હરેશ ધોળકિયા
યુવલ નોવા હરારી વર્તમાન જગતના એક સુપ્રસિદ્ધ ઇતિહાસકાર છે. તે ઇતિહાસનું જે અર્થઘટન કરે છે, તે આપણને ચોંકાવી દે છે. તેમણે આજ સુધીના ઇતિહાસનું અર્થઘટન કરતું પુસ્તક લખ્યું છે. નામ છે “ સેપીયંન્સ.” તેમાં માનવજાતનો વીસ લાખ વર્ષનો ઈતિહાસ નોંધ્યો છે. પુસ્તક ઇતિહાસનું હોવા છતાં એક થ્રીલર નવલકથા જેવું પુસ્તક છે. એક પાનું પણ ન છોડી શકાય તેવું. વારંવાર વાંચવા જેવું. માનવજાતને સમજવા પ્રયત્ન કરનાર દરેકે વાંચવા જેવું પુસ્તક.

હરારી અહીંથી ન અટક્યા. આ પુસ્તક પછી તેમણે બીજું પુસ્તક લખ્યું “ હોમો ડીયસ.” પહેલું પુસ્તક ભૂતકાળનું હતું, આ પુસ્તક આવતી કાલનું છે. પુસ્તકનું પેટા શીર્ષક છે “ આવતી કાલનો સંક્ષિપ્ત ઈતિહાસ.” એ પણ એવું જ રોમાંચક છે. એક એક મુદો લઇ તે એટલી તો સરળતાથી ને છતાં ખૂબ ઊંડાણથી સમજાવે છે કે વાંચ્યા જ કરીએ. તેમાં નાના નાના મુદાઓ જાણવા જેવા છે.
શરૂઆતમાં તે લખે છે કે હજારો વર્ષોથી ત્રણ સમસ્યાઓ માનવજાતને હેરાન કરી રહી છે : દુકાળ, પ્લેગ અને યુદ્ધ. પણ ત્રીજી સહસત્રાબ્દી શરુ થતા જ માણસે તેનો ઉકેલ શોધવાનો પ્રયત્ન
શરુ કર્યો છે. આ સમસ્યાઓ હજી દૂર નથી થઈ, પણ તેને દૂર કરી શકાય તેમ છે એ માન્યતા તો શરૂ થઇ જ ગઈ છે. તે દૂર કરવા માટે ભગવાનની જરૂર નથી એમ માનવાની પણ શરૂઆત થઇ ગઈ છે.
આના કારણોમાં કોઈ માનવીય ગરબડ છે એમ માની તે જાણવા હવે તપાસ પંચ સ્થપાય છે. હરારી લખે છે કે ગઈ કાલે જે સમસ્યાઓ હતી તેના બદલે આજે બીજી જ સમસ્યાઓ છે.
આ બાબતનાં તેના વિધાનો આપણને વિચાર કરતા કરી દે છે.
તે લખે છે કે ઇતિહાસમાં પહેલી વાર ભૂખ્યા રહેવાને બદલે વધારે ખાઈને લોકો મરે છે.
ચેપી રોગોને બદલે લોકો વૃદ્ધાવસ્થાના કારણે વધારે મરે છે.
સૈનિકો, ત્રાસવાદીઓ અને અપરાધીઓના હાથે ન મરે તેના કરતા વધુ લોકો આત્મહત્યા કરી મરે છે.
તે કહે છે કે હજારો વર્ષો સુધી કલ્પનાતીત લોકો દુકાળમાં મરી જતા હતા. ભારતમાં દુકાળ આવતો ત્યારે પાંચથી દસ ટકા લોકો તેમાં હોમાઈ જતા. પણ છેલ્લા સો વર્ષ દરમ્યાન ટેકનોલોજીકલ, આર્થિક અને રાજકીય વિકાસના કારણે સુરક્ષાનું મજબૂત કવચ ઘડાયું છે. તેના કારણે ગરીબીની લાઈન નાની થઇ ગઈ છે. પૃથ્વી પર હવે કુદરતી દુકાળ નથી રહ્યા. માત્ર રાજકીય દુકાળ રહ્યા છે. સીરીયા, સુદાન કે સોમાલિયામાં લોકો જો ભૂખે મરતા હોય તો તે એટલા માટે કે ત્યાના રાજકારણીઓ એમને એ રીતે મરવા દે છે. ભલે આજે પણ સેંકડો લોકો રોજ ભૂખ્યા સુવે છે, પણ મોટા ભાગના દેશોમાં બહુ ઓછા લોકો ભૂખે મરે છે.
