુકૂળતાએ પ્રગટ થતું રહે છે. એ તત્ત્વ, એનામાં જન્મજાત છે. આ પ્રકારની વ્યક્તિ, પોતાના જ આગળના સંદર્ભનો વંશ પોતાના લોહીમાં લઈને જન્મતી હોય છે જેના માટે કૃષ્ણે ‘शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते’ તથા ‘योगिनाभेव कुले भवति धीमताम्’ . મહારાષ્ટ્રના મહાન સંત તુકારામે પણ કહ્યું છે : आम्हीં वैकुंठवासी । आलो याची कारणासि।. “અમે વૈકુંઠવાસી છીએ. અમે ઉપરથી નીચે આવ્યા છીએ.’ ‘નીચે આવવું’ અહીં શ્લેષમાં વપરાયો છે. માણસ નીચેથી ઉપર જવું પસંદ કરે, અવતાર ઉપરથી નીચે આવવું પસંદ કરે. કારણ કે તેનું કામ છે સૌને સમાન બનાવવાનું; તેનો મંત્ર છે “सहनौभुनक्तु”. . પોતાને મળેલું ધન સૌ ભોગવે એવું જે ઇચ્છે તે અવતાર, ને એ ઇચ્છા અમલમાં આણે તેથી તેનું કાર્ય બને અવતારકૃત્ય.

‘અવતાર’નો અર્થ આપણે ચમત્કારિક વ્યક્તિ કરીને તેને કેવો અન્યાય કરી બેસીએ છીએ ! અવતાર તો મનુષ્યનો સંબંધ ‘સ્વ’ સાથે જોડે છે. આ પ્રકારના અવતારિત લોકો દુનિયાના પટ ઉ૫૨ અચાનક આવી ચડીને સમાજને કૃતાર્થ બનાવતા હોય છે. યુગે યુગે આવું અવતારકૃત્ય સતત ચાલતું રહે છે. યુગની માંગ પ્રમાણે અવતારનું રૂપ પણ ભિન્ન ભિન્ન રીતે પ્રગટ થતું રહેતું હોય છે . આથી જ દરેક અવતારી વ્યકિત મૌલિક મુદ્રા લઈને પ્રગટે છે; સ્ત્રીરૂપે પણ એનું પ્રાકટ્ય થાય છે ને પુરુષરૂપે પણ. આથી જ દરેક અવતારી વ્યક્તિને ઓળખવામાં સમાજ થાપ ખાઈ જાય છે, કેમકે એની મુદ્રા આગળના પ્રસ્‍થાપિત થઈ ચૂકેલા અવતાર કરતાં તદન જુદી હોય છે. આમ બનવાને કારણે દરેક અવતાર એના સમય પછી ઓળખી શકાતો હોય છે ને છતાં વૈચારિક તાજગીને લઈને કોઈ અવતારી વ્યક્તિ કદી વાસી બની જતી નથી. કહેવો હોય તો દરેક અવતારનો આ ચમત્કાર કહી શકાય.

સામાન્યતઃ અવતારી વ્યક્તિ અધ્યાત્મવિદ્યાનું સંસ્થાપન કરવા માટે જાણીતી બનતી હોય છે. અધ્યાત્મ એ મનુષ્યજીવનનું ચરમ લક્ષ્યબિંદુ છે. એને તાકવું જરૂરી હોઈ, આ પ્રકારની વ્યક્તિ દુનિયાના આધ્યાત્મિક વિકાસમાં રસ લે છે. આથી તેના વિચારોમાં એક પ્રકારની આત્યંતિકતા રહેલી હોય છે. અવતાર હોવાથી આ વ્યક્તિના વિચારો વરસાદની જેમ ઉપરથી આવતા હોય છે. તેમના આકાશી ખ્યાલોને કોઈ ધરતીની હેસિયત ધરાવતી શક્તિઓ જ પામી શકે છે. તેમનું અવતારકૃત્ય પણ, જો કે, આવી સમાનધર્મા વ્યક્તિઓ માટે જ હોય છે, કહો કે અનાયાસે એવું બની જાય છે. ઉપર ઉપરથી સરળ જણાતું તેમનું સર્વાગી વ્યક્તિત્વ ગૂઢતાથી સંકળાયેલું હોવાને લઈને, દેખાય છે તેવું સરળ રહેતું નથી. તેમના કહેવા પ્રમાણેનું, સમજાવ્યા પ્રમાણેનું આચરણ પણ તેમના અને નીચેના લોકોના ચેતનાભેદને લઈને દુષ્કર જણાય છે.

મધ્યકાલીન ભારતમાં એક સાથે આવા કેટલાક અવતારો, ઉપરથી નીચે આવેલી વ્યક્તિઓ તરીકે સ્પષ્ટ તથા જુદા તરી આવે છે તેમનાં વ્યક્તિત્વ, વિચારો અને દર્શનને લઈને. આ અવતારોમાં સ્ત્રીઓની સંખ્યા અલ્પ હોવા છતાં જેટલી છે તે સૌમાં મહારાષ્ટ્રના મહાન સંત જ્ઞાનેશ્વરનાં બહેન મુક્તાબાઈ અગ્રિમ છે.

