પંખીઓના દેશમાં
ગિરિમા ઘારેખાન
એક સુંદર નાનકડો બગીચો હતો. બગીચામાં જાતજાતના રંગબેરંગી ફૂલો ખીલે. લાલ અને પીળા, સફેદ અને ગુલાબી, જાંબલી અને કેસરી ફૂલોથી આખો બગીચો શોભે. રોજ સવારમાં આ ફૂલો ઉપર પોતાના સોનેરી, કૂણાં કૂણાં કિરણોનો હાથ ફેરવવા માટે સૂરજ પણ બગીચામાં આવે અને બધાં ફૂલોને હસાવી જાય. ફૂલો તો ખુશ થઈને આમતેમ ડોલે. આ સુન્દર ફૂલોને જોવા માટે, મળવા માટે, એમની સાથે વાતો કરવા માટે, રોજ સવારે ઘણાં બધા પતંગિયાં પણ બગીચામાં આવે. એ લોકો ત્યાં રમે, થોડી ઊડાઊડ કરે અને મજા કરે.
એક દિવસ આ બગીચામાં એક નાનું, નવું પતંગિયું આવ્યું. નામ એનું પીન્ટુ. એ હજુ હમણાં જ પોતાના કોશેટામાંથી બહાર આવ્યું હતું. એણે ત્યાં ઘણા બધા પતંગિયાને રમતાં જોયા. કોઈ કોઈ પતંગિયા એકબીજા સાથે રેસ લગાવતા હતાં, કોઈ ફૂલો ઉપર ચક્કર ચક્કર ફરતાં હતાં અને કોઈ કોઈ નીચે ઘાસમાં ગુલાટિયાં ખાતા હતાં. પિન્ટુને પણ એમની સાથે રમવાનું મન થયું.
પણ એ બધાં એની સામે કંઈ વિચિત્ર નજરે જોતાં હોય એવું એને લાગતું હતું. એને થયું કે પોતે નવું હતું અને બધા એને પહેલીવાર જોતા હતાં માટે એવું હશે. એક સુંદર પતંગિયું એક પાંદડા ઉપર બેઠું હતું. પીન્ટુ એની પાસે જઈને બેઠું અને એના તરફ પોતાની પાંખ ફફડાવી. પેલું પતંગિયું તો એના તરફ એક નજર નાખીને ત્યાંથી ઊડીને બીજે જતું રહ્યું. બીજા ઘણા પતંગિયાઓએ પણ એની સાથે એવું જ વર્તન કર્યું.
પીન્ટુ તો બગીચામાં બધા સાથે રમવા આવ્યું હતું. એ મિત્રો બનાવવા આવ્યું હતું. પણ બધા પતંગિયાઓનું આવું વર્તન જોઇને એ તો દુઃખી દુઃખી થઇ ગયું. એને રડવું આવી ગયું. એની આંખો આંસુથી ભરાઈ ગઈ.
એ તો એક સૂરજમુખીના ફૂલ ઉપર જઈને બેસી ગયું. પણ આંસુ તો અટકતાં જ ન હતાં. એના આંસુથી સૂરજમુખીની પાંદડીઓ પણ ભીની થઇ ગઈ. ત્યારે જ પીન્ટુની નજર એ ભીની પાંદડીઓ ઉપર પડતા પોતાના પ્રતિબિંબ ઉપર પડી અને એને તો એકદમ આઘાત લાગ્યો. એના શરીર ઉપર બીજા પતંગિયાની ઉપર હોય એવા કોઈ રંગ જ ન હતાં! એ તો સાવ ધોળું ધબડ હતું!
હવે તો પીન્ટુનું રડવાનું એકદમ વધી ગયું. એને બીજા પતંગિયાઓના પોતાના તરફના ખરાબ વર્તનનું કારણ સમજાઈ ગયું.
એ બધા તો કેવાં સુંદર લાગતાં હતાં! એના જેવા રંગ વિનાના પતંગિયા સાથે રમવાનું કોને ગમે? હવે તો કોઈ એની સાથે દોસ્તી નહીં કરે. બગીયો ગમે તેટલો સારો હોય પણ દોસ્તો વિના શું મજા? એકલા એકલા ફરવામાં, ઊડવામાં શું આનંદ આવે?
પીન્ટુએ તો જોરજોરથી રડવા માંડ્યું.
એનું આવું રડવાનું સાંભળીને સૂરજમુખીની સુસ્તી ઊડી ગઈ.