પછી ધડાકો કરતા લખે છે કે હકીકતે આજે મોટા ભાગના દેશોમાં અતિશય આહાર કરવો એ દુકાળની તુલનામાં ઘણી વિકટ સમસ્યા બની ગઈ છે. વિશ્વમાં ૨૦૧૪મા ૮૫૦ મિલિયન કુપોષિત લોકોની તુલનામાં ૨.૧ મિલિયન લોકો વધારે વજનવાળા હતા. અનુમાન છે કે ૨૦૩૦માં અડધી માનવજાત ઓવરવેઇટથી પીડાતી હશે. ૨૦૧૦મા દુકાળ અને કુપોષણના કારણે દસ લાખ લોકોના મોત થયા હતા, જયારે મેદસ્વીપણાથી ત્રીસ લાખ લોકોના મોત થયા હતા.
દુકાળ પછી માનવજાતનો મોટો દુશ્મન રોગ હતો. ચૌદમી સદીમાં રોગોના કારણે ફ્રાન્સમાં એક લાખ લોકો મર્યા હતા. પણ છેલા થોડા સમયથી રોગચાળામાં નાટકીય રીતે ઘટાડો આવ્યો છે. આજે બાળમૃત્યુનો દર ખૂબ જ ઘટ્યો છે. સામાન્ય દેશોમાં તેનો રેશીયો પાંચ ટકા છે, પણ વિકસિત દેશોમાં તો એક જ ટકો છે. ૧૯૬૭મા શીતળાને કારણે ૧.૫ કરોડ લોકો માર્યા ગયા હતા, પણ
૨૦૧૪મા એક પણ વ્યક્તિને શીતળાનો ચેપ લાગ્યો ન હતો ? ને ન તો કોઈનું મૃત્યુ થયું હતું. આજે તો શીતળાનું રસીકરણ પણ બંધ થઇ ગયું છે. આજે ડોકટરો અને જંતુઓની દોડમાં ડોકટરો
તેજીથી દોડે છે. વિજ્ઞાનીઓ અગાઉની કોઈ પણ સારવાર કરતા બુનિયાદીરૂપે અલગ રીતે કામ કરે તેવી નવી ક્રાંતિકારી સારવારો અને પદ્ધતિઓ વિકસાવી રહ્યા છે. હવે તો નેનો રોબોટ્સ આવી રહ્યા છે જેઓ લોહીમાં જઈ, પરિભ્રમણ કરી ને બીમારીઓ શોધી કાઢે છે અને જંતુઓ અને કેન્સરના કોષોને ખતમ કરે છે.
કુદરતી આફતો તો માનવ સામે હારી રહી છે, પણ તકલીફ એ છે કે માણસ પોતે જ જોખમી બની રહ્યો છે. જે સાધનો ડોકટરોને ઝડપથી બીમારીઓને ઓળખવામાં અને તેની સારવાર કરવામાં સક્ષમ બનાવે છે, તે જ સાધનો સૈન્યો અને ત્રાસવાદીઓને પણ વધારે ભયાનક બીમારીઓ અને વિનાશક જર્મ્સ પેદા કરવા સક્ષમ બનાવે છે.