મધ્યકાલીન સ્ત્રી-સંતોમાં મુક્તાબાઈ એમના ઉછેર, વાતાવરણ ને વૈચારિક પરિવેશને લઈને બહુ જુદાં પડે છે. મધ્યકાલીન સ્ત્રી સંતોએ સામાન્ય રીતે ઈશ્વરપ્રાપ્તિ માટે ભક્તિમાર્ગનો આશ્રય લીધેલો. સ્ત્રી પ્રકૃતિગત રીતે જ સમર્પિત ચિત્ત ધરાવતી હોઈને, આ માર્ગ તેમને સહજસાધ્ય પણ હતો. આ ઉપરાંત મધ્યકાલીન સ્ત્રી સંતોની વાણીમાં  સ્ત્રીસહજ લજજા, કોમળતા, ઈશ્વરને પ્રિયતમ ગણીને થયેલી આરતભરી ને ક્યાંક રતિસભર પ્રાર્થનાઓ વ્યક્ત થયેલાં જેનો મુક્તાબાઈમાં મહદંશે અભાવ પ્રવર્તે છે. મુક્તાબાઈની વાણીમાં જ્ઞાનાગ્નિનો પ્રકાશ નજરે ચઢે છે. તેમણે ખાસ કોઈ પ્રાર્થના કે ઈશ્વરપ્રાપ્તિના ઉપાયો જેવા વિષયો વિશે વાત કરી નથી; તેમની રચનાઓમાં સંન્‍્યાસીનું કર્તૃત્વ, જીવ અને બ્રહ્મ વગેરે વિશેના તેમના વિચારોનો નીચોડ જ માત્ર વ્યક્ત થયો છે. આથી આખીય સંતપરંપરામાં મુક્તાબાઈ ધ્યાન ખેંચનારાં સ્ત્રી સંત તરીકે વ્યક્ત થાય છે.

મુક્તાબાઈને બાલ્યાવસ્થાથી જ નાથ સંપ્રદાયની દીક્ષા મળી છે. તેમના પૂર્વજો પૈઠણથી ચાર કોસને અંતરે ગોદાવરીના ઉત્તર તીરે આવેલા આપેગાઁવ નામના ગામના કુલકર્ણી અર્થાત્‌ તલાટી હતા. આ પૂર્વજોમાં અગ્રજ હરિહર પંત. હરિહરના વંશમાં ત્ર્યંબક પંત થયા. તેમની ઉત્તર વયમાં તેમના પર નાથ સંપ્રદાયના પ્રધાન આચાર્યોમાંના એક એવા ગોરક્ષનાથની કૃપા થયેલી. નાથ સંપ્રદાયના મૂળ પુરૂષ આદિનાથ શંકર ને એમના શિષ્ય ગોરક્ષ. ગોરક્ષના ગૈનીનાથ. આ પરંપરાની કૃપા મુક્તાબાઈના પૂર્વજોને મળી. ત્ર્યંબક પંતના પોત્ર વિઠ્ઠલ પંત મુક્તાબાઈના પિતા. વિઠ્ઠલ પંતમાં પણ બાલ્યાવસ્થાથી જ વૈરાગ્યનું પ્રાચુર્ય હતું . પણ તેમ છતાં આળંદીના કુલકર્ણી સિઘો પંતની પુત્રી રુકિમણી સાથે તેમણે સંસાર ગ્રહણ કર્યો. સંસારમાં રહીને વૈરાગ્ય સેવતા વિઠ્ઠલ પંતને સંતાનપ્રાપ્તિ  ન થવાથી સંન્યાસ લેવાની મનમાં રહેલી ઇચ્છા તેમણે પત્નીને જણાવી. પણ શ્વસુર તેમ જ પત્નીને સંતાનપ્રાપ્તિ વિના વિઠ્ઠલ પંતનો સંન્યાસ લેવાનો વિચાર અનુચિત જણાયો. સંસારથી વિરક્ત થયેલા ચિત્તવાળા વિઠ્ઠલે જ એક વાર શ્વસુરના મુખેથી સ્નાન કરવા માટે ‘જાઓ’ એવી આજ્ઞાને અનાયાસે મળેલી આજ્ઞા સમજીને કાશી તરફ પ્રયાણ કર્યું. કાશીમાં સ્વામી રામાનંદ, જેમને કબીરના પણ ગુરુ ગણાવવામાં આવ્યા છે, તેમની કૃપા વિઠ્ઠલને મળી. વિઠલે કાશીમાં જ સંન્યાસ ધારણ કર્યો.

