વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી
દૂઝણી ગાયની લાત
પરેશ ૨. વૈદ્ય
ભગવદ્ગીતામાં અર્જુન કૃષ્ણને એમનું ખરું રૂપ દેખાડવાની વિનંતી કરે છે ત્યારે યોગેશ્વર તેને બે રૂપો બતાવે છે. એક રૂપ મોહક છે; તેનાથી દેવો ખુશ છે અને અર્જુન પણ પ્રભાવિત છે. પરંતુ એમનું બીજું રૂપ ભયજનક નીકળે છે. તેમનાં વિકરાળ મુખમાંથી જ્વાળાઓ નીકળે છે અને માનવો તેમાં હોમાતા જાય છે ને મરતા જાય છે. (અધ્યાય-૧૧મો). આપણું ચોમાસું પણ આવું જ વિશ્વરૂપ છે. તેનાં મોહક રૂપ ઉપર તો આપણે હમેશાં ફીદા છીએ પરંતુ ક્યારેક એ રૌદ્ર સ્વરૂપ પણ બતાવે છે.
પહેલાં આનંદદાયક પાસું લઈએ.
તેના વિષે તો ઘણું લખાયું છે અને ગવાયું પણ છે. તેમાં માત્ર વરસાદનાં સૌંદર્યની જ વાત છે તેમ નથી. ચોમાસાની રસપ્રદ સામાજિક અસર પણ છે. આપણા પૂર્વજોની જીંદગી માત્ર ખેતી પર ટકી હોવાથી એક વરસ રાહ જોવડાવતું ચોમાસું તેમને બહુ જ પ્રિય હતું. ત્રણ-ચાર મહિના સુધી ચાલતું હોવાથી એ આપણી સંસ્કૃતિ જ બની ગયું હતું. આ ઉત્સવપ્રિય દેશે મોટાભાગના તહેવારોને આ ઋતુમાં ગોઠવી દીધા. વિચારવા જેવું છે કે ચોમાસાંની બહાર આવતા તહેવારો – મહા મહિનામાં શિવરાત્રી, ચૈત્રમાં રામનવમી અને હનુમાનજયંતિ કે મહાવીર જયંતિ – એ ધાર્મિક રીતે ઉજવાય છે પરંતુ શ્રાવણમાં પડતી કૃષ્ણજયંતિ, ભાદરવાની ગણેશ ચતુર્થી કે આસોમાં આવતી દીવાળી – એ બધામાં ધર્મ કરતાં વધુ મહત્વ સામાજિક અને સાંસ્કૃતિક પાસાંને અપાયું.
અષાઢમાં આવતા તીજ અને કાજળીનાં નાનાં વ્રતથી ચોમાસું શરૃ થાય છે. માત્ર ગુજરાત નહીં પણ ઉત્તર ભારતમાં પણ કન્યાઓ આ વ્રત ઉત્સાહથી મનાવતી. રક્ષાબંધન, નાગપંચમી, રાંધણ છઠ્ઠ, શીતળાસાતમ, જન્માષ્ટમીના મેળાઓ, શરદ પૂર્ણિમા આ બધા તહેવારો ચોમાસાંને ઉજવે છે. વિવિધ વૈષ્ણવ સંપ્રદાયોના હીંડોળા, જૈનોનાં ક્ષમાપના અને પર્યુષણ એમ ઘણું ઘણું ચોમાંસાની આસપાસ ગોઠવાયું છે.
સામે પક્ષે:
પરંતુ પ્રકૃતિના આ પુષ્કળ પ્રેમમાં આપણે ડૂબ્યાં રહીએ એનો અર્થ એ નથી કે બધું ‘ભયો ભયો’ છે. વરસે એક વાર આવતી ઋતુ હોવાથી એ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિનાં દુખનું બેલડું પણ સાથે લાવે છે. વાવાઝોડાં અને વીજળીનો વિનાશ તો જ્યાં ચોમાસું નથી ત્યાં પણ હોય છે, કારણ કે એનો સંબંધ વરસાદ જોડે છે, ઋતુ જોડે નહીં. પરંતુ દિવસો સુધી સૂરજ ન દેખાય અને વરસાદની હેલી થતી રહે અને છેવટે જળબંબાકાર પૂર આવે એ માત્ર આપણી નિયતી રહી છે. સેંકડો ગાયો કે ભેંસોને તાણી જતા પ્રવાહના વિડિયો આપણે જોયા છે. એની મદદ કોઈ નથી કરી શકતું. રાતનાં અંધારામાં જાગો અને તમારાં ઘરમાં પાણી ફરી વળ્યું હોય તે ડરાવનારો અનુભવ છે. પરંતુ એ પાણી બે દિવસ રહીને ઉતરે ત્યારે કાદવ સાફ કરવો પડે તે ત્રાસ પેલા ડર કરતાં વધારે ચડિયાતો છે. આ બધું આપણી એક ઋતુને કારણે.
અતિવૃષ્ટિ તો હંગામી છે; ચાર દિવસે તો સૂર્ય દેખાય છે. તેથી ઊલટું દુષ્કાળની પરિસ્થિતિ તો ધીમે ધીમે રીબાવનારી છે. અહીં બેઠે મંગળના ગ્રહ પર ગાડી ચલાવી જાણનારો માણસ આવતા વરસનું ચોમાસું વહેલું લાવી નથી શકતો ! અગાઉ જ્યારે માલસામાનની અવરજવરનાં સાધન ન હતાં ત્યારે દુકાળ ભૂખમરાનું કારણ બનતો. હવે એવાં મૃત્યુ નથી થતાં પરંતુ પીવાના પાણીના પ્રશ્નો થાય છે. ટેન્કરો એ વરસાદનો વિકલ્પ નથી. આથી વધુ અસર ખેતીને પણ પડે છે. વિચિત્રતા એવી છે કે દેશનાં સકલ ઉત્પાદન(GDP)ના માત્ર ૧૫ ટકા જ ખેતીમાંથી આવતા હોવા છતાં રોજગારીના ૪૬ ટકા એ વ્યવસાય ઉપર આધાર રાખે છે. ગામડામાં આવક ઘટે તેનાથી સમગ્ર અર્થતંત્ર પર અસર પડે છે.