ત્રીજો દુશ્મન છે યુદ્ધ. હજારો વર્ષોથી દુનિયામાં યુદ્ધોનો જંગલનો કાનૂન હતો. ક્યારે કોઈ કોના સાથે યુદ્ધ કરશે તેની કોઈને ખબર ન હતી. ભૂતકાળમાં વિકાસનું આયોજન થતું ત્યારે તેમાં યુદ્ધની સંભાવનાનો પણ ઉમેરો કરતા. વીસમી સદીમાં આ કાનૂન ખતમ તો નથી થયો, પણ તેને તોડી નાખવામાં આવ્યો છે. મોટા ભાગમાં યુદ્ધો વિરલ ઘટના બનવા લાગ્યા છે. કૃષિ પ્રધાન સંસ્કૃતિમાં પંદર ટકા લોકો યુદ્ધમાં મરતા હતા, પણ આજે પાંચેક ટકા મરે છે. એકવીસમી સદી શરૂઆતમાં તો કેવળ એક જ ટકો મર્યા હતા. ૨૦૧૨મા વિશ્વમાં પાંચ કરોડ સાઠ લાખ લોકોના અવસાન થયાં હતાં. તેમાં છ લાખ વીસ હજાર લોકો માનવીય હિંસાના ભોગ બન્યા હતા. ( યુદ્ધમાં એક લાખ વીસ હજાર અને અપરાધમાં પાંચ લાખ.) તેનાથી ઉલટું, આઠ લાખ લોકોએ આત્મહત્યા કરી હતી અને પંદર લાખ લોકો ડાયાબિટીસમાં મર્યા હતા. લેખક કટાક્ષ કરતા લખે છે કે આજે ગન પાઉડર કરતા ખાંડ વધારે જોખમી છે.
આના સાથે સમાંતર આતંકવાદની પણ સમસ્યા છે. પણ લેખક કહે છે કે આતંકવાદ એ ચિંતાનો મુદો નથી. તે કહે છે કે આતંકવાદ એવા કમજોર લોકોની વ્યૂહરચના છે જેમની પાસે અસલી સત્તા નથી. એટલે તેમનામાં સૈન્યને હરાવવાની, દેશા સતા મેળવવાની કે શહેરોને તબાહ કરવાની તાકાત હોતી નથી. પણ આતંકવાદ કરતા જોખમી બાબતો બીજી છે. ૨૦૧૦મા વિશ્વમાં મેદસ્વીતા અને સંબંધિત બીમારીઓમાં ત્રીસ લાખ લોકો મરી ગયા હતા જયારે આતંકવાદીઓએ કેવળ ૭૬૯૭ લોકોની હત્યા કરી હતી. સામાન્ય યુરોપિયન અને અમેરિકન પર અલકાયદા કરતા કોકોકોલાનો ઘાતકી ખતરો વધારે છે.
લેખક કહે છે કે મોટા ભાગના કિસ્સાઓમાં આતંકવાદીઓ કરતા તેમની વિરુદ્ધનું વધારે પડતું રીએક્શન આપણી સલામતી માટે વધારે જોખમી સાબિત થાય છે. આતંકવાદીઓ આપણને જરૂર ઉશ્કેરે છે, પણ અંતે તો આપણા રીએક્શન પર જ બધો આધાર હોય છે.
લેખક કહે છે કે એ પણ વિચારવાનું છે કે ઈતિહાસ શૂન્યાવકાશ ચલાવી લેતો નથી. દુકાળ, રોગ અને યુદ્ધની ઘટનાઓ જો દૂર થઇ રહી છે તો માનવના એજન્ડામાં બીજું કેંક ગોઠવાઈ જશે. એનો પણ સાવધાનીથી વિચાર કરવાની જરૂર છે.
એકવીસમી સદીમાં મનુષ્યની ડાયરીમાં દુકાળ, રોગ અને યુદ્ધ બદલે કઈ બાબતો મોખરે હશે ? તે કહે છે કે જે અસાધારણ આર્થિક વિકાસના કારણે આ બધાને કાબૂમાં લઇ આવ્યા છીએ, તે જ વિકાસ પૃથ્વી પર પર્યાવરણીય સમતુલા બગાડી રહ્યો છે. પ્રદુષણ, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની સમસ્યાઓ વધી રહી છે. આ બાબતે કોઈ જ ગંભીર પ્રયાસો નથી થતા. વિકાસ અને પર્યાવરણ વચ્ચે પસંદગીનો સવાલ ઊભો થાય છે, ત્યારે વડાઓ વિકાસને જ પ્રથમ પસંદગી આપે છે. એટલે આ પાયમાલી ટાળવી હશે તો તેનાથી આગળ જઈ કામ કરવું પડશે.
પુસ્તકનો આ માત્ર પથમ પ્રકરણનો જ સાર છે. શરૂઆત જ રસપ્રદ છે. આગળ વાંચીએ તો વધારેને વધારે તલ્લીન થતા જઈએ છીએ. ક્યારેક તે પણ જોશું.
( કચ્છમિત્ર : તા : ૫-૧૦-૨૫ : રવિવાર)
૦૦૦૦૦
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com