વિટ્ઠલના ગૃહત્યાગ પછી તેમનાં પત્ની રુકિમણીબાઈએ પણ વૈરાગ્યમાં મનને જોડીને તપશ્ચરણનો પ્રારંભ કર્યો. બાર વર્ષના ગાળા પછી સ્વામી રામાનંદનું વિઠ્ઠલના ગામમાં આગમન થયું ત્યારે એક સંન્યાસી ધારીને રુકિમણીએ તેમને પ્રણામ કર્યા. સ્વામીજીએ તેમને પુત્રવતી થવાના આશીર્વાદ આપ્યા. રુક્મિણી પાસેથી તેની કથા સાંભળીને રામાનંદ સ્વ્ામીએ કાશી જઈને પોતાના શિષ્ય બનેલા વિટ્ટલને ફરીથી સંસારમાં જોડાઈ, સંતાનપ્રાપ્તિ કરવાનો આદેશ આપતાં જણાવ્યું કે આ જ તેમની નિયતિ હતી.

ગુરુઆજ્ઞાને સ્વીકારીને સંસારમાં ગ્રવેશેલા વિઠ્ઠલ પંતનાં સંતાનોએ માત્ર માતા-પિતાના ઘરમાં જ નહિ પણ સમગ્ર સંસારમાં અજવાળું પાથરી નાખ્યું. આ સંતાનો તે અનુક્રમે નિવૃત્તિનાથ, જ્ઞાનેશ્વર, સોપાનદેવ અને મુક્તાબાઈ. મુક્તાબાઈની રગેરગમાં પ્રગટેલો જ્ઞાનાગ્નિ તેના જનમ પહેલાં જ ગોઠવાયેલી આ ભૂમિકામાં પડેલો હતો. આમાં મુક્તાબાઈનું અવતારી વ્યક્તિત્વ પણ કારણભૂત તો હતું જ. આ બંને કારણોથી મુક્તાબાઈના દર્શનમાં આગવી મહોર ઊપસી આવી.

કોઈ સંન્‍યાસીએ સંસારમાં પ્રવેશ કરીને ચાર બાળકોને જન્મ આપ્યો હોય એવો દાખલો આ પહેલાં કદી ન બન્યો હોવાને લઈને વિઠ્ઠલ પંતને પુષ્કળ તિરસ્કારેનો સામનો કરવો પડેલો. જ્ઞાતિએ, સમાજે – સૌ કોઈએ આ છયે જણનો બહિષ્કારે કર્યો. બાળકોને યજ્ઞોપવિત સંસ્કાર આપવાની પણ બ્રાહ્મણોએ ચોખ્ખી ના પાડી દીધી. આ પરિસ્થિતિથી મુંઝાયેલા વિઠ્ઠલ પંતે પરિવાર સહિત ગામ છોડીને ત્ર્યંબકેશ્વરમાં રહેવાનું શરૂ કર્યું.

ત્યંબકેશ્વરમાં એક વાર રાત્રિના સમયે વાઘ જોવાથી ગભરાયેલા વિઠ્ઠલ પંતે બાળકોને એકઠાં કરી તેમનું રક્ષણ કરવાના પ્રયત્નો કર્યા. તે દરમિયાન વિઠ્ઠલના મોટા પુત્ર નિવૃતિનાથ સૌથી છૂટા પડીને રસ્તો ભૂલી જવાથી અંજની પર્વતની ગુફામાં પહોચ્યા જ્યાં તેમને ગોરખનાથના શિષ્ય ગૈનીનાથનાં દર્શન થયાં. ગૈનીનાથે આ કોમળ બાળક પર પોતાની કૃપા વરસાવીને “अहं ब्रह्मास्मि” ના મંત્રથી તેમને દીક્ષિત કર્યા. આ સમયે નિવૃત્તિનાથની ઉમર માંડ દસ વર્ષની હતી ! ઘેર પાછા ફરેલા નિવૃત્તિએ પોતાને પ્રાપ્ત થયેલું જ્ઞાન, લધુબંધુ જ્ઞાનેશ્વરને આપ્યું. પાછળથી સોપાનદેવ ને મુક્તાબાઈ પણ નિવૃત્તિનાથનાં શિષ્યો બન્યાં. આમ, જીવનના ઉષઃકાળમાં જ મુક્તાબાઈનો પંથ અધ્યાત્મ ભણી તેને દોરી ગયો.

એક બાજુથી બાલ્યાવસ્થામાં જ આ ચારેય સંતાનોને જ્ઞાનદાન મળ્યું જેણે તેમનાં આંતર્‌ચક્ષુને હંમેશને માટે ખોલી આપ્યાં તો બીજી બાજુથી તેમણે પોતાનું જ્ઞાન કેવુંક પચાવ્યું છે તેનું પરીક્ષણ કરવા માટે તેમનાં જ્ઞાનની લગોલગ સામાજિક વિષમતાઓ આવતીકને ઊભી રહી. સંન્યાસીનાં સંતાનો હોવાને કારણે લોકોએ તેમનો બહિષ્કાર કર્યો. તેમને સતત હડધૂત કરવામાં આવ્યાં. ત્ર્યંબકેશ્વરના પંડિતોએ પણ વિઠ્ઠલ પંતનાં બાળકોને યજ્ઞોપવિત આપવાની ના પાડી દઈને દેહાંતનું પ્રાયશ્ચિત સૂચવ્યું. પોતાને કારણે બાળકોને બ્રાહ્મણત્વથી વંચિત રહેતાં જોઈને વિઠ્ઠલ પંતે દેહાંતનું પ્રાયશ્ચિત સ્વીકારવાનું નક્કી કરીને પ્રયાગ જઈને ગંગા નદીમાં દેહવિસર્જન કર્યું . વિઠ્ઠલની સાથે પત્ની રુકિમણીએ પણ મૃત્યુને આવકાર્યું. માતા-પિતાનાં મૃત્યુથી જગતનાં આશ્રયરૂપ બનનાર ચાર બાળકો તે સમયે તો નિરાશ્રિત બન્યાં. બાલ્યાવસ્થાથી જ જીવને આ ચારેયની સાથે વક્રતાથી કામ લીધું.