એણે પિન્ટુને પૂછ્યું, ‘એઈ નાના પતંગિયા, તું કેમ આટલું બધું રડે છે? મેં તો ક્યારેય કોઈ પતંગિયાને રડતું નથી જોયું. બધાંને કાયમ રમતાં અને મસ્તી કરતાં જ જોયા છે. તને શું થયું?’
પીન્ટુએ સૂરજમુખીને કહ્યું, ‘જુઓને,
‘હું તો ધોળું ધબડ છું.
રંગો વગર છું,
રમતું નથી કોઈ,
દોસ્તો વગર છું.’
એ સાંભળીને સૂરજમુખી તો જોરજોરથી હસવા માંડયું. એ એટલા જોરથી હસ્યું કે એની બધી પાંદડીઓ પહોળી થઇ ગઈ અને પીન્ટુ એની વચ્ચેના ખાડામાં પડી ગયું. એને લાગ્યું કે હવે તો આ ફૂલ પણ એની મશ્કરી કરે છે. એ વધારે ઉદાસ થઇ ગયું.
પણ ત્યાં તો સૂરજમુખી બોલ્યું. ‘રંગ નથી એમાં રડવાનું શું? અહીં અમારી પાસે આટલા બધા રંગ છે. તને આપીશું. જો, તું જે ખાડામાં છે ત્યાં ઘણો બધો પીળો રંગ ભરેલો છે. તું એમાંથી થોડો તારી પાંખો ઉપર લગાવી દે. પછી વારાફરતી બધા ફૂલો પાસે જજે. બધા તને પોતાનો રંગ આપશે.’
પીન્ટુ આ સાંભળીને ખુશ તો થયું. પણ એણે પૂછ્યું, ‘મને રંગ આપશો તો તમારો રંગ ખલાસ નહીં થઇ જાય?*
સૂરજમુખી કહે, ‘ના ભાઈ ના. જેને જરૂર હોય એને પોતાની પાસેથી થોડું આપીએ તો આપડું ઓછું થોડું થઇ જાય? અને થોડું ઓછું થાય તો પણ શું? અમે તો સાંજ પડે કરમાઈ જઈશું. કાલે બીજા નવા ફૂલ નવા રંગો લઈને આવી જશે.’
પીન્ટુ તો ઘણું રાજી થયું. એણે સૂરજમુખીના પીળા રંગથી પોતાની પાંખો પીળી કરી. લાલ ગુલાબે એની પાંખોની કિનારી લાલ રંગથી રંગી આપી. જાંબલી ફૂલોએ એના શરીર ઉપર જાંબલી રંગના છાંટણા કર્યા. સૂરજના કિરણોએ એની પાંખો ઉપર પોતાની આંગળીઓ ફેરવી અને એ પાંખો ચમકવા માંડી. પછી પીન્ટુ તો કેળ પાસે ગયું અને એના મોટા પાન ઉપર હજુ ટકી રહેલા ઝાકળના નાના ખાબોચિયામાં પોતાનું પ્રતિબિંબ જોયું. એના આનંદનો તો પાર ન રહ્યો. એ તો એકદમ સુંદર સુંદર બની ગયું હતું. એ વારાફરતી બધા ફૂલ પાસે ગયું અને બધાને ચૂમીને એમને વ્હાલ કર્યું. બધા ફૂલ પણ એને ખુશ જોઇને પાંદડીઓ ખોલીને હસવા અને ડોલવા માંડ્યા.
પોતાના દોસ્ત ફૂલોનું આવું સરસ વર્તન જોઇને પતંગિયાઓને પણ પોતાની ભૂલ સમજાઈ. એમણે પણ આ નવા, નાના પતંગિયાને વ્હાલ કર્યું અને એને દોસ્ત બનાવી લીધું. પીન્ટુ બધાની સાથે ખૂબ રમ્યું. એણે પણ એમની સાથે ઊડવાની, ચક્કર ચક્કર ફરવાની રેસ લગાવી અને ઘાસમાં આળોટવાની મજા પણ લીધી.
હવે એ રોજ સવારે બગીચામાં રમવા માટે જાય છે.
પણ ફૂલોએ એને માટે શું કર્યું એ એણે બરાબર યાદ રાખ્યું છે. એ જઈને સહુથી પહેલા પોતાના પાકા દોસ્ત ફૂલોને મળે છે. એમને વ્હાલ કરે છે. એમના કાનમાં વાતો કરે છે અને પછી જ રમવા માટે જાય છે.