આખાં વરસના વપરાશનાં પાણીના ૮૦ ટકા માત્ર ત્રણ મહિનામાં જ વરસી જતા હોવાથી આપણી સામેનો મુખ્ય પડકાર તેને બીજા ૯-૧૦ મહિના સંઘરી રાખવાનો છે. તેમાં કુદરતનાં જે ઘટકો મદદ કરતાં હતાં તેને તો આપણે નાબૂદ કરતાં આવ્યાં છીએ તે આગળ જોયું. એટલે ‘વૉટર-શેડ મેનેજમેન્ટ’ નામની વિદ્યાશાખાનો જન્મ થયો. તેની અગત્ય કેટલી છે તે એ વાતથી સમજાશે કે એના પ્રયોગોથી રાળેગણના અન્ના હઝારે અને રાજસ્થાનના રાજેન્દ્ર સિંહ દેશમાં પ્રખ્યાત થઈ ગયા.
પરંતુ પ્રશ્ન હલ નથી થયો. આમે ય અનિશ્ચિત એવું ચોમાસું વૈશ્વિક ઉષ્મન્ પછી વધારે અનિશ્ચિત થશે. એટલે ત્રણ-ચાર વરસે એક ચોમાસું નિષ્ફળ જવું સામાન્ય વાત છે. જો એના નિષ્ફળ જવાના ભયથી મુક્તિ પામવી હોય તો દર ચોમાસાંને અંતે આપણે ૧૦ મહિના નહીં પરંતુ ૨૦ મહિના માટે ચાલે તેટલું પાણી સંઘરવાની વ્યવસ્થા કરવી જોઈએ ! તો જ વચ્ચેનાં નિષ્ફળ ચોમાસાંના વર્ષ દરમિયાન જીવન અને અર્થવ્યવસ્થા સુપેરે ચાલે. આજે આપણે વરસાદથી આવતાં પાણીનો માત્ર દશમો ભાગ ડૅમ વગેરે સિંચાઈ વ્યવસ્થામાં સમાવી શકીએ છીએ. તો તેને બમણો કરવા માટે સીધો ઉપાય તો જળાશયો અને ડૅમની ક્ષમતા વધારવાનો જ છે.
પરંતુ ડૅમો અને ખાસ કરીને મોટા ડૅમોની વિરુદ્ધમાં ઘણી દલીલો છે. તેમાં એક છે ડૅમનાં સંચાલનની. ભારે વરસાદ વખતે કેટલું પાણી રાખવું અને ક્યારે પાણી છોડવા માંડવું તે નિર્ણય સહેલો નથી. તેના પર ગણિતની મદદથી કંઈક સંશોધન કાર્ય કરી દિશાનિર્દેશો બનવા જોઈએ. ડૅમનો વિરોધ કરનાર મંડળોએ આ મુદ્દે કોઈ રચનાત્મક અને વ્યવહારુ ઉકેલ સૂચવવો જોઈએ. તે ન થાય ત્યાં લગી સરકારો તો પ્રજાની પાણીની માગણીનો જવાબ ડૅમથી જ આપતી રહેશે. આપણી ચોમાસાંની ઋતુવાળો દેશ છીએ એ તથ્યથી છૂટકારો નથી જ.
આ છતાં આપણે આ ચોમાસાંની પૂજા કરતા રહીશું, તેને પ્રેમ કરતાં રહીશું. એ દૂઝણી ગાયની લાત છે. આપણે ખેતી આધારિત દેશ છીએ જ. દુનિયામાં બીજા દેશોમાં સરેરાશ ૧૧-૧૨ ટકા જમીન ખેતી પાછળ રોકાઈ છે (રશિયા ૧૧ ટકા, અમેરિકા ૧૬ ટકા અને પાકિસ્તાન ૨૦ ટકા), ત્યારે આપણી ઉપયોગી જમીનના ૪૯ ટકા એક કે બીજાં ખેડાણ હેઠળ છે. ‘ઉપર આભ અને નીચે ધરતી’ના સસ્તી મૂડીનાં આ બિઝનેસ મોડેલને આપણા બાપદાદાઓએ પસંદ કર્યું હતું; તેમાં સ્ટ્રક્ચરલ સુધારા કરતાં આપણને ઘણો સમય જશે. તે કરીને પણ આપણે ‘હોલસેલ’ ચોમાસાંવાળો મુલક જ રહેવાના. યુરોપ જેવું તૂટક-તૂટક, સરળ હપ્તામાં આવતું રિટેઈલ ચોમાસું સારું પણ એની કલ્પના કરવાથી વાસ્તવિકતા બદલવાની નથી.
એટલે જે નથી તેને વાંછવા કરતાં ચાલો જે છે તેનો જ ઉત્સવ કરતાં રહીએ. મોરના ટહૂકા, જન્માષ્ટમીના મેળા, નવરાત્રિના દાંડીયામાં, દિવાળીના દીવાઓ અને નવાં વર્ષની હર્ષોલ્લાસભરી અપેક્ષાઓ જ આપણું ચોમાસું સમાયું છે તે યાદ કરી તેનો આનંદ માણીએ.

ક્રમશઃ
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