મુક્તાબાઈના જીવનમાં આવેલાં વિઘ્નો તેમના જીવનઘડતર માટે મહત્ત્વનાં પુરવાર થયાં એમ કહેવું યોગ્ય જણાતું નથી. બાળપણથી જ મળેલા જ્ઞાનપ્રકાશે કરીને મુક્તાબાઈ વિરક્તિમાં જ જીવતાં હતાં. તેમની વિશેષ અવસ્થા તેમને ડહોળાયેલા સંસારથી ક્યાંય ઊંચે સ્થાપિત કરતી હતી. આથી જ તેમની વાણીમાં સમાજ વિશેની કોઈ વાતનો ઉલ્લેખ જણાતો નથી. આત્મવિકાસ જ તેમનું ઘ્યેય હતું . કમળપત્ર પરનાં ઝાકળખબિંદુની જેમ મુક્તાબાઈ સંસારથી અળગાં જ રહ્યાં.

વિશિષ્ટ પ્રકારની, ઉચ્ચ વૈચારિક ભૂમિકાએ કરીને મુક્તાબાઈ જનસમાજનાં અધ્યાત્મગુરુ તરીકે ફેલાઈ શક્યાં નહિ હોય તેવું તેમની વાણીને જોતાં અનુમાની શકાય.

તેમણે બહુ ઓછો ઉપદેશ આપ્યો છે.એક વારે જ્ઞાનદેવ સાથે અને નામદેવ ને ચાંગદેવ સાથે તેમણે જે સંવાદ કર્યો છે તેમાં જ તેમનું જ્ઞાની કવયિત્રી તેમ જ સંત તરીકેનું વ્યક્તિત્વ સંપૂર્ણત: પ્રગટ્યું છે. આ સંવાદો પણ ખૂબ ઉપરની કક્ષાના છે. તેમની ભાષા સરળ છે પણ તેમના કથનનો ગૂઢાર્થ ઊંડો છે. તેમની ભાષામાં તેમનું યોગીત્વ છતું થાય છે. તેમને લાધેલું “अहं ब्रह्मास्मि” નું જ્ઞાન, તેમની વાણીમાં અનુભૂતિ બનીને પ્રગટ્યું છે. નાથ સંપ્રદાયના યોગીઓ વૈશ્વિક ઊર્જાની ઉપાસના પોતાના શરીરમાં જ કરતા હોય છે. જે બ્રહ્માંડમાં છે તે જ પિંડમાં છે એવું માનતા આ સંતો પિંડની ઊર્જાને ઓળખવા માટે અહમૂને ગાળીને સ્વત્વની શોધ કરે છે. આથી તેમની શોધ કે મંજિલ પણ છે તો એક પ્રકારનું સમર્પણ જ, પણ તે ભક્તિની ભાષામાં પ્રગટ થતું નથી પણ જ્ઞાની પરિભાષામાં પ્રગટ થાય છે. મુક્તાબાઈના સંવાદોની પરિભાષા આ વાતની સાક્ષી પૂરે છે. જે સમયમાં સ્ત્રીનેવવવેદાધ્યયનનો અધિકાર નહોતો ત્યારે એક કિશોરીએ પોતાના વિચારોમાં જે ખુલ્લાપણું વ્યક્ત કર્યું છે તે સાનંદાશ્ચર્ય જગવે તેવું છે.

