નમસ્કાર મિત્રો,  “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે.

 

કવિવર ટાગોરને સમગ્ર વિશ્વ્ એક spiritual poet એટલેકે આધ્યાત્મિક કવિ તરીકે જાણે છે. કવિવર પરમાત્મા સાથે ક્રિયા અને કર્મ થી પર અનુભૂતિ અને અહેસાસ થી જોડાયેલ હતા એટલેજ તેમની આધ્યાત્મિકતામાં થી એક અગમ્યતા (mysticism) ઉભરતી હતી અને જે તેમની કલમ દ્વારા તેમની રચનાઓમાં પણ છલકાતી હતી.  નિરાકાર ભક્તિથી પ્રભાવિત થનાર ગુરુદેવ માટે પ્રકૃતિ (“nature and all other living beings”) અને પુરુષ (“human”) માંજ તેમના પરમાત્માના દર્શન થતા. ગુરુદેવના જીવનકાળમાં પણ એક કપરો કાળ આવ્યો જયારે લગભગ દસ વર્ષના ગાળામાં તેમને પાંચથી વધુ અગંત સ્વજનો ગુમાવ્યા. જીવનમાં આવેલા આ ઝંઝાવાત  પછી તેઓ  પરમાત્માનું નૈકટ્ય વધુ ઉત્કટતાથી અનુભવવા લાગ્યા. એ દિવ્ય શક્તિનું સતત  સાનિધ્ય અનુભવવા લાગ્યા. એ પરમ ચૈતન્ય સાથે એક અતૂટ પ્રેમના બંધને બંધાવા લાગ્યા. પરમાત્મા સાથેની આ નૈકટ્ય, સાન્નિધ્ય  અને સાતત્યની અનુભૂતિ તેમની કલમ દ્વારા પ્રગટ થતી રહી અને જગતને “ગીતાંજલિ” નામની અજોડ સાહિત્ય કૃતિની  ભેટ મળી જેના માટે કવિવરને 1913માં નોબેલ પારિતોષિક પણ એનાયત થયું. In the preface of Gitanjali, Irish poet W.B. Yeats wrote that the prose and verses in this book teaches us that essentially, we love God not just believe in HIM.ગીતાંજલિમાં લખેલ કવિતાઓની સાથે સાથે ગીતબિતાનની રચનાઓમાં પણ કવિવરે પરમાત્મા તરફનો તેમનો ઉત્કટ પ્રેમ સતત વહેતો મુકેલ છે. ” “त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धुश्च सखा त्वमेव” ” જેમ કવિવર એ દિવ્યશક્તિને પોતાનું સર્વસ્વ ગણતા.

આ “त्वमेव बन्धुश्च सखा त्वमेव”ને સાર્થક કરતી  એકરચના કે જે પૂજા પારજોયમાં(વિભાગમાં) અને “વિવિધ” ઉપપારજોય માં વર્ગીકૃત થયેલી છે તેને આપણે આજે જાણીશું અને માણીશું. આ રચનાનું શીર્ષક છે “চিরসখা হে, ছেড়ো না মোরে” (Chirosakha He Chhero Na More) જેનું ભાવાત્મક અનુવાદિત શીર્ષક છે “એક તારો જ મને નિરંતર  સંગાથ”. 1899માંરચાયેલી આ રચના રાગ બિહાગ પર સ્વરબધ્ધ થયેલી છે અને તેને ત્રિતાલ  તાલમાં તાલબદ્ધ કરવામાં આવેલ  છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.