મુક્તાબાઈમાં દેખાતું હીર તેમના ગુરૂબંધુ ને ગુર્‌ એવા નિવૃત્તિનાથે પોષેલું છે. એક વિચારધારા પ્રમાણે મુક્તાબાઈના ગુર્‌ જ્ઞાનેશ્વર માનવામાં આવ્યા છે પરંતુ પોતાના અભંગોમાં મુક્તાબાઈએ સ્પષ્ટ રીતે નિવૃત્તિનાથનો ગુરુ તરીકે સ્વીકાર કર્યો છે. જ્ઞાનેશ્વરના પણ ગુરુ નિવૃત્તિનાથ જ છે. આ દૃષ્ટિએ જ્ઞાનદેવ મુક્તાબાઈના ગુરુભાઈ છે. ઊલટાનું મુક્તાબાઈએ ક્યારેક જ્ઞાનદેવને શીખ આપી હોય એવું બન્યું છે. પણ જ્ઞાનદેવ એમના ગૂરુ નથી. તે તો મુક્તાબાઈના અભંગોમાં જ કહેવાયું છે. તેઓ કહે છે તેમ, ‘મને નિવૃત્તિએ સાવધાન કરી છે. મારા ગૂરુએ મને એક તત્ત્વનો (અર્થાત્‌ હરિનો) ઉપદેશ આપ્યો છે.’
આ તત્વ રંગાયેલાં મુક્તાબાઈએ પછીથી આગળના સંસારને ઇચ્છ્યો નથી.ગુરૃના ઉપદેશથી ઈશ્વર સાથે સંકળાયેલાં મુક્તાબાઈએ પોતાની સ્થિતિ દર્શાવતાં જણાવ્યું : *મે અભેદ્ય એવા ભેદને ભેદ્યો છે. મને મુક્તિ મળી છે. નિવૃત્તિએ મને પ્રાપ્તિની પ્રાપ્તિ ને નિવૃત્તિની નિવૃત્તિ કરાવી છે.’ ત્યારની સામાજિક લોકવાયકા પ્રમાણે મુક્તાબાઈએ લગ્ન ન કરગા પાછળનું કારણ તેમનો સામાજિક બહિષ્કાર હતો. સંન્યાસીનાં સંતાનો હોવાને લઈને તેમને ચાંડાલ ગણવામાં આવેલાં આથી તેમણે સંસાર માંડ્યો નહોતો. દેખીતી રીતે જ આ પ્રકારની વાયકા સમાજની જડ વિચારધારાને દર્શાવે છે. જ્ઞાનની ચરમ અવસ્થાને પામેલાં આ ચારેય ભાંડુઓને માટે સામાજિક આચારો વ્યર્થ બની ગયા હતા.

નિવૃત્તિનાથે યજ્ઞોપવિત ધારણ કરાવવા માટે બ્રાહ્મણોને એટલા જ માટે વીનવ્યા હતા જેથી કુલાચારનો આદર થઈ શકે ને મૃત પિતાની ઇચ્છા સંતોષાય. આ સિવાય બાલ્યાવસ્થામાં જ જીવનના સારને પામી ચૂકેલાં આ બાલયોગીઓને સાંસારિક વ્યવહારોની તો શી પડી હોય ? આખરે તો આ પ્રકારની માન્યતાઓ તત્કાલીન સમાજની છવિ ઝીલવા પૂરતી જ મહત્ત્વ ધરાવતી હોય છે.

નિવૃત્તિ, જ્ઞાનદેવ, સોપાનદેવ ને મુક્તાબાઈનું જીવન એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલું રહ્યું. સંસારની વિષમતાઓ વચ્ચે એકબીજાના ટેકાથી તેઓ રહી શક્યાં. મુક્તાબાઈ ત્રણે ભાઈઓનાં વિશ્રાંતિસ્થાન સમાં બની રહ્યાં. નિવૃત્તિનાથને માંડ (એક પ્રકારની વાનગી) ખાવાની ઇચ્છા થતાં મુક્તાબાઈ તે માટે ઘેર ઘેર ફર્યા પણ તેમને માંડ શેકવાનું વાસણ જ ન મળ્યું. જરા પણ નિરાશ થયા વિના તેમણે જ્ઞાનદેવની પીઠ ઉપર મોટાભાઈને માટે માંડ શેકી આપીને સૌને જમાડ્યા.

નિવૃત્તિનાથના ત્રણેય શિષ્યો – જ્ઞાનદેવ, સોપાનદેવ ને મુક્તાબાઈમાં મુક્તાબાઈ વિશેષ અધિકારી જણાય છે. તેનું એક ઉદાહરણ તાટીના અભંગનો પ્રસંગ ગણી શકાય. ભિક્ષા લેવા નીકળેલા જ્ઞાનદેવને એક વાર કોઈએ ભિક્ષા ન આપી એટલું જ નહિ પણ તેમને જોઈને પોતાનાં દ્વાર વાસી દીધાં. સમાજનો પોતા પ્રત્યેનો આટલો ઉપેક્ષાભાવ જોઈને ઉદાસ થયેલા જ્ઞાનદેવ રિસાઈને સિદ્ધ બેટમાં ભોંયરાં જેવી ઓરડીમાં જઈને બેસી ગયા. ઘેર આવેલા નિવૃત્તિનાથને જ્ઞાનદેવની ચિંતા થતાં ત્રણે ભાંડુ તેમની શોધમાં નીકળ્યાં. ‘જોગીનું સ્થાન જોગટા જાણે’ એ ન્યાયે મુક્તાબાઈ સિદ્ધ બેટમાં છુપાયેલા જ્ઞાનેશ્વર પાસે પહોંચી જઈને તેમની સ્થિતિ કળી શક્યાં ને તેમણે જ્ઞાનેશ્વર સાથે જે સંવાદ કર્યો તેમાં સમજાવટ હતી, વ્યવહારકુશળતા હતી, જ્ઞાનીનું દર્શન હતું ને મધુર ભાવે આપેલી શીખ પણ હતી. ‘તાટી(ઝૂંપડી)ના અભંગો’ના નામે જાણીતો થયેલો આ સંવાદ મુક્તાબાઈને બ્રહ્વાહિની ઠેરવે છે.

તેઓ મોટાભાઈને સમજાવતાં કહે છે :

“’જ્ઞાનેશ્વર, તમે સાધુ છો ને ? તો સાધુ મોટા મનના હોય છે. તેઓ દુનિયાના અપરાધ સહન કરે છે. લોકો ગુસ્સે થઈને અગ્નિ જેવા થાય તો પણ સાધુએ પાણીની જેમ ઠંડા થવું. શબ્દો રૂપી બાણ આપણને ખૂંચ્યાં હોય તો પણ તેને ઉપદેશ ગણવો. જગતરૂપી પટમાં બ્રહ્મ રૂપી દોરો પરોવાયેલો છે. તો પછી તમે કોને ધમકાવશો ? ઝાંપલું ખોલો ને ઘેર ચાલો.”

“સુખના દરિયામાં રહેનારને ઊંચ-નીચ ભાવ રહેતો નથી. આ દુનિયા તૃણવત્‌ છે.”

“લોકોએ અમને કેમ હેરાન કર્યા” એવી મનોવૃત્તિ રાખવી જોઈએ નહિ. આપણે જેમ મુક્ત થયાં છીએ તેમ દુનિયાને પણ મુક્ત કરીને રહેવું જોઈએ. આજે જે ઉચ્ચ છે તે કાલે નીચ પણ બની શકે છે, ને નીચ ઉચ્ચ. આ એક નાટક જેવો ખેલ છે. એ સ્થિર હોતો નથી. જો આપણે સૌ એકમાંથી જ ઉત્પન થયા છીએ તો પછી તેમનો ત્યાગ કરવો ઉચિત નથી. તેમની સારસંભાળ કરવી જ રહી. શૂન્ય અને સાક્ષી, વેદ અને ૐકાર જુદા નથી… તેથી આ બંનેને બાજુ પર રાખીને ઝાંપલું ખોલો.”

“અંદરખાને વિષયાસક્તિ હોય એવી કોઈ વ્યક્તિ ભગવાં વસ્ત્રો પહેરીને નામધારી સંન્યાસી થાય તેથી તેને સાઘુ કહી શકાય નહિ. ‘હું કોણ છું’ તેનો તમે જાતે વિચાર કરો. સર્વનો વિચાર કરવાવાળાને વિવેક છોડી જતો નથી. લોકોએ આપણને માન આપવું (એવી ઇચ્છા) અને પોતાનો પરમાર્થ લોકોમાં જાહેર થાય એવો ઢોંગ હવે બંધ કરો અને ઝૂંપડી ખોલો.”

“સંત કોને કહેવા ? – જેનામાં દયા, ક્ષમા, શાંતિ હોય; વિરક્ત કોને કહેવા ? – લોભ અને અહંભાવ જેનામાં નથી. જેના મુખમાં શુદ્ધ જ્ઞાનવાણી છે તે આ અને પરલોકમાં પણ સુખી હોય છે. નહિ જેવી કલ્પના કરીને શું બેઠા છો ? દ્વાર ખોલો.”

“તમે એક જ આ દુનિયામાં સાધુ છો ? બીજા કોણ નથી થયા તે બતાવો. બ્રહ્મદેવ થકી આ માયાની જાળ ફલાઈ છે કે નહિ ? “હું સાધુ છું’ એ માન્યતા માયા છે. આ માયાનું અસ્તિત્વ નહિ રહે ત્યારે દુનિયા બ્રહ્મરૂપ થશે. એવું જ્ઞાન પ્રાપ્ત કરીને સુખી થાવ. કામ, ક્રોઘ, લોભ છોડીને ઝૂંપડું ખોલો.”

“બ્રહ્મ જે – તે સ્થિતિથી તૈયાર થયેલું છે અને તેથી આપણે માટે પ્રાણીમાત્ર પૂજ્ય છે. ભૂલથી આપણે જાતે થપાટ ખાધી હોય તેથી નારાજ થવાની જરૂર «થી. જીભ દાંતમાં ચવાઈ જાય તેથી કાંઈ દાંત તોડી પડાય છે ? જેટલો મનસ્તાપ થાય તેટલું જ માણસમાં ડહાપણ આવે છ. પહેલાં લાખંડના ચણા ચાવવા પડે; પછી જ બ્રહ્મ પર નાચી શકાય. મનને મારીને, એટલે નિવૃત્ત થઈને હે જ્ઞાનેશ્વર ! બારણું ખોલો.”