એક તારો જ મને નિરંતર  સંગાથ
બસ,ઝાલી રાખજે સદાય તું મારો હાથ
 હરિ, એક તારો જ મને નિરંતર  સંગાથ
 તું જ મારો ચિરસખા, તું જ મારી આશ
હરિ, એક તારો જ મને નિરંતર  સંગાથ

આ  જગતમાં હું સતત આમતેમ  વિચરું
કોદિ અટવાઉં અને કોદિ રસ્તો ભૂલું
    ચીંધજે મારગ સાચો તું જ દિવસ-રાત 
હરિ, એક તારો જ મને નિરંતર સંગાથ

ચોમેર ભીડ મહી, થાય તારો આભાસ
 અનંત એકાંતે થાય તારો જ અહેસાસ
 પળે પળે આપજે મને તારો પરમ સાથ
હરિ, એક તારો જ મને નિરંતર  સંગાથ

એક તું જ બન્યો  નિરાધારનો આધાર
તારી કરુણા વરસે છે સદા અપરંપાર
 પ્રત્યેક શ્વાસ મારો, છે તારો જ  પ્રસાદ
હરિ, એક તારો જ મને નિરંતર  સંગાથ

©અલ્પા શાહ

બંગાળીમાં રચાયેલી આ રચનામાં લગભગ ૫ -૬ પંક્તિઓ છે. કવિવર આ રચના દ્વારા  લાઘવમાં  સાગરનો સમાવેશ કરી ગયા. આપણે સૌ આપણી મતિ અને સ્તિથી પ્રમાણે  પરમેશ્વરને વિવિધ સ્વરૂપે યાદ કરીએ છીએ. કોઈક પરમેશ્વરને બાળ સ્વરૂપે લાડ લડાવે તો કોઈક પરમપિતા તરીકે આદરપૂર્વક પૂજે તો કોઈક અર્જુન અને દ્રૌપદીની જેમ પરમેશ્વરમાં એક પરમ સખા , એક ચિરસખાની અનુભૂતિ કરે. આપણા સાંસારિક અને લૌકિક સંબંધોમાં પણ મિત્રતાના  સબંધની ગરિમા અને ગૌરવ  વિષે ઘણું લખાયું છે અને ચર્ચાયું છે. અને આપણે સૌએ એ મિત્રતા રૂપી વરદાનને અનુભવ્યું પણ હશે. આ રચનામાં તો કવિવર પરમેશ્વરને જ અલૌકિક પરમ મિત્ર તરીકે સ્થાપે છે અને હકથી સતત સાતત્ય અને સાન્નિધ્યની માંગણી પણ કરે છે.

गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृत्।
प्रभवः प्रलयः स्थानं निधानं बीजमव्ययम्।।9.18।।

શ્રીમદ ભગવદ-ગીતાના નવમાં અધ્યાયમાં ભગવાન સ્વયઁ કહે છે સમગ્ર જીવશ્રુષ્ટિનો હું જ પરમ લક્ષ્ય, પાલનહાર,સ્વામી, સાક્ષી, ધામ, આશ્રયસ્થાન અને મિત્ર છું. હું સર્જન તથા પ્રલય, સર્વનો આધાર તથા અવિનાશી બીજ છું. અહીં મિત્ર માટે “सुहृत्” શબ્દનો પ્રયોગ થયો છે. “सुहृत्”નો અર્થ થાય સારા હૃદયવાળો, અર્થાત શ્રેય ઇચ્છવાવાળો “well-wisher”.

આપણા સાંસારિક સંબંધોમાં પણ મહદઅંશે મિત્રો આપણા well-wishers  જ હોય છે. આ well-wishing attitude  જ કદાચ મિત્રતાના સંબંધને તેનું તેની ગરિમા અને ગૌરવ અપાવે છે. અને જો કદાચ  આ well-wishing attitude   ના હોય, તો એ સંબંધને મિત્રતા સિવાયનું બીજું કોઈક નામ આપવું પડે. તો પછી અહીં તો પરમાત્મા સાથેના સંબંધની વાત છે.આપણું શ્રેય તેમના થી સારું તો કોણ ઈચ્છી શકે અને એજ વિચારને શબ્દોમાં કવિવરે આ રચનામાં વહાવ્યો છે.

તો ચાલો, આપણા સૌના “ચિરસખા”નું સ્મરણ કરતા કરતા  હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાય હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,


સુશ્રી અલ્પાબહેન શાહનો સંપર્ક alpadipeshshah@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.