“આપણે સુખના સાગર બનીને લોકોને બોધરૂપી પાણી પાઈને શાંત કરવા જોઈએ. જ્ઞાનદાન કરતી વખતે ભેદ રાખવો ન જોઈએ. સાધુને પોતાના – પારકાનો ભેદ હોતો નથી. … સ્ત્રીઓ અને શૂદ્રોને પણ ખૂલ્લા દિલથી જ્ઞાનદાન કરવું જોઈએ… તરી જવાના ઉપાયને સમજીને શાંતિથી દરવાજો ખોલો. ”

“તમે જ જો દુનિયાનું રૂપ લઈને બેઠા છો તો કોના ઉપર ગુસ્સો ઠાલવો છો ? આ દુનિયા જનાર્દન છે એવું સમજવાવાળાને ઉત્તમ સાધુ કહેવાય. જે વ્રત લીધું તે જો આચરણમાં મૂકી ન શકાય તો તેનો શો અર્થ છે ? ત્રાસ, ઉપદ્રવ, હેરાનગતિ, પશુવૃત્તિ જેવું કોઈ કરે તો અજ્ઞાનીને ક્રોધ આવે જ. આવા કોધના સમયે જો સાધુ ક્રોપિષ્ટ થાય તો તેણે કરેલો પરેમાર્થ વ્યર્થ ગયો સમજવો. હે જ્ઞાનેશ્વર, ઊચી દૃષ્ટિ રાખીને દરવાજો ખોલો.’

“કલ્પના અને ઉપાધિનો ત્યાગ કરવો એ જ સાધુની સમાધિ સમજવી. દુનિયામાં સહુ દ્વૈતીયાં છે. તમે કોની કોની સાથે વિવાદમાં પડશો ?…. પક્ષી આકાશમાં ગમે તેટલું ઊંચે ઊડતું હોય તો પણ એના પગ નીચે હોય છે. મન જ બધી ક્રિયાઓ કરે છે. …. હજુ પણ કંઈ બગડ્યું નથી. પરમાર્થના માર્ગે પાછા વળો અને બારણું ખોલો.”

“જો આસક્તિ છૂટતી ન હોય તો પર્વતો અને કંદરાઓ પર જઈને બેસવાનો શો અર્થ છે ?… જો અંતરમાં નિષ્કામભાવ ન હોય તો યોગ-ધર્મના આચરણથી શો ફાયદો ?… શંકા કાઢીને દ્વાર ખોલો.”

“*જો શુદ્ધ ભાવના હોય તો ભગવાન દૂર નથી. આપણે લોકોની માન્યતા પ્રમાણે ચાલવું અને તેમને આપણા સમાન માનવા એવી આપણાં માતા-પિતાની દોરવણી છે એ બાબત તમને કોણ શીખવશે ? તમે જ સારાંશ શોધી કાઢો. આ હું તમને ઉપદેશ કરું છું તે ગુરુ તરીકે નહીં પણ અંગત ભાવે કરું છું. તમને શો ઉપદેશ કરવાનો હોય ? મૂળમાં જ તમે બ્રહ્મરૂપ છો. આવો બોધ લઈને તરી જાવ ને દુનિયાને પણ તારો.”

જ્ઞાનેશ્વર જેવા સમર્થ જ્ઞાની ને સંબંધે મોટા ભાઈને આ પ્રકારે નમ્રતાપૂર્વક કાન પકડાવતી મક્તાબાઈનું ચિત્ર આંખ આગળ લાવવા જેવું છે. ગુરુ હોવા છતાં નિવૃત્તિનાથ પણ જે ન કહે તે મુક્તાબાઈએ કહ્યું છે. જ્ઞાનેશ્વરનાં નિમિત્તે આખરે તો મુક્તાબાઈનો જીવન, જગત, બ્રહ્મ વગેરે વિશેનો ખ્યાલ જ પ્રગટ થાય છે જે તેમને એક વૈરાગી સાધ્વી તરીકે પ્રસ્‍થાપિત કરે છે.

આવી જ રાતે મુક્તાબાઈએ બીજી વારનો સંવાદ મહારાષ્ટ્રના મહાન સંત નામદેવ સાથે કર્યો છે. આ સંવાદ પણ આંખ ઉઘાડનારો છે. નિવૃત્તિનાથ પાસે આવેલા નામદેવને મહાન ભક્ત જાણીને નિવૃત્ત સહિત સૌ પ્રણામ કરે છે પણ મુક્તાબાઈ તેમની ભક્તિને સ્વીકારવાતૈયાર નથી. તેમને મતે નામદેવની ભક્તિ હજુ કાચી છે. તેમનામાં જ્ઞાનપ્રકાશ જાગ્યો નથી. મુક્તાબાઈને મતે જંગલી ચણોઠી મોતી કરતાં પણ સુંદર દેખાતી હોવા છતાં શણગાર તરીકે કામ આવતી નથી. તેવું જ નામદેવના સાધુવેશનું છે. એ ચંદનનું ઝાડ છે પણ અહંકારરૂપી સાપ તેના થડ પર વીંટળાયો છે. તે ઝાડનો ઉપયોગ શો ? નિવૃતિનાથના સમજાવ્યા છતાં મુક્તાબાઈ નામદેવને પ્રણામ કરવા તૈયાર ન જ થયાં. તેમને મતે નામદેવ ભગવાનના ભક્ત હતા તેથી ઈશ્વરે તેમના પર કૃપા કરીને તેમને નિવૃતતિનાથ પાસે મોકલ્યા જેથી તેમનામાં જ્ઞાનપ્રકાશ જાગે.

મુક્તાબાઈએ છેવટે ગોરા કુંભાર (જેનો એક અર્થ ગોરખનાથ એવો કરવામાં આવ્યો છે) ને બોલાવીને તેમના વારા નામદેવની પરીક્ષા કરવામાં આવી. ગોરોબા એક સંત હતા ને ઉંમરમાં મોટા હતા તેથી તેમને બોલાવ્યા. તેમના હાથમાં ધોકા જેવું એક સાધન હતું જે તેમણે ત્યાં બેઠેલા સૌના માથા પર માર્યું. કોઈએ વિરોધ ન કર્યો પણ નામદેવે કર્યો. ત્યારે ‘કાચો ઘડો’ સાબિત થયા. શરમાયેલા નામદેવે પછીથી વિસોબાને ગુરુ કર્યા. આ વિસોબા તે મુક્તાબાઈના શિષ્ય. આમ નામદેવને આડકતરી રીતે મુક્તાબાઈનું શિષ્યત્વ સાંપડયું

નામદેવ ભક્ત હતા તો ચાંગદેવ એ સમયે મહાન સિદ્ધયોગી તરીકે પ્રખ્યાત હતા. સિદ્ધિઓનું અભિમાન ધરાવતા ચાંગદેવે, જ્ઞાનેશ્વરની ખ્યાતિ સાંભળીને તેમને એક પત્ર મોકલ્યો. આ પત્ર કોરો જ હતો કેમ કે ચાંગદેવ કરતાં જ્ઞાનેશ્વર ઉંમરમાં નાના હતા પણ જ્ઞાનમાં મોટા હતા. આથી તેમને સંબોધન કરવામાં મૂંઝવણમાં મુકાયેલા ચાંગદેવે પત્ર કોરો જ મોકલ્યો. આ પત્ર જોઈને વિનોદમાં મુક્તાબાઈએ ચાંગદેવને ‘કોરા’ ગણ્યા. તેમને મતે ચાંગદેવની પકવતા હજુ કાચી હતી. જ્ઞાનેશ્વરે ઉત્તરમાં ‘ચાંગદેવ પાષષ્ઠી’ને નામે પાંસઠ ઓળીનો પત્ર ચાંગદેવને મોકલ્યો. એ વાંચીને વાઘ પર સવારી કરીને ચાંગદેવ જ્ઞાનેશ્વરની પાસે આવ્યા ને તેમનાં મહાન સામર્થ્યને જોઈને અહમ્‌ છોડીને તેમના શિષ્ય થવાની ઇચ્છા વ્યક્ત કરી. આ સમયે જ્ઞાનેશ્વરે એ જવાબદારી મુક્તાબાઈને સોપી. વૃદ્ધ ચાંગદેવ એક કિશોરી પાસે શિપ્યભાવે આવ્યા તો ખરા પણ મુક્તાબાઈનો પરિચય તેમને થવો બાકી હતો.

મુક્તાબાઈ પાસે ગયેલા ચાંગદેવે સ્નાન કરતાં મુક્તાબાઈને નિર્વસ્ત્ર અવસ્થામાં જોઈને સંકોચપૂર્વક પીઠ ફેરવી લીધી ત્યારે તેમને ઉદ્દેશીને મુક્તાબાઈએ કહ્યું : “તમે નગુરા જણાવ છો. તમારા મનમાંથી હજુ સ્ત્રી-પુરુષના ભેદ ગયા નથી. ગોખને જોઈને જેમ વિકાર થતો નથી તેમ મને પણ ભીંતના ગોખ જેવી જાણો. ગાય વનમાં તેમ નગરમાં પણ નિર્વસ્ત્ર જ રહે છે. હું પણ આ ગાયના જેવી જ છું.” મુક્તાબાઈનાં આ વચનોથી ચાંગદેવનાં ચક્ષુ ખૂલી ગયાં ને જ્ઞાનેશ્વરનો પત્ર મુક્તાબાઈએ સહજમાં ઉકેલી આપ્યો.

ઈ.સ. ૧૨૦૧થી ૧૨૧૭ના – માત્ર સત્તર વર્ષીય આયુપટમાં મુક્તાબાઈએ જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય ને યોગમાર્ગનું સમન્વયીકરણ કર્યા પછી આ ચારેય માર્ગને પણ વળોટીને વરાગ્યના અગ્નિમાં પોતાની તપાવેલી, ઝળહળતી પ્રજ્ઞાના પ્રકાશમાં જગત માટેનો દુર્ગમ માર્ગ સુગમ કરી આપડામાં સૌને મદદ કરી. મુક્તાબાઈનું સંતત્વ આત્યંતિક હતું. તેના વૈરાગ્ય અગ્નિમાં તે સમયના અનેક સંતોએ પોતાનું અહમ્‌ તપાવીને ભસ્મસાત્ કરીને મુક્તાબાઈને સદ્‍ગુરુ તરીકે મેળવવાનું ભાગ્ય પ્રાપ્ત કર્યું. આનુવંશિક રીતે મળેલા સંન્યાસને, પોતા તરફથી પણ સમૃદ્ધ કરી મુક્તાબાઈએ સંન્‍યાસને પણ ગૌરવ બક્ષીને માનવજાતને કૃતાર્થ કરી.


ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